શબ્દાતીત પીડાએ એને જીવનદોર ટૂંકાવવાની ફરજ પાડી




બળાત્કાર, દુષ્કર્મ, રેપ ઇત્યાદિ શબ્દોની આપણને કોઇ નવાઇ નથી. લગભગ રોજ એક યા બીજા સ્થળેે સામા પાત્રની ઇચ્છા કે અનિચ્છાને જાણ્યા વિના એની કૌમાર્યવસ્થાને લૂંટી લેવાની ઘટનાઓ આપણા દેશમાં બનતી રહે છે. આ અક્ષમ્ય અપરાધનો ભોગ બનનારી નારી પર શી વીતે છે એ કદી દુનિયાનો કોઇ મનોચિકિત્સક શબ્દોમાં વર્ણવી ન શકે.
એ પીડા ભગવાન માટે જેમ બાવન બાહેર કે શબ્દાતીત  એવું વર્ણન થાય છે એવી છે. બાવન  બાહેર કે શબ્દાતીત પીડા. ગયા સપ્તાહે સત્તર વર્ષની એક ટીનેજરે યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ ) જીવનદોર ટૂંકાવી. નોઆ પોથોવન એનું નામ. નેધરલેન્ડની રહેવાસી. જો કે નેધરલેન્ડની સરકાર કહે છે કે આ કિસ્સો યુથેનેશિયાનો નહોતો, સ્વેચ્છાએ કરેલા ખોરાક-પાણીના ત્યાગના પગલે થયેલા મૃત્યુનો હતો. પ્રશ્ન એ છે કે માત્ર 17 વર્ષની વયે એણે જીવનદોર શા માટે ટૂંકાવવી પડી ?
માત્ર ૧૧ વર્ષની વયે એની સુંદરતા એને માટે અભિશાપ બની ગઇ. કશ્મીરી સફરજન જેવી ગુલાબી ત્વચા, વાઘ જેવી ચળકતી માંજરી આંખો. સોનેરી વાળ અને હસમુખ વ્યક્તિત્વ. સ્કૂલમાં યોજાએલી એક પાર્ટીમાં એના બે સહાધ્યાયીઓએ એના પર બળાત્કાર કર્યો. આઘાતથી આ છોકરી મૂઢ જેવી થઇ ગઇ. માતાપિતાએ એને નોર્મલ કરવા ખૂબ જહેમત ઊઠાવી. એ પૂરેપૂરી નોર્મલ થઇ જાય એ પહેલાં પહેલીવારના રેપ પછીના એક વર્ષ બાદ એના પર ફરી રેપ થયો.

ચૌદ વર્ષની થઇ ત્યાં સુધીમાં આ રીતે ચાર પાંચ વખત એ બળાત્કારનો ભોગ બની ગઇ. માતાપિતા અને દેશના ટોચના કહેવાય એવા મનોચિકિત્સકોએ એને શામક ઔષધો અને સાંત્વના બેઠકો દ્વારા નોર્મલ કરવાના ભગીરથ પ્રયાસો કર્યા. એને ઇલેક્ટ્રીક શૉક પણ અપાવ્યા. પરંતુ નોઆના જાગૃત અને અર્ધજાગૃત (સબ-કોન્શ્યસ) મનમાં જે સ્મૃતિસંચય હતો એને ભૂંસી શકાતો નહોતો. 

નોઆએ એક નોટબુકમાં કંઇક લખવાની શરૂઆત કરેલી. એને મનોચિકિત્સકો પોઝિટિવ રિઝલ્ટ ગણતા. નોઆ પોતાની મનોવ્યથાને કલમ દ્વારા વાચા આપી રહી હતી. આટલી નાની વયે એણે લખેલા એ  પુસ્તક વીનીંગ ઓર લર્નિંગ (જીતવું કે જાણવું યા શીખવું )ને રાષ્ટ્રીય કક્ષાનું પારિતોષિક પણ મળ્યું. મિડિયાએ એની સરસ નોંધ લીધી.
પરંતુ એના હૈયામાં જે વલોપાત ચાલી રહ્યો હતો એની કોઇને ક્યાં જાણ હતી ! એ મનોમન સતત રીબાયા કરતી હતી. રાત્રે ચેનથી ઊંઘી શકતી નહોતી. દિવસે સ્કૂલ કે કૉલેજમાં જવાની એને ઇચ્છા થતી નહોતી. અધરાત મધરાત એ ભયથી ચીસ પાડી ઊઠતી. બહાર બરફ વરસતો હોય એવા કાતિલ શિયાળામાં એ પરસેવે રેબઝેબ થઇ જતી. એને બિહામણાં સપનાં આવતાં. એમાંથી જાગે ત્યારે સૂક્કા પાંદડાની જેમ થરથર ધૂ્રજતી. એની કુદરતી હાજતો કે ભૂખતરસ મરી ગયાં હતાં. ક્યારેક ખાય ક્યારેક દિવસો સુધી ન ખાય.
એક કમનસીબ પળે એને વિચાર આવ્યો કે મારા દેશમાં તો યુથેનેશિયા કાયદેસર છે. હું કેમ યુથેનેશિયાની અરજી ન કરું ! બાય ધ વે, નેધરલેન્ડમાં ૨૦૦૨થી યુથેનેશિયા એટલે કે ઇચ્છામૃત્યુ કાયદેસર છે. હજુ ગયા વરસે જ ૨૦૧૮માં ૬,૧૨૬ (છ હજાર એકસો છવ્વીસ) વ્યક્તિએ યુથેનેશિયાતી જીવન ટૂંકાવ્યું હતું. નેધરલેન્ડમાં બાર વર્ષથી વધુ ઉંમરની કોઇ પણ વ્યક્તિ યુથેનેશિયાનો આશ્રય લઇ શકે છે. આપણે ત્યાં પણ બારે બુદ્ધિ સોળે સાન... કહે છે ને ! નોઆએ યુથેનેશિયા માટે અરજી કરી.

એના સદ્ભાગ્યે એના મનોચિકિત્સકે એવું પ્રમાણપત્ર પણ આપ્યું કે એની પીડા ખરા અર્થમાં અસહ્ય છે. એટલે એને યુથેનેશિયાની પરવાનગી આપવાનો નિર્ણય લેવાયો. એ નિર્ણયનો અમલ થાય એ પહેલાંજ નોઆનું પ્રાણપંખેરું ઊડી ગયું. આપણા જૈન ધર્મમાં સંથારાની પ્રથા છે એમ સ્વેચ્છાએ એણે આહાર-પાણી લેવાનું બંધ કરી દીધું હતું એટલે આપોઆપ મૃત્યુની ગોદમાં સમાઇ ગઇ.
એણે સોશ્યલ મિડિયા પર લખેલું કે હું ભીતરથી પૂરેપૂરી ખતમ થઇ ચૂકી છું. મારામાં સહનશક્તિ જેવું કશું બચ્યું નથી. બહુ સમજી વિચારીને હું નિર્ણય લઇ રહી છું. આજથી દસ દિવસ પછી હું તમારી સમક્ષ નહીં હોઉં. અલવિદા દોસ્તો... અલવિદા !

Comments