યશસ્વી નીવડવાના
મુદ્દે અને સંખ્યાબંધ એવોર્ડ-અકરામ મેળવવાના મુદ્દે એમ બંને મુદ્દે સમૃદ્ધ એવા એક
ગુજરાતી સાહિત્યકારની તપશ્ચર્યાની આ વાત છે. કોઇ સહકારી બેંકના બ્રાન્ચ મેનેજર
તરીકે એમનું પોસ્ટિંગ ૧૯૮૦ના દાયકામાં દક્ષિણ ગુજરાતની એક બ્રાન્ચમાં થયેલું. બેંક
મેનેજર હોવું અને ફિલ્મ સંગીતના સુવર્ણયુગનાં ગીતો પાછળ ઘેલા હોવું એ વિરલ સમન્વય
ગણાય. એકવાર કોઇએ વાતવાતમાં કહ્યું કે
શંકર જયકિસનવાળા જયકિસન તો વાંસદા ગામના હતા. સાંભળીને મેનેજરના કાન સરવા થયા.
સાંજે ફરજના કલાકો પૂરા થતાં પોતાની કાર લઇને ઉપડયા વાંસદા. કલાકોની રખડપટ્ટી પછીય
જયકિસનનો કોઇ સંદર્ભ મળ્યો નહીં. જો કે એક જણે આંગળી ચીંધી ખરી કે જયકિસનનો એક
ભાણિયો વલસાડમાં ચશ્માની દુકાન ચલાવે છે. એનું નામ પણ જયકિસન છે. દુકાન પર બોર્ડ
છે- જય ઓપ્ટિકલ્સ. તમે ેએનેે મળો, કદાચ કોઇ માહિતી મળી જાય. સાહિત્યકાર
મિત્ર ઉપડયા વલસાડ.
જયકિસનના ભાણિયાને
શોધ્યો ત્યાં તો જાણે કુબેરનો ભંડાર મળી ગયો. પેલો પણ મામાની વાતો કરવામાં એવોજ
ઉત્સાહી. એ યુવાન આ સાહિત્યકારને પોતાની માતા એટલે કે જયકિસનની સગ્ગી બહેનને ત્યાં
લઇ ગયો. પછી તો કુશળ જાદુગર એક પછી એક પત્તા ખોલતો જાય એેમ વિગતો ધીમે ધીમે મળવા
લાગી. કૂમળી વયે બટુકના હુલામણા નામે ઓળખાતો જયકિસન જે સ્કૂલના સંગીત શિક્ષક પાસે
ભારતીય સંગીતનો કક્કો બારાખડી શીખ્યો હતો એ વૃદ્ધ સંગીત શિક્ષક પણ મળ્યા. વાંસદાના
રાજપરિવારના વંશવારસો પણ મળ્યા. અધૂરી કડીઓ જોડાતી ગઇ. એક અનોખું વ્યક્તિત્વ
ઉપસતું ગયું. સાહિત્યકારના આનંદનો પાર ન રહ્યો. ઢગલાબંધ માહિતીમાંથી ચાળી ચાળીને
નક્કર વિગતો આધારિત ખાસ્સો લાંબો લેખ તૈયાર કર્યો. એ પ્રગટ થયો અને ચોમેરથી
અભિનંદનના સંદેશા મળ્યા.
આવું કેમ થયું હશે
એવો સવાલ અસ્થાને છે. મોટા ભાગના સંગીત રસિકોેને શંકર જયકિસનનાં ગીત-સંગીતમાં રસ
હોય. સંગીતકાર ક્યાં જન્મ્યા, ક્યારે ચડ્ડી પહેરતા થયા અને કઇ સ્કૂલના
બાળમંદિરમાં દાખલ થયા એવી વાતોમાં બધાંને રસ ન હોય. સંગીતકારના પાક્કા ફેન્સ હોય
એનેજ રસ પડે. આ ગુજરાતી સાહિત્યકારે વહાવેલા પરસેવાનું ફળ તો વાચકોની શાબાશીમાં
અને વરસો પછી વાંસદામાં જયકિસનની પ્રતિમાની સ્થાપના થઇ ત્યારે મળ્યું. સાહિત્યકારે
જયકિસનના વ્યક્તિત્વને અલગ રીતે વિકસાવ્યું હતું. એેની નોંધ અન્ય ભાષાનાં
પ્રકાશનોએ પણ લેવી પડી.
હવે આપણે શંકર
જયકિસનનાં યાદગાર ગીતાને મમળાવવાના છીએ. જો કે એ પહેલાં પણ એક વાત કરવી જરૃરી બની
રહે છે. એક દાખલાથી સ્પષ્ટ કરું. ક્રિકેટ ટીમમાં કોઇ એકાદ બૉલર કે બેટ્સમેન ફાંકડો
દેખાવ કરે અને ટીમ જીતે ત્યારે યશ સમગ્ર ટીમને મળે છે. શંકર જયકિસન વિશેની ગોસિપ, કયું
ગીત કોણે રચ્યું અને બંનેમાંથી કોને કયા ગીતકાર સાથે વધુ ફાવતું, બંને વચ્ચે ક્યારે તિરાડ પડી એવી નકારાત્મક ગોસિપને અહીં સ્થાન નથી. આપણને
જે યાદગાર ગીતો મળ્યાં એ ટીમ વર્કથી મળ્યા. એમાં વ્યક્તિગત ગમા-અણગમાને સ્થાન હોઇ
શકે નહીં. એમ તો આ બંને હયાત હતા ત્યારે પણ કેટલાક દોષદ્રષ્ટા એમ કહેતા કે મોટા
ભાગનું કામ રાજ કપૂર પોતે કરી આપે છે. અલબત્ત, સંગીતના
અભ્યાસી તરીકે રાજ કપૂર પોતાના સૌ સમકાલીન ફિલ્મ સર્જકોમાં અવ્વલ કક્ષાનો હતો. એ
હકીકત નકારી શકાય એમ નથી. બહુ ઓછા ફિલ્મ સર્જકો સંગીતની બાબતમાં રાજ કપૂર જેટલા
સમૃદ્ધ હતા.
હાલ એેવી સમૃદ્ધિ
માત્ર ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીમાં છે એવું ખુદ લતાજી કહી ચૂક્યાં છે. રાજ
કપૂરના સમકાલીન ફિલ્મ સર્જકોમાં એ આર કારદાર, મહેબૂબ ખાન, કે આસિફ, શંકરભાઇ અને વિજયભાઇ ભટ્ટ, સુભાષ અને મનમોહન દેસાઇના પિતા કીકુભાઇ દેસાઇ, મહેશ
ભટ્ટના પિતા નાનાભાઇ ભટ્ટ વગેરે હતા.આ બધાની તુલનાએ સંગીતની સૂઝ સમજ બાબતમાં રાજ
કપૂર નંબર વન હતો એ હકીકત સ્વીકારવી રહી. એને કારણે એવી વાતો વહેતી થયેલી કે રાજ
કપૂરની ફિલ્મમાં સંગીત રાજ કપૂરનું પોતાનું હોય છે. આ મુદ્દાનું પૃથક્કરણ આવતા
શુક્રવારે આપણે સૌ કરીશું. એ પછી શરૃ થશે શંકર જયકિસનની સર્જન પ્રક્રિયાનો આસ્વાદ.
----------------------------
Comments
Post a Comment