મેસેજ ગમે તેના નામે વહેતો થયો હોય, વાત વિચારવા જેવી તો ખરી



૨૩મી મેએ લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં ત્યારબાદ વડા પ્રધાનના નામે એક વ્હોટ્સ એપ મેસેજ ફરતો થયો. શક્ય છે, વડા પ્રધાનના કાર્યાલય તરફથી વહેતો ન પણ થયો હોય. પરંતુ મેસેજ કોઇ પણ વ્યક્તિને વિચાર કરવા પ્રેરે એવો છે. ટૂંકમાં કહીએે તો એ સંદેશો આ પ્રકારનો છે. રણબીર કપૂર અને શાહરુખ ખાન જેવા ટોચના ફિલ્મ સ્ટાર્સ ચોક્કસ વિદેશી સોફ્ટ ડ્રીન્કનો પ્રચાર કરે છે.
સંદેશ મોકલનારે લખ્યું છે, 'દેશની ૧૨૧ કરોડની જનતામાંથી માત્ર દસ ટકા લોકો દસ રૂપિયાની આ સોફ્ટ ડ્રીન્કની એક બોટલ પીતાં હોય તો પણ મહિને આ વિદેશી સોફ્ટ ડ્રીન્ક કંપનીઓ ૭,૦૦૦ કરોડ રૂપિયા કમાઇ જાય છે એટલે કે દર મહિને ૭૦૦૦ કરોડ આ દેશની બહાર ચાલ્યા જાય છે. આપણે આવા વિદેશી સોફ્ટ ડ્રીન્ક પીવાનું બંધ કરીને નારિયેળ પાણી કે લીંબુ શરબત યા શેરડીનો રસ ન પી શકીએ ? કરોડો રૂપિયા દેશની બહાર જતાં અટકી જશે અને ઘરઆંગણે ખેડૂતોને એટલી રાહત કે આવક થશે...' આપણે સંબંધિત સોફ્ટ ડ્રીન્ક્સનાં બ્રાન્ડ નેમ નથી લેવા.
કહેવાનું તાત્પર્ય એ છે કે આ મુદ્દો વિચાર પ્રેરક છે. કાતિલ બળબળતો ઉનાળો હોય ત્યારે છાશ, લસ્સી, લીંબુ શરબત, વરિયાળીનું શરબત, કોકમનું શરબત, તખમરિયાનું પાણી વગેરે જબરદસ્ત રાહત આપે છે. વિદેશી સોફ્ટ ડ્રીન્કની તુલનાએ હાથવગાં અને આરોગ્યદાયી છે. તો સોફ્ટ ડ્રીન્ક શા માટે પીવાં જોઇએ ? અમુક કોલા કે તમુક કોલા સ્વાદિષ્ટ હોઇ શકે છે.

પરંતુ દેશના અર્થતંત્ર પર એની પ્રતિકૂળ અસર પડતી હોય તો એનો વિકલ્પ અપનાવી લેવામાં કશું ખોટું નથી. ગયા દાયકામાં એક વિવાદ બહુ ગાજ્યો હતો. તમને પણ યાદ હશે. દક્ષિણ ભારતમાં આ વિદેશી સોફ્ટ ડ્રીન્કનો પ્લાન્ટ હતો. ત્યાં ભૂગર્ભ જળમાં કેટલાક ક્ષાર ઉમેરાઇ ગયા હતા. ચારસો પાંચસો ફૂટ ૂઊંંડેથી ઊલેચાતા પાણીમાં એ પ્રકારની અશુદ્ધિ હોય એ સ્વાભાવિક છે.

એ પાણીનો કાચી સામગ્રી તરીકે ઉપયોગ કરીને એમાંથી બનાવાતા સોફ્ટ ડ્રીન્ક આરોગ્ય માટે જોખમી નીવડયા હોવાનો એ વિવાદ હતો. હંમેશ બને છે એમ થોડા સમય પછી આપોઆપ આ વિવાદ શમી ગયો અને પેલી સોફ્ટ ડ્રીન્ક કંપની ફરી ધમધોકાર બિઝનેસ કરતી થઇ ગઇ. એક વાત નક્કી છે. આ ઠંડાં પીણાં સ્કૂલ કૉલેજોમાં માત્ર દેખાદેખીને કારણે પીવાતાં રહ્યાં છે. એ પીવાથી આરોગ્યને કોઇ દેખીતો લાભ નથી. દેશના અર્થતંત્રના આરોગ્યને ગેરલાભ થાય છે એ વિચારવા જેવંુ છે.
હજુ ગયા સપ્તાહે એક વડીલ દંપતીએ સ્વાનુભવની વાત કરી હતી. તેમનો પુત્ર પરિવાર સાથે અમેરિકામાં રહે છેે એટલે આ દંપતી એક ગાર્ડનમાં ભૂલકાંઓ સાથે કિંમતી સમય વીતાવે છે. બાળકોને ગમતી વાર્તા કરે, જોડકણાં સંભળાવે, તલ, રાજગરો, ચણા-મમરા કે સીંગની ચીકી ખવરાવે અને પ્રેમથી સમજાવે કે બહારથી આકર્ષક દેખાતાં પેકિંગ ધરાવતાં બજારુ પડીકાં આરોગ્યને નુકસાનકારી છે.
બાળકો તો સીંગ અને મમરાના લાડુ કે ચીકી જોઇને વિસ્મય અનુભવે છે. શક્ય છે, કાતિલ મોંઘવારીને પહોંચી વળવા પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય એટલે સવારે દોડાદોડ હોય પરિણામે બાળકને તૈયાર ચવાણા કે નૂડલ્સનાં પેકેટ પકડાવી દે. એને કારણે બાળકો આપણી પરંપરાગત ઘણી વાનગી વિશે જાણતાં હોતાં નથી. આ દંપતી બાળકોને આપણા પરંપરાગત વારસાનો પરિચય કરાવે છે.
બજારુ નાસ્તા જેવીજ સ્થિતિ સોફ્ટ ડ્રીન્કની છે. તાજેતરમાં એક મિત્રને ત્યાં  બાફલો પીવાતો હતો ત્યારે મહેમાન સાથે આવેલું બાળક તેની મમ્મીને પૂછતું હતું કે આ શેનું શરબત છે ? કારણ કે એને બાફલો એટલે શું એની જાણ નહોતી. એજ રીતે કેરીની ગોટલીને ધોઇને હિંગ તથા રાઇનો વઘાર કરીને બનાવાતા ફજેતા (ઓસામણ) વિશે આજની પેઢીને કશી જાણ નથી.

તો પછી વિદેશી કંપનીઓ તગડો નફો કમાય એવાં પીણાં છોડી ન શકાય ? વાત વિચારવા જેવી છે. આપણાં બાળકોને આપણે સમૃદ્ધ પારંપરિક વારસાનો પરિચય કરાવવાનો છે. ટીનેજર્સની ટીકા કરવાને બદલે એમને વૈકલ્પિક ડ્રીન્કસનો પરિચય કરાવીને પછી વિદેશી સોફ્ટ ડ્રીન્ક છોડવા સમજાવીએ તો જરૂર સમજશે.
થોડા સમય પહેલાં ઔર એક રસપ્રદ ક્લીપ જોવા મળેલી કે અમુક વિદેશી સોફ્ટ ડ્રીન્કનો ઉપયોગ ડિટર્જન્ટ તરીકે પણ થઇ શકે છે. એ વાસણ કે ફ્લોરની સફાઇમાં ઉપયોગી નીવડે છે. એ હકીકત પરથી પણ સમજી શકાય કે આ સોફ્ટ ડ્રીન્ક આરોગ્ય માટે કેટલી હદે નુકસાનકર્તા નીવડી શકે છે.

Comments