ચચ્ચાર કેન્સર સામે સતત લડતી રહી...



2009 અને 2013ના પાંચ વર્ષમાં એણે આંતરરાષ્ટ્રીય કક્ષાની પાંચેક દોડ-સ્પર્ધામાં ભાગ લીધો. પાંચે વખતે એને જુદા જુદા કેન્સર થયાનું નિદાન જાહેર થયેલું
૨૦૦૯માં બનેલી વાત છે. યુનિવર્સિટી ઑફ મિનેસોટા વતી એ  ટીનેજર ૧૫૦૦ મીટરની દોડ-સ્પર્ધામાં ભાગ લઇ રહી હતી. એ સ્પર્ધામાં એ સૌથી વધુ ફાસ્ટ દોડી, પહેલા ક્રમે આવી. એને પારિતોષિક આપનાર એના ઉત્સાહને જોઇને ચકિત થઇ ગયો. બહુ સ્વાભાવિક હતું કારણ,હજુ તો દોડ-સ્પર્ધાના આગલા દિવસે બપોરે આ છોકરીને જીવનના સૌથી આઘાતજનક સમાચાર મળ્યા હતા કે એને લાળગ્રંથિનું (સાલિવરી ગ્લાન્ડ્સ) કેન્સર થયું છે. આ છોકરી તો એવી રીતે દોડી જાણે કશું બન્યુંજ નથી. એટલે પારિતોષિક આપનારને નવાઇ ન લાગે તો થાય શું ?
સારવાર શરૂ થઇ. એને ઘણું સારું પણ થવા માંડયું. ૨૦૧૦માં એણે બીજી દોડ-સ્પર્ધામાં ભાગ લીધો.  એ સમયે નિદાન થયું કે એને થાઇરોડ ગ્રંથિનું કેન્સર થયું છે. ફરી એકવાર એ મલકી ઊઠી. હિંમત હારે એ બીજા, ગ્રેબિયેલ ગ્રનવાલ્ડ નહીં. ગ્રેબિયેલે એ સ્પર્ધામાં પણ વિજય પ્રાપ્ત કર્યો...કીમોથેરપી ચાલુ હતી ત્યારે  ડૉક્ટરોની સલાહની ઉપરવટ જઇને એણે પ્રોફેશનલ રનરની વ્યાવસાયિક કારકિર્દીની જાહેરાત કરી.
મિનેસોટાના પર્હમ વિસ્તારમાં કીમ અને લોરા એન્ડરસનની પુત્રી એવી ગ્રેબિયલનો કિસ્સો અમેરિકી સ્પોર્ટસ્ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાયેલો છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. ૨૦૦૯ અને ૨૦૧૩ના પાંચ વર્ષમાં એણે આંતરરાષ્ટ્રીય કક્ષાની પાંચેક દોડ-સ્પર્ધામાં ભાગ લીધો. પાંચે વખતે એને જુદા જુદા કેન્સર થયાનું નિદાન જાહેર થયેલું.
લાળગ્રંથિથી થયેલા કેન્સર પછી એને આહારની ટેવોમાં ધરખમ ફેરફાર કરવાની ફરજ પડી હતી. પરંતુ એનું મનોબળ અડગ હતું. થાઇરોડના કેન્સર પછી આવ્યું લીવરનું કેન્સર જેમાં એના રોગગ્રસ્ત લીવરને કાપીને કાઢી લેવામાં આવ્યું. પરંતુ પેટ પરનો સર્જરીનો જખમ એ કદી છૂપાવતી નહોતી.

થાઇરોડ કેન્સરની સારવાર રૂપે થયેલી સર્જરીનો ગરદન પરનો જખમ પણ એ કદી છૂપાવતી નહોતી. આ સર્જરીના પગલે એેના ચહેરા પરની એક નર્વને નુકસાન થતાં એને લકવો થયો હોય એવું જોનારને લાગતું. ગેબ્રિયેલે એ પણ કદી કોઇનાથી છૂપાવ્યું નહીં. કીમોથેરપીના પગલે માથાના વાળનો કેટલોક જથ્થો ખરી પડયો અને ત્યાં ટાલ જેવું થઇ ગયું. ગેબ્રિયેલે એ પણ કદી છૂપાવ્યું નહીં.
૧૫૦૦ મીટરની દોડ-સ્પર્ધાના અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ ઝડપે દોડનારા સ્પર્ધકોમાં ગેબ્રિયલનો ક્રમ તેરમો હતો. ૨૦૧૪માં ૩૦૦૦ મીટરની ઇન્ડોર દોડ-સ્પર્ધામાં એ ચેમ્પિયન જાહેર થઇ. એના આનંદનો પાર નહોતો. પરંતુ એક કાળા માથાની મહિલા પોતાને પડકાર કરે એ કદાચ કુદરતને મંજૂર નહોતું.

૨૦૧૬માં એના સિસ્ટીક કાર્સિનોમા (લાળગ્રંથિના કેન્સર)એ ફરી ઊથલો માર્યો. આ વખતે એણે વિચાર્યું કે હવે મારી સંઘર્ષકથા દુનિયાને કહેવી જોઇએ. એણે સોશ્યલ મિડિયા પર કેન્સર સામેની પોતાની લડતની વિગતો જાહેર કરી. ૨૦૦૯થી ૨૦૧૬.. સતત એકધારી અને વણથાકી લડત...ગણતરીના કલાકોમાં એને લાખ્ખો લાઇક્સ મળી... લાઇક્સ વધતીજ રહી. કરોડો લોકોએ એના મનોબળને બિરદાવ્યું અને એને પાનો ચડાવ્યો.
૨૦૧૭માં ડૉક્ટરોએ એના શરીરમાં કેન્સરની નવી ફૂટેલી ગાંઠો (ટયુમર્સ ) શોધી કાઢી. કાચોપોચો માણસ તો નામ માત્રથી જ ઢળી પડે એવી સ્થિતિમાં પણ ગેબ્રિયેલે  જાહેર કર્યંુ કે મારે ૨૦૨૦ની ટોકિયો ઓલિમ્પિક્સમાં ભાગ લેવો છે. પરંતુ આટલી બધી લડતમાં એને વિજેતા થવા દે તો કેન્સરની અને કુદરતની આબરુના ધજાગરા ન ઊડે ? ૨૦૧૯ના જૂનની ૧૧મીએ એટલે કે ગયા મહિનાના બીજા સપ્તાહમાં એે કેન્સર સામેની લડત હારી ગઇ. ૧૯૯૬ના જૂનની ૨૫મીએ જન્મેલી
ગેબ્રિયલ જૂનની જ ૧૧મીએ આ દુનિયા છોડી ગઇ. ડૉક્ટરોને વિમાસણમાં નાખી ગઇ. એક સાથે ચચ્ચાર પાંચ પાંચ કેન્સર છતાં એ સતત સંજોગો સામે બાખડતી રહી અને સ્પોર્ટની દુનિયામાં વિજેતા બનતી રહી. એની આ કથા કેન્સરના નામથી ડરતા સૌ કોઇ માટે પ્રેરણારૂપ બની રહે એવી છે.


Comments