બધી વિદ્યાશાખામાં વેકેશન-બેચથી કામિયાબ ન થવાય, બોસ !

ઘેર આવતાં અખબારો સાથે જાહેરખબરનાં કેટલાંક ચોપાનિયાં આવવા માંડયાં છે. દર વરસે માર્ચ એન્ડ અને એપ્રિલના આરંભે આવું બને છે એટલે નવાઇ ન લાગે. ન લાગવી જોઇએ. પરંતુ ક્યારેક ચોંકી જવાય છે. હમણાં એક ચોપાનિયું આવ્યું. કી બોર્ડ અને ગિટાર શીખવા માટે બેસ્ટ વેકેશન બેચ... અન્ય એક ફરફરિયામાં સુગમ સંગીતના વેકેશન બેચની વાત હતી. 

આવા બેચ ચલાવતા શિક્ષકો બેશક, સરસ શીખવતા હશે. એમની ક્ષમતા અંગે કોઇ શંકા નથી. પરંતુ શાંતિથી વિચારતાં ખ્યાલ આવે કે સંગીત જેવી કલામાં એક કે દોઢ માસમાં શીખી શીખીને કેટલું શીખી શકાય ?
એક સત્યઘટનાથી વાત કરું. હાલ હયાત નથી એવા એક ઉસ્તાદજી સાથે બનેલી વાત છે. મુંબઇમાં ૧૯૫૦ અને '૬૦ના દાયકામાં સૂર સિંગાર સંસદ નામની સંસ્થાની બોલબાલા હતી. દર વરસે સ્વામી હરિદાસ સંગીત સંમેલન યોજતી. ધોબી તલાવ પર સેંટ ઝેવિયર્સ કૉલેજની બાજુમાં આવેલા રંગભવનમાં રોજ રાત્રે પાંચ સાત હજાર સંગીત રસિયાની ભીડ થાય.

માતબર અંગ્રેજી અખબારો એનંુ રિપોર્ટિંગ કરે. એક અંગ્રેજી અખબારમાં નાડકર્ણી અટક ધરાવતા અને ભારતીય સંગીતના ધુરંધર અભ્યાસી રોજની બેઠકની સમીક્ષા કરે. એકવાર આ બડે ઉસ્તાદજીને વાતવાતમાં કહ્યું હશે કે તમને વરસોથી સાંભળું છું.
તમે મેાટે ભાગે ફલાણો એેકજ રાગ ગાતા હો છો. એવું કેમ ? ઉસ્તાદજીએ માર્મિક સ્મિત કરતાં કહ્યું, અરે ભાઇ, પંદર વર્ષ ગાયા પછી પણ હજુ આ એક રાગ મને પૂરેપૂરો આવડતો નથી. દર વખતે એમાંથી કંઇક નવું પ્રગટ થાય છે. તો બીજો રાગ શી રીતે ગાઉં ...
આ સંવાદ અંગ્રેજી અખબારમાં એજ સ્વરૂપે પ્રગટ થયો હતો. વિદ્વાન સંગીતકારો કહે છે કે સવારે ભૈરવ અને સાંજે યમન આ બે રાગ તમને બરાબર આવડે તો બીજા રાગો આપોઆપ શીખવા સહેલા થઇ પડે. ૧૯૫૦ના દાયકામાં આજના જેવી ભાગંભાગ નહોતી. આ બંને રાગ મોટા ભાગના વિદ્યાર્થીઓએે એક એક વરસ સુધી શીખવા પડતા. આજે વીસ પચીસ દિવસમાં સંગીત શીખવવાની વાતો સાંભળીએ ત્યારે અચરજ થાય. એકાદ માસના વેકેશન બેચમાં બહુ બહુ તો શુદ્ધ સ્વરોના અલંકારો શીખી શકાય. એથી વિશેષ કશું નહીં.
સિવાય કે કોઇ વિદ્યાર્થીમાં જન્મજાત પ્રતિભા હોય અને પાંચ સાત વર્ષની વયે સંગીતની બારીકી સમજતો થઇ ગયો હોય. બાકી તો પંડિત ઓમકારનાથ ઠાકુર કહેતા એમ તમે અંતિમ શ્વાસ લગી કંઇક શીખતા રહો એટલી હદે સંગીત ગહન વિદ્યા છે.
આ વાત ભારતીય અને પાશ્ચાત્ય બંને પ્રકારના શાસ્ત્રીય સંગીતને લાગુ પડે છે. લગભગ દુનિયાના દરેક ધર્મમાં સંગીતને પરમ તત્ત્વ કે પરમાત્માની નજીક પહોંચવાનાં પગથિયાં સમાન ગણાવાયું છે.  મૈહર ઘરાનાના એક અને અજોડ બાંસુરીવાદક પંડિત પન્નાલાલ ઘોષના જીવનનો એક પ્રસંગ આ સંદર્ભમાં સૂચક જણાય છે.

જીવનની પાછલી અવસ્થામાં પન્નાબાબુ કલકત્તામાં રામકૃષ્ણ મિશનના એક સિદ્ધિવંત સાધુને મળવા ગયેલા. પન્નબાબુ એમને કહે કે મને ધ્યાન શીખવો, મારે સમાધિનો અનુભવ કરવો છે. રામકૃષ્ણ પરમહંસની પરંપરાના પેલા સાધુ હસી પડયા. એ કહે, ગાંડો થયો છે કે ? તને તો સ્વરસાધના દ્વારા સમાધિનો અમારા કરતાં વધુ ઊંડો અનુભવ થયો છે. જા જા, ઘેર જા અને બાંસુરી છેડ. એમાં જ તને સમાધિ લાધશે.
વેકેશન બેચની જાહેરાત કરતા ચોપાનિયાએ આ બધી વાતો યાદ કરાવી. ક્યારેક બાળકને લઇને ફરવા નીકળેલાં માતાપિતા મળે ત્યારે કહે છે, આપણા ટીનુને ટીવીના છોટે ઉસ્તાદ કાર્યક્રમમાં મોકલવો છે. બે ત્રણ મહિનામાં કોઇ એને સંગીત શીખવી દે એવા શિક્ષક ધ્યાનમાં હોય તો કહેજો ને...સાંભળીને ચોંકી જવાય છે.
 દુનિયાભરના કરોડો લોકો માણતાં હોય એવા ટીવી પ્રોગ્રામની સ્પર્ધામાં બાળકને મોકલવું છે એ બહુ સારી વાત છે. પરંતુ એ માટે માત્ર ત્રણ-ચાર મહિનામાં એને તૈયાર શી રીતે કરી દેવું ? સંગીત માર્તંડ પંડિત જસરાજ ક્યારેક કહે છે, અખૂટ ધીરજ અને અથાક રિયાઝ કરો ત્યારે સંગીતનો સાક્ષાત્કાર થાય...એકવાર સાક્ષાત્કાર થાય એટલે શ્રી હરિનાં દર્શન થયાં સમજો... એ માટે કેટલાં માતાપિતા તૈયાર છે, વારુ ?

Comments