એ ભજનની તર્જ કોણે, ક્યારે સર્જી હતી ?

શંકર જયકિસનના સંગીતની સમાજ જીવન પર કેટલી બધી ઊંડી અસર પડી હતી એની આ માત્ર અને માત્ર 'ઊડતી ઝલક' છે


'અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોં મેં, હૈ જીત તુમ્હારે હાથોં મેં ઔર હાર તુમ્હારે હાથોં મેં...' અત્યાર સુધીમાં લાખ્ખો શ્રદ્ધાળુઓએ  આ ભજન ઉમળકાભેર ગાયું હશે. ગાતી વખતે ભાગ્યેજ કોઇ શ્રોતાને યાદ આવ્યંુ હશે કે આ ભજન જે ઢાળ પરથી ગવાઇ રહ્યું છે એ ઢાળ શંકર જયકિસને સર્જ્યો છે. યાદ આવ્યું તમને ? આ ભજન જે ઢાળ પરથી ગવાય છે એ ઢાળ એટલે 'આ જાઓ તડપતે હૈં અરમાં અબ રાત ગુજરનેવાલી હૈ, અબ રાત ગુજરનેવાલી હૈ...' રાજ કપૂરની આવારા ફિલ્મ માટે ૧૯૫૧ના આરંભે આ તર્જ બની હતી. આજે ૨૦૧૯ ચાલે છે. લગભગ સાત દાયકાથી આ તર્જ સતત ગૂંજતી રહી છે. આ છે શંકર જયકિસનની કમાલ.

કોઇ હિન્દી ફિલ્મના ગીત માટે રચાયેલી બંદિશ આ રીતે દાયકાઓ સુધી ગૂંજતી રહે એ આ બંનેના સંગીતની કમાલ છે. સિનિયર સિટિઝન્સ અર્થાત્ જીવન સંધ્યા માણી રહેલા વાચકોને ઔર એક ભજન યાદ કરાવું. 'શું કરે વિચાર, તારે આજ જવું કે કાલ જવું...' આ ભજન તો બરસાતના યુગલગીત છોડ ગયે બાલમ મોંહે હાય અકેલા છોડ ગયેના ઢાળ પરથી રચાયું હતું.આ ગીતમાં બંને મુખ્ય ગાયકો લતાજી અને મૂકેશ એકબીજાને ઓવરલેપ કરે છે. શંકર જયકિસને કરેલો આ સરસ સફળ પ્રયોગ હતો.

શંકર જયકિસનના સંગીતની સમાજ જીવન પર કેટલી બધી ઊંડી અસર પડી હતી એની આ માત્ર અને માત્ર 'ઊડતી ઝલક' છે.  આજના એપિસોડમાં ઔર એક વાત નોંધવી છે. સાંપ્રત જીવનમાં ક્રાન્તિકારી ગણાયેલા  સચ્ચિદાનંદજીએ એક કમજોર પળે આત્મહત્યા કરવાનો વિચાર કરેલો. એવી નબળી મનોદશામાં એમને શંકર જયકિસનનાં ગીતો સાંભળવાની તક મળી. એ ગીત-સંગીતે એમનું એટલી હદે વિચાર પરિવર્તન કરી નાખ્યું કે એમણે આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો.

આ બંને સંગીતકારોનું નિરીક્ષણ અને ગ્રહણશક્તિ કેટલાં તીક્ષ્ણ હશે એ પણ જાણવા જેવું છે. પછાત ગણાતી કેટલીક જ્ઞાાતિઓમાં પણ પુત્રને યજ્ઞાોપવિત (જનોઇ) આપવાની પરંપરા છે. આ પરંપરામાં એક પ્રસંગ એવો આવે છે જ્યારે બડવો (જનોઇ લેનાર બાળક) ખભે ખડિયો (દફતર ) નાખીને કાશીએ ભણવા જવા રવાના થાય ત્યારે મામા એને રોકવાના પ્રયાસ કરે. તમે આવા પ્રસંગો તમારી આસપાસ જોયા-માણ્યા હશે. જયકિસને પણ પોતાના બાળપણમાં આવેા એક પ્રસંગ જોયો હતો. બડવો દોડવા માંડે ત્યારે બહેનો ગાતી- 'ગોરમાનો બડવો ખડિયો લઇને નદીએ નહાવા જાય રે ગોરમાનો બડવો... '

આ લોકગીતનો ઢાળ જયકિસનને એટલો બધો ગમી ગયેલો કે ફિલ્મોમાં સંગીત પીરસતો થયો ત્યારે આ ઢાળ એને એકવાર યાદ આવી ગયો. એણે આ ઢાળનો કલાત્મક ઉપયોગ કર્યો અને આપણને એક યાદગાર ગીત મળ્યું. કલ્પી શકો છો કયું હતું એ ગીત ? આ રહ્યું એ ગીત-'ઇચક દાના બીચક દાના દાને ઉપર દાના ઇચક દાના...' આ ગીતમાં બહુ સરળ છતાં સચોટ રીતે સવાલ- જવાબ વણી લેવામાં આવ્યા છે. બાળકોને ભણાવતી વખતે સવાલ આપીને નર્ગિસ પૂછે છે, બોલો ક્યા ? બાળકો જવાબ આપે છે અને ગીત આગળ વધે છે.

બાળપણમાં સાંભળેલા લોકગીત પરથી પછીનાં વરસોમાં યાદગાર તર્જ બનાવી હોય એવી બીજી ઘટના પણ મમળાવવા જેવી છે. મૂળ ગીત ગુજરાતી ભાષામાં હતું, 'મોરલી વેરણ થઇ રે કાનુડા તારી મોરલી વેરણ થઇ, બાવરી હું બની ગઇ રે કાનુડા તારી...' આ ગીત પરથી જયકિસને ૧૯૫૬માં રજૂ થયેલી દેશભક્તિની ફિલ્મ નયી દિલ્હી માટે ગુજરાતી ગીતનું હિન્દી રૂપાંતર કરાવ્યું હોય એવી રચના તૈયાર કરાવેલી.

'મુરલી બૈરન ભયી રે કન્હૈયા તોરી મુરલી બૈરન ભયી, બાવરી મૈં બન ગયી રે કન્હૈયા તોરી...' શાસ્ત્રીય સંગીતની ભાષામાં કહું તો રાગ પીલુમાં આ એક યાદગાર ગીત હતું. આમ હિન્દી ફિલ્મોના કીચડભર્યા વાતાવરણ વચ્ચે રહેવા છતાં આ બંને સંગીતકારોએ સતત પોઝિટિવ વિચારધારા રાખીને યાદગાર સૂરાવલિઓ સર્જી હતી. વધુ આવતા શુક્રવારે...

Comments