ફરી એકવાર થોડાંક મુખડાથી આરંભ કરીએ. આ જાઓ તડપતે હૈં અરમાં...(ફિલ્મ આવારા), આજા રે અબ મેરા દિલ પુકારા...(આહ્), તુ પ્યાર કા સાગર હૈ... (સીમા), બાત બાત મેં રૂઠો ના... (એ જ), યાદ ન જાયે બીતે દિનોં કી... (દિલ એક મંદિર), રુક જા રાત ઠહર જા રે ચંદા ( એ જ), સૌ સાલ પહલે મુઝે તુમ સે પ્યાર થા... (જબ પ્યાર કિસી સે હોતા હૈ), દુનિયા ન ભાયે મોંહે અબ તો બુલા લે... (બસંત બહાર), તેરી પ્યારી પ્યારી સૂરત કો...(સસુરાલ). અજી ઐસા મૌકા ફિર કહાં મિલેગા...(એન ઇવનિંગ ઇન પેરિસ), દિલ તેરા દિવાના હૈ સનમ...(દિલ તેરા દિવાના), ચાહે કોઇ મુઝે જંગલી કહે... (જંગલી), આઇ મિલન કી બેલા દેખો આઇ, બન કે ફૂલ... (આઇ મિલન કી બેલા)....
આ તમામ ગીતોમાં પણ શંકર જયકિસનના સર્જન ઉપરાંત એક સહિયારી સમાનતા છે. જો કે આગલા બે ત્રણ એપિસોડ પછી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શેની વાત છે. માત્ર ચાર માત્રાનો તાલ છે- ધાગે નતીં નક્ ધીન્-કહેરવો. ( કેટલાક વિદ્વાનો એને આઠ માત્રાનો તાલ પણ કહે છે.) આ તાલ લગભગ દરેક ફિલ્મ સંગીતકારે એની તમામ વિવિધતા સાથે અજમાવ્યો છે. ભારતીય સંગીતની ટેક્નિકલ બાબતો બાજુ પર રાખીને સમજીએ તો દરેક તાલ ત્રણ રીતે અજમાવી શકાય. અત્યંત ધીમી લયમાં જેને શાસ્ત્રકારો વિલંબિત લય કહે છે, મધ્યમ લયમાં અને અતિ ઝડપી એટલે કે દ્રુત લયમાં.
દરેક સંગીતકાર માટે પૂરતાં માન આદર રાખીને પણ એટલું જરૂર કહી શકાય કે કહેરવાનો જે વૈવિધ્યપૂર્ણ ઉપયોગ શંકર જયકિસને કર્યો છે એનો જોટો સહેલાઇથી જડવો મુશ્કેલ છે. તાલના ત્રણે ત્રણ સ્વીકાર્ય સ્વરૂપો આ બંનેએ અત્યંત આકર્ષક રીતે અજમાવ્યા છે.
એમાં પણ ગીતની સિચ્યુએશન, ગીતના મૂડ અને જે તે કલાકારની ઇમેજને ધ્યાનમાં રાખીને વાજિંત્રો પણ અજમાવ્યાં છે. તબલાં, ઢોલક, મટકી, (તમાશા ફેમ ) ઢોલકી, ડફ, ઘુંઘરુ, બોંગો-કોંગો, ડ્રમ સેટ... જ્યારે જ્યાં જે સાજની જરૂર પડી તેને આ બંનેએ અજમાવ્યું. અજમાવ્યું એટલે કેવું, ગીત સદાબહાર બની રહે એ રીતે તાલવાદ્યનો કલાત્મક ઉપયોગ કરી બતાવ્યો. શંકરજી પોતે તબલાંના દાદુ અભ્યાસી હતા એટલે તાલના ઘુમાવદાર ઉપયોગની સતત તક શોધતા.
હવે મુખડાં પર ફરી નજર કરો. આ જાઓ તડપતે હૈં અરમાંથી શરૂ કરીને આજા રે અબ મેરા દિલ પુકારા સુધીની સૂરાવલિ મંથર કે ધીમી ગતિના કહેરવાની છે. તૂ પ્યાર કા સાગર હૈ..થી શરૂ કરીને તેરી પ્યારી પ્યારી સૂરત કો...સુધીનાં ગીતો મધ્યમ ગતિના કહેરવામાં છે અને ત્યારપછી આપેલાં બે ચાર મુખડાં દ્રુત ગતિનાં છે. અને ફરી એક વાર યાદ કરાવી દઉં કે આ માત્ર કહેરવાની ઝલક છે.
સેંકડો ગીતો આ પ્રકારના મળી આવે. આ તાલમાં તમને રાજ કપૂર, દિલીપ કુમાર, દેવ આનંદ, રાજેન્દ્ર કુમાર અને શમ્મી કપૂરથી માંડીને છેક મનોજ કુમાર તથા રાજેશ ખન્નાની ફિલ્મનાં ગીતો મળી આવે. તાલ એકજ. વૈવિધ્ય અનેક. આટલું ઓછું હોય તેમ પાછાં અનેકવિધ તાલવાદ્યોનું સંયોજન. અય્યૈયા કરું મૈં ક્યા સુક્કુ સુક્કુ જેવાં તોફાની ગીતોમાં પણ કહેરવાનો ખૂબીપૂર્વકનો ઉપયોગ તમે માણી શકો.
ઔર એક વાત. મુખડાં સંભારતી વખતે ગીતના ફિલ્માંકનને યાદ કરી શકો તો ગીતનો મૂડ કેવી અદ્ભુત રીતે પ્રગકટ થાય છે એનો પણ આસ્વાદ તમે લઇ શકો. દાખલા તરીકે આ જાઓ તડપતે હૈં અરમાં...માં વિરહની ઘુંટાયેલી વેદના અનુભવી શકો તો બાત બાત મેં રૂઠો ના..માં રીસાયેલી નાયિકાને મનાવવાના પ્રયાસોનો અહેસાસ થઇ શકે.
અને હા, આવાં થોડાંક ગીતોમાં તમને કોઇક રાગની ઝલક પણ મળી શકે. જો કે રાગરાગિણીની વાત થોડી વિગતવાર હવે પછી કરીશું. આરંભે ભૈરવીની વાત કરેલી કે મિલન અને વિરહ બંને લાગણી આ એક રાગમાં શંકર જયકિસને પ્રગટાવી હતી. એવા બીજા પણ કેટલાક રાગરાગિણીનો વિરલ વિનિયોગ આ બંનેએ ગજબની કુનેહથી કર્યો છે.
એટલે જ અહીં મુખડાંઓના રાગનો ઉલ્લેખ ટાળ્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે જેમ એસડી બર્મને આશા ભોંસલેને અમુક તમુક ગીતમાં કેટલાક ખાસ ધ્વનિ ઉમેરવાની કલા શીખવી હતી એ પ્રકારનો પહેલવહેલો પ્રયોગ આ બંનેએ કર્યો હતો એવું કહી શકાય. જેમ કે યા...હુ કે સુક્કુ સુક્કુ... અરે જાજ્જા... યાલ્લા યાલ્લા , શબ્બા ખૈર વગેરે પ્રયોગો આ બંનેએ એટલી સહજતાથી કર્યા કે સાંભળનાર ઝૂમી ઊઠે. (ક્રમશઃ)
Comments
Post a Comment