બાદલની કથા પર યૂરોપિયન લોકકથાના નાયક રોબિન હૂડનો પ્રભાવ હતો
શંકર જયકિસનનો ઉદય થયો ત્યારે ઓછામાં ઓછી અડધો ડઝન મહિલા ગાયિકાઓ મોખરાની ગણાતી હતી. એવી ગાયિકાઓમાં ગીતા દત્ત, શમસાદ બેગમ, જોહરાબાઇ અંબાલેવાલી, અભિનેત્રી-ગાયિકા રાજકુમારી, અમીરબાઇ કર્ણાટકી, ગાયિકા-અભિનેત્રી સુરૈયા... યાદી લંબાવવાનો ઇરાદો નથી. નૂરજહાં તો પાકિસ્તાન ચાલ્યા ગયાં હતાં.
આ બંને સંગીતકારે કોઇ સમકાલીન ગાયિકાનો અનાદર કર્યો નથી. પરંતુ યુવા પેઢીને આકર્ષવા જે પ્રયોગો કર્યા એમાં તાજગીપૂર્ણ નવો કંઠ વાપરવાની તેમની ઉત્કંઠા હોય એવું સ્પષ્ટપણે જણાય છે. બરસાત અને આવારા પછી આવેલી તેમની ફિલ્મો બાદલ અને કાલી ઘટાનાં ગીતો પર નજર નાખીએ તો લતાજી છવાઇ ગયેલાં જણાય છે. શાસ્ત્રીય સંગીતની પાક્કી તાલીમના પગલે કસાયેલા લતાજીના કંઠની રેંજનો આ બંનેએ પૂરો લાભ લીધો.
બાદલની કથા પર યૂરોપિયન લોકકથાના નાયક રોબિન હૂડનો પ્રભાવ હતો. શ્રીમંતોને લૂંટીને ગરીબોને મદદ કરતા હીરોનો રોલ રાજ કપૂરના સાળા પ્રેમનાથે ભજવ્યો હતો. મધુબાલા ફિલ્મની હીરોઇન હતી. એણે રાજપુત્રીનો રોલ કરેલો. આપણો રોબિનહૂડ રાજકુમારીના પ્રેમમાં પડે એવી કથા ઉમેરી દેવામાં આવેલી. અમિયા ચક્રવર્તીની આ ફિલ્મનાં આઠમાંથી છ ગીતો તો લતાજીના કંઠમાં જ હતાં.
બે ગીતોમાં એક મૂકેશનો સોલો અને એકમાં લતા-મૂકેશનું ડયુએટ હતું. મૂકેશજીના કંઠમાં ગવાયેલા 'મૈં રાહી ભટકને વાલા હું કોઇ ક્યા જાને મતવાલા હું..' ગીતે એ દિવસોમાં સંગીત રસિકો પર રીતસર ભૂરકી છાંટેલી. ગુજરાતી સહિત કેટલીય પ્રાદેશિક ભાષાઓમાં આ તર્જ પર આધારિત ભક્તિગીતો-ભજનો રચાયાં હતાં અને મંદિરોમાં હોંશભેર ગવાતાં હતાં. કેટલાક વિદ્વાનોના મતે પ્રેમનાથના નબળા અભિનયને મૂકેશના કંઠે ઢાંકી દીધો હતો. મૂકેશના ચાહકો માટે પણ મૈં રાહી ભટકને વાલા હું... ગીત યાદગાર હતું.
અગાઉ કહી ચૂક્યો છું અને ફરી આવા ઉલ્લેખો પણ આવશે. શંકર જયકિસનની ભૈરવીનું ઔર એક મનોહર સ્વરૂપ અહીં લતાજીના કંઠે રજૂ થયું છે. શૈલેન્દ્રે તદ્દન સાદા સીધા શબ્દોમાં જે ફિલસૂફી રજૂ કરી છે એ તમે ફિલ્મમાં મધુબાલા પર ફિલ્માવાયેલા ગીતના સ્વરૂપે જુઓ કે માત્ર ગીતને સાંભળો. શંકર જયકિસનનો જાદુ તમારા દિલોદિમાગ પર છવાઇ જશે.
ભૈરવીનો જાદુ પાથરતું એ ગીત એટલે આ 'દો દિલ કે લિયે મહેમાન યહાં, માલૂમ નહીં મંજિલ હૈ કહાં, અરમાન ભરા દિલ તો હૈ મગર, જો દિલ સે મિલે વો દિલ હૈ કહાં...' આ ગીતમાં શબ્દો અને તર્જ એકમેકમાં દૂધ-સાકર ન્યાયે એક થઇ જાય છે. તર્જને પણ શબ્દો જેટલીજ સાદગીપૂર્ણ રાખવામાં આ બંને સફળ થયા છે. આ ફિલ્મ રાજ કપૂરની નહોતી એટલે સંગીતનો પૂરેપૂરો યશ શંકર જયકિસનને મળે એ સ્વાભાવિક હતું.
કાલી ઘટા કિશોર સાહુની સ્વતંત્ર ફિલ્મ સર્જક તરીકેની પહેલી ફિલ્મ હતી અને એમાં બે હીરોઇનો હતીઃ આશા માથુર અને બિના રાય. કિશોર સાહુને ફિલ્મ સર્જક તરીકે સેટલ થવામાં શંકર જયકિસનના સંગીતે માતબર મદદ કરી. એમના સંગીતનો મોટો ફાળો ગણી શકાય. બાદલની જેમ અહીં પણ મોટા ભાગનાં ગીતો લતાજીના કંઠમાં છે.
છમાંના પાંચ લતાજીના સોલો છે અને એેકમાં મુહમ્મદ રફી જોડાયા છે. કાલી ઘટાનું લતાજીએ ગાયેલું આ ગીત સાંભળો 'હમ સે ના પૂછો, કોઇ પ્યાર ક્યા હૈ, પૂછો બહાર સે, હંસ હંસ કે દિલ દેને મેં જીત ક્યા હૈ હાર ક્યા હૈ...' લતાજીનું સોલો છે પણ એની ઓવર-ઓલ અસર (ઇમ્પેક્ટ) એકોક્તિ (સોલીલોક્વી) જેવી બની છે.
ગીતના માધુર્યને લતાજીએ પોતાના આકર્ષક સ્વરલગાવથી વધુ મીઠ્ઠું બનાવ્યું છે. લતાજીએ આ ફિલ્મમાં એક ગીત ઉન કે સિતમને લૂટ લિયા નૂરજહાંની શૈલીમાં ગાયું છે. શરૂમાં લતાજી નૂરજહાંની સ્ટાઇલમાં ગાતાં. જો કે બહુ ઝડપથી એમણે પોતાની આગવી સ્વરલગાવની અને શબ્દોની સ્પષ્ટ રજૂઆતની શૈલી વિકસાવી.
અહીં તટસ્થતાથી કહીએ તો ફ્રી લાન્સીંગ કરવા ઇચ્છતા શંકર જયકિસનની કારકિર્દીને સુદ્રઢ કરવામાં લતાજીએ ફાળો આપ્યો તેમ લતાજીને કારકિર્દી જમાવવામાં આ સંગીતકાર જોડીએ મબલખ ફાળો આપ્યો. ગાયિકા અને સંગીતકાર એકમેકને પૂરક (સપ્લીમેન્ટરી ) બની રહ્યાં એમ કહીએ તો ચાલે.
- Tags :
- Ajit-popat
- Cine-magic
Comments
Post a Comment