જનમતાંની સાથે જ ઝેરી વાયુ શ્વાસમાં લેતાં નવજાત બાળકોનું ભાવિ કેવું એ વિચારવા જેવું છે
તમે નિયમિત અખબારો વાંચવાની ટેવ ધરાવતાં હો તો લોકસભાની ચૂંટણીના દેકારા વચ્ચે આ સમાચાર તરફ તમારું ધ્યાન જરૂર ગયું હશે. ગુજરાત રાજ્યમાં રોજનાં સત્તર હજાર નવાં વાહનો રજિસ્ટર થાય છે. એમાં ખાનગી વાહનો પણ આવી ગયાં અને વ્યાવસાયિક વાહનો પણ આવી ગયાં.
ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ પણ આવી ગયાં. ટ્રકો અને બસો પણ આવી ગઇ. બીજી બાજુ ખુદ રાજ્યસરકારના આંકડા મુજબ છેલ્લા બાર મહિનામાં આશરે ૯૮૦ વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં. ત્રીજી બાજુ ગગનચુંબી ટાવર્સના બાંધકામમાં ઊછાળો આવ્યો છે. આ ત્રણે વચ્ચે ખૂબ નિકટનો સંબંધ છે.
છેલ્લાં બે વર્ષથી રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગુજરાત રાજ્યને સતત ચેતવે છે કે દિલ્હી પછી પ્રદૂષણની દ્રષ્ટિએ બીજા ક્રમે અમદાવાદ આવે છે. ગુજરાત રાજ્ય આરટીઓના ૨૦૧૭-૧૮ના આંકડા મુજબ છેલ્લા એેક દાયકામાં ચોવીસ લાખ ઓગણસાઠ હજાર નવાં વાહનો એકલા અમદાવાદમાં આવ્યાં. ૨૦૧૮ના જાન્યુઆરીની નવમીએ પ્રગટ થયેલા આંકડા મુજબ એકલા અમદાવાદમાં તે દિવસે (૦૯-૦૧-૨૦૧૮) ૪૩ લાખ વાહનો હતાં. છેલ્લા બાર મહિનામાં કેટલાં વાહનો વધ્યાં એના આંકડા ઉપલબ્ધ નથી.
આ તમામ વાહનો પ્રદૂષણને લગતા કાયદાનું ચુસ્ત પાલન કરીને વાહનો હંકારતાં હોય તો પણ રોજ કેટલો કાર્બન મોનોક્સાઇડ અને બીજાં ઝેરી વાયુ હવામાં ભળે છે ? એનો અભ્યાસ કદી કોઇએ કર્યો નથી. અહીં એક ઔર મુદ્દો સમજવા જેવો છે. એક વૃક્ષને પૂરેપૂરું વિકસતાં વીસથી પચીસ વર્ષ લાગે છે. પરંતુ ઇલેક્ટ્રિક કરવતથી એને કાપી નાખતાં રોકડી પંંદર મિનિટ લાગે છે.
આ સંજોગોમાં જનમતાંની સાથે જ ઝેરી વાયુ શ્વાસમાં લેતાં નવજાત બાળકોનું ભાવિ કેવું એ વિચારવા જેવું છે. વાહનોની સંખ્યા વધવાનું એક કારણ વાહનો ઉધાર મળે છે એે છે. લગભગ દરેક પર્વ-ઉત્સવના વીક એન્ડ પર ઢગલાબંધ જાહેર ખબરો પ્રગટ થાય છે. એક રૂપિયો આપો અને ટુ વ્હીલર લઇ જાઓ કે પછી ૧૦૦ રૂપિયા આપો અને તમને ગમતી કાર લઇ જાઓ.
બાકીના પૈસા હપ્તે હપ્તે ચૂકવજો. પરિણામે દેખાદેખી વધી ગઇ. જરૂર ન હોય એવા લોકો પણ માત્ર અહં સંતોષવા કાર ખરીદતાં થઇ ગયાં. તમારા નિવાસસ્થાનની આસપાસની બે પાંચ સોસાયટીમાં ચક્કર મારી જુઓ. કેટલીક કાર કાયમ પાર્ક કરેલી દેખાશે.
વસતિ વધે એટલે નવાં મકાનોની જરૂર પડે એ સમજી શકાય છે. સડકો પહોળી કરવા વૃક્ષો કાપવાં પડે એ પણ સમજી શકાય છે. પરંતુ જેટલાં વૃક્ષો કાપો એટલાં તો પાછાં નવેસર ઊગાડો. અહીં તો મફત પ્રાણવાયુ આપતાં હરિયાળાં વૃક્ષોનું નિર્દયપણે નિકંદન નીકળી રહ્યું છે અને બદલામાં ઝેરી વાયુ શ્વાસમાં જવાથી આરોગ્યને થતું નુકસાન લટકામાં.
તમે જે શહેરમાં રહેતાં હો તે શહેરની શ્વાસમાં લેવાતી હવા તપાસો. આપણે સૌએ સાથે મળીને જે તે રાજ્ય સરકાર પર દબાણ વધારવું જોઇએ કે દરેક નવી ટાઉનશીપ સાથે બંધાઇ રહેલા ફ્લેટ્સ કરતાં બમણાં વૃક્ષો ઊગાડવાની બિલ્ડરને ફરજ પાડે. સાથોસાથ ટ્રાફિક પોલીસ પર દબાણ વધવું જોઇએ કે સડક પર દોડતાં દરેક વાહન પાસે પ્રદૂષણ વધારતાં નથી એવું બોનાફાઇડ સર્ટિફિકેટ (પીયુસી) હોવું જ જોઇએ. આમ નહીં થાય તો એક આખી પેઢી દમ અને શ્વસનતંત્રની બીમારી સાથે ઊછરશે. એક આખી પેઢી આ રીતે ખુવાર થશે.
હજુ તો રોજ નવાં વાહનો રજિસ્ટર થતાં રહ્યાં છે અને નીત નવાં ગગનચુંબી મકાનો બંધાઇ રહ્યાં છે. સેંકડો ફ્લેટસ સાવ ખાલી છે કારણ કે આમ આદમી નવું મકાન ખરીદી શકે એવી એની ત્રેવડ હોતી નથી. લોન પર લે તો કેટલા હપ્તા ભરે ? મોટરનો હપ્તો, ટુ વ્હીલરનો હપ્તો, મકાનનો હપ્તો... પછી ખાય શું ? જીવે કઇ રીતે ? આ સમસ્યા માનવસર્જિત છે.
લેભાગુ પોલિટિશ્યનો અને એવાજ બિલ્ડરો હરિયાળાં વૃક્ષોને આડેધડ કપાવી નાખે છે. આમ આદમીને શ્વાસમાં ઝેર લેવાની ફરજ પડે છે અને એ અસાધ્ય કહી શકાય એવી બીમારીનો શિકાર બને છે. આનો ઉપાય પણ આપણે સૌએ સાથે મળીને કરવો જોઇએ. જાગો અને ઊભા થાઓ. તમારા જ આરોગ્યના લાભની વાત છે.
- Tags :
- Ajit-popat
- To-the-point
Comments
Post a Comment