વરસે એકવાર ઊજવાતા અમુુક-તમુક ડે વચ્ચે માનવતા દિન ક્યારે ઊજવાતો થશે, કહેશો ?


કાચા કેદી પર આટલો બધો ક્રોધ કેમ આવી જાય એ સમજવું મુશ્કેલ છે
સમૂળી સમાજ વ્યવસ્થાના પાયા હચમચી રહ્યા છે

હજુ આઠ દિવસ પહેલાં ફાધર્સ ડે ઊજવાયો. વીક એન્ડમાં યોગ દિન અને સંગીત દિન ઊજવાયો. વરસે એેકાદવાર વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, વિમેન્સ ડે, ટીચર્સ ડે, ફ્રેન્ડ્રશીપ ડે, ફલાણો ડે ઢીંકણો ડે... આવે છે. એક દિવસની ઊજવણી પછી હતા તેવા ને તેવા. છેલ્લા થોડા સમયથી એવા બનાવો બની રહ્યા છે જે જોઇને એમ થાય કે માનવતા દિન ક્યારે ઊજવાતો થશે ? કેટલીક ઘટનાઓ સંવેદનશીલ માનવીના હૈયા પર કુઠારાઘાત કરે એવી હોય છે.

સાવ તાજા બેચાર દાખલાની વાત કરીએ. વિધિની વક્રતા તો એ કે પ્રાચીન કાળની જે જગવિખ્યાત શિક્ષણ સંસ્થા હતી એનું નામ ધરાવતા સૂરતના 'તક્ષશિલા' આર્કેડમાં આગ લાગી. મકાન ગેરકાયદે વિસ્તારાયું શિક્ષકો દ્વારા, ગેરકાયદે કોચિંગ ક્લાસ ચલાવતા હતા શિક્ષકો અને મકાનમાં આગ લાગી ત્યારે સૌથી પહેલાં નાસી ગયા શિક્ષકો. ક્યાં પ્રાચીન કાળની 'તક્ષશિલા વિદ્યાપીઠ' અને ક્યાં સૂરતનો આ ગેરકાયદે આર્કેડ...

એવી બીજી જે બે ત્રણ ઘટના પણ હૈયું હચમચાવી ગઇ. એ આ રહી. તમે પણ કદાચ વ્હૉટસ્ એપ પર જોઇ હશે. પાટનગર નવી દિલ્હીમાં એક શીખ રિક્શાવાળા તથા એના પુત્ર સાથે ગણવેશધારી પોલીસે કરેલું પાશવી વર્તન. રિક્શાવાળાની છાતી પર બેસીને એક હટ્ટોકટ્ટો પોલીસ મેન મુક્કા મારી રહ્યો હતો. બીજાએ લાકડી ફટકારી.. ૧૯૮૪ના ઓક્ટોબરની ૩૧મીએ ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા થયા પછી શીખો પર જે રાક્ષસી અત્યાચારો થયા હતા એની યાદ તાજી થઇ ગઇ.

કંઇક એવું જ યોગી આદિત્યનાથના ઉત્તર પ્રદેશમાં થયું. ખડી પડેલી ટ્રેનની વિડિયો લેવા ગયેલા એક પત્રકાર પર રેલવે પોલીસ તૂટી પડી. એને બેરહમ મારપીટ કરી ત્યાં સુધી તો સમજ્યા, પરંતુ પછી કહે છે કે એને પોલીસ સ્ટેશને લઇ જઇને એનાં કપડાં કાઢીને ફરી મારપીટ કરવામાં આવી અને એનું મોં બળપૂર્વક ઊઘડાવીને એક પોલીસમેને એમાં લઘુ કે ગુરુશંકા કરી.

આ તો બ્રિટિશ કાળના પોલીસ ખાતાની યાદ તાજી કરાવે એવી ઘટના થઇ. લોકનાયક જયપ્રકાશ નારાયણના કહેવાથી આત્મસમર્પણ કરનારા ડાકુઓએ બ્રિટિશ પોલીસના આવા અમાનવીય કેટલાય પ્રસંગો વર્ણવ્યા છે. જગ્ગા ડાકુના આત્મસમર્પણ પછી એના પર ગુજારાયેલા અમાનુષી ત્રાસની વાતો પણ ભલભલા પોલાદી માનવીને ધૂ્રજાવી દે એવી હતી. 

ઔર એક કેસમાં ભટ્ટ અટકધારી પોલીસ અધિકારીને આજીવન કેદ થઇ. આ સાહેબ અને એમના સાથીદારોએ એક કાચા કેદીને ઢોર માર મારીને એનું મોત નીપજાવ્યું હતું. 'કાચા કેદી' શબ્દ પરથી સમજાય છે કે અદાલતમાં એની સામે હજુ ગુનો પુરવાર થયો નથી. એવોજ એક કિસ્સો સૂરતમાં ખટોદરા વિસ્તારમાં બનેલો જેના જવાબદાર પોલીસો નાસતા ફરતા હતા. કાચા કેદી પર આટલો બધો ક્રોધ કેમ આવી જાય એ સમજવું મુશ્કેલ છે. તમે ખાખી ગણવેશ પહેર્યો એટલે તમારામાં માનવતા મરી ગઇ ? તમારામાં છૂપાઇ રહેલું હિંસક જાનવર બહાર આવી ગયું ?

બીજી બાજુ એક કમકમાટીભરી ઘટનામાં સગ્ગા બાપે નવ વર્ષની પુત્રી પર કરેલા બળાત્કારના સમાચાર પ્રગટ થયા. તમારા પોતાના રક્તમાંસમાંથી જન્મેલી પુત્રી પર તમેજ બળજબરી કરો તો બહારના વાસનાઘેલા વરુઓની શી વાત કરવી ! આવી ઘટનાઓ પણ વધી રહી છે.

આવી ઘટનાએા શું સૂચવે છે ? આપણી સમાજ-વ્યવસ્થા તૂટી રહી છે ? અગાઉ સંયુક્ત પરિવારની હજારો વરસ જૂની પરંપરા તૂટી અને વૃદ્ધાશ્રમોની પરંપરા શરૂ થઇ. હવે એવું લાગે છે કે સમૂળી સમાજ વ્યવસ્થાના પાયા હચમચી રહ્યા છે. રાષ્ટ્રપિતા ગાંધીજી કે સરદાર પટેલે વહાવેલો પસીનો વ્યર્થ જઇ રહ્યો હોય એવાં એંધાણ સર્જાઇ રહ્યા છે. આ બહુ જોખમી પરિસ્થિતિ છે. દરેક જાતિ-જ્ઞાાતિના આગેવાનોએ મક્કમ નિર્ણય લેવાનો સમય પાકી ગયો છે એેવું નથી લાગતું ? રામરાજ્ય ન સ્થપાય તો વાંધો નહીં, સુ-રાજ્ય સ્થપાય તો ય ઘણું છે.

Comments