બરસાતના સંગીતે સમકાલીનેાને આંચકો અને રાજ કપૂરને લોગોનું ચિત્ર આપ્યું




બરસાત ફિલ્મ રજૂ થઇ એ પહેલાંથી એનાં ગીતો ઘેર ઘેર જાણીતાં થઇ ગયાં હતાં. સૌથી રસપ્રદ વાત એ હતી કે મહારાષ્ટ્રના એક અતિ ઉત્સાહી નેતા કેન્દ્રમાં પ્રધાનપદે હતા તેમણે ફિલ્મ સંગીતને હલકું ગણાવીને આકાશવાણી પર એ રજૂ નહીં કરવા એવો તઘલખી નિર્ણય લીધો હતો. આમ છતાં બરસાતનાં ગીતો હિટ નીવડયાં. એની પાછળનું રહસ્ય શું ? આરકેની બોબી જેવી ફિલ્મના સહલેખક અને આરકે સાથે પ્રચારક તરીકે જોડાયેલા વી પી સાઠેએ એનો સરસ જવાબ આપેલો. એક મુલાકાતમાં સાઠેએ કહેલું, તમે શંકર જયકિસન સાથે સમકાલીન સંગીતકારોની થોડીક બંદિશોને મૂકો. પછી નક્કી કરો કે જેને ભારતીય સંગીતનો જરા પણ અભ્યાસ નથી એવો આમ આદમી પણ સાંભળીને તરત ગણગણવા માંડે એવું સંગીત કોનું હતું ?  માત્ર સરળતા એમ નહીં, સાંભળનારમાં ઉત્સાહનો સંચાર કરે અને ગીતના તાલ સાથે એને પોતાના પગનો તાલ મેળવવાની ઇચ્છા જાગે એવું સંગીત કોનું હતું ? તમારા સવાલનો જવાબ મળી જશે.
વાંચો ફરીથી અને વિચારો. પૂર્વ અને પશ્ચિમ બંનેના સંગીતની ખૂબીઓનો દૂધ-સાકર ન્યાયે સમન્વય કરીને શંકર જયકિસને જે શુભારંભ કર્યો એની પરાકાષ્ઠા તમે પછીના દાયકાઓમાં આવેલા આરડી બર્મન, બાપ્પી લાહિરી કે આજના એ આર રહેમાનમાં જોઇ શકેા. વાતને સમજજો. છોડ ગયે બાલમ... ભલે ભૈરવીમાં સ્વરબદ્ધ હોય, એની સાથે ઇન્ટરલ્યૂડમાં વાગતાં વાજિંત્રો અને ઇન્ટરલ્યૂડની સૂરાવલિ યાદ કરો. સંગીતમાં બિલકુલ રસ ન હોય એવી વ્યક્તિને પણ સાંભળીને ગમગીન કરી દે એવી શક્તિ આ તર્જમાં અને એના ઇન્ટરલ્યૂડમાં હતી. અને આ માત્ર એકલદોકલ દાખલો નથી. શંકર જયકિસનની લગભગ તમામ બંદિશોમાં તમને આ અહેસાસ થશે. એમાં શંકર જયકિસનનો વિજય હતો. સંગીતકાર નૌૈશાદ સાથે વાતો થતી ત્યારે એ કહેતા કે આ બંનેએ મધ્યમ વર્ગના અને નિમ્ન વર્ગના સિનેરસિકને ઝૂમતા કરી દીધા... પહેલીજ ફિલ્મથી આ બંનેએ જાણે લોકનાડના સઘન પારખી હોય એવો અહેસાસ કરાવ્યો.
ઔર એક વાત. આ ફિલ્મના સંગીતે રાજ કપૂરને એની કંપની આર કે સ્ટુડિયો માટે એક સરસ લોગો આપ્યો. હીરોના એક હાથમાં ઝૂકી રહેલી નાયિકા અને બીજા હાથમાં વાયોલિન...એ લોગો બરસાત ફિલ્મના એેક દ્રશ્યમાં ઉપસ્યો હતો. અહીં એક સરસ આડવાત. એવરગ્રીન અભિનેતા દેવ આનંદે બરસાત પછી વાયોલિન શીખવાનું છોડી દીધું. આ એમના મોઢે સાંભળેલી વાત છે. લાહોરની કૉલેજમાં ભણતા ત્યારે વાર્ષિક પ્રોગ્રામમાં કે એલ સાયગલનાં ગીતો ગાતા. મુંબઇમાં આવ્યા પછી વાયોલિન શીખવાનું શરૃ કર્યું. રાજ કપૂરે વાયોલિનને પોતાના લોગોમાં સ્થાન આપ્યું એ સાથે દેવ આનંદે વાયોલિનને વિદાય આપી. દેવ અને રાજ બંને વચ્ચે ગાઢ મૈત્રી હતી. તમને યાદ હોય તો રાજ સાહેબના અવસાન પછી એના પાર્થિવ દેહ નજીક દેવ આનંદ કેમેરાની શરમ છોડીને રડી પડયો હતો.
ખેર, વાત એ હતી કે બરસાતનાં ગીતોમાં અનેરી તાજગી હતી. તમને શાસ્ત્રીય સંગીતનો ખપ પૂરતો પણ અભ્યાસ હોય તો રાગ લલિતને યાદ કરો. એમાં બે મધ્યમ સ્વરો છે. આ એક પ્રાતઃકાલીન રાગ છે. રાત હજુ પૂરી નથી થઇ એનો અણસાર તીવ્ર મધ્યમ આપે અને દિવસ ઊગું ઊગું થઇ રહ્યાનો અહેસાસ શુદ્ધ મધ્યમ કરાવે. બરસાતનાં ગીતોમાં આવો અહેસાસ હતો. ફિલ્મ સંગીતના સુવર્ણયુગની નાંદી આ સંગીતમાં હતી. જો કે એ સમયે શંકર જયકિસન પોતાની આ ક્રાન્તિ વિશે સભાન નહોતા. એ બંને તો સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી તક મળી એના આનંદમાં હતા અને એ આનંદ એમણે પોતાની તર્જો દ્વારા સિનેરસિકો સાથે વહેંચ્યો એમ કહીએ તો ચાલે. બરસાતના સંગીતે સમકાલીનેાને આંચકો અને રાજ કપૂરને લોગોનું ચિત્ર આપ્યું
પહેલી ફિલ્મના સંગીતે એમને સફળતાનો જે અહેસાસ કરાવ્યો એના પગલે શંકર જયકિસને પછી જે જે પ્રયોગો કરવા માંડયા એ મોટા ભાગના સમકાલીન સંગીતકારોને પણ વિસ્મયનો અનુભવ કરાવે એવા હતા. એમાં પૂર્વ-પશ્ચિમના સંગીતનો સમન્વય હોવા ઉપરાંત ફિલ્મની કથામાં આવતાં લોકેશનો, ફિલ્મના કલાકારોની સ્થપાઇ રહેલી ઇમેજ, ગીતની સિચ્યુએશન અને ગીતના શબ્દો- આ બધાંનું એવું મિશ્રણ હતું જેેને સહેલાઇથી શબ્દોમાં વર્ણવી ન શકાય. વૈશાખી બપોરે ભરતડકામાં પગે ચાલીને આવતાં પરસેવે રેબઝેબ માણસને કાળી માટીના માટલાનું શીતળ જળ મળેે ત્યારે જે સંતોષનો અહેસાસ થાય એને શબ્દોમાં શી રીતે મૂકવો ? પૂર્વ-પશ્ચિમનો સમન્વય એટલે શું એ હવે જોઇશું. હવે પછી એવા કેટલાંક ગીતોની વાત કરવાના છીએ જેમાં આ બંનેની સર્જન પ્રક્રિયામાં આપણે સૌ સહભાગી થઇશું. (ક્રમશઃ)
-------------------

Comments