બાબાઓ બધે સરખા...! .

પોલીસ પાસે પૂરતા પુરાવા અને સચોટ માહિતી પહોંચી ચૂકી હતી કે ધર્મ અને સંપ્રદાયના નામે આ માણસ ગુનાહિત કલ્ટ (ટોળી) અને મબલખ સંપત્તિ જમાવીને બેઠો છે



રૂપાળી યુવતીઓ, સમૂહ-સેક્સ, કસરતી કાયા ધરાવતા યુવાનો, ઇમ્પોર્ટેડ ઓટોમેટિક એકે ૭૫ જેવી રાયફલો, સામાને સંમોહિત કરી દેતી વાક્છટા અને ટીવી પર ઘેઘુર કંઠે અપાતાં પ્રવચનો... આપણને આવાં દ્રશ્યોની નવાઇ ન લાગે. આપણી કેટલીક ટીવી ચેનલ્સ ચોવીસે કલાક એક યા બીજા બાબા-ગુરુ-કથાકારને રજૂ કરતી રહી છે. આધુનિક યુગની આ એક બલિહારી છે. કોઇ પણ ધર્મ કે સંપ્રદાયનું નામ લો. આવા બાબા મળી આવવાના.

બરાબર એેક વર્ષ પહેલાં ૨૦૧૮ના જુલાઇની ૧૧મીએ તૂર્કીના મહાનગર સમા ઇસ્તંબુલમાં વહેલી સવારથી હાહાકાર મચી ગયો હતો. પોતાને ઇસ્લામી સ્કોલર ગણાવતા અને ચોવીસે કલાક ઐશ્વર્યા રાય બચ્ચન કે કેટરિના કૈફને ટક્કર મારે એવી ડઝનબંધ યુવતીઓથી ઘેરાયેલા રહેતા બની બેઠેલા ધર્મગુરુ અદનાન ઓક્ટારની પોલીસે ધરપકડ કરી હતી.

એની સાથે બીજા બસો ચોત્રીસ બોડીગાર્ડઝ્ પણ ઝડપાયા હતા. આપણે ત્યાં બાબા રામ રહીમની કે આશારામ બાપુની ધરપકડ થઇ ત્યારે તેમના કહેવાતા ભક્તોએ જેવી ધમાલ મચાવી હતી એવુંજ કંઇક ઇસ્તંબુલમાં થઇ રહ્યું હતું. જો કે પોલીસે અને અર્ધ લશ્કરી દળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. હિંસક ટોળાનું કંઇ ઉપજ્યું નહીં. કોણ હતો આ અદનાન ઓક્ટાર ?
૧૯૫૬ના ફેબુ્રઆરીની બીજી તારીખે તૂર્કી પાટનગર અંકારામાં જન્મેલો અદનામ બાળપણથી પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વાક્છટા ધરાવતો હતો. એવું બોલતો કે સાંભળનાર અંજાઇ જાય-સંમોહિત થઇ જાય. એણે જુદી જુદી સ્કૂલો બદલી, કૉલેજમાં ક્યારેક આર્કિટેક્ચર ભણ્યો તો એ અડધેથી છોડીને ફિલોસોફી ભણ્યો. સતત પોતાની આસપાસ રૂપાળી છોકરીઓને આકર્ષતો.

ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ નર્યો યૂરોપવાદ અને ભૌતિક સંપત્તિવાદ છે એવી દલીલ કરીને એણે એટલસ ઑફ ક્રિયેશન નામે પુસ્તક લખેલું. એનો દાવો એવો હતો કે આ પુસ્તક દુનિયાની મોટા ભાગની ભાષાઓમાં અનુવાદિત થયું છે. એણે એવો દાવો પણ કર્યો હતો કે પોતે સંબોધે છે એ સંપ્રદાય દુનિયાનો શ્રેષ્ઠ સંપ્રદાય છે એવું પુરવાર કરતાં ત્રણસો પુસ્તકો એણે લખ્યાં છે અને એ ૭૮ ભાષાઓમાં અનુવાદિત થયા છે.
દસ બાર વર્ષની ટીનેજરથી માંડીને ચાલીસ બેતાલીસ વર્ષની પ્રૌઢાઓને એણે વાક્છટાથી ભોળવીને ભોગવી હતી. એના વડા મથકમાંથી પોલીસે ગેરકાયદે મેળવેલી સંખ્યાબંધ એકે ૭૫ ઓટોમેટિક ગન્સ કબજે કરી હતી. એની ભક્તાણીઓ એવી રૂપાળી મહિલાઓએ પોલીસ એના સુધી ન પહોંચે એટલે કલાકો સુધી અદનાનને ઘેરો ઘાલ્યો હતો.

જો કે પોલીસ પાસે પૂરતા પુરાવા અને સચોટ માહિતી પહોંચી ચૂકી હતી કે ધર્મ અને સંપ્રદાયના નામે આ માણસ ગુનાહિત કલ્ટ (ટોળી) અને મબલખ સંપત્તિ જમાવીને બેઠો છે. એ અવારનવાર સમૂહ સેક્સના પ્રોગ્રામ્સ યોજે છે. સીધી રીતે આ સમૂહ-સેક્સમાં ન જોડાય એવી યુવતીઓને સોફ્ટ ડ્રીન્કમાં ડ્રગ ભેળવીને પ્રસાદ તરીકે આપે છે. પછી એના પર બળાત્કાર કરાય છે. એની ફિલ્મ ઊતારી લઇને એને સતત ગુલામ બનાવીને રાખે છે.
પોતાની ધરપકડ પછી પણ એણે એવો દાવો કર્યો હતો કે આ તો મને અને ઇસ્લામને બદનામ કરવા યૂરોપિયન દેશોએ ઘડેલું એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે. જો કે હવે એના પાપનો ઘડો છલકાઇ ચૂક્યો હતો એટલે એણે મિડિયાને પ્રલોભનો આપીને એના દ્વારા કોર્ટની કાર્યવાહીને પોતાની તરફેણમાં કરવાના ભરચક પ્રયાસો પ્રલોભનો કર્યા પરંતુ ફાવ્યો નહીં. બીબીસીના અહેવાલ મુજબ એને પોલીસ ત્રાટકવાની ગંધ આવી ગયેલી એટલે એ નાસી જવાની તૈયારીમાં હતો પરંતુ એ છટકે એ પહેલાં પોલીસ એના સુધી પહોંચી ગઇ.
એના ભવ્ય બંગલાની બહાર રહેલા સશસ્ત્ર બોડીગાર્ડઝ્ પણ ઊંઘતા ઝડપાઇ ગયા. આપણે જેને બ્રાહ્મમુહૂર્ત કહીએ છીએ એટલી વહેલી પોલીસ ત્રાટકશે અને સાથે અર્ધલશ્કરી દળો પણ હશે એની અદનાનને કે એની ખુશામતખોર ટોળીને કલ્પના નહોતી એટલે એ ઝડપાઇ ગયો.

એના ટેકેદારો હજુ એને છોડાવવાના પ્રયાસો કરે છે અને વિશ્વના સૌથી સફળ ગણાતા કાનૂનવિદોને રોકવામાં આવ્યા છે. જો કે એની વિરુદ્ધ પુરાવા એટલા બધા છે કે સરકારી વકીલો તો એને મોતની સજા અથવા આજીવન સખત મજૂરીની કેદ થાય એવા પ્રયાસો કરી રહ્યા છે. ઇસ્લામ ધર્મના દુનિયાભરના ખરેખરા વિદ્વાનો અદનાનને ઇસ્લામી ધર્મગુરુ માનતા જ નથી. જોવાનું એ છે કે તૂર્કી સુપ્રીમ કોર્ટ એને કેટલી અને કેવી સજા કરે છે !

Comments