અસંખ્ય યાદગાર ગીતો, તાલ માત્ર એક, ઠેકાના વજનને બદલીને જબરદસ્ત વૈવિધ્ય સર્જ્યું


કયા ગીતમાં કયો ઠેકો કઇ રીતે દીપી ઊઠશે એ નક્કી કરવાનું કામ શંકર જયકિસનનું પોતાનું

પહેલીજ ફિલ્મ બરસાતનું ગીત બરસાત મેં હમ સે મિલે તુમ સજન તુમ સે મિલે હમ...એ પછી રમૈયા વસ્તાવૈયા મૈંને દિલ તુજ કો દિયા...(ફિલ્મ શ્રી ૪૨૦, ૧૯૫૫), સુનો છોટી સી ગુડિયા કી લંબી કહાની... (૧૯૫૫, ફિલ્મ સીમા), હમ ભી હૈં તુમ ભી હો, દોનોં હૈં આમને સામને.. અને હોઠોં પે સચ્ચાઇ રહતી હૈ... (જિસ દેશ મેં ગંગા બહતી હૈ, ૧૯૬૦),  તુમ રુઠી રહો, મૈં મનાતા રહું કિ ઇન અદાઓં પે ઔૈર પ્યાર આતા હૈ (આસ કા પંછી, ૧૯૬૧, રાજેન્દ્રકુમાર), તુઝે જીવન કી ડોર સે બાંધ લિયા હૈ, તેરે જુલ્મો સીતમ સર આખોં પર.. ( અસલી નકલી, ૧૯૬૨ દેવ આનંદ), દિલ અપના ઔૈર પ્રીત પરાયી..( ૧૯૬૩ દિલ અપના ઔર પ્રીત પરાયી, રાજકુમાર), જુહી કી કલી મેરી લાડલી,નાજોં કી પલી મેરી લાડલી (દિલ એક મંદિર,૧૯૬૩, રાજેન્દ્ર કુમાર), તુમ્હેં ઔર ક્યા દું મૈં દિલ કે સિવા, તુમ કો હમારી ઉમર લગ જાય... (આઇ મિલન કી બેલા, ૧૯૬૪ રાજેન્દ્ર કુમાર)....

-અગાઉ કહેલું એમ આ માત્ર ઝલક છે. દરેક ફિલ્મના દરેક ગીતની વાત કરવી શક્ય નથી. આ ગીતોનાં મુખડા પર એક નજર નાખો. ગાવાનો શૉખ હોય તો ગણગણી જુઓ. આ બધાં ગીતોમાં એક સમાનતા છે. ભલે દરેક ફિલ્મ અલગ છે, દરેકનાં હીરો-હીરોઇન અલગ છે, દરેકની સ્ટોરીલાઇન અલગ છે. અને છતાં આ તમામ ગીતોમાં એક સમાનતા છે.

બધાં ગીતોના સંગીતકાર એક છે એ સમાનતા પણ બરાબર. વધુ એક સમાનતા છે. તમને ખ્યાલ ન આવ્યો હોય કહું. તાજેતરમાં તબલાંગુરુ પંડિત વિજય મોરે સાથે વાત થતી હતી ત્યારે આ સમાનતા યાદ આવી.
આ દરેક ગીત આપણા ખેમટા તાલમાં છે. ધાગ્ ધીના ગીન, ધાગ્ તીના કીન... આ એક તાલ પર શંકર જયકિસને અગાઉ જણાવ્યા ઉપરાંત બીજાં અનેક ગીતો આપ્યાં. પરંતુ દરેક ગીત એકબીજાથી બે રીતે જુુદુંં લાગે છે. એક, એના શબ્દો અને તર્જ દ્વારા અલગ પડે છે. અને બીજું, એકજ તાલમાં નિબદ્ધ હોવા છતાં આ દરેક ગીતનો ઠેકો એકબીજાથી અલગ અનુભવાય છે.

વિજયભાઉએ સરસ વાત કરી. એક જ તાલ હોય, તમે એની દરેક માત્રાનું વજન બદલી નાખો અથવા એના કાયદા અજમાવો. અહીં કાયદા શબ્દ સમજવા જેવો છે. ગાયનમાં જેમ આલાપ, મુરકી, સરગમ, તાન વગેરે આવે એમ તાલમાં દરેક તાલના વિવિધ કાયદા એટલે કે સ્વરૂપો હોય. તમે ક્યારેક કોઇ તબલાંવાદકનો સોલો સાંભળ્યો હોય તો તમને આ વાત તરત સમજાઇ જશે. ધારો કે તબલાંવાદક તાલ ત્રિતાલ વગાડે છે.
સમગ્ર સોલો દરમિયાન તાલની માત્રા તો સોળ જ રહેવાની. પરંતુ બોલ બદલાતા જવાના. તાલના જુદા જુદા સ્વરૂપો તમારી સમક્ષ પ્રગટ થતા જાય. તમને માત્રા ગણવાનો મહાવરો હોય તો તમે દરેક કાયદો અને એની પરાકાષ્ઠા રૂપે આવતી તિહાઇ એટલે કે કાયદો પૂરો થવાનો સંકેત જેમ કે કિટતક ગદિગન ધા, કિટતક ગદિગન ધા, કિટતક ગદિગન ધા... છેલ્લો ધા આવે ત્યારે બધા જાણકારો એક સાથે ધા... બોલીને તાળી પાડી ઊઠે કે ક્યા બાત હૈ... જેવા ઉદ્ગારો આપોઆપ બોલી ઊઠે.

શંકર જયકિસને ખેમટા તાલમાં નિબદ્ધ કરેલાં આવાં બીજાં ઘણાં ગીતો મળી આવે. અહીં માત્ર તમને એક ઝલક આપી. ગીત માણતી વખતે આવી નાની નાની વાતો યાદ હોય તો ગીત વધુ આસ્વાદ્ય બની રહે. શંકરજી પોતે તબલાંના નિષ્ણાત વાદક હતા. આટલું ઓછું હોય  તેમ દત્તારામ,લાલા, સત્તાર, અબ્દુલ કરીમ, શ્રીકાંત વાલાવલકર, લોર્ડ ભાઇઓ વગેરે તાલ-વાદ્યકારો એમની સાથે હતા.
એટલે એક જ તાલમાં એક કરતાં વધુ તર્જો બંધાઇ હોય તો પણ એને સજાવતી વખતે જે તે તાલના બીજા કાયદા કે ટુકડા આ બધા સૂચવે. આખરી નિર્ણય ભલે શંકર જયકિસનનો હોય, કયા ગીતમાં કયો ઠેકો કઇ રીતે દીપી ઊઠશે એ નક્કી કરવાનું કામ શંકર જયકિસનનું પોતાનું. આજના એપિસોડમાં આપણે માત્ર ખેમટા તાલની ઝલક મેળવી છે.

એવા બીજા ઘણા તાલનો પરિચય આ સંગીતકારોના સંગીતમાં આપી શકાય.
એમાંય પાછું વૈવિધ્ય રહેવાનું. દાખલા તરીકે કહેરવો. ધાગી નતીં નાક્ ધીન્... આ ચાર માત્રાને ત્રણ રીતે સમજી શકાય. અત્યંત ધીમી લયમાં, મધ્યમ લયમાં અને ફાસ્ટ (દ્રુત) લયમાં. ત્રણે ત્રણ સ્વરૂપમાં સંખ્યાબંધ વધુ ગીતો મળી આવે અને દરેક ગીત પોતાની રીતે કિંમતી હીરામોતી જેવું હોય. હવે અન્ય તાલના વૈવિધ્ય અને એમાં નિબદ્ધ ગીતો ઉપરાંત રાગદારી આધારિત તર્જોનો આસ્વાદ લઇશું. ફરી મળીશું આવતા શુક્રવારે.

Comments