રીસામણાં મનામણાંનાં ગીતોમાં પણ એજ તાજગી-સ્ફૂર્તિ પ્રગટ કરી

બરસાતનાં ગીતોની વાત કરતી વખતે આપણે શૃંગારનાં મિલન અને વિરહ બે પાસાંની વાત કરી હતી. એ બંને ગીતો ભૈરવી રાગિણીમાં હતાં. શૃંગારનું ત્રીજું અને મધમીઠ્ઠું પાસું રીસામણાં-મનામણાંનું છે. 

પ્રિયપાત્ર રીસાય એ કોને ગમે ? રીસાયેલા પ્રિય પાત્રને મનાવવાનો પણ અનેરો આનંદ હોય છે. રીસામણાંની એ ક્ષણો જેટલી જલદી વિરમે એટલી બીજા પાત્રને નિરાંત થાય. શંકર જયકિસને રીસામણાં મનામણાંનાં પણ બે-ત્રણ ગીતો પાછળથી આપ્યાં. એનું મુખ્ય કારણ એ કે ફિલ્મની કથામાં રીસામણાં-મનામણાંનું ગીત મૂકી શકાય એવી તક ઊભી થવી જોઇએ ને ! એવું એક ગીત તૌ ભૈરવીમાં જ છે. તમને પણ અચૂક યાદ હશે. 'મેરે મન કી ગંગા ઔર તેરે મનકી જમુના કા બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં ?' એવા સંુદરના સવાલના જવાબમાં રાધા તુચ્છકારે છે-'નહીં...કભી નહીં...'  જો કે અહીં રીસામણાં કરતાં છેડછાડ વધુ અનુભવાશે. 
એવુંજ બીજું ગીત પણ ઘણે અંશે છેડછાડનું છે. 'સંગમ' ફિલ્મ રાજ કપૂરની હતી અને રાજ કપૂર પોતે એનો હીરો હતો. બીજંુ ગીત રાજના નાનાભાઇ શમ્મી કપૂરની ફિલ્મનું છે. શમ્મી કપૂર સાથે એક કરતાં વધુ ફિલ્મો કરનારી પીઢ અભિનેત્રી આશા પારેખના શબ્દો ટાંકીએ તો 'શમ્મી કપૂરની રગેરગમાં રિધમ હતી.' એ તબલાં પણ બહુ સારા વગાડી જાણતો.

એની શક્તિ સામંત સર્જિત ફિલ્મ 'એન ઇવનિંગ ઇન પેરિસ'માં એક સરસ ગીત છે. 'આસમાન સે આયા ફરિશ્તા, પ્યાર કા સબક સીખલાને કો, દિલ મેં હૈ તસવીર યાર કી, લાયા હું વો દિખલાનેકો, કહો પ્યાર હૈ તુમસે .. ? ' જવાબમાં શર્મિલા ટાગોર છણકો કરે છે 'જાજ્જા...' આ ગીત સાથે એક જુદા પ્રકારનું સંભારણું સંકળાયેલું છે. મોટા ભાગના વાચકો જાણતા હશે અને છતાં ઘણાનો આગ્રહ છે કે સંભારણાં ટૂંકાવતાં નહીં એટલે ટૂંકમાં કહી દઉં. 
શમ્મી કપૂર મોટે ભાગે પોતાનાં ગીતોનાં રેકોર્ડિંગમાં પોતે હાજર રહેતો અને ગાયકને પોેતે કઇ સ્ટાઇલથી ગીતને રજૂ કરવા ઇચ્છે છે એ બાબતે ચર્ચા કરવા ઉપરાંત ગાનારને પોતાની ડાન્સ સ્ટાઇલથી વાકેફ કરતો. આ ગીત રેકોર્ડ થયું ત્યારે શમ્મી કપૂર મુંબઇમાં હાજર નહોતો. છતાં શંકર જયકિસને ગીત રેકોર્ડ કરી લીધું. શમ્મી પ્રવાસમાંથી પાછો ફર્યો અને ગીતનું સિચ્યુએશન સમજી લીધા બાદ ગીત સાંભળ્યું તો છક થઇ ગયો. એણે રફી સાહેબને ફોન કર્યો કે આપ ને તો કમાલ કર દિયા... મુઝે ડાન્સ સ્ટેપ્સ કે લિયે જો કુછ ચાહિયે થા વો આપને ગાને મેં ડાલ દિયા... 

રફી સાહેબે થેંક્યુ કહ્યું અને નમ્રભાવે જવાબ આપ્યો કે તમારી ડાન્સ સ્ટાઇલથી હવે હું પરિચિત થઇ ચૂક્યો છું. મેં શંકર જયકિસનને ફક્ત એટલું પૂછેલું કે આ ગીત કયા અભિનેતા પર ફિલ્માવવાનું છે ? એ લોકોએ તમારું નામ લીધું. તરત મેં મારા કલ્પના ચક્ષુ સમક્ષ તમને ડાન્સ કરતાં કલ્પીને ગીત ગાઇ નાખ્યું. જરા વિચારો દોસ્તો, રફી સાહેબ જે તે કલાકારની ગેરહાજરીમાં પણ ગીતને કેવી રીતે  જીવંત બનાવી દેતા !
બાય ધ વે, સેંકડો ફિલ્મ ગીતોમાં હવાઇન ગિટારવાદન કરનારા દાદુ ગિટારવાદક વાન શિપ્લેની જીવનકથા લખનારે એવો દાવો કર્યો છે કે બરસાતનાં ગીતોમાં વાયોલિન વાન શિપ્લેએ છેડયું હતું અને એમની સ્ટાઇલના આધારે રાજ કપૂરે પોતાની કંપની આર કે ફિલ્મ્સનો લોગો તૈયાર કરાવ્યો હતો. હોઇ શકે, એવું બન્યું હશે. આપણને કોઇ વિવાદમાં રસ નથી. આ જીવનકથા લેખકનો એવો પણ દાવો છે કે આવારામાં પણ વાન શિપ્લેએ વાયોલિન તથા હવાઇન ગિટાર બંને વગાડયાં હતાં. મે બી. 
પરફેક્ટ રીસામણાંનાં ગીતો માટે યોગ્ય સિચ્યુએશન હાથ લાગે તો જ એ પ્રકારનું ગીત રચવાની તક મળે. એમ તો બસંત બહાર ફિલ્મના રાગ ઝિંઝોટી પર આધારિત ગીત 'જા જા રે જા બાલમવા, સૌતન કે સંગ રાત બિતાયી, કા હે કરત અબ જૂઠી બતિયાં...' પણ રીસામણું કે ફરિયાદનું ગીત કહી શકીએ.

ફિલ્મ બેટીબેટેનું રાગ અડાણા (અન્ય મતે દરબારી કે દરબારી કાનડા) પર આધારિત એક ગીત છે પણ આ પ્રકારનાં ગીતોમાં મૂકી શકીએ. મુહમ્મદ રફીએ ગાયેલું એ ગીત એટલે 'રાધિકે તૂને બંસરી ચુરાઇ, બંસરી ચુરાઇ ક્યા તેરે મન આયી, કાહે કો રાર મચાઇ મચાઇ રે... ?' આ તો માત્ર એક ઝલક છે. શૃંગારની જે વિવિધ સંવેદનાનો ઉલ્લેખ કરવા માટે આ રીતે વાત માંડી હતી. (ક્રમશઃ)

Comments