મેડિકલ નીગ્લીજન્સ વિશ્વવ્યાપી છે


   


 'તમને કેન્સર થયું છે... ઇચ્છો ત્યારે સારવાર શરૃ કરાવી શકો છો...' ૩૨ વર્ષના યુવાનને બ્રિટનની એક પ્રતિષ્ઠિત હૉસ્પિટલે આપેલા ટેસ્ટ રિપોર્ટ કાર્ડમાં નોંધ્યું હતું. ગ્રેજ્યુએટ થયેલા એ યુવાને બીજી હૉસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યા. ત્યાંના નિદાનમાં કેન્સરની વાત ન આવી. પેલો યુવાન ગૂંચવાયો. એણે વધુ એક હૉસ્પિટલમાં ટેસ્ટ કરાવ્યા. ત્યાં પણ કેન્સરનો અણસાર સુદ્ધાં ન આવ્યો. યુવાને કેન્સરનું નિદાન કરનારી હૉસ્પિટલ પર તબીબી બેદરકારીનો કેસ માંડયો. કોર્ટમાં હૉસ્પિટલ હારી ગઇ અને પેલા યુવાનને હજારો પાઉન્ડ્સ વળતર પેટે આપવા પડયા. આ કિસ્સો એકલદોકલ કે અપવાદ રૃપ નથી. લંડનના ટેબ્લોઇડ અખબાર 'ડેઇલી મિરર'ના એક રિપોર્ટ મુજબ છેલ્લા થોડા સમયમાં પાંચસોથી વધુ લોકોએ કેન્સરના ખોટ્ટા નિદાનને કારણે પોતાને થયેલા શારીરિક-માનસિક ત્રાસના પગલે કોર્ટમાં કેસ માંડયા. હૉસ્પિટલોએ કુલ પાંચ કરોડ પાઉન્ડનું વળતર મેળવ્યું હતું. (એક પાઉન્ડના સરેરાશ ૯૦થી ૧૦૦ રુપિયા થાય).

 ભારતમાં છેલ્લા થોડા મહિનાથી સારવાર દરમિયાન દર્દીનું મરણ થતાં ડૉક્ટરો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે એ જાણવું રસપ્રદ થઇ પડશે કે આવું માત્ર ભારતમાં થતું નથી. સર્વત્ર આવું થાય છે. દુનિયાભરના દેશો પર ૩૦૦ વરસથી વધુ રાજ કરનારા અને અહીં સૂર્ય કદી આથમતો નથી એેવું ગૌરવભેર કહેનારા ઇંગ્લેંડમાં તેમ જ મહાસત્તા હોવાનો દાવો કરનારા અમેરિકામાં પણ મેડિકલ નીગ્લીજન્સના હજ્જારો કેસ દર વરસે નોંધાય છે.  હૉસ્પિટલોએ તથા પ્રાઇવેટ નર્સિંગ હોમ્સે લાખ્ખો પાઉન્ડ્સ કે ડૉલર્સ વળતર રુપે ચૂકવવા પડે છે. ઇંગ્લેંડની એક એનજીઓના વાર્ષિક રિપોર્ટમાં જણાવાયા મુજબ છેલ્લાં માત્ર ચાર વર્ષમાં નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ આવતી દસ હૉસ્પિટલોએ મેડિકલ નીગ્લીજન્સના પગલે થયેલાં મરણના વળતર રુપે પાંચ કરોડ પાઉન્ડ્સ ચૂકવવા પડયા હતા.
 અલબત્ત, લાખો રૃપિયા કે પાઉન્ડ્સ-ડૉલર્સ પણ મરનાર વ્યક્તિનો વિકલ્પ બની શકે નહીં. પરંતુ અમેરિકા-ઇંગ્લેંડ જેવા દેશોમાં પણ મેડિકલ નીગ્લીજન્સના અસંખ્ય કેસ નોંધાય છે એની આપણે ત્યાં બહુ ઓછા લોકોને જાણ છે. માન્ચેસ્ટર યુનિવર્સિટી હૉસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટે એકલાએ જુદા જુદા ૭૩ કેસમાં વળતર રુપે ૫૪ લાખ પાઉન્ડ્સ ચૂકવવા પડયા હતા. આપણે ત્યાં તો કોર્ટસ્માં કરોડો કેસ ઊભા હોવાથી ઘણીવાર આવા કેસનો દસ પંદર વર્ષે નિકાલ આવે છે. વળી આપણા કેટલાક કાયદા પણ બાવા આદમના જમાનાના છે જેમાં આજના સમયને અનુરૃપ કોઇ ફેરફાર કે સુધારા કરવામાં આવ્યા નથી. એટલે કેટલાક બેજવાબદારો શંકાનો લાભ મેળવીને છૂટી જાય છે.

 બીજી બાજુ અમેરિકા-ઇંગ્લેંડના કાયદા આપણા કરતાં વધુ કડક છે. ત્યાં કેસનો નિવેડો પણ ફટાફટ એટલે કે નિશ્ચિત સમયમાં આવી જાય છે. બ્રિટનમાં પેશન્ટસ્ એેસોસિયેશન નામની એનજીઓ આ બાબતમાં ખૂબ સક્રિય છે. કોઇ પેશન્ટ કોર્ટ કચેરીનો કે વકીલનો ખર્ચ ઉપાડી શકે એમ ન હોય ત્યારે આવા પેશન્ટ એસોસિયેશન આગળ આવે છે અને સંબંધિત પેશન્ટના પરિવારને મદદ કરે છે. સર્જરી દરમિયાન પેશન્ટના શરીરમાં રૃનું પૂમડું કે જાળીવાળા વસ્ત્ર ગોઝનો ટુકડો રહી ગયો હોય તો પણ ડૉક્ટરે વીસથી પચીસ હજાર પાઉન્ડ્સ રોકડા ચૂકવવા પડે છે. એક એનજીઓના દાવા મુજબ ૨૦૧૭-૧૮ દરમિયાન એક જ વર્ષમાં બ્રિટનની હૉસ્પિટલો અને ડૉક્ટરોે પર પેશન્ટોએે કુલ ૧ અબજ ૮૦ કરોડ પાઉન્ડ્સના વળતરના કેસ કર્યા હતા.

 લેખના આરંભે જણાવ્યું એમ નિદાનમાં ભૂલ થાય તો વળતર ચૂકવ્યા પછી પણ કેટલીક વાર ડૉક્ટરનું પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ અમુક મુદત માટે રદ થઇ જાય છે. ઇંગ્લેંડમાં છેલ્લાં ત્રણ ચાર વર્ષમાં ભૂલથી કેન્સરનું નિદાન કરવાના ૫,૨૬૦ (પાંચ હજાર બસો સાઠ) કિસ્સા બન્યા હતા. એવું નિદાન કરનારા બધા ડૉક્ટરોએ અને હૉસ્પિટલોએ કુલ ૬૮ કરોડ ૮૦ લાખ પાઉન્ડ્સ વળતર રુપે ચૂકવવા પડયા. ઉપરાંત મિડિયા રિપોર્ટના કારણે થતી બદનામી લટકામાં. એકવાર એવું જાહેર થાય કે આ ડૉક્ટરનું નિદાાન ભૂલ ભરેલું હોય છે પછી એની વિશ્વસનીયતા જોખમાઇ જાય. આપણે ત્યાં આવેલી એક કરતાં વધુ ફિલ્મોમાં શરાબના નશામાં ડૉક્ટરે ફરજ બજાવી હોય એવાં દ્રશ્યો આવ્યાં છે. વિદેશોમાં એવું બને તો ડૉક્ટરનું આવી બને. એની કારકિર્દી અકાળે આથમી પણ જાય. 

 કહેવાનું તાત્પર્ય એ કે વિદેશોમાં પણ મેડિકલ નીગ્લીજન્સના અઢળક કેસ બને છે. જો કે ત્યાં ડૉક્ટરને મારપીટ કરવાની ઘટના બહુ બનતી નથી. પરંતુ ડૉક્ટર કે હૉસ્પિટલનું બેંક બેલેન્સ ઘટી જાય એવા કેસ ઠોકી દેવામાં આવે છે. આપણે ત્યાં કેાર્ટ કેસ કરવાને બદલે પેશન્ટના સગાં ડૉક્ટરો પર હુમલો કરી દે છે. એ અલબત્ત, ક્ષણિક આવેશને કારણે બને છે. કોર્ટ કેસમાં વરસો નીકળી જાય અને મેડિકલ નીગ્લીજન્સ એવો ટેક્નિકલ વિષય છે કે પુરવાર કરવાનું અઘરું પડે. સ્વજનના મરણથી ઉશ્કેરાયેલા સગાંસંબંધી મારપીટ કરીને સંતોષ માની લે છે. અમેરિકા ઇંગ્લેંડમાં મોટે ભાગે આવા મારપીટના કિસ્સા બનતા નથી.  ગફલત અને તબીબી બેદરકારી તો ત્યાંય છે.  ખરેખર તો એમ કહી શકાય કે મેડિકલ નીગ્લીજન્સ વિશ્વવ્યાપી અનિષ્ટ છે.
--------------

Comments