નીલ આર્મસ્ટ્રેંગનું મૃત્યુ કુદરતી નહોતું ?


નર્સે એ પેસમેકર અને કેબલ નીલના શરીર પરથી છૂટાં કર્યાં એ સાથે જ એમના હૃદયની આસપાસ રહેલા રક્ષણાત્મક કોષો  (મેમ્બરન્સીઝ)માં રક્તસ્રાવ શરૂ થઇ ગયો
હજુ તો એ સમાચારની શાહી પણ કદાચ લીલી (ભીની ) હશે. કાળા માથાના માનવીએ ચંદ્ર પર પહેલો પગ મૂક્યાની અભૂતપૂર્વ ઘટનાને પચાસ વર્ષ થયાં એની ઊજવણી ગયા પખવાડિયે  દુનિયા આખીએ કરી એના અહેવાલ પણ પ્રગટ થયા. ચંદ્ર પર પહેલો પગ મૂકનાર અવકાશયાત્રી હતા નીલ આર્મસ્ટ્રોંગ. સૌએ એમને યાદ કર્યા.

યોગાનુયોગે એજ સમયગાળામાં અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિક 'ન્યૂયોર્ક ટાઇમ્સ'માં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ નીલ આર્મસ્ટ્રોંગનું મરણ ડૉક્ટરોની બેદરકારીના કારણે થયું હતું. ન્યૂયોર્ક ટાઇમ્સના તંત્રીને એક નનામો પત્ર અને એની સાથે કેટલાક દસ્તાવેજો મળ્યા હતા. જે હૉસ્પિટલમાં નીલ સારવાર હેઠળ હતા એ હૉસ્પિટલે બદનામી ટાળવા નીલના પુત્રો સાથે ખાનગીમાં કરેલી સમજૂતી અને ચૂકવેલી માતબર રકમના પુરાવા તંત્રીને મળેલા દસ્તાવેજોમાં હતા. આખીય વાત જાણવા જેવી છે.

અમેરિકાના ઓહિયો સ્ટેટના સિનસિનાટી શહેરમાં આવેલી મર્સી હેલ્થ-ફેરફિલ્ડ હૉસ્પિટલમાં ૨૦૧૨ના ઑગષ્ટના પ્રથમ સપ્તાહમાં નીલ આર્મસ્ટ્રોન્ગ પર બાયપાસ સર્જરી થઇ હતી. એ સમયે નીલની ઉંમર ૮૨ વર્ષની હતી. ત્યારબાદ નીલ હૉસ્પિટલમાં પોસ્ટ સર્જરી (ઓપરેશન પછીના ) વિભાગમાં સારવાર હેઠળ હતા. નીલની તબિયત સુધારા પર હતી. એ ખુશમિજાજમાં દેખાતા હતા. એ પોતાના ખાસ ઓરડામાં રોજ સવારે થોડું વૉકિંગ કરીને તાજગી અનુભવતા હતા.

જો કે એમના શરીર પર કેટલાંક યંત્રોના કેબલ હજુ લટકતાં હતાં. નીલના શરીર જોડે આ કેબલ દ્વારા કામચલાઉ રીતે એક પેસમેકર જોડેલું હતું. એક કમનસીબ દિવસે નર્સે એ પેસમેકર અને કેબલ નીલના શરીર પરથી છૂટાં કર્યાં એ સાથે જ એમના હૃદયની આસપાસ રહેલા રક્ષણાત્મક કોષો  (મેમ્બરન્સીઝ)માં રક્તસ્રાવ શરૂ થઇ ગયો. તત્કાળ નર્સને કે અન્ય મેડિકલ સ્ટાફને એની જાણ થઇ નહીં. બીજા મેડિકલ પ્રોબ્લેમ્સ શરુ થઇ ગયા. ડૉક્ટરો કે મેડિકલ સ્ટાફને જાણ થઇ અને જરુરી સારવાર આપવા માંડી એ દરમિયાન ઑગષ્ટની ૨૫મીએ નીલ મૃત્યુ પામ્યા.

આમ તો નીલનાં કુટુંબીજનોને આ વાતની જાણ ન થાત કારણ કે પરિવારમાં કોઇ ડૉક્ટર નથી. પરંતુ હૉસ્પિટલના એક એક્સપર્ટ ડૉક્ટર અન્ય મેડિકલ સ્ટાફ સાથે વાત કરતા હતા એ કોઇએ સાંભળી લીધી. વાતનો સાર એટલો હતો કે હૉસ્પિટલે નીલની સારવાર બાબતમાં ગુનાહિત બેદરકારી દેખાડી હતી. કોણ જાણે શી રીતે, પણ આ માહિતી નીલના પુત્રોને ઠીક ઠીક મોડેથી મળી. તેમણે પોતાની રીતે લોઅર સ્ટાફને સાધી લઇને જરુરી કાગળો સાથે પાક્કી માહિતી મેળવી.

દરમિયાન, બે વર્ષ વીતી ગયાં. પાક્કી માહિતી મળી જતાં નીલનો મોટો પુત્ર સક્રિયથયો.માર્કની પત્ની વેન્ડી સફળ ધારાશાસ્ત્રી છે. એણે હૉસ્પિટલના સંબંધિત ખાતાને અને હૉસ્પિટલના કાનૂની સલાહકારોને એક તેજાબી પત્ર લખ્યો. અહીં એક વાત સમજવા જેવી છે. નીલ આર્મસ્ટ્રોન્ગ આંતરરાષ્ટ્રીય સેલેબ્રિટી હોવાથી વેન્ડીના પત્રની હૉસ્પિટલે તરત નોંધ લેવી પડી. કોઇ આમ આદમી હોત તો આ પત્ર કચરાટોપલીમાં ફેંકાઇ ગયો હોત.
વેન્ડીએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે  નીલે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો એેની ૪૫મી જયંતી નિમિત્તે ફ્લોરિડામાં યોજાએલા એક સમારોહમાં જુલાઇ, ૨૦૧૪માં માર્ક નીલની સારવાર અને હૉસ્પિટલની બેદરકારી વિશે બોલવાનો છે. કેનેડી સ્પેશ સેન્ટરમાં આ સમારોહ હોવાથી એને રાષ્ટ્રીય કક્ષાએ કવરેજ મળશે. સમજી ગયા ને ? વેન્ડીએ મોઘમ ધમકી આપી.

વેન્ડીનો પત્ર મળતાં તરત હૉસ્પિટલે એના સંચાલકોની ઇમર્જન્સી મિટિંગ યોજી. ન કરે ઇસા મસીહ અને આ લોકો મિડિયા પાસે જાય તો હૉસ્પિટલને તાળાં લગાવવાનો વારો આવે. એટલે હૉસ્પિટલે નીલના પુત્રોને વિનંતી કરીને બોલાવ્યા. આ વાત મિડિયા સુધી ન પહોંચે એે રીતે કોઇ સમાધાન કરવાની ઑફર મૂકી.
અહીં માનવ સ્વભાવની એક વિચિત્રતા સામે આવે છે. પિતા તો ૮૨ વર્ષની પાકટ વયે મૃત્યુ પામ્યા. હવે હૉસ્પિટલ કનેથી આર્થિક લાભ મળતો હોય તો કાં ન લઇ લેવો એવો વિચાર બંને ભાઇઓએ કર્યો. બંને પક્ષના વકીલોની હાજરીમાં સમાધાનકારી ફોર્મ્યુલા ઘડાઇ ગઇ.

માર્ક અને રીકે મોં બંધ રાખવું એવી શરતે બંને ભાઇઓ વચ્ચે ૬૦ લાખ ડૉલર્સની ચૂકવણી થઇ. બંને પક્ષો ચા-નાસ્તો કરીને છૂટાં પડયાં. કહેવાની ભાગ્યેજ જરુર હોય કે આ ચૂકવણી રોકડમાં થઇ. બેંક દ્વારા ચૂકવણી થાય તો પુરાવો રહી જાય. મરનાર મરી ગયો, વારસદારોને તારતો ગયો. બંને ભાઇ પૈસા લઇને ઘર ભેગા થઇ ગયા.
આમ તો અહીં વાતનો ધી એન્ડ આવી જવો જોઇએ. પણ કુદરત ક્યારેક કમાલ કરે છે. કોઇ જાણભેદુ પાસે આ બંને પક્ષોએ કરેલા સમાધાનના દસ્તાવેજોની ઝેરોક્સ કોપી આવી ગઇ. એણે એ કોપી ચંદ્ર અભિયાનની સુવર્ણ જયંતીની પૂર્વસંધ્યાએ ન્યૂયોર્ક ટાઇમ્સને મોકલી. સાથે એવો પત્ર હતો કે ફેરફિલ્ડ હૉસ્પિટલની બેદરકારીનો ભોગ અન્ય કોઇ નાગરિક ન બને એવી ભાવનાથી આ દસ્તાવેજો તમને મોકલ્યા છે. યોગ્ય લાગે તો ઉપયોગ કરી શકો છો.

Comments