પરમાત્માની પરમ
કૃપાથી આ દેશમાં સિદ્ધ સંતો ઘણા થઇ ગયા. એમના સાધના સ્થળે કે સમાધિ સ્થળે દર વરસે
વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો થતા રહે છે. લગભગ દરેક પર્વની ઊજવણી સત્ત્વશીલ રીતે
થતી હોય છે. પરંતુ ક્યારેક કોઇ ઘટના એવી જોવા મળે કે જિજ્ઞાાસુ ચોંકી ઊઠે. ધારો કે
એક બહુરુપી શિરડી સાંઇબાબાના સ્થાને શીખોના પરમ આદરણીય ગુરુ નાનક દેવનો વેશ લઇને
જાય તો શિરડી સંસ્થાન એ ચલાવી લે ખરું ? અથવા એમ કહો કે બગદાણામાં
બજરંગદાસ બાપુના સ્થાને કોઇ વેશધારી વીરપુરના જલારામ બાપા જેવી આંટાદાર પાઘડી,
કસદાર અંગરખું, ધોતિયું અને હાથમાં લાકડી લઇને
જાય અને કહે કે અહીં એક માનતા રૃપે હું જલાબાપાના વેશે આવ્યો છું. તો બગદાણાના
સંચાલકો એે ચલાવી લે ખરા ?
સામાજિક સંસ્થાઓ
દ્વારા ફૅશન પરેડ જેવા કાર્યક્રમો થાય ત્યારે કોઇ બાળક ગાંધીજી બને અને કોઇ
ટાબરિયો નહેરુ બને એ સમજી શકાય. કોઇ ટેણિયો શાકવાળો બને અને કોઇ પોલીસ ઇન્સ્પેક્ટર
બને. આવા વેશ અને પોષાક ફૅશન પરેડના પ્રસંગને અનુરુપ ગણાય. પરંતુ સિદ્ધ સંતોની
જગ્યાએ આવા વેશધારી ઘુસી જાય તો ચાલે ખરું ? એવું ચલાવી લેનારા સંચાલકોની
સૂઝબૂઝને શું કહેવું ? ગયા મંગળવારે ગુરુ પૂર્ણિમા હતી.
એવા સૌથી પવિત્ર પર્વના દિને દક્ષિણ મુંબઇના એક ધર્મસ્થળમાં આવું દ્રશ્ય જોનારા ચોંકી
ઊઠયા હતા. વાત માંડીને કરીએઅ તો કેમ ? શીખોના પરમ આરાધ્ય
ગુરુ નાનક દેવના સૌથી મોટા પુત્ર શ્રીચંદ્ર ઉદાસીન પંથના સાધુ સંપ્રદાયના આદિ
સ્થાપક ગણાય છે. અહીં ઉદાસીન એટલે ગમગીન કે દુઃખીના અર્થમાં નહીં. ઉદાસીન એ
સંસ્કૃત શબ્દ છે. ઉદ્ આસીન એટલે સતત જેમનું ચિત્ત બ્રહ્મલીન રહે છે એવા. ઉદ્ એટલે
બ્રહ્મ અને આસીન એટલે મગ્ન કે લીન રહેવું તે. જેનું મન ચોવીસે કલાક પ્રભુ સ્મરણમાં
લીન રહે છે એ ઉદાસીન.
દક્ષિણ મુંબઇમાં
શ્રીચંદ્ર બાબાનું એક મંદિર છે. સાથોસાથ એક સિદ્ધ સંતનું સમાધિ સ્થાન છે. ત્યાં
સત્સંગ દરમિયાન એક બહુરુપીએ પહેલાં બે (કદાચ સાચા) સાપ હાથમાં રમાડીને સપેરા નૃત્ય
જેવું કંઇક કર્યું. એ પછી શિરડીના સાંઇબાબાનો વેશ લીધો અને બાબાની છડીયાત્રા કાઢી. સાથે
પાંચ સાત વેશધારીઓ હતા. શિરડીના સાંઇબાબાના અંતેવાસી મ્હાલ્સાપતિ વગેરેના વેશ
પહેરેલા લોકો સાથે હતા. તમે ક્યારેક એ છબી જોઇ હશે જેમાં વયસ્ક થયેલા સાંઇબાબા પર
છત્રી ઓઢાડીને એમના અંતેવાસીઓ એમની સાથે ચાલી રહ્યા છે. પહેલી વાત તો એ કે ગુરુ
પૂર્ણિમા આવા મનોરંજક વેશ માટેનો યોગ્ય દિવસ ન ગણાય. આ બહુરૃપીને સાંઇબાબાનો વેશ
કાઢવાની પરવાનગી આપવા માટે એમ.એ. બી. એડ. થયેલા એક શિક્ષકે મંદિરના સંચાલકોને ખાસ
ભલામણ કરેલી. આ પ્રસંગે હાજર રહેલા શ્રદ્ધાળુઓ સ્તબ્ધ થઇને જોઇ રહ્યા કે આ શું થઇ
રહ્યું છે ! એ પણ ગુરુ પૂર્ણિમાના પવિત્રતમ દિવસે !
શિક્ષકશ્રીએ એવો દાવો
કર્યો હતો કે આ બહુરુપીએ માનતા માની હતી. શેની માનતા ? સાંઇબાબાનો
વેશ કાઢવાની ? તો એકવાર શિરડી જઇને કાઢી જુએ. બરાબરનો
મેથીપાક મળશે. તમે જ્યાંથી આવ્યા હો એ શહેર કે ગામમાં માનતા પૂરી કરી લ્યોને ભૈ...
શ્રીચંદ્રબાબાના મંદિરમાં આવો વેશ કાઢવાનું કોઇ કારણ નથી. એ તો સારું થયું કે બે
ચાર ખરા શીખ યુવાનો ત્યાં હાજર નહોતા. હોત તો આ બહુરુપીને ભોંય ભારે પડી ગઇ હોત.
સાચું પૂછો તો એક ધાર્મિક સ્થળે બીજા ધાર્મિક સ્થળના સંતનો વેશ કાઢી શકાય નહીં.
જગ્યાનો મલાજો જળવાવો જોઇએ.
અહીં એક રોમાંચક
સત્યઘટના યાદ આવી ગઇ. લગભગ દોઢસો બસો વર્ષ પહેલાંની હશે. એક ભવાઇ મંડળીના કોઇ
કલાકારે નાથ સંપ્રદાયના સિદ્ધ સંત મત્સ્યેન્દ્ર નાથનો વેશ કાઢ્યો હતો. સૌરાષ્ટ્ર
કે કાઠિયાવાડના જે ગામમાં ભવાઇના વેશ ચાલી રહ્યા હતા ત્યાંના કેટલાક શ્રદ્ધાળુઓ આ
મત્સ્યેન્દ્રનાથને પગે પડયા. પેલા ભવાઇ કલાકારને એટલું બધું લાગી આવ્યું કે માત્ર
સાધુ-સંન્યાસીનેા વેશ પહેરવાથી આટલું બધું માન મળતું હોય તો સાધુ કાં ન થઇ જવું !
બીજી સવારે એણે સંસાર સદાને માટે ત્યજી દીધો. ખરેખર સાધુ થઇ ગયો.
મૂળ વાત એ હતી કે સત્સંગમંા આવા મનોરંજક ખેલ
ખેલાય ત્યારે પ્રસંગનો મહિમા ચૂકી જવાય છે. માનતા પૂરી કરવી હોય તો બીજા પ્રસંગો
ક્યાં નથી આવતા ?
Comments
Post a Comment