રાજ કપૂર અવ્વલ દરજ્જાનો વ્યાપારી હતો

ઝીનત દેવ સાહેબની શોધ હતી અને હરે રામ હરે કૃષ્ણ ફિલ્મમાં દેવ સાહેબે એેને ચમકાવી હતી



શહનશાહ-એ -મૌસિકી- ફિલ્મ સંગીતના શહેનશાહ કહેવાય એવા શંકર જયકિસનની વાતને આગળ વધારવા પહેલાં આ તબક્કે એક આડવાત જરૂરી લાગે છે. ચળકતી (માંજરી કે આસમાની) આંખો અને સોહામણું ચુંબકીય(મેગ્નેટિક) વ્યક્તિત્વ ધરાવતો રાજ કપૂર અવ્વલ દરજ્જાનો વેપારી હતો, એ વાત આ બંને સંગીતકારો બહુ ઝડપથી સમજી ગયા હતા. 'બરસાત'ના એેક ગીતમાં ઢોલકવાદક હાજર નહોતો એટલે દત્તારામની એન્ટ્રી થઇ. આવારાના ગીતમાં લાલા ગંગાવણેને તાબડતોબ તેડાવી લીધા.
હવે ધ્યાનથી વાંચજો તમે. મહેબૂબ ખાનની અંદાજમાં મૂકેશનો કંઠ દિલીપ કુમાર માટે વપરાયો હતો. રાજ કપૂરની શરૂઆતની ફિલ્મોમાં રાજ કપૂર પર ફિલ્માવેલાં અને હિટ નીવડેલાં ગીતો મન્ના ડેએ ગાયાં હતાં. રાજ કપૂરે મન્ના ડેને પડતો મૂક્યો અને મૂકેશને વોઇસ ઑફ રાજ કપૂર બનાવી લીધો. આ એનું આયોજનપૂર્વકનું વેપારી પગલું હતું.
મન્ના ડેએ પાછળથી એક કરતાં વધુ વખત શંકર જયકિસન સમક્ષ ફરિયાદ કરી હતી કે મારી પાસે કેમ ગવડાવતાં નથી ? ત્યારે આ બંનેએ મોઘમ એવો જવાબ આપ્યો હતો કે એ નિર્ણય રાજ કપૂરનો પોતાનો છે. છેક મેરા નામ જોકરમાં મન્ના ડેને ભાગે એ ભાઇ જરા દેખ કે ચલો ગીત આવ્યું હતું.
કંઇક એવુંજ એણે વૈજયંતી માલા સાથે કર્યું. રાજ કપૂર સાથે ફિલ્મ સંગમ કરી એ પહેલાં વૈજયંતી માલાએ દિલીપ કુમાર સાથે એક કરતાં વધુ હિટ ફિલ્મો કરી હતી. માત્ર બે ચાર દાખલા લઇએ તો બી આર ચોપરાની નયા દૌર, બિમલ રોયની મધુમતી, કે આસિફની મુઘલે આઝમ અને ખુદ દિલીપ કુમારની નિર્માતા અને હીરો તરીકેની ફિલ્મ ગંગા જમનાની હીરોઇન વૈજયંતીમાલા હતી..
૧૯૫૦ના દાયકાના પૂર્વાર્ધમાં દિલીપ કુમાર માટે કંઠ આપનારા મૂકેશને પોતાનો કંઠ બનાવી લીધા પછી ૧૯૬૦ના દાયકામાં રાજ કપૂરે કુનેહપૂર્વક  વૈજયંતીમાલાને પોતાની ફિલ્મ સંગમ માટે મનાવી લીધી. સંગમ પછી વૈજયંતીએ બહુ ઓછી ફિલ્મો કરી અને ડૉક્ટર બાલી સાથે લગ્ન કરીને દિલ્હી ચાલી ગઇ.

આપણે ગોસિપમાં રાચતા નથી એટલે એ પ્રકરણને અહીં અટકાવી દઇને આગળ ચાલીએે. (એ વાતોમાં રસ હોય તેમણે રિશિ કપૂરની આત્મકથા 'ખુલ્લંખુલ્લા' વાંચી લેવી. ) તમે દેવ આનંદની આત્મકથા અથવા અખબારોમાં પ્રગટ થયેલા એના અંશો વાંચ્યા હશે તો દેવ સાહેબે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે રાજ કપૂરે ઝીનત અમાનને એની પાસેથી કુનેહપૂર્વક ખૂંચવી લીધી.  ઝીનત દેવ સાહેબની શોધ હતી અને હરે રામ હરે કૃષ્ણ ફિલ્મમાં દેવ સાહેબે એેને ચમકાવી હતી
શંકર અને જયકિસન કારકિર્દીની શરૂઆતમાં ભલે આર કે ફિલ્મ્સ સાથે સંકળાયેલા રહ્યા. પરંતુ રાજ કપૂરની માનસિકતા એ બંને બરાબર સમજી ગયા હતા. પોતાને જે જોઇએ એ મેળવી લીધા વિના રાજ કપૂર જંપીને બેસતો નહોતો. આર્થિક મુશ્કેલીમાં સપડાયેેલા શૈલેન્દ્રને રાજ કપૂરે ફિલ્મોમાં ગીતો લખવા માટે જે રીતે મનાવી લીધા એ હકીકત પણ આ બંનેએ નજરે જોઇ હતી.

શરૂઆતની રાજ કપૂરની સુપરહિટ નીવડેલી ફિલ્મોએ એવી ખરીખોટી છાપ ઊભી કરવા માંડી હતી કે રાજ કપૂરની ફિલ્મોમાં મોટે ભાગે રાજ કપૂર પોતે સંગીત તૈયાર કરે છે. શંકર જયકિસન માટે એ પરિસ્થિતિ લાંબે ગાળે મુશ્કેલી ઊભી કરે એવી હતી. એટલે બંનેએ કળપૂર્વક ફ્રી લાન્સીંગ કરવાની પરવાનગી પણ રાજ કપૂર પાસેથી મેળવી લીધી.
આ નિર્ણય અત્યંત ડહાપણભર્યો હતો. એ સમયગાળો એવો હતો જ્યારે લગભગ દરેક ટોચના ફિલ્મ સર્જક અને અદાકારના સંગીતકારો મેાટે ભાગે નક્કી હતા. એ આર કારદાર, એસ યુ સની, મહેબૂબ ખાન, દિલીપ કુમાર અને કે આસિફની ફિલ્મો મોટે ભાગે નૌશાદ કરતા. એકાદ અપવાદ બાદ કરતાં બી આર ચોપરાની ફિલ્મોમાં રવિનું સંગીત રહેતું. ગુરુ દત્ત સાથે અને પાછળથી દેવ આનંદ સાથે એસડી બર્મન રહેતા.
રાજ કપૂર સાથે શંકર જયકિસન હતા. ફ્રી લાન્સીંગ કરવાના તેમના નિર્ણયે પુરવાર કર્યું કે આ બંને પોતાના કામમાં ખરેખર દાદુ છે. એમનું સંગીત ધરાવતી કોઇ પણ ફિલ્મ લો. દેવ આનંદ, શમ્મી કપૂર રાજેન્દ્ર કુમાર, ગુરુ દત્ત અને સુનીલ દત્ત હીરો હોય એવી અસંખ્ય ફિલ્મોમાં આ બંનેએ જબરદસ્ત હિટ સંગીત પીરસ્યું. એમ કહો કે હિટ સંગીત આપવાનું સાતત્ય (અંગ્રેજીમાં કન્સીસ્ટન્સી ) આ બંનેએ જાળવી રાખ્યું. નૌશાદ પછી મુહમ્મદ રફીને મેજર બ્રેક આ બંનેએ આપ્યો હતો.

ખાસ કરીને શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમાર અને કોમેડિયન મહેમૂદનાં સુપરહિટ ગીતો યાદ કરો. મોટા ભાગનાં ગીતો શંકર જયકિસનનાં હશે.  નીત નવા પ્રયોગો કરવા અને સતત તાજગીપૂર્ણ તેમજ તરવરાટ ધરાવતું સંગીત પીરસવું એ આ બંનેનો જાણે ગુરુમંત્ર હતો. હવે પછીના એપિસોડ્સમાં આપણે એમનાં વિવિધ ગીતોની ખૂબીની ઝલક મેળવીશું. પ્લીઝ વેઇટ એન્ડ એન્જોય. (ક્રમશઃ)


Comments