સદાબહાર ગીતોમાં દેશી-વિદેશી વાદ્યોનો ગૂંજારવઃ શંકર જયકિસનની કોઠાસૂઝ જુઓ


ઉત્તર ભારતીય અને કર્ણાટક સંગીતમાં અસંખ્ય રાગો અને અસંખ્ય તાલ છે. ફિલ્મ સંગીત કોમન મેનના આનંદ અને મનોરંજન માટે હોવાથી આંગળીના વેઢે ગણાય એટલા રાગ-તાલ ફિલ્મ સંગીતમાં વપરાયા. શંકર જયકિસનની વાત કરતી વેળા આપણે ફક્ત બે તાલની ઝલક મેળવી- છ માત્રાનો દાદરા અને ચાર માત્રાનો કહેરવો. આ બંનેમાં ખૂબ વૈવિધ્યને બહોળો સ્કોપ હોવાથી ફિલ્મ સંગીતમાં એમનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થયો. એમણે વાપરેલા બીજા તાલની વાત પણ આગળ આવશે. હવે કેટલાંક વાજિંત્રોની વાત કરવી છે જેનો કદાચ અજોડ ઉપયોગ શંકર જયકિસને કર્યો છે. એકાદ બે ગીતના મુખડાથી વાતનો આરંભ કરીએ. રાજ કપૂરની ફિલ્મ આવારાનંુ મૂકેશના કંઠે રજૂ થયેલું ટાઇટલ ગીત સાંભળો. આવારા હું...યા ગર્દિશ મેં હું આસમાન કા તારા હું...ગીતનો આરંભ જે સૂરાવલિથી થાય છે એ સાજ છે એકોર્ડિયન. શંકર જયકિસને પોતાના મોટા ભાગનાં સર્જનોમાં આ વિદેશી વાદ્યનો એવો કલાત્મક ઉપયોગ કર્યો છે કે એના વખાણ કરવા માટે શબ્દો ઓછા પડે. પરદા પર પણ આ વાદ્ય ચમક્યું છે. રાજ કપૂરની સંગમ ફિલ્મના હર દિલ જો પ્યાર કરેગા, વો ગાના ગાયેગા ગીતમાં રાજ કપૂર પોતે એકોર્ડિયન વગાડતાં હોય એવું દ્રશ્ય છે.

એક અભિપ્રાય મુજબ ૧૮૨૨માં જર્મનીના બર્લિન શહેરમાં વસતા ફ્રેડરિક બુખમાને આ સાજ બનાવ્યું. બીજા અભિપ્રાય મુજબ ૧૮૨૯માં વિયેનાવાસી સાઇરીલ ડેમિયને પોતાના નામે આ વાદ્ય રજિસ્ટર કરાવ્યું. જે હો તે, આપણે ત્યાં બ્રિટિશ રાજ દરમિયાન, કેટલાક પારસી યુવાનો આ સાજ વગાડતાં શીખ્યા. હાર્મોનિયમની જેમ આ સાજ ધમણ દ્વારા પૂરાતી હવાથી વાગે છે. હવા ભરાવાથી પિત્તળની પતરી (સંગીતની ભાષામાં રીડ) ધૂ્રજે એમાંથી ધ્વનિ એટલે કે સૂર પ્રગટે છે. જમણા હાથે સૂરની કાળી-ધોળી ચાવી દબાવવાની અને ડાબા હાથે જરુર પ્રમાણે એકી સાથે બે ત્રણ કે ચાર સ્વરોના કોર્ડઝ્ છેડવાના.

હવે મજા જુઓ. સંગીતકાર નૌશાદને કોઇ ગીત માટે એકોર્ડિયન વાદકની જરૃર હતી. પારસી રિધમકિંગ કાવસ લોર્ડ પોતાના પારસી દોસ્ત ગુડી સિરવાઇને નૌશાદ પાસે લઇ ગયા. એમના હાથનો કસબ જોઇને શંકર જયકિસને ઢોલકીવાદક લાલાની જેમ ગુડીને પોતાના ગુ્રપમાં જોડી દીધા. ઊગતા સૂર્યને સૌ પૂજે ન્યાયે પછી તો બીજા એકોર્ડિયન વાદકો પણ શંકર જયકિસન સાથે જોડાયા. આમ થવાનું કારણ એ કે એક દિવસમાં ત્રણ ચાર સંગીતકારોનાં ગીતોનું રેકોર્ડિંગ હોય તો એક સાજિંદો કેટલેક પહોંચે ? એટલે દરેક વાદ્યના ત્રણથી ચાર સાજિંદા શંકર જયકિસન સાથે રહેતા. ગોવાથી (હાલ પૂના નિવાસી) એનેાક ડેનિયલ આવ્યા, કોલકાતાથી સુમંત મિત્રા આવ્યા, મહારાષ્ટ્રના સુહાસચંદ્ર કુલકર્ણી જોડાયા, કાવસ લોર્ડના બહુમુખી પ્રતિભા જેવા પુત્ર કેરસી લોર્ડ આવ્યા અને આ બધાની પરાકાષ્ઠા જેવા વિસ્તાસ્પ (વી) બલસારા તો હતા જ.
અહીં વાતને થોડો જુદો વળાંક આપવો છે. ૧૯૭૦ની આસપાસ ફિલ્મ સંગીતનો સુવર્ણ યુગ પૂરો થયો એ અરસામાં બલસારા મુંબઇ છોડીને કલકત્તા ચાલ્યા ગયા.બલસારાનો એક ઇન્ટરવ્યૂ કલકત્તા દૂરદર્શન પર પ્રસારિત થયો. એમાં બલસારા પોતાના માનીતા હાર્મોનિયમને સાથે લઇ ગયા હતા. એક અભિપ્રાય મુજબ આ હાર્મોનિયમ પાલીતાણાની રીડ્સ (પિત્તળના બનેલા સૂર) ધરાવતું હતું. બીજા અભિપ્રાય મુજબ આ હાર્મોનિયમ પેરિસમાં બનેલી રીડ્સ ધરાવતું હતું. આપણને એ વિવાદમાં રસ નથી એટલે આગળ ચાલીએ. બલસારાએ આ ઇન્ટરવ્યૂમાં ભારપૂર્વક એવો દાવો કર્યો હતો કે તમે જેને એકોર્ડિયનની સૂરાવલિ સમજો છો એ એકોર્ડિયન નહોતું, મારું હાર્મોનિયમ હતું. ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા બલસારાએ શંકર જયકિસનનાં ઓછામાં ઓછાં પાંચથી છ ગીતો હાર્મોનિયમ પર વગાડી બતાવ્યાં. ઇન્ટરવ્યૂ જોનારા-સાંભળનારા તમામ સંગીત રસિકોને ગળા સુધી ખાતરી થઇ હતી કે બલસારા એકસો ટકા સાચું બોલે છે.

પાછા મૂળ વાત પર આવીએ. એક કહેતાં અનેક સાજિંદા હાજર હોય તો શંકર જયકિસન શા માટે પાછા પડે ? શંકરજી પોતે પણ ડઝનબંધ વાદ્યો વગાડતા. એેમાં એકોર્ડિયનનો પણ સમાવેશ હતો. એકવાર પોતાને જે ટોન અને થડકારો જોઇતો હતો એ બે ચાર રિહર્સલ પછી પણ નહીં મળતાં શંકરજીએ પોતે પેલાનું એકોર્ડિયન હાથમાં લઇને વગાડી બતાવ્યું હતું એમ છેલ્લાં સાઠ વર્ષથી ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા મેંડોલીન-સરોદવાદક કિશોર દેસાઇ કહે છે. અરે, એકોર્ડિયનની કમાલ ધરાવતાં ગીતોને બદલે પ્રાસ્તાવિક વાત થોડી લાંબી થઇ ગઇ. કોઇ બાત નહીં, ફિર મિલંેગે અગલે શુક્રવાર કો... તબ તક કે લિયે આજ્ઞાા દીજિયે...

-----------------

t...

Comments