કેટલાકને સાવ કાલ્પનિક કારણોથી ભય લાગે છે. એનો કોઇ ઉપાય નથી
લગભગ તેર ચૌદ વર્ષ થયાં હશે એ વાતને. આરોગ્યને લગતું એક પુસ્તક પ્રગટ થયું હતું. મોટે ભાગે એમાં ભાવનગરના ડૉક્ટરોએ આમ આદમીને મદદરૂપ થાય એવી સામગ્રી પીરસી હતી. પુસ્તકની પ્રસ્તાવનામાં કેટલાક સિનિયર ડૉક્ટરોએ પોતાનાં નામ સાથે એક અપીલ મૂકી હતી. એનો સાર એટલો જ કે અમે પણ તમારા (એેટલે કે દર્દી ) જેવા માણસ છીએ, ભગવાન નથી.
અમે અમારા જ્ઞાાન વડે તમારી માંદગી દૂર કરવાના પ્રયાસો કરીએ છીએ....વગેરે. મુંબઇના એક ટોચના ફર્ટિલિટી એક્સપર્ટ પારસી ડૉક્ટરે આ વાતને જુદી રીતે મૂકી હતી. એમણે કહ્યું કે કુદરતી સહશયન દ્વારા સંતાન ન મેળવી શકતાં યુગલોને અમે ફક્ત મદદ કરીએ છીએ. વી સીમ્પલી હેલ્પ ધેમ એન્ડ ધેન લીવ ધ રેસ્ટ ટુ ધ ગૉડ...પ્રયાસ કરીને બાકીનું અમે પરમાત્મા પર છોડી દઇએ છીએ...
કોલકાતાની એક હૉસ્પિટલમાં પેશન્ટનું મરણ થતાં ડૉક્ટરોને જવાબદાર ગણીને ઢોરમાર મારવાની ઘટનાઓ બની એને કારણે દેશનાં વિવિધ રાજ્યોમાં ડૉક્ટરો વિરોધ કરતા દેખાવો પર ઊતરી ગયા. આ આખીય પ્રતિક્રિયા સાવ સ્વાભાવિક છે. સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે તમે ડૉક્ટરોને મારપીટ કરો એટલે મૃત્યુ પામેલો પેશન્ટ પાછો જીવતો થવાનો નથી. ડૉક્ટરે બેદરકારી કરી હતી એે તમે શી રીતે કહી શકો ? શી રીતે પુરવાર કરી શકો ? એક સત્યઘટના નોંધવી છે.
બ્રિટનના હેરો વિસ્તારની હૉસ્પિટલમાં કામ કરતી એક ભારતીય મહિલા ડૉક્ટરને સેવા કરવાની ઇચ્છા જાગી એટલે રાજીનામું આપ્યું. હૉસ્પિટલના સંચાલકોએ ખૂબ સમજાવી કે સેવાની ધૂન પડતી મૂકીને અહીંજ કામ કરતી રહે. પણ એ સમયે ન માની. મુંબઇ આવીને પ્રેક્ટિસ શરૂ કરી. થોડા મહિના બધું બરાબર ચાલ્યુંં. પછી એક પેશન્ટ સાવ સ્વાભાવિક રીતે મરણ પામ્યો. મહિલા ડૉક્ટર પર મેડિકલ નીગ્લીજન્સનો કેસ થયો.
આ મહિલા સદ્ભાગી કે એને એક સમજદાર અને બાહોશ વકીલ મળી ગયો. એણે કોર્ટમાં ફક્ત આ મુદ્દો સચોટતાથી રજૂ કર્યો કે મેડિકલ નીગ્લીજન્સ પુરવાર કરો. પેશન્ટના સગાં મૂંઝાયાં. એ તો કોઇ પણ ભોગે વળતર મેળવવા માગતા હતા. કોર્ટે કહ્યું, તમે પોત્તે ડૉક્ટર છો ? ના, ફરિયાદીએ કહ્યું. તો પછી તમે મેડિકલ નીગ્લીજન્સનો આક્ષેપ શી રીતે કરી શકો ? અને કર્યો છે તો પુરવાર કરો... કેસ ઊડી ગયો.
પેલી મહિલા બ્રિટન પાછી ચાલી ગઇ. નુકસાન કોને થયું ? સંબંધિત વિસ્તારને જ્યાં આ એક્સપર્ટ મહિલા પ્રેક્ટિસ કરતી હતી. પેશન્ટનું આરોગ્ય ડૉક્ટર, વૈદ કે હકીમના રસોડામાં ગેસનો ચૂલો સળગતો રાખે છે, એમના પેટની આગ ઓલવે છે. એટલે કે દર્દી અને ડૉક્ટર એકમેકના આશ્રિત છે. તો પેશન્ટને નુકસાન થાય કે મરણ થાય એવું ડૉક્ટર શા માટે કરે ? એ તો એના પોતાના પેટ પર લાત મારવા બરાબર થયું. આટલો સીધો સાદો મુદ્દો બંને પક્ષ સમજી લે તો ઘણા સંઘર્ષ ટાળી શકાય.
સ્વજનના મૃત્યુથી ડઘાઇ ગયેલા કુટુંબીજનો ક્ષણિક આવેશમાં આવી જાય એ સમજી પણ શકાય એવી વાત છે. પરંતુ કાયદો હાથમાં લઇને હિંસા આચરવાથી સરવાળે આખા સમાજને નુકસાન થાય છે. જે જે રાજ્યોમાં ડૉક્ટરોએ વિરોધ વ્યક્ત કરવા હડતાળ કે કામ બંધ કર્યું ત્યાંના પેશન્ટોની હાડમારી સમજવા જેવી છે. છેલ્લા થોડા સમયથી ડૉક્ટરો પર હુમલાની ઘટના વધી છે. કબૂલ છે કે આંગળીના વેઢે ગણાય એવા કેટલાક લાલચુ કે બેદરકાર ડૉક્ટર પણ હશે.
પરંતુ આજે સમાજના લગભગ દરેક ક્ષેત્રમાં આવા બ્લેકશીપ જોવા મળવાના. ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનો. કોલકાતાની ઘટના અને ખાસ તો પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાનનો પુણ્યપ્રકોપ એકપક્ષી અને ગેરવાજબી છે. સોશ્યલ મિડિયા પર એવો પણ આક્ષેપ થયો કે મુખ્ય પ્રધાન વિધર્મી છે. આવી બધી વાતો ઉશ્કેરાટ વધારે છે. આગ લાગી હોય ત્યાં પાણી છાંટવાની જરૂર હોય છે, આગમાં ઘી-તેલ કે ઘાસલેટ નાખવાનું હોતું નથી.
કેન્દ્રમાં ભાજપની સરકાર પાછી આવી ત્યારથી કેટલાક લોકો રઘવાયા થઇ ગયા છે. કેટલાકને પોતાનું આસન ડગમગતું લાગે છે તો કેટલાકને સાવ કાલ્પનિક કારણોથી ભય લાગે છે. એનો કોઇ ઉપાય નથી. કાલ્પનિક ભય ભૂત-પ્રેત જેવો છે. શંકાનું કોઇ નિવારણ નથી. સંયમ અને સમાધાન આજની તાતી જરૂર છે.
Comments
Post a Comment