તાલની સાથે એ પણ માણવાનું છે કે લગભગ દરેક ગીત રાગરાગિણી પર આધારિત છે...!

આજે વાતનો આરંભ થોડાંક ગીતનાં મુખડાંથી કરીએ છીએ.  એ રીતે ગીતો માણવાની કદાચ વધુ મજા આવશે. ફિલ્મની રજૂઆતની સાલ આગળ-પાછળ થઇ જાય તો વાંધો નહીં... ફિલ્મ કઇ સાલમાં રજૂ થઇ એ પડતું મૂક્યું છે. ધેટ ડઝન્ટ મેટર. ચાલો, શક્ય હોય તો મોબાઇલ પર યુ ટયુબ કે ગાના ડૉટ કોમ દ્વારા ગીતો સાંભળવા માંડો.

હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે હૈં ખો બૈઠેં.. અને ટાઇટલ સોંગ દિલ એક મંદિર હૈ, દિલ એક મંદિર હૈ... (દિલ એક મંદિર), બહારોં ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ... (સૂરજ), મનમોહના બડે જૂઠે...(સીમા), બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ... (આરઝૂ), મુઝ કો અપને ગલે લગા લો, અય મેરેે હમરાહી.. (હમરાહી), દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા...(સંગમ), તેરા મેરા પ્યાર અમર ફિર ક્યૂં મુઝ કો લગતા હૈ ડર... (અસલી નકલી), આવાઝ દે કે હમેં તુમ બુલાઓ, મુહબ્બત મેં ઇતના ન હમ કો સતાઓ...(પ્રોફેસર)
બસ બસ... યાદી આગળ લંબાવવી નથી. તમે મુખડાં ગણગણતાં હશો તો તરત તમારા ધ્યાનમાં એક વાત તો આવી જ ગઇ હશે. આ બધાં ગીતો ( જો કે આ તો માત્ર ઝલક છે, બીજાં આવાં ગીતો મળી શકે) છ માત્રાના દાદરા તાલમાં છે. ધા ધીં ના, ધા તીં ના...  સંગીત રસિક હશો તો બેગમ અખ્તર સાહિબા, નિર્મલાદેવી, શોભા ગુર્ટુ, વગેરેએ ગાયેલા દાદરા તમે સાંભળ્યા-માણ્યા હશે. ગયા શુક્રવારે કરેલી વાત અહીં દોહરાવતો નથી કે તાલનું વજન બદલાઇ જાય ત્યારે ગીતના શબ્દોની અદાયગી પર એની સચોટ અસર થાય છે.
પરંતુ આજે તાલ દાદરામાં જે થોડાં મુખડાં આપ્યાં છે એ દરેક ગીતની ઔર એક ખૂબી છે. આ દરેક ગીત શાસ્ત્રીય સંગીતના એક યા બીજા રાગરાગિણી પર આધારિત છે. એટલે દાદરા તાલ ઉપરાંત સંબંધિત રાગ પણ ગીતના સૌંદર્યમાં વધારો કરે છે. આમાં શંકર જયકિસન ઉપરાંત એમના સાજિંદાઓએ કરેલો પરિશ્રમ પણ અનુભવી શકાશે. કયા વાજિંત્રોએ કમાલ કરી છે એ નોંધવા કરતાં એ વાજિંત્રના કારણે ગીતનું સૌંદર્ય કેટલું વધી ગયું છે એ વધુ મહત્ત્વનું છે. આવાં બેચાર ગીતોની વાત થોડી વિગતે કરવી છે. બહુ રસપ્રદ વાત છે એટલે તમને પણ મોજ પડશે.
અર્ધો ડઝન ફિલ્મોમાં પોતાનો કંઠ ઊછીનો આપનારા યુગસર્જક ગાયક ઉસ્તાદ અમીર ખાંની વાત છે. (ફિલ્મ શબાબ, બૈજુ બાવરા, ઝનક ઝનક પાયલ બાજે, ગૂંજ ઊઠી શહનાઇ વગેરેમાં એમનો કંઠ હતો) પ્લેબેક સિંગર કવિતા કૃષ્ણમૂર્તિએ મદ્રાસ (હા ભૈ હા, હવે ચેન્નાઇ) રેડિયો પર ઉસ્તાદજીનો ઇન્ટરવ્યૂ કરેલો. એણે પ્રશ્ન પૂછ્યો કે મોટા ભાગના શાસ્ત્રીય સંગીતકારો ફિલ્મ સંગીતને હલકું ગણે છે. જ્યારે તમે તો ફિલ્મોમાં કંઠ ઊછીનો આપો છેા... અડધેથી સવાલ સમજી ગયેલા ઉસ્તાદજીએ કહ્યું, જો બેટા, વરસોના રિયાઝ પછી પણ ક્યારેક અડધો પોણો કલાક આલાપ કરવા છતાં અમે જે તે રાગની હવા બાંધી શકતા નથી.

બીજી બાજુ આ ફિલ્મ સંગીતકારો અઢી ત્રણ મિનિટમાં તમારી સમક્ષ રાગને ખડો કરી દે છે.(આ સંદર્ભમાં શહનાઇનવાઝ ઉસ્તાદ બિસ્મીલ્લા ખાને કરેલું વિધાન યાદ કરવા જેવું છે કે રાગ, રસોઇ ઔર પાઘ (પાઘડી ) કભી કભી બન જાત હૈ...) એ જેવી તેવી વાત નથી. આ બધા અવતારી સંગીતકારો છે, સાધકો છે... દાખલા તરીકે ? કવિતાએ પ્રશ્નને વિસ્તાર્યો.
જવાબમાં ઉસ્તાદજીએ કહ્યું, જો, હું કર્ણાટક સંગીતના કેટલાક રાગો ઉત્તર ભારતીય સંગીતનાં સંમેલનોમાં ગાતો થયો. એમાંનો એક રાગ ચારુકેશી. શંકર જયકિસને રામાનંદ સાગરની ફિલ્મ આરઝૂમાં લતાજીના કંઠે રાગ ચારુકેશી પર જે ગીત રચ્યું એની ખૂબી એ હતી કે રાગ આધારિત હોવા છતાં એમાં વિદેશી સાજ સેક્સોફોનની કમાલ હતી. એ ગીત એટલે 'બેદર્દી બાલમા તુઝ કો મેરા મન યાદ કરતા હૈ...' આ ગીત દાદરા તાલમાં અને ચારુકેશી પર આધારિત છે. એમાંય સેક્સોફોન પર વાગતું ઇન્ટરલ્યૂડ વિરહિણી નાયિકાની વેદનાને વધુ ઘુંટે છે એવું નથી લાગતું ? ખાન સાહેબે  સામેથી સવાલ કરેલો. વધુ રસપ્રદ વાત આવતા શુક્રવારે.)

Comments

  1. બિલકુલ સાચી વાત લખી છે અજીતભાઈ !
    ફિલ્મ સંગીતકારો એ શાસ્ત્રીય સંગીત ને સામાન્ય લોકો સુધી પહોંચાડી આપ્યું છે બાકી મિડલ ક્લાસ નો મામૂલી માણસ આજે રવિશંકર, પન્નાલાલ ઘોષ કે બિસમિલ્લા ખાનનાં નામો પણ ન જાણતા હોત.
    આજે સપ્તક જેવા કાર્યક્રમો માં રસિકજનની જે ભીડ ઊમટે છે તેના પાયામાં ફિલ્મ સંગીત ના ગુણી કલાકારો છે.

    ReplyDelete

Post a Comment