વાંચો તો ખરા, તમને પણ ધારાસભ્ય કે સંસદની ચૂંટણી લડવાની અદમ્ય ઇચ્છા અચૂક જાગશે




 માત્ર એકવાર ધારાસભ્ય કે સાંસદ થનારને જીવે ત્યાં સુધી પેન્શન આપવાની જોગવાઇને પડકારતો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે, કહેવાતા લોકપ્રતિનિધિઓ આપણને કેટલા બધા મોંઘા પડે છે એની એક ઝલક પણ માણવા જેવી છે, મિત્રો ! આપણા દેશમાં હાલ ૨૯ રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશો છે. આ રાજ્યો-પ્રદેશોના બે ગૃહો મળીને આપણી પાસે કુલ ૪,૫૮૨ ધારાસભ્યો છે. આ દરેકને ભથ્થાં સહિત દર મહિને બે લાખ રૃપિયા મળે છે. એટલે કે દર મહિને આપણને આ 'લોકસેવકો' પાછળ ૯૧ કરોડ ૬૪ લાખ રૃપિયાનો ખર્ચ થાય છે. વરસે ૧૧૦૦ કરોડ રૃપિયા આ ધારાસભ્યો લઇ જાય છે. શું કામ કરે છે એ તો શ્રી રામ જાણે !

આપણી લોકશાહીમાં લોકસભા અને રાજ્યસભા મળીને કુલ ૭૭૬ સંસદસભ્યો છે. આ દરેક સાંસદને દર મહિને ભથ્થાં સહિત પાંચ લાખ રૃપિયા મળે છે. દર મહિને આ રીતે ૩૮ કરોડ ૮૦ લાખ રૃપિયા ચૂકવાય છે. વરસે ૪૬૫ કરોડ ૬૦ લાખ રૃપિયા આ લોકો મારા તમારા જેવા કરદાતાના ગજવામાંથી લઇ જાય છે. ( એ પછી પણ આઝમ ખાન જેવા લોકો અભદ્ર ભાષા કેમ બોલે છે એવો અઘરો સવાલ લેખકને નહીં પૂછતા). બીજા શબ્દોમાં કહીએ તો આપણા ધારાસભ્યો અને સાંસદો વરસે કુલ ૧૫ અબજ, ૬૫ કરોડ, ૬૦ લાખ રૃપિયા મહેનતાણાં રૃપે લે છે. વિધાનસભાઓ અને સંસદ ચલાવવાનો એક મિનિટનો ખર્ચ હજારો રૃપિયાનો થાય છે. કયા સત્રમાં કેટલા સભ્યો ખરેખર હાજરી આપે છે, અને કેવું-કેટલું કામ કરે છે એ પાછો જુદા લેખનો વિષય છે.

 આ તો માત્ર મૂળ વેતન-ભથ્થાંની વાત થઇ. સત્ર ચાલુ હોય ત્યારે તેમને ઘેરથી આવવા-જવાનું રેલવે કે ટ્રેનના ફર્સ્ટ ક્લાસનું પ્રવાસભથ્થું, રહેવાની સગવડ, ખાવા-પીવાની સુવિધા, મફત વીજળી-પાણી-ટેલિફોન અને નોકરચાકર અલગ. તેમના વિદેશ પ્રવાસો અને મોજમજા અલગ. આટઆટલું આપવા છતાં એ લોકોને ધરવ નથી. એમના સિક્યોરિટી સ્ટાફનો ખર્ચ વિચારી જુઓ. દરેક ધારાભ્યને બે બોડીગાર્ડ અને એક સેક્શન હાઉસ ગાર્ડ એટલે કે ઓછામાં ઓછા સાત પોલીસ મેન સેવામાં મળે છે. દરેક પોલીસમેનનો સરેરાશ માસિક પગાર ૨૫ હજાર પકડો તો સાત પોલીસમેનનો કેટલો થયો ? આ તો એક ધારાસભ્યની સિક્યોરિટીની વાત થઇ. કુલ ૪,૫૮૨ ધારાસભ્યોની સિક્યોરિટી પાછળ દરેક કરદાતા ૯ અબજ, ૬૨ કરોડ ૨૨ લાખ રૃપિયા ચૂકવે છે.

ેજ રીતે સાંસદોની સિક્યોરિટી પાછળ વરસે ૧૬૪ કરોડ રૃપિયા ખર્ચાય છે. એમાંય પાછા સિક્યોરિટીના પ્રકાર હોય છે. તાજેતરમાં અખિલેશ યાદવની ઝેડ પ્લસ સિક્યોરિટી પાછી ખેંચવામાં આવી. સાદી ઝેડ સિરિઝની સિક્યોરિટી ભોગવતા ધારાસભ્યો અને સાંસદોની સિક્યોરિટી માટે કુલ ૧૬ હજાર જવાનો રોકાય છે અને આ જવાનો પાછળ વરસે આશરે ૭૭૬ કરોડ રૃપિયા ખર્ચાય છે. એટલે કે આ લોકસેવકોની 'સુરક્ષા' પાછળ વરસે ૬૦ અબજ રૃપિયા ખર્ચાય છે. આ ખર્ચમાં ગવર્નરો, જે તે પક્ષપ્રમુખો, વગેરે પાછળ થતો ખર્ચ અહીં રજૂ કર્યો નથી. એ તો લટકામાં. આ દરેક લોકસેવકને પોતાના મતવિસ્તારના વિકાસ માટે કરોડો રૃપિયા મળે છે. ક્યાં કેટલો અને કેવો વિકાસ થયો એે સવાલ નહીં પૂછવાનો.

 તો ય પાછા આ લોકો જ્યારે ત્યારે પોતાના ભાષણમાં કહેતાં હોય છે કે આપણો દેશ ગરીબ છે. આપણે ગરીબી હટાવવાની છે. એક પણ ધારાસભ્યે કે સાંસદે અત્યાર સુધીમાં એક પૈસોય જતો કર્યો નથી. મુદત પૂરી થાય અને ધારાસભ્ય કે સાંસદ મટી જાય એ પછી જીવે ત્યાં સુધી પેન્શન ખાય. કેટલાક મહાનુભાવો તો તમને માત્ર ચૂંટણી ટાણે દેખાય. બાકી પાંચ પાંચ વરસ તમારે એમને અખબારોમાં છપાતા ફોટોગ્રાફ રૃપે અથવા ટીવી પર જોઇ લેવાના.

તમને યાદ હોય તો અગાઉ સંસદ ભવનની કેન્ટિનમાં આ મહાનુભાવેાને જે ભાવે ચા-નાસ્તો કે ભોજન મળે છે એની વાત કરી હતી. આપણે એક કપ ચાના ચૌદ-પંદર રૃપિયા ચૂકવીએ છતાં પાણી જેવી બેસ્વાદ ચા મળતી હોય ત્યારે આ મહાનુભાવેાને આદું-એલચી-ફૂદીનો નાખેલી ચા ફક્ત એક રૃપિયામાં મળે છે. અન્ય વાનગીઓના ભાવ પણ આપણને સૌને અચૂક અદેખાઇ આવે એવાજ હોં કે.... બોલો જય શ્રી રામ. સૉરી, બોલો જય હિંદ !


Comments