શંકર જયકિસનના સંગીતમાં અઢળક વૈવિધ્ય જોવા મળે છે

પ્રયોગશીલતાની દ્રષ્ટિએ પણ આ બંને જરાય પાછા ન પડે


શંકર જયકિસનના સંગીત સર્જનની વાત કરીએ ત્યારે તરત ખ્યાલમાં આવે કે આ બંનેને કોઇ ચોક્કસ સ્ટેમ્પથી મૂલવી શકાય નહીં. આ મુદ્દાને જરા જુદી રીતે જોઇએ. ગુલામ હૈદરથી માંડીને ઓ પી નય્યર સુધીના કેટલાક સંગીતકારોને પંજાબી સૂરલયના સ્વામી ગણાવાયા, બંગાળી, ભટિયાલી અને નોર્થ-ઇસ્ટના લોકસંગીત સાથે એસડી બર્મનનું નામ લેવાયું, એક તરફ ઉત્તર ભારતના અને બીજી તરફ કાઠિયાવાડના ફૉક મ્યુઝિકના પ્રયોગો સંગીતકાર નૌશાદે કર્યા... આવા કોઇ ચોકઠામાં શંકર જયકિસનને મૂકી શકાય નહીં.
એમણે ભારતીય શાસ્ત્રીય સંગીત, ઉપશાસ્ત્રીય સંગીત (ઠુમરી, દાદરા, ચૈતી, હોરી, ગઝલ વગેરે), લોક સંગીત, પ્રાસંગિક ( જેમ કે હાલરડાં કે રાખી ગીત) અને પાશ્ચાત્ય સંગીતના પોપ મ્યુઝિક તથા વૉલ્ટ્ઝ- આમ સતત નવા પ્રયોગો કર્યા. ક્યાંક રાગ આધારિત ગીત સાથે પાશ્ચાત્ય વાદ્યો જોડી દીધા, તો ક્યાંક આજે જેને ફ્યૂઝન કહે છે એવા- અગાઉ કદી સાંભળવા ન મળ્યા હોય એવા પૂર્વ-પશ્ચિમના સમન્વય જેવા પ્રયોગો કર્યા.
આ દરેક પ્રયોગ કરતી વેળા એક બાબત સતત યાદ રાખી. તર્જ સરળ અને તરત ગણગણી શકાય એવી હોવાની સાથોસાથ એ માધુર્યથી ઠાંસોઠાંસ છલકાતી હોય. ક્યારેક રાગ આધારિત ગીત સાથે બિનપરંરાગત વાદ્યો વાપર્યાં તો ક્યારેક એથી ઊલટું કરી બતાવ્યું. ક્યાંય પાછા ન પડયા. કહેવાનું તાત્પર્ય એ કે તમે શંકર જયકિસનને કોઇ ચોક્કસ ઇમેજમાં બાંધી શકો નહીં.
બીજા એક મુદ્દાને અહીં યાદ કરી લેવા જેવો છે. મુહમ્મદ રફીની એક ખૂબી ખૂબ જાણીતી છે. પોતે જે કલાકાર માટે ગાવાના હોય એની ઇમેજ અને એની બોલવા ચાલવાની રીતને ધ્યાનમાં રાખીને એ ગાતા. આ મુદ્દો ખરેખર તો શંકર જયકિસનને વધુ લાગુ પાડી શકાય. આ બંનેએ ફ્રી લાન્સીંગ કરવા માંડયું ત્યારે જે જે કલાકારની ફિલ્મમાં સંગીત પીરસ્યું એ એ કલાકારનો અભિનય વધુ દીપી ઊઠે એ રીતે કામ કર્યું.
તમે દેવ આનંદની જબ પ્યાર કિસી સે હોતા હૈ કે લવ મેરેજ ફિલ્મ જુઓ કે પછી રાજેન્દ્ર કુમારની દિલ એેક મંદિર યા આયી મિલન કી બેલા જુઓ, મનોજ કુમારની હરિયાલી ઔર રાસ્તા જુઓ કે ડાયલોગના દાદા રાજકુમાર અને જિતેન્દ્રની મેરે હુજૂર જુઓ, દિલીપ કુમારને હીરો તરીકે ચમકાવતી અમિયા ચક્રવર્તીની દાગ જુઓ કે સાવક વાચ્છાની યહૂદી જુઓ.
આ દરેક અભિનેતા અને એના દરેક સંવેદનને શંકર જયકિસને બખૂબી પોતાના સંગીતમાં પ્રસ્તુત કર્યા. (અહીં શમ્મી કપૂરને જાણે કરીને લીધા નથી કારણ કે કપૂર પરિવારના નબીરા સાથે આ બંને ઇમોશનલ એટેચમેન્ટ ધરાવતા હતા). ગીત સાંભળતાંની સાથે કોના માટે રચાયું હશે એની કલ્પના રફી કે કિશોરના કંઠ પરથી સમજાય એમ શંકર જયકિસનના સંગીત પરથી પણ સમજાઇ જાય.

પ્રયોગશીલતાની દ્રષ્ટિએ પણ આ બંને જરાય પાછા ન પડે. એક નાનકડો દાખલો આપું. ડેની કેની હિટ ફિલ્મ નૉક ઓન ધ વૂડ પરથી હિન્દીમાં બનેલી ફિલ્મ બેગુનાહમાં મન્ના ડે પાસે આ બંનેએ કિશોર કુમાર માટે ગીત ગવડાવેલું. એ ગીત એટલે 'દિન અલબેલે, પ્યાર કા મૌસમ, ચંચલ મન મેં તૂફાં, ઐસે મેં કર લો પ્યાર ...'
ખુદ મન્ના ડેને એ જમાનામાં નવાઇ લાગેલી કે કિશોર કુમાર પોતે નટખટ ગાયક-અભિનેતા છે. એને માટે મારી પાસે ગીત ગવડાવવું છે ? બાત કુછ હજમ નહીં હુયી.. પણ આ હતી પ્રયોગશીલતા. જયકિસને પોતાના બાળપણમાં સાંભળેલા એક ગુજરાતી લોકગીત પરથી શબ્દે શબ્દ અને સ્વરે સ્વર મિલાવીને હિન્દી ગીત તૈયાર કરાવેલું જે હિટ નીવડયું હતું. એની વાત પણ પાછળથી આવશે.
સાથોસાથ ઔર એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે કેટલાક તદ્દન નવા કહેવાય એવા ફિલ્મ સર્જકોની પહેલી ફિલ્મમાં સંગીત શંકર જયકિસને આપીને એમની કારકિર્દીને જબરો પુશ આપેલો. દાખલા તરીકે અમિયા ચક્રવર્તીની નિર્માતા નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ દાગ (દિલીપ કુમાર, નીમ્મી), કિશોર શાહુની નિર્માતા નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ કાલી ઘટા, સુબોધ મુખરજીની નિર્માતા નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ લવ મેરેજ (દેવ આનંદ, માલા સિંહા)... કેટલાક ફિલ્મ સર્જકો સાથે રોકડી એક ફિલ્મ કરી. પરંતુ જરાય દિલચોરી કે કામચોરી નહીં. ફિલ્મ સર્જક સાઉથનો હોય કે મુંબઇનો, નાનો-ઓછો જાણીતો હોય કે પ્રથમ હરોળનો હોય, શંકર જયકિસને પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું.
એવા કેટલાક સાંગીતિક પ્રયોગોની વાત હવે પછી.


Comments