બરસાત રજૂ થઇ ત્યાર પછીના વરસે ૧૯૫૦માં શંકર
જયકિસનની એેક પણ ફિલ્મ રજૂ ન થઇ. એ સમયના
જામી ગયેલા ધુરંધરોને થોડ ીક હા...શ થઇ
હશે કે આ જુવાનિયા તો પહેલીજ મેરેથોન રનમાં હાંફી કે થાકી ગયા. પરંતુ એમને ખ્યાલ
નહોતો કે આ બંને લંબી રેસ કા ઘોડા હતા.
શિકાર પર હુમલો કરવા અગાઉ ચિત્તો કે વાઘ જે રીતે શરીરને પણછની જેમ પાછળની બાજુએ
ખેંચે એ રીતે આ બંને રાજ કપૂરની આવનારી
ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા.
બરસાત પછીના એક વરસમાં તેમણે લીધેલા વિરામ પછી જે
વિસ્ફોટ સર્જ્યો એ કેવો હતો એની એક ઝલક જરા જુદી રીતે આપું. રાજ કપૂરની પુત્રી
રિતુ નંદાએ પોતાના પિતા વિશે એક પુસ્તક લખ્યું છે. એમાં એક ઘટના વર્ણવી છે.
અવસાનનાં થોડાં વરસ
પહેલાં શ્રીમતી કૃષ્ણા કપૂર અને રીતુ રશિયાના પ્રવાસે ગયેલાં. જે હૉટલમાં ઊતારો
હતો તેના રજિસ્ટરમાં નામ સરનામું વગેરે નોંધી રહ્યાં હતાં ત્યાં ડેસ્ક પર બેઠેલા
રિસેપ્શનીસ્ટે વાંચ્યું કે આ તો રાજ કપૂરનાં પત્ની છે. એણે તરત ફોનમાં પોતાના
ઉપરીને જાણ કરી. તરત હૉટલના જનરલ મેનેજર અને સંચાલકો દોડતાં આવ્યા અને શ્રીમતી
કૃષ્ણા કપૂરને પ્રણામ કરવા લાગ્યા. તેમણે કહ્યું, ' આજે પચાસ સાઠ વર્ષ
પછી પણ જેમનાં ગીતો અમે ગાતાં અને માણતાં ધરાતાં નથી એવા એ ગ્રેટેસ્ટ શો મેન ઑફ ધી
અર્થનાં પત્ની અમારે ત્યાં પધાર્યાં એ અમારું સદ્ભાગ્ય છે. એમ કહીને એ લોકોએ ફિલ્મ
આવારાનું ટાઇટલ ગીત વગાડયું અને લોકલ ઇલેક્ટ્રોનિક મિડિયાને જાણ કરી કે રાજ
કપૂરનાં પત્ની આવ્યાં છે. 'મારી અને મમ્મીની આંખો તો હરખના
આંસુથી છલકાઇ ગઇ... મારા પિતાએ પોતાની ફિલ્મોમાં જે સંગીત પીરસ્યું છે એ
દુનિયાભરના અને ખાસ તો રશિયાના લોકોને આજેય ઘેલાં કરે છે એ જાણી અમે ગૌરવ
અનુભવ્યું' એમ રીતુએ લખ્યું છે.
યસ, આ
વાત છે ફિલ્મ 'આવારા'ની. અગાઉ જણાવેલું
એમ દરેક ફિલ્મના દરેક ગીતની વાતો અહીં શક્ય નહીં બને પરંતુ બે-ત્રણ ગીતોની નોંધ તો
લેવીજ રહી. પહેલું ગીત ટાઇટલ સોંગ 'આવારા હું, યા ગર્દિશ મેં હું આસમાન કા તારા હું...' મૂકેશજીના
કંઠમાં છે. આ ગીતનો ઉપાડ જ મેં અગાઉ સમજાવેલું એેમ હાર્મોનિયમ પ્લસ એકોર્ડિયનના
ખટકદાર ટુકડાથી થાય છે.
અગાઉ વર્ણવેલો મુદ્દો રિપિટ નથી કરવો પરંતુ ગીત સાંભળો. બે
વાત બનશે. એક, તમને મૂકેશજીની સાથે ગણગણવાની ઇચ્છા જાગશે અને
બીજું એક પ્રકારનો ઉત્સાહ અનુભવશો. સાહિત્યમાં વર્ણવેલા શૃંગાર, હાસ્ય કરુણ રૌદ્ર, વગેરે રસ ભૈરવીમાં કેવી રીતે
નિષ્પન્ના થાય છે એ શંકર જયકિસનનાં સંગીતમાં તમે અનુભવી શકો. આ બંનેએ ફક્ત ભેૈરવી
રાગિણી પર આધાર રાખીને સર્જેલાં ગીતો સાંભળો તો પણ ભૈરવીમાં રહેલી અનંત શક્યતાઓ
તમને અવાક્ કરી દે. નજીકના ભવિષ્યમાં એની વાત પણ કરીશું.
બીજું ગીત ફિલ્મ
સંગીતના સુવર્ણયુગનું એક સોનેરી પ્રકરણ છે. બે તદ્દન જુદાં જુદાં ગીતનું સંકલન
કરીને રાજ કપૂરે ડ્રીમ સોંગ રચ્યું. અગાઉ આ પ્રકારનો પ્રયોગ કોઇએ કર્યો નહોતો.
જીવનની સંધ્યાએ એક તબક્કે રાજ કપૂર અને શશી કપૂર બંને ભાઈઓ મુંબઇની બ્રીચ કેન્ડી
હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે શશીએ પિતા સમાન (બંને વચ્ચે ઉંમરનો લગભગ સત્તર
અઢાર વર્ષનો ફરક હતો) મોટાભાઇને પૂછેલું કે આજે ૧૯૭૦ના દાયકામાં તમે આવારાનું
ડ્રીમ સોંગ ફરી સર્જી શકો ખરા ? 'અફકોર્સ, વ્હાય નોટ
? પરંતુ એ માટે તારે મને મારી એ સમયની ટીમ લાવી આપવી પડે,
એ સમય પાછો લાવી દેવો પડે... મારી ગુમાયેલી જુવાની પાછી આપવી પડે...'
રાજ કપૂરે જવાબ આપેલો. સ્વરકિન્નરી લતાજીની વાત સાચી માનીએ તો ડ્રીમ
સિક્વન્સનાં બંને ગીતોનું સમાંતર રેકોર્ડિંગ લગભગ સત્તર અઢાર કલાક ચાલ્યું હતું.
વાતમાં થોડી અતિશયોક્તિ લાગે પરંતુ એની પાછળ એક રહસ્ય છે. એક ગીત પૂરું થાય અને
તરત એની સાથે બીજું તદ્દન અલગ મૂડ ધરાવતું ગીત શરૃ થઇ જાય એવો આ પહેલો પ્રયોગ હતો.
અગાઉ કોઇએ આ પ્રકારનો પ્રયોગ કર્યો નહોતો એટલે સ્વાભાવિક રીતેજ રાજ કપૂરની ટીમે આ
ટ્વીન ગીત માટે અક્ષરસઃ પરસેવો વહાવ્યો હતો. એ સમયે માત્ર એક માઇક વડે રેકોર્ડિંગ
થતું, ગાયક અને સાજિંદા વચ્ચે આજની જેમ ડઝનબંધ માઇક્સ
નહોતાં. ટેક્નોલોજી મર્યાદિત હતી એટલે બેસ્ટ આઉટપુટ માટે ભગીરથ પરિશ્રમ કરવો જ
પડે. તેરે બિના આગ યે ચાંદની... ગીતમાં મન્ના ડે અને લતાજી હતાં તો ઘર આયા મેરા
પરદેશીમાં લતાજી અને કોરસ હતું. બંને ગીતો
શૈલેન્દ્રની કમાલ હતી. તકલીફ ક્યાં થઇ કે ગીતના રેકોર્ડિંગમાં સત્તર અઢાર કલાકો
લાગ્યા એ વાત ખરેખર રસપ્રદ છે. આવતા શુક્રવારે એ વાત આગળ વધારીશું.
----------------------------
Comments
Post a Comment