કાંદા અને લસણ ગરીબોની કસ્તૂરી ગણાય છે
શ્રીલંકામાં તો દૂધની ખીર બનાવે એમાંય કાંદા નાખે છે
બાબા, દાદા,બાપુ એવાં વિશેષણો વાપર્યાં વિના વાત કરવી છે. એક સંન્યાસીનું પ્રવચન સાંભળ્યું. વાતો નવી નહોતી, કહેવાની રીત નવી હતી એટલેે કંટાળો ન આવ્યો. પરંતુ એેક વાત ખૂબ ખૂંચી. એ કહે, 'કોઇ પણ સંસારીએ કાંદા લસણ ખાવાં ન જોઇએ. એે માણસને તામસી બનાવી દે છે... ' આ એકની એક વાત પોણા કલાકના પ્રવચનમાં ચાર પાંચ વખત આવી.
થોડી નવાઇ લાગી. ફક્ત ગુજરાત પૂરતી વાત રાખીએ તો અહીંના ઝંડુ ભટ્ટજીથી માંડીને બાપાલાલ વૈદ્ય સુધીના લગભગ તમામ પ્રખર વૈદરાજોેએ સ્પષ્ટ શબ્દોમાં આ બંને ચીજોને ગરીબોની કસ્તૂરી ગણાવી છે. આ બંને ચીજો લગભગ રોજના ખોરાકમાં સાવ સામાન્ય બની ગઇ છે. આ બંને ચીજોનો રોજિંદો વ્યવહાર કરનારા લાખ્ખો કરોડો લોકો છે. બધાં તામસી થઇ ગયાં છે ? વાત સહેલાઇથી ગળે ઊતરે એવી નથી.
ક્યારેય કોલંબો જવાનો પ્રસંગ પડયો છે ખરો ? ન પડયો હોય તો વાંચો આગળ. શ્રીલંકામાં તો દૂધની ખીર બનાવે એમાંય કાંદા નાખે છે. આપણા વૈદો કહેશે કે આ તો વિપરીત ખોરાક થયો. જેમ દૂધ અને કેરી સાથે ન જાય એમ ખીર કે દૂધપાકમાં કાંદો કેમ કરીને નખાય ? વાત ફક્ત લસણ કાંદા પૂરતી રાખીએ તો એક વાત નક્કી કે બીજાં તમામ શાકભાજી અને ફળોની જેમ કાંદા અને લસણ પણ સર્જનહારેે બનાવ્યાં છે.
આ કોઇ માનવ સર્જિત ચીજો નથી. આહારશાસ્ત્રીઓ બહુ બહુ તો આ બંને ચીજો સાથે અખતરા કે પ્રયોગો કરી શકે. સૃષ્ટિની તમામ ખાદ્યસામગ્રી સર્જનહારે બનાવી હોય તો એની પાછળ કંઇક તો હેતુ હશે ને ? કોઇ વસ્તુ કદી નકામી હોતી નથી. એવુંજ કાંદા લસણની બાબતમાં પણ કહી શકાય.
એક મનોચિકિત્સકે સરસ વાત કરી કે સ્વભાવથી જે વ્યક્તિ તામસી હોય તેના તામસીપણાને આ બંને ચીજો વણસાવી શકે. જ્યોતિષની ભાષામાં કહો તો મંગળપ્રધાન વ્યક્તિ હોય અને ઝીણી ઝીણી વાતે ગુસ્સે થઇ જતી હોય એવી વ્યક્તિને તમે કાંદો લસણ ખાવાની ના પાડો તો સમજી શકાય.
પરંતુ કાંદો લસણ ખાનારા બધા તામસી થોડા થઇ જાય છે ? કાંદો કે લસણ કોઇ વ્યક્તિને તામસી શી રીતે બનાવી શકે ? સાઉથ ઇન્ડિયામાં ક્યાંય પણ જાઓ. તમને દરેક વાનગીમાં કાંદો અચૂક મળશે. પરંતુ સાઉથનાં બધાં રાજ્યો-તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ કે કેરળમાં શું બધાં તામસી સ્વભાવના થઇ ગયા છે ? જવાબ 'ના'માં મળશે.
કેટલીકવાર સાધુ-સંતો પણ પોતાનાં વક્તવ્યોમાં હકીકત અને સ્વસર્જિત કલ્પનાની ભેળસેળ કરી નાખે છે. એવો એક વિચાર તો વરસોથી વાંચવા સાંભળવા મળ્યો છે. હજાર ટીપાં રક્ત દ્વારા માંડ માંડ એક ટીપું વીર્ય (શુક્રાણુ ) બને એ વિચાર લગભગ છેલ્લાં પચાસ વર્ષ કરતાંય વધુ સમયથી વાંચવામાં અને સાંભળવામાં આવ્યો છે. કાંદા લસણનું પણ એવું જ લાગે છે.ગેરમાર્ગે દોરતું વિધાન છે. ધાર્મિક કારણોસર જે લોકો નથી ખાતા એમની વાત જુદી છે.
આરોગ્યની સમસ્યા હોય અને ડૉક્ટર-વૈદ કે હકીમે ના પાડી હોય એમની પણ વાત જુદી છે. બાકી બધા માટે આ બંને ચીજો અબાધ્ય રહેવી જોઇએ એમ નથી લાગતું ? પૂરતી જાણકારી કે જ્ઞાાન વિના ભગવાંધારીઓએ જાહેરમાં આવાં વિધાનો ન કરવાં જોઇએ એમ લાગે છે.
જો આ બંને ચીજો માણસના સ્વભાવને બદલી શકતી હોય એટલે કે સારા સ્વભાવને ઝઘડાળુ કે તામસી બનાવી શકતી હોય તો સર્જનહારની ડાગળી કાંઇ ચસકી નહોતી કે આ ચીજો બનાવે. બનાવી છે તો જરૂર એની પાછળ ચોક્કસ હેતુ હશે. આ બંને ચીજો ઔષધ તરીકે પણ વપરાય છે. જેમના પોતાના સ્વભાવમાં ગડબડ છે એમને આ બં ચીજો ખાવા પર પ્રતિબંધ મૂકી શકાય. બધાંને ગેરમાર્ગે દોરવાની જરૂર નથી.
Comments
Post a Comment