... જ્યારે ફિલ્મ સર્જક મહેબૂબ ખાને શંકર જયકિસનનું ગીત સાંભળવા માગ્યું

શંકર જયકિસનના સંગીતે મ્યુઝિક થેરપી જેવું કામ કર્યું



સ્વર કિન્નરી લતા મંગેશકર વિશે પ્રગટ થયેલાં એક કરતાં વધુ પુસ્તકોમાં એક ઘટના વર્ણવવામાં આવી છે. શંકર જયકિસનના સંગીતનો જાદુ સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં કેવો પ્રસરેલો હતો એનો આ એક વધુ પુરાવો છે. થોડીક માંડીને વાત કરીએ. મધર ઇન્ડિયા ફેમ ફિલ્મ સર્જક મહેબૂબ ખાને પોતાની કારકિર્દીનો આરંભ સાગર મુવીટોનમાં કરેલો.


સાગરમાં સંગીતકાર અનિલ વિશ્વાસ મહેબૂબને 'મવાલી' તરીકે સંબોધતાં અને મહેબૂબ અનિલદાને 'બંગાળી' કહીને સંબોધતા. બંને વચ્ચે સારી આત્મીયતા હતી. પોતાની ઔરત ફિલ્મને મધર ઇન્ડિયા નામે નવેસર બનાવી ત્યારે મહેબૂબ ખાને નૌશાદનું સંગીત પસંદ કર્યું. એ સંગીત સુપરહિટ પણ નીવડયું.
મધર ઇન્ડિયાની જબરદસ્ત કામિયાબી જોઇને મહેબૂબે પોતાના દત્તક પુત્ર સાજિદને લઇને સન ઑફ ઇન્ડિયા બનાવી જે સદંતર ફ્લોપ નીવડી. એમાં પણ નૌશાદનું સંગીત હતું. ફિલ્મ ફ્લોપ નીવડતાં મહેબૂબ જીરવી શક્યા નહીં. એમને હાર્ટનો પ્રોબ્લેમ થયો એટલે સારવાર માટે    વિદેશ ગયા. લતાજીએ એક દિવસ એમના ખબર અંતર પૂછવા માટે ફોન કર્યો. આ વાત ૧૯૬૦ના દાયકાની છે જ્યારે ડાયરેક્ટ ઇન્ટરનેશનલ ટ્રન્ક કોલની સગવડ નહોતી. ઓપરેટર પાસે નંબર માગવો પડે.

ક્યારેક કલાકો પછી વારો આવે. વાત ટૂંકમાં પતાવીએ. ફોન લાગ્યો. લતાજીએ મહેબૂબ ખાનના કુશળ પૂછ્યા. મારે લાયક કંઇ કામ હોય તો મને કહો એમ લતાજીએ કહ્યું. મહેબૂબ ખાને લતાને કહ્યું કે મારે ચોરી ચોરીમાં તમે ગાયેલું રસિક બલમા હાય, દિલ ક્યોં લગાયા... ગીત સાંભળવું છે. લતાજીએ કહ્યું કે અત્યારે અહીં  ઓરકેસ્ટ્રા તો હાજર નથી. હું તમને વગર ઓરકેસ્ટ્રાએ ગીત સંભળાવી દઉં. લતાજીએ ગાયું. મહેબૂબની આંખો વરસતી રહી.

ગીત પૂરું થયું ત્યારે બે મહિલા સ્વરો સંભળાયાઃ  અહાહાહા ક્યા બાત હૈ... લતાજી અને મહેબૂબ બંનેને નવાઇ લાગી. પૂછપરછ કરતાં લોકલ અને ઇન્ટરનેશનલ બંને સાઇડની ટેલિફોન ઓપરેટરેાએ માફી માગતાં કહ્યું કે લતાજી અને મહેબૂબ ખાનનાં નામો સાંભળીને અમારાથી રહેવાયું નહીં એટલે ચોરી છૂપીથી તમારી વાતો અને લતાજીએ ગાયેલું ગીત સાંભળ્યું. અમને માફ કરજો, પ્લીઝ. ફરિયાદ નહીં કરતા...
આ પ્રસંગ મહત્ત્વનો એટલા માટે બની જાય છે કે અનિલ વિશ્વાસ અને નૌશાદ સાથે કામ કરી ચૂકેલા મહેબૂબ ખાને પોતાની માંદગી દરમિયાન પીડાના શમન માટે ટ્રાન્ક્વીલાઇઝર કે સેડેટીવ્સ (પીડાશામક ઔષધા)ે  ને બદલે શંકર જયકિસનના ગીતને સાંભળવાનું પસંદ કર્યું. થોડીક ઉદારતા સાથે એમ કહી શકીએ કે શંકર જયકિસનના સંગીતે મ્યુઝિક થેરપી જેવું કામ કર્યું.

બાય ધ વે, આ ગીત રાગ શુદ્ધ કલ્યાણ પર આધારિત છે. વિલંબિત અને મધ્ય લયની વચ્ચે કહી શકાય એવા કહેરવા તાલમાં છે. અહીં એક રસપ્રદ મુદ્દો નોંધવાની ઇચ્છા છે. રસિક બલમાના મુખડા સાથે ફિલ્મ પેયીંગ ગેસ્ટનું એસ ડી બર્મને સ્વરબદ્ધ કરેલું આ ગીત ગણગણો- ચાંદ ફિર નીકલા મગર તુમ ન આયે... બંને મુખડાનું સામ્ય તમારા ધ્યાનમાં આવશે. જો કે એનું સીધું સરળ કારણ એ છે કે બંને ગીતો રાગ શુદ્ધ ક્લ્યાણ પર આધારિત છે. મૂળ વાત શંકર જયકિસનના સંગીતે કરેલી મ્યુઝિક થેરપીની અસરની હતી.
શંકર જયકિસન અને લતાજી બંનેની સંગીત કારકિર્દી એકમેકની પૂરક અને પેરેલલ હતી. પાછળથી લક્ષ્મીકાંત પ્યારેલાલે પણ જાહેરમાં એકરાર કરેલો કે અમારી કારકિર્દીને જમાવવામાં લતાજીના કંઠે ઘણું પ્રદાન કર્યું છે. કંઇક એવુંજ શંકર જયકિસન અને લતાજીના પરસ્પરાવલંબન માટે કહી શકાય. બંને પરસ્પરને પૂરક હતાં.

એટલે તો રાજ કપૂરની ફિલ્મ સંગમનું મૈં ક્યા કરું રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા ગીત ગાતી વખતે લતાજી ખંચકાટ અનુભવતાં હતાં ત્યારે રાજ કપૂર સાથે જયકિસને પણ લતાજીને સમજાવેલાં. લતાજીએ કચવાતે મને આ ગીત ગાયેલું. કેટલાંક ગીતો બાબત એમનો અભિપ્રાય અલગ પડી જતો હતો.

    Comments