સાચી શક્તિ પૂજા ત્યારે થઇ કહેવાય જ્યારે અધરાત મધરાત નિર્જન સડક પર એકલી ચાલી જતી બહેન-દીકરી નિર્ભય રહી શકે
સાહિત્ય, સંગીત અને શૌર્ય એ ત્રણેમાં આગવી પ્રતિષ્ઠા ધરાવતી મરાઠી પ્રજાનું નવું વર્ષ ગુડી પડવાએ શરૂ થયું. સમગ્ર હિન્દુ પરંપરાની વાત કરીએ તો ચૈત્રી નવરાત્રિ શરૂ થયાને આજે ચારેક દિવસ થયા. આપણે ત્યાં ચાર નવરાત્રિ ઊજવાય અને પૂજાય છે. પહેલી નવરાત્રિ મહા મહિનામાં આવે. બીજી ચૈત્ર મહિનામાં આવે. ત્રીજી અષાઢ મહિનામાં અને છેલ્લે વર્ષની આખરે આસો માસમાં શક્તિપૂજાની પરાકાષ્ઠા રૂપે આવતી નવરાત્રિ. આમ વર્ષમાં ચાર ચાર નવરાત્રિ આવે છે.
વિદ્વાનોએ ચારે નવરાત્રિને સાધના માટે ઉત્તમ સમય ગણાવ્યો છે. તંત્ર સાધના, મંત્ર સાધના, સ્વરસાધના, સ્વાસ્થ્ય સાધના, લક્ષ્મી સાધના અને પરીક્ષાના દિવસો છે એટલે આ માસ પૂરતી સ્કૂલ કૉલેજના વિદ્યાર્થીઓ માટે વિદ્યાસાધના, વેપારી માટે વિત્તસાધના, ધારાશાસ્ત્રી માટે ન્યાયસાધના.
મૂળ તો આ દરેક વ્યક્તિ માટે શક્તિ સાધનાના દિવસો છે. આમ તો બારે માસ માણસે સમતોલ આહાર અને યથાશક્તિ વ્યાયામ દ્વારા શક્તિ સિંચન કરવું જોઇએ. ચૈત્ર માસમાં સબરસ (નમક,મીઠું) આહારમાં ઓછું કરીને પલટાતી ઋતુમાં આરોગ્ય સાધના કરવી જોઇએ. જેમને અધ્યાત્મમાં રસ છે એમને માટે તંત્ર-મંત્ર સાધનાની વાત છે.
આદ્ય શક્તિ જગતજનની જગદંબાના પ્રાગટય વિશે પોરબંદરની સાધક માતા-પુત્રીએ અદ્ભુત ગ્રંથ શ્રી લલિતા ચરિતામૃત રચ્યો છે. ક્યારેક આ મુદ્દે વિચાર કરવા જેવો છે. ભગવાન શિવ સ્વયંભૂ ગણાય છે. આપોઆપ પ્રગટ થયા હતા. તો જગત જનની જગદંબાનું પ્રાગટય શી રીતે થયું એ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન આ પુસ્તકમાં થયો છે. અધ્યાત્મ માર્ગના સાધકો માટે આ સવાલ-જવાબ મહત્ત્વના છે.
પ્રાચીન કાળના વિદ્વાનો એમ માનતા કે શૈવ પંથમાંથી છૂટો પડીને શાક્ત પંથ રચાયો છે. ભગવદ્ ગોમંડળમાં પણ એવો અભિપ્રાય પ્રગટ થયો છે. એમાંથી શાક્ત પંથ અને શાક્ત સંપ્રદાય રચાયો. એમાં પણ પાછા વામપંથી અને દક્ષિણ પંથી, કાનચેલિયા, અઘોરપંથી, કરારી, ગાણપત્ય વગેરે ચૌદ પંદર બે ફાંટા પડયા.
મૂળ વાત શક્તિપૂજાની છે. આજના સંદર્ભમાં આ વાત ખૂબ મહત્ત્વ ધરાવે છે. ગરબા ગાવામાં અને દાંડિયા ડાન્સ કરવામાં અનેરો ઉત્સાહ ધરાવતા આપણે સૌ વાસ્તવ જીવનમાં લક્ષ્મણ વૃત્તિ કેળવી શકતા નથી. કોઇને ભાભી કહેવા કરતાં બહેન યા માતા કહેવાનું બહુ મુશ્કેલ છે.
સીતાજીનું અપહરણ રાવણ કરી ગયો ત્યારે માતાજીએ પોતાનાં આભૂષણો થોડા થોડા અંતરે ફેક્યાં હતાં. સીતામાતાની શોધમાં આવી રહેલા રામે જ્યારે જ્યારે લક્ષ્મણને એ આભૂષણો વિશે પૂછ્યું ત્યારે લક્ષ્મણે બહુ સરસ જવાબ આપેલો- હું તો રોજ સવારે એમને માતા ગણીને ચરણ સ્પર્શ કરતો એટલે માત્ર એમના ઝાંઝર (નુપૂર) ઓળખું છું. બાકીનાં આભૂષણો વિશે હું કશું જાણતો નથી. આજે આ ભાવનાનો લોપ થયો છે. કદાચ એટલે જ બળાત્કારો વધી ગયા છે. લગભગ રોજ પાંચ સાત સ્થળે બળાત્કાર થાય છે.
બળાત્કાર તો સમજ્યા, કેટલાક કિસ્સામાં સગ્ગો બાપ પુત્રી પર અત્યાચાર ગુજારતો પકડાય ત્યારે અરેરાટી થાય છે. એક તરફ પુત્રી ગમતી નથી, આજે પણ કેટલાક સમાજમાં પુત્રી જનમતાની સાથે એનું ગળું ઘોંટી દેેવામાં આવે છે, બીજી બાજુ સગ્ગો બાપ પુત્રી પર જુલમ કરે છે. તો પછી શક્તિપૂજા કે નવરાત્રિનો અર્થ શો ? કે પછી પૂજાને નામે દંભ આચરવામાં આવે છે ?
સાચી શક્તિ પૂજા ત્યારે થઇ કહેવાય જ્યારે અધરાત મધરાત નિર્જન સડક પર એકલી ચાલી જતી બહેન-દીકરી નિર્ભય રહી શકે. કોઇ એની તરફ આંખ પણ ઊંચી ન કરે. એને કશાયનો ભય ન હોય. આવી પરિસ્થિતિ આપણા દેશમાં કદી સ્થપાશે ખરી ? ઠેર ઠેર યોજાતી રામાયણ કથામાં વ્યાસપીઠ પર બેઠેલા કથાકારોએ લક્ષ્મણ વૃત્તિ કેળળવા પર ભાર મૂકવાની જરૂર છે.
આજે સૌથી વધુ જરૂર લક્ષ્મણની છે, . એક ફિલ્મમાં દિવ્યાંગ મલંગચાચાનો રોલ કરનારા પીઢ અભિનેતા પ્રાણસાહેબના મુખમાં એક ડાયલોગ હતો, રામ હર યુગ મેં પૈદા હોતે હૈં ભારત, લક્ષ્મણ પૈદા નહીં હોતા... લગભગ ચોપ્પન પંચાવન વર્ષ પહેલાં લખાયેલો એ ડાયલોગ આજે એકસો ટકા ફિટ બેસે છે. કથાકારો આ લક્ષ્ય સિદ્ધ કરી શકે તો દેશની અને બહેન-દીકરીઓની બહુ મોટી સેવા કરી ગણાશે.
- Tags :
- Ajit-Popat
- To-the-Point
Comments
Post a Comment