સાયગલની સ્મૃતિને જીવંત રાખવાનો સંનિષ્ઠ પ્રયાસ

સિનેમેજિક - અજિત પોપટ



ફ્રીલાન્સીંગ કરવાનો નિર્ણય કર્યો એ સમયગાળામાં લાહોરથી મુંબઇ આવેલા દલસુખ પંચોલીની એક ફિલ્મ શંકર જયકિસનને મળી. આ દલસુખ પંચોલી એટલે સંગીતકાર ઓ પી નય્યર અને પાછળથી અજોડ વિલન ગણાયેલા પ્રાણને પહેલી તક આપનારા ફિલ્મ સર્જક.

દેશના ભાગલા પડયા ત્યારે બોલિવૂડે બે ધુરંધર પ્રતિભાને ગુમાવેલી. એક ટોચની ગાયિકા અભિનેત્રી નૂરજહાં, જેણે પાકિસ્તાન ચાલ્યા જવાનું પસંદ કર્યું. બીજી સૌથી આઘાતજનક ખોટ પડેલી અજોડ ગાયક અભિનેતા કુંદન લાલ સાયગલની. ૧૯૪૭ના જાન્યુઆરીની ૧૮મીએ સાયગલસાહેબે અંતિમ શ્વાસ લીધા.
શંકર જયકિસને દલસુખ પંચોલીની ફિલ્મ નગીના કરતી વખતે કદાચ આ બે પ્રતિભાને દ્રષ્ટિ સમક્ષ રાખી હોવી જોઇએ એમ લાગે છે.  સાયગલ સાહેબની યાદ હજુ એકદમ તાજી હતી એટલે આ સંગીતકારોએ સાયગલ સાહેબ જેવો કંઠ અને ગાયનશૈલી ધરાવતા ગાયકને અજમાવવાનો નિર્ણય કર્યો. ઔર એક પ્રયોગ પણ આ ફિલ્મમાં તેમણે કર્યો.

લતાજીની સાથોસાથ એક ગીતમાં શમસાદ બેગમને લીધાં. સી એચ આત્માને લેવા બાબતમાં યોગાનુયોગે સંગીતકાર ઓ પી નય્યર નિમિત્ત બન્યા એમ કહીએ તો ચાલે. ઓ પી નય્યરે સી એચ આત્માના નામે જાણીતા થયેલા ચેનાની હસમતરાય આત્મા કને સાયગલની શૈલીથી 'પ્રીતમ આ ન મિલો' ગીત ગવડાવેલું.

આ ગીત હિટ પણ નીવડેલું. એટલે નગીનામાં શંકર જયકિસને એ કંઠ અજમાવ્યો. એને સફળતા પણ મળી. પરંતુ સમય ખૂબ ઝડપથી બદલાઇ રહ્યો હતો. એક રીતે જુઓ તો મુહમ્મદ રફી, મૂકેશ અને ખુદ કિશોર કુમાર કારકિર્દીની શરૂઆતમાં સાયગલની શૈલીથી ગાતા. શંકર જયકિસને આપી એવી વધુ તકો ત્યારબાદ સી એચ આત્માને બહુ મળી નહીં. સમય બદલાઇ રહ્યાની એ એંધાણી હતી. સાયગલ કંઠની જેમ અહીં શમસાદ બેગમને પણ શંકર જયકિસને યાદ કર્યાં.
અહીં શંકર જયકિસને કરેલા ઔર એક નાનકડા પ્રયોગની નોંધ લેવા જેવી છે. આ ફિલ્મના તૂને હાય મેરે જખ્મે જિગર કો છૂ લિયા ગીતમાં લયવાદ્ય તરીકે મટકું વગડાવ્યું હતું. પંજાબી સાજિંદા બલબિર સિંઘે આ ગીતમાં મટકું વગાડયું હતું અને ગીતને અલગ છટા બક્ષી હતી. અહીં ઔર એક વાતની નોંધ લેવી પડે. દેશ આઝાદ થયા પછી નગીના કદાચ પહેલી એવી ફિલ્મ હતી જેને પુખ્ત વયના દર્શકો માટે એવું એ સર્ટિફિકેટ સેન્સર બોર્ડ તરફથી મળેલું.

ફિલ્મમાં એક ભૂતિયા હવેલી એટલે કે બિહામણું લોકાલ હતું અને ઘણું કરીને આ ફિલ્મમાં નૂતને પહેલીવાર બિકિની શોટ આપેલો એટલે કદાચ, સેન્સરે એ સર્ટિફિકેટ આપેલું. નૂતન ફિલ્મની હીરોઇન હોવા છતાં એ સગીર વયની હોવાથી એને ટીનેજર સમજીને થિયેટરમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો. નગીનાનાં આઠ ગીતોમાં ત્રણ ગીતો સી એચ આત્માને મળ્યાં, ત્રણ સોલો લતાજીને મળ્યાં, એક ગીતમાં લતાજી અને મુહમ્મદ રફી તથા એક ગીતમાં શમસાદ બેગમ અને મુહમ્મદ રફી સાથે થયાં.

જો કે એેક નોંધ લેવી રહી કે આત્માએ ગાયેલા રોઉં મૈંે સાગર કિનારે ગીતને બહુ સારો પ્રતિભાવ મળ્યો. પેલી લોકોક્તિ છે ને- અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઑફ સેડેસ્ટ થોટ...ગીતની કરુણ સૂરાવલિ સાંભળનારના હૈયા સોંસરવી ઊતરી જતી. સાયગલની યાદ હજુ તાજી હતી એટલે સી એચ આત્માએ ગાયેલાં ત્રણે ગીતોને સારો પ્રતિસાદ મળ્યો. રોઉં મૈં સાગર કિનારે.., દિલ બેકરાર હૈ અને... અને ઇક સિતારા હૈ આકાશ મેં...
લતાજીનાં ત્રણ સોલો પણ સંગીત રસિકોને ગમ્યાં- યાદ આયી હૈ બેકસી છાયી હૈ..., કૈસી ખુશી કી હૈ રાત, બાલમ હૈ મેરે સાથ... અને તૂને હાય મેરે જખ્મે જિગર કો છૂ લિયા...  રફીએ લતાજી સાથે ગાયેલું હમ સે કોઇ પ્યાર કરો જી... અને શમસાદ બેગમ સાથે ગાયેલું ઓ ડિયર આઓ નીઅર.. પણ ચાલ્યું. અહીં થોડી છૂટ લઇને એમ કહીએ કે બરસાત અને આવારાના સંગીત સાથે નગીનાના સંગીતની તુલના શક્ય બને નહીં. પરંતુ આ ફિલ્મનું સંગીત પણ માધુર્ય ભરપુર હતું અને સંગીત રસિકોને ઘેલાં કરી ગયું હતું.
રાજ કપૂર નહોતો પરંતુ એની ખોટ આ બંનેએ પોતાના કામમાં સાલવા દીધી નહોતી. શંકર જયકિસન ફાઉન્ડેશનના સ્નેહ પટેલને ટાંકીએ તો શંકર જયકિસને પોતાના કામમાં જરાય વાણિયાગીરી કરી નહોતી. દરેક ગીત પોતાની શાખને અનુરૂપ મેલોડીસભર અને રસિકોને ગણગણવાનું મન થાય એવું બન્યું હતું.
નગીના પછી આવેલી બે ફિલ્મો બાદલ અને કાલી ઘટામાં પણ કામની દ્રષ્ટિએ આ બંને જરાય ઊણા ઊતર્યા નહોતા. એનાં સંગીતની ઊડતી ઝલક મેળવ્યા પછી આપણે ટ્રેક બદલીશું. દરેક ફિલ્મના એકાદ બે ગીતની ચર્ચા કરવાને બદલે સંગીત સર્જનની આ બંનેની કેટલીક ઓછી ધ્યાનમાં આવેલી વિરલ વિશેષતાઓની વાત શરૂ કરીશું.

    Comments