ઉપલેટા-ધોરાજીમાં વસતા સાહિત્યપ્રેમી વડીલોને એ ઘટના કદાચ આજે પણ યાદ હશે. એક યુવાન બંને ખભે થેલા લઇને ઘરે ઘરે ફરતો અને લોકોને સારાં પુસ્તકો વાંચવાની પ્રેરણા આપતો. કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, ઇશ્વર પેટલીકર, રમણલાલ વસંતલાલ (ર.વ.) દેસાઇ,પીતાંબર પટેલ વગેરેની યાદગાર કૃતિઓ એના થેલામાં રહેતી. અત્યંત ધીરજથી અને ખંતપૂર્વક એ પોતોનું સાહિત્ય પ્રચારનું કામ કરતો.
ત્યારે કોઇને સ્વપ્નેય કલ્પના નહીં હોય કે એક દિવસ આ યુવાન ગુજરાતી પુસ્તકોનેા કદાચ સૌથી મોટો પ્રકાશક બની રહેશે. ગોંડલના રાજવીએ ૧૯૨૦ના દાયકાની આખરે પ્રગટ કરેલા ભગવદ્ ગોમંડળનો વિશ્વકોશ, પ્રવીણસાગર ઉપરાંત મહર્ષિ વેદવ્યાસનું મહાભારત એણે નવેસર પ્રગટ કર્યું. ભિક્ષુ અખંડાનંદ અને મનુ સુબેદાર હયાત હતા ત્યારે સસ્તું સાહિત્યે પ્રગટ કરેલો મહાભારત ગ્રંથ છેલ્લાં કેટલાંય વરસોથી અપ્રાપ્ય હતો. દસ ભાગમાં દળદાર ગ્રંથ સ્વરૃપે મહાભારત પ્રગટ કરવા માટે માત્ર સાહિત્ય પ્રેમ ન ચાલે, સાહસિક વૃત્તિ જોઇએ.
જી હા, આ વાત છે ગોપાલભાઇ માકડિયાની. સાવ નાનકડા પાયે પ્રકાશન કાર્ય શરૃ કરીને અત્યારે રાજકોટમાં પ્રવીણ પ્રકાશન એક કબીરવડ જેવું બની રહ્યું છે. બાર હજાર ચોરસફૂટનું તો તેમનું ગોડાઉન છે. પ્રવીણ ગોપાલભાઇના નાનાભાઇનું નામ છે.
ચિત્રલેખાના સ્થાપક તંત્રી-સાહિત્યકાર વજુ કોટક, બેસ્ટ સેલર ગણાતા હરકિસન મહેતા, હરીન્દ્ર દવે, દિનકર જોશી વગેરેનંુ સમગ્ર સાહિત્ય એક સાથે પ્રગટ કરનારા ગોપાલભાઇ શુક્રવારે ૨૮મી જૂને અમારા મહેમાન બન્યા હતા. યોગાનુયોગે મારાં ફિલ્મ સંગીત ઉપરાંતનાં બધાં પુસ્તકો પણ ગોપાલભાઇએ પ્રગટ કર્યાં છે. આ ભડ માણસે છેક અમેરિકા, યૂરોપના દેશો અને આરબ દેશોમાં પણ પોતાની શાખાઓ ખોલી છે. આવતી કાલે રવિવાર, ૩૦ જૂન, ૨૦૧૯ના રોજ મુંબઇમાં દિનકરભાઇ જોશીના બર્થ ડેની ઊજવણી છે. એમાં ભાગ લેવા જઇ રહેલા ગોપાલભાઇએ એક સાવ નાનકડો હોલ્ટ અમારે ત્યાં પણ કર્યો હતો. આ ફોટોગ્રાફ અમારા પાડોશી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાર્શ્વભાઇએ લીધો છે. થેંક્યુ ગોપાલભાઇ, થેંક્યુ પાર્શ્વ !
Comments
Post a Comment