વસતિની દ્રષ્ટિએ સૌથી મોટો માતૃપ્રધાન સમાજ ઇન્ડોનેશિયાના સુમાત્રા વિસ્તારમાં છે. અહીં ચાલીસ લાખથી વધુ વસતિ છે અને આખોય સુમાત્રા પ્રદેશ માતૃપ્રધાન છે. માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં મહિલારાજ છે
એનડીએ સત્તા પર આવ્યો ત્યારથી મહિલા સશક્તિકરણ અને બેટી બચાવોના મોટામસ દાવા થતા રહ્યા છે. આપણા જેવો દંભી સમાજ બીજે ક્યાંય જોવા ન મળે. આપણે વર્ષમાં ચાર ચાર નવરાત્રિ ઊજવીએ. સોમવાર પહેલી જુલાઇથી અષાઢી નવરાત્રિનો આરંભ થયો. પરંતુ વાસ્તવ જીવનમાં પરસ્થિતિ અલગ છે. અગાઉ કદી આટલી મોટી સંખ્યામાં બળાત્કારો થતાં નહોતાં. છેડછાડ પણ જવલ્લેજ થતી.
આજે એક તરફ બેટી બચાવોની વાતો થાય છે અને બીજી તરફ બળાત્કારો તથા છેડછાડ વધી રહ્યા છે ત્યારે, એવા કેટલાક વિસ્તારોની વાત કરીએ જ્યાં આજે પણ માતૃપ્રધાન સમાજ છે. પુરુષ બિચ્ચારો-બાપડો અને કહ્યાગરો પુત્ર કે પતિ ગણાય છે. સ્ત્રી કહે એ જ કાયદો એવું સૈકાઓથી અહીં પ્રવર્તી રહ્યું છે. આજે એકવીસમી સદીમાં પણ ઓછામાં ઓછા ચાર-પાંચ દેશો એેવા છે જ્યાં અમુક વિસ્તારોમાં માત્ર માતૃપ્રધાન સમાજ પ્રવર્તે છે.
વસતિની દ્રષ્ટિએ સૌથી મોટો માતૃપ્રધાન સમાજ ઇન્ડોનેશિયાના સુમાત્રા વિસ્તારમાં છે. અહીં ચાલીસ લાખથી વધુ વસતિ છે અને આખોય સુમાત્રા પ્રદેશ માતૃપ્રધાન છે. માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં મહિલારાજ છે. પુરુષોનું કશું ઉપજતું નથી. સુમાત્રામાં મીનાનકાબાઉ નામનો વિસ્તાર છે જ્યાં આ માતૃપ્રધાન સમાજ છે. સૈકાઓ પહેલાં ત્રણ રાણી અને કૂમળી વયના ત્રણ રાજકુમારો ધરાવતો એક રાજા મરણ પામ્યો ત્યારે એની સૌથી મોટી રાણીએ વહીવટ સંભાળી લીધો.
ત્યારથી અહીં માતૃપ્રધાન સમાજ સ્થપાયો એેવી લોકકથા અહીં પ્રચલિત છે. અહીં જમીન-જાયદાદ, સંપત્તિનો વહીવટ વગેરે તમામ બાબતો માતા દ્વારા પુત્રીને મળે છે. આ વિસ્તારના પુરુષો મોટેભાગે દેશાટન કરીને નોકરી-ધંધો કરે છે. એમની હાજરીની જરૂર પ્રદેશમાં ઝાઝી હોતી નથી. મોટા ભાગનો વહીવટ મહિલાઓ કરે છે. પુરુષો એમાં ચંચુપાત કરી શકતા નથી. આ પ્રદેશના કાદાઓ પણ મહિલાઓએ ઘડેેલા છે.
બીજો માતૃપ્રધાન સમાજ ચીનમાં છે એ જાણીને નવાઇ લાગે. ચીન પહેલેથીજ સામ્યવાદી અને સરમુખત્યારશાહી ધરાવતો દેશ છે. અહીં માતૃપ્રધાન સમાજ હોય એની કલ્પના પણ કોઇ કરી ન શકે. પરંતુ કહે છે ને ક્યારેક કલ્પના કરતાં સત્ય વધુ વિસ્મયજનક હોય છે.
ચીનના યુનાન અને સિચુઆન વિસ્તારમાં મોસો તરીકે ઓળખાતો માતૃપ્રધાન સમાજ વસે છે. એવોજ એક નીક્સી નામનેા માતૃપ્રધાન સમાજ છે. તિબેટમાં પણ કેટલાક વિસ્તારમાં મોસો સમાજ છે.
જો કે અહીં વસતિ બહુ પાંખી છે. બહુ બહુ તો ચાલીસ પચાસ હજાર લોકો વસે છે પરંતુ અહીં સો ટકા મહિલારાજ છે. સમગ્ર ચીનમાં વિસ્તરેલા કેટલાક નીક્સી સમૂહોની વસતિને ધ્યાનમાં લઇએ તો આશરે સવા ત્રણ લાખ લોકો માતૃપ્રધાન સમાજમાં વસે છે. સરકારી વહીવટી તંત્ર ભલે પુરુષો સંભાળતા હોય, એ સિવાયની તમામ બાબતોમાં સ્ત્રીયારાજ ચાલે છે. કેટલીક પ્રવૃત્તિઓમાં તો પુરુષોને પ્રવેશ સુદ્ધાં નથી.
એક માતૃપ્રધાન સમાજ ઇસ્ટ આફ્રિકામાં કેન્યાની આસપાસ છે. આ માતૃપ્રધાન સમાજની વિશેષતા એ છે કે એની સ્થાપના હજુ હમણાં ૧૯૯૦માં થઇ. અહીં બ્રિટિશ શાસન હતું ત્યારે બ્રિટિશ લશ્કરના જવાનો દ્વારા બળાત્કારનો ભોગ બનેલી એવી રેેેબેકા નામની મહિલાએ સ્થાપેલા આ માતૃપ્રધાન સમાજમાં પુરુષો દ્વારા અત્યાચારનો ભોગ બનેલી મહિલાઓ વસે છે.
અહીં રીતસર મહિલા સરમુખત્યારશાહી જેવું વાતાવરણ છે. નાથ સંપ્રદાયના સિદ્ધ યોગી મત્સ્યેન્દ્રનાથ કામરુ દેશના સ્ત્રીયારાજમાં અટવાયા હતા એવી કથા છે. તેમના શિષ્ય ગોરખનાથે એમનો છૂટકારો કરાવેલો એવું કથામાં કહે છે. (ચેત મછંદર ગોરખ આયા). આ વિસ્તારને સ્વાહિલી ભાષામાં ઊમોજા કહે છે. ઊમોજા એટલે એકતા, અખંડિતતા. અહીં રહેતી મહિલાઓ ખાસ પ્રકારનાં આભૂષણો બનાવીને ટુરિસ્ટ્સને વેચીને પોતાનું પેટ ભરે છે.
ઔર એક મહિલારાજ ઉત્તર અમેરિકામાં આવેલા કોસ્ટા રિકામાં અને સેન્ટ્રલ અમેરિકામાં આવેલા પનામા વિસ્તારમાં છે. આ સમાજ બ્રિબ્રી તરીકે ઓળખાય છે. આ સમાજમાં જો કે વસતિ બહુ પાંખી છે. વધુમાં વધુ પંદરેક હજારની વસતિ હોવાનું કહેવાય છે.
અહીંની મહિલાઓની વિશેષતા એ છે કે ધાર્મિક કે સામાજિક ખાસ પ્રસંગો માટે બનાવાતો હૉટ લિક્વીડ ચોકલેટ માત્ર મહિલાઓજ બનાવી શકે છે. પુરુષો એમાં દખલ દઇ શકે નહીં. અહીં પણ જમીન જાયદાદ અને કૌટુંબિક સંપત્તિનો હક પુત્રીને મળે છે. આ સમાજમાં પણ માતાનું રાજ જીવનના દરેક ક્ષેત્રમાં જોવા મળે. પુરુષો કહ્યાગરા પુત્ર કે પતિ જેવા હોય. એ ચું કે ચા કરી શકે નહીં.
આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના મતે આ ચાર પાંચ વિસ્તારોમાં ઊમોજા બાદ કરતાં બાકીના માતૃપ્રધાન સમાજો હવે ધીરે ધીરે પોતાનો પ્રભાવ ગુમાવી રહ્યા છે. આવતા પચાસ સો વર્ષમાં કદાચ આ સમાજો અદ્રશ્ય થઇ જશે અને બાકીના વિશ્વમાં પ્રવર્તે છે એમ પુરુષ પ્રધાન સમાજ બની રહેશે. અત્યારે તો નવરાત્ર ઊજવ્યા વગર પણ અહીં માતૃશક્તિ પૂજાય છે. એ જેવી તેવી વાત નથી.
Comments
Post a Comment