વર્ષનું સૌથી પવિત્ર પર્વ આજે છે- ગુરુ પૂર્ણિમા




આજે અષાઢી પૂનમ છે. વર્ષનું કદાચ સૌથી પવિત્ર પર્વ આજે છે. ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાવાયો છે. છેક સ્કંદપુરાણમાં સ્વયંભૂ ભગવાન શિવ અને પાર્વતી વચ્ચેના સંવાદરૂપે ૧૮૨ શ્લોકોમાં ગુરુ ગીતા વર્ણવાઇ છે.
ગુજરાતી વિશ્વકોષ તરીકે જાણીતા ભગવદ્ ગો મંડળમાં ગુરુ શબ્દના છેતાલીસ અર્થો આપ્યા છે. સ્કંદ પુરાણથી માંડીને છેક આજ સુધી ગુરુ મહિમા ગવાતો રહ્યો છે. કબીર જેવા બળવાખોર અધ્યાત્મ પુરુષે તો એમ પણ કહ્યું, બહુત બિકટ યમઘાટ, ગુરુ બિન કૌન બતાવે બાટ ? અધ્યાત્મ પૂરતી મર્યાદિત વાત રાખીએ તો અધ્યાત્મના અભ્યાસમાં તો ગુરુ વિના આગળ વધી શકાય નહીં.
છેક પ્રાચીન કાળથી કેવા કેવા પ્રતાપી ગુરુઓ નોંધાયા છે. રાજકુમારોની ધનુર્વિદ્યા અકબંધ રહે એ માટે એકલવ્યનો અંગુઠો માગી લેનારા ગુરુ દ્રોણ, છળકપટથી વિદ્યા લીધી માટે અણીના સમયે વિદ્યા કામ નહીં આવે એવો શાપ કર્ણને આપનારા ભગવાન પરશુરામ, ભગવાન શ્રી રામને ધનુર્વિદ્યા શીખવનારા વિશ્વામિત્ર. શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની...આ દરેક ગુરુ વિશે દળદાર પુસ્તકો લખી શકાય. ધર્મવિદો જેને કળિયુગ કહે છે એવા આજના સમયમાં પણ પાણીદાર ગુરુઓ આપણને મળ્યા છેે.

સ્વામી રામ, રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી મુક્તાનંદ પરમહંસ, ધીકતો દાક્તરી વ્યવસાય છોડીને સંન્યાસી બની ગયેલા સ્વામી શિવાનંદ, પત્રકાર મટીને સંન્યાસી બની ગયેલા સ્વામી ચિન્મયાનંદ, વીરપુરના બાપા જલારામ, મહર્ષિ અરવિંદ,  સ્વામી આનંદ, પ્રમુખ સ્વામીબાપા, છત્રપતિ શિવાજીના વચનસિદ્ધ ગુરુ સમર્થ સ્વામી રામદાસજી... યાદી ઘણી લાંબી થઇ જાય. આ દરેકે ભારતીય અધ્યાત્મ વિદ્યાનો દુનિયા આખીમાં ડંકો વગાડયો.
આજે દરેક ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થામાં ગુરુ પૂર્ણિમા ઊજવાઇ રહી હશે. ગુરુને ગોતવા કે આપમેળે આવી મળે ? આ સવાલ દરેક જિજ્ઞાાસુના મનમાં લાંબા સમયથી સળવળતો રહ્યો છે. કેટલાક વિદ્વાનો કહે છે કે તમારો સમય પાકે ત્યારે ગુરુ આપોઆપ તમારી સમક્ષ હાજર થાય છે.
કેટલાકને રઝળપાટ કરવી પડે છે. સંગીતની દુનિયાની વાત કરીએ તો છ સાત વર્ષની વયે ગુરુની શોધમાં નાસી ગયેલા સદ્ગત પંડિત ભીમસેન જોશીને વરસોની રઝળપાટ પછી ગુરુ રામભાઉ કુંદગોળકર (સવાઇ ગંધર્વ) મળેલા તો સંગીત માર્તંડ પંડિત જસરાજજીના ઘરમાં મોટાભાઇઓ ગુરુ રૂપે હાજર હતા. કિશોરી આમોનકરને પણ ઘરમાં માતા સ્વરૂપે ગુરુ મળેલા.
જીવનના કોઇ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે ગુરુ મળે એ આવશ્યક છે. સચિન તેંડુલકરને રમાકાંત આચરેકર ગુરુ તરીકે મળી ગયેલા.
પ્રખર ઉદ્યોગપતિ-અર્થ નિષ્ણાત ચંપકલાલ દેવીદાસને, જાલન મીલના વીવીંગ માસ્તર શ્યામ સુંદર મોતીલાલને અને સૂરતના લલ્લુભાઇ રેશમવાળાને ઉદાસીન સંત પૂર્ણદાસજી ગુરુ સ્વરૂપે મળી ગયેલા. એ સ્પષ્ટ શબ્દોમાં કહેતા કે સંસાર છોડીને નાસી જવાની જરૂર નથી.
જીવનમાં જે કાંઇ કરો એ કૃષ્ણાર્પણ સમજીને નિષ્કામ ભાવથી કરો તો તમે સંસારમાં રહ્યે રહ્યે પણ સંન્યાસી છો. ભગવાં પહેરવાથી જ સંન્યાસી કહેવાય એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. સૌથી રસપ્રદ વાત એ છે કે આપણા તમામ ઋષિમુુનિઓ સંસારી હતા. વશિષ્ઠ, અત્રિ, વિશ્વામિત્ર, ગૌતમ મંડનમિશ્ર વગેરે તમામ ઋષિ-મુનિ સંસારમાં રહીને વિરક્તભાવે જીવ્યા. 
કોઇ પણ વિદ્યા શાખા ગુરુ વિના પૂર્ણ ગણાતી નથી. ગુરુ કરતાં ચેલા સવાયા એવી  લોકોક્તિ પણ ઘણીવાર ખોટી સાબિત થઇ છે.
સાવ સાદી સરળ ભાષામાં સમજો તો ભગવાન ગૌતમ બુદ્ધના શબ્દો યાદ કરવા પડે- અપ્પો દીપો ભવ...તું તારો દીવો થાને. ગુરુ તારો થા તું જ. કામ કરે એની ભૂલ તો થાય. એ ભૂલ ફરીવાર ન થાય એની તકેદારી રાખીને સંપૂર્ણ સમર્પિત ભાવે પોતાનું કામ કરતો રહે એ સાચો જિજ્ઞાાસુ. એને આપોઆપ માર્ગ મળી જાય છે.
એકલવ્ય એનો ઉત્તમ દાખલો છે. આજે ગુરુ પૂર્ણિમાના પવિત્રતમ દિવસે તમામ ગુરુ જનોને અંતઃકરણના શત શત પ્રણામ !


Comments