પ્લેબેક સિંગર કવિતા કૃષ્ણમૂર્તિએ મદ્રાસ રેડિયો પર ઉસ્તાદ અમીર ખાનના લીધેલા ઇન્ટરવ્યૂની વાત આપણે ગયા શુક્રવારે કરતા હતા. શાસ્ત્રીય સંગીતમાં ખયાલ ગાયકી અને તરાનાની સમૂળી અદાયગી બદલી નાખનારા આ ઉસ્તાદે શંકર જયકિસન સહિત મોટા ભાગના ફિલ્મ સંગીતકારોને બિરદાવ્યા હતા. એમના મતે અઢીથી ત્રણ સાડા ત્રણ મિનિટમાં એક રાગ ખડો કરવો એ એક પ્રકારનું અવતારી કાર્ય ગણાય. હવે આપણે વાતને આગળ વધારીએ. ગયા શુક્રવારે જે થોડાં મુખડાં રજૂ કરેલાં એ ગીતો તમે યુ ટયુબ કે ગાના ડૉટ કોમ પર સાંભળી લીધાં હોય તો આ વાતમાં તમને વધુ રસ પડશે. દરેક ગીતમાં છ માત્રાનો દાદરા તાલ છે એ યાદ રાખજો. પતિ પર બીજા દિવસે ભૂતપૂર્વ પ્રેમી અને હાલ કેન્સર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર દ્વારા ઓપરેશન થવાનું છે એવી નાજુક ક્ષણે સીતા (મીના કુમારી) આગલી રાત્રે સિતારના તાર છેડતાં છેડતાં જે ગીત રજૂ કરે છે એ હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈં ખો બૈઠે, તુમ કહતે હો કિ ઐસે પ્યાર કો ભૂલ જાઓ... ઉપશાસ્ત્રીય શૈલીની રચનાઓ માટે વધુ વપરાતા રાગ તિલકકામોદમાં ફિલ્મ દિલ એક મંદિરનું આ ગીત છે. અન્ય એક વિદ્વાનના મતે આ ગીત રાગ દેશની અસર ધરાવે છે. આપણે એ મલ્લનાથીમાં નથી પડવું.
એ જ ફિલ્મનું ટાઇટલ ગીત દિલ એક મંદિર હૈ, પ્યાર કી ઇસ મેં હોતી હૈ પૂજા યહ પ્રીતમ કા ઘર હૈ... આ ગીતની મજા એ છે કે ટાઇટલ ગીત છે છતાં ફિલ્મના ધી એન્ડ ટાણે રજૂ થાય છે. દર્શક થિયેટરની બહાર નીકળે ત્યારે પણ આ ગીત એના મનમાં ગૂંજ્યા કરે છે. અત્યંત કરુણ સૂરાવલિ ધરાવતા રાગ જોગિયામાં આ ગીત નિબદ્ધ છે. શાસ્ત્રીય સંગીતનો શૉખ હોય તો આ રાગમાં પંડિત ભીમસેન જોશીએ ગાયેલી ઠુમરી પિયા કે મિલન કી આસ સાંભળજો. ગમગીન થઇ જવાશે.
શંકર જયકિસન જે બે ત્રણ રાગો વધુ વાપરતા એમાંનો એક એટલે શિવરંજની. આ રાગમાં આમ તો ઘણાં ગીતો છે. આપણે દાદરા પૂરતી વાત મર્યાદિત રાખીએ તો આ ગીત યાદ કરો. બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ, મેરા મહેબૂબ આયા હૈ... આ ગીતની વધુ એક ખૂબી એ રહી કે લગ્ન પ્રસંગે વાગતી હોય એ શહનાઇ એના પાર્શ્વસંગીતમાં વપરાઇ છે અને ખરેખર અદ્ભુત હવા બંધાય છે. સાચું પૂછો તો ફિલ્મના પરદા પર આ ગીત માણવાને બદલે માત્ર ઓડિયો સાંભળવામાં અનેરો આનંદ આવે છે. મજા જુઓ કે આ જ શિવરંજનીમાં બંધાયેલા બીજા ગીતમાં તમને વિરહની વેદનાનો અહેસાસ થશે.
ફિલ્મ પ્રોફેસરનું મુહમ્મદ રફી અને લતાજી બંનેએ ગાયેલું એ ગીત એટલે આ આવાઝ દેકે હમેં તુમ બુલાઓ, મુહબ્બત મેં ઇતના ન હમ કો સતાઓ.. આ ગીત દસ માત્રાના તાલ જપતાલમાં છે એને પણ દાદરો નહીં કહી શકાય. માત્ર શિવરંજનીના એક યાદગાર ગીત તરીકે લીધું છે. બહારોં ફૂલ બરસાઓ ગીતમાં રફી સાહેબ પ્રિયપાત્ર આવ્યું છે માટે ફૂલો વર્ષાવવાનું ઇજન આપે છે જ્યારે અહીં પ્રિય પાત્રને વીનવે છે કે મને બોલાવો તો ખરા... અને ઔર એક દાદરા-શિવરંજની ગીત એટલે ફિલ્મ સંગમનું દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા જિંદગી મુઝે તેરા ઐતબાર ના રહા... અહીં પિયાનોના સૂર ગૂંજે છે. ત્રણે ગીત તાલ દાદરામાં અને રાગ શિવરંજનીમાં નિબદ્ધ છે. ત્રણેના મૂડ અલગ છે, ત્રણેની બંદિશ અલગ સંવેદનને રજૂ કરે છે.. ત્રણે ગીતો હિટ નીવડયાં હતાં.
હવે દાદરાનું અન્ય રાગ સાથેનું સંયોજન માણોે. ફિલ્મ સીમા. બલરાજ સાહની, નૂતન, શુભા ખોટે વગેરે. આ ફિલ્મનાં લગભગ બધાં ગીતોની વાતો ખૂટે નહીં એવી છે. જે ગીતની વાત કરવી છે એ રાગ જયજયવંતી પર આધારિત છે. જો કે આ ગીત બાર માત્રાના એકતાલમાં છે એટલે એને દાદરો નહીં સમજી બેસતા. લતાજીએ ગાયેલું આ દાદરા ગીત એટલે મન મોહના બડે જૂઠે... આ ગીતને લતાજીએ પોતાના કંઠની વિવિધ હરકતો દ્વારા વધુ આસ્વાદ્ય બનાવ્યું છે. શાસ્ત્રીય સંગીતની ભાષામાં વાત કરીએ તો મુરકી, સપાટ તાન અને સ્વરોના ફરફરાટ દ્વારા લતાજીએ આ ગીતને યાદગાર બનાવી દીધું છે.
Comments
Post a Comment