હિંસા પ્રબળ હિંસાની આગળ થાય કેવી દયામણી ?

કયા શાયરે આ અદ્ભુત શાયરી રચી છે એનો ખ્યાલ નથી. પરંતુ જે વાત કરી છે એ ખરેખર અનુભવ સિદ્ધ વાંચો એકાગ્રતાથી એ  શાયરી- 'હિંસા પ્રબળ હિંસાની આગળ થાય કેવી દયામણી ! એક યુદ્ધ બીજા યુદ્ધના બીજની કરે છે વાવણી, મારનારો ઊંઘમાં પણ બીકનાં વાક્યો બકે, માર ખાનારો નિરાંતે ઘેર જઇ ઊંઘી શકે...' કેટલી સચોટ વાત કરી છે આ શાયરે !  તાજેતરની બે ઘટનાના સમાચારો વાંચતાં અને ટીવી પર એનાં દ્રશ્યો જોતાં આ શાયરી યાદ આવી.
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં અણધાર્યો હુમલો કરીને સંખ્યાબંધ નમાજીઓને હણી નાખવામાં આવ્યા. એનો બદલો લેવા માટે શ્રીલંકામાં અઢીસોથી વધુ ઇસાઇઓને બોમ્બ વિસ્ફોટ દ્વારા મારી નાખવામાં આવ્યા. શ્રીલંકાના ઇસાઇઓએ શો ગુનો કર્યો હતો કે એમને મારી નાખ્યા ?
ક્યાં ન્યૂઝીલેન્ડ અને ક્યાં શ્રીલંકા ? લોહી રેડવાની આ ખતરનાક રમત કોણે ક્યારે શરૂ કરી એ પિષ્ટપિંજણમાં પડવાની જરૂર નથી. સવાલ એ છે કે આવું 'ધર્મઝનૂન' ક્યાં જઇને અટકશે ? ખરેખર તો ધર્મ અને ઝનૂન એકબીજાના વિરોધી શબ્દો ગણાવા જોઇએ. માનવ અધિકારની સૂફિયાણી વાતો કરનારા કહેવાતા સેક્યુલર કર્મશીલોને આ વાત નહીં સમજાય.

ઊંઘતો માણસ જાગે, જાગતો માણસ ન જાગે... લોકોક્તિ યાદ કરવા જેવી છે. કહેવાતા આ સેક્યુલરો ઊંઘવાનો ડોળ કરીને પડયા રહેલા જાગતા જણ જેવા છે. એમને માટે માનવ અધિકાર માત્ર આતંકવાદીઓ કે નક્સલવાદીઓનો હોઇ શકે. બીજા બધા તો કીડા મંકોડા કહેવાય.
સૌથી વધુ વિસ્મય એક દેશમાં બનેલી ઘટનાનો બદલો બીજા દેશમાં લેવામાં આવે એ વાતનું છે. વરુ અને ઘેટાના બચ્ચાની વાર્તા જેવું થયું છે. ઊંચેથી વહીને નીચાણ તરફ આવતા એક ઝરણાની ઊંચી બાજુએ રહીને પાણી પી રહેલા વરુએ નીચાણમાં પાણી પી રહેલા ઘેટાના બચ્ચાને જોયું અને એની દાઢ સળકી.

તારું એઠું પાણી મને પીવરાવે છે એવા સાવ ખોટ્ટા આક્ષેપથી શરૂ કરીને તેં નહીં તો તારા પપ્પાએ મને ગાળ આપી હશે... સુધીની દલીલો પછી વરુએ ઘેટાના ભોળા-ભીરુ બચ્ચા પર તરાપ મારીને એને મારી ખાધું. એ બાળ વાર્તા  યાદ કરવા જેવી છે. આતંકવાદ આતંકવાદ છે. એને કોઇ ધર્મ હોતો નથી. રમજાનના પવિત્ર મહિનામાં કે ઇદ જેવા પાવન પર્વે પણ લોહી રેડાયું છે એ દેખાડે છે કે આતંકવાદીઓને વિશ્વના કોઇ ધર્મ સાથે કશી લેવાદેવા નથી.
ક્રૂઝેડ કહો કે જિહાદ કહો યા ધર્મયુદ્ધ કહો, નિર્દોષ લોકોનું લોહી રેડવામાં કયો ધર્મ ક્યાંથી વચ્ચે આવ્યો ? ધર્મના નામે રચાયેલા પાકિસ્તાનની દુર્દશા દુનિયા આખી જોઇ રહી છે. દૂધ પાઇને ઊછેરેલો આતંકવાદનો એરુ અત્યારે પાકિસ્તાનને પણ ડંસી રહ્યો છે. આટલું ઓછું હોય એમ પાકિસ્તાનમાં તમામ મુસ્લિમ ફિરકાઓ અંદર અંદર લડી રહ્યા છે.
આ આંતરકલહ આખરે તો સમગ્ર દેશને ખતમ કરી શકે છે. બદનામ તો કરે જ છે. દુનિયા આખી સમક્ષ પાકિસ્તાન ગુનેગારોનું સ્વર્ગ અને આતંકવાદીઓનું મેટર્નિટી હોમ સાબિત થઇ ચૂક્યંુ છે. હજુય એની આંખ ઊઘડતી નથી. કાં પછી શરૂમાં કહ્યું એમ ઊંઘવાનો ડોળ કરીને પડી રહેલા જાગતા જણ જેવી એની સ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી એને પરવરદિગાર પણ ઊગારી શકે એમ નથી.
ધર્મ શબ્દ જ કેટલેા બધો અનંત છે ! ધારયતિ ઇતિ ધર્મથી શરૂ કરીને ધર્મની અસંખ્ય વ્યાખ્યા કરાઇ છે. જેને જે વ્યાખ્યા અનુકૂળ આવતી હોય એ સ્વીકારી લ્યે. વિદ્યાર્થીનો ધર્મ અલગ, વેપારીનો અલગ, ગૃહસ્થનો અલગ અને સંન્યાસીનો અલગ. જજનો અલગ અને વકીલોનો અલગ. પિતાનો અલગ અને પુત્રનો અલગ.

વ્યાપક અર્થમાં એને જવાબદારી કે ફરજ કહીએ તો ચાલે. પરંતુ ધર્મની જે વ્યાખ્યા કરો તો, એમાં બેગુનાહ લોકોનું લોહી રેડવાની વાત આવતી નથી. છતાં રસપ્રદ વાત એ છે કે મોટા ભાગની હિંસા ધર્મના નામે થાય છે. ન્યૂઝીલેન્ડમાં મુસ્લિમો મર્યા તો શ્રીલંકામાં ઇસાઇ પ્રજાનો ભોગ લેવાયો.

આ એક અનંત વિષચક્ર છે. હવે પછીના હુમલામાં કોણ કોનો ભોગ લેશે એ કહેવું મુશ્કેલ છે. આરંભે જે શાયરી કહી એના શાયરે સરસ રીતે વાત કરી- 'એક યુદ્ધ બીજા યુદ્ધના બીજની કરે છે વાવણી..' કોઇકે ક્યાંક તો અટકવાનું છે. આ વેરપિપાસા વણથંભી ચાલુ રહે તો એમાં કોઇને કશો લાભ નથી. માનવ ઇતિહાસમાં આ ઘટનાઓ કાળા અક્ષરે કલંકિત પ્રસંગો તરીકે વર્ણવાશે. પેઢી દર પેઢી એની વિરાસત સતત વહેંચાતી રહેશે. સમગ્ર જીવસૃષ્ટિમાં સૌથી બુદ્ધિશાળી ગણાતો માણસ કદીય ડાહ્યો નહીં થાય ? કોણ જાણે.

Comments