'મને એક
દિવસ નવાઇ લાગી કે આ ગોવાનીઝ ક્રિશ્ચન યુવકોને ભારતીય સંગીત તરફ આકર્ષણ કયા કારણે
થયું ? અમે બધા સાથે કામ કરતા હતા એેટલે બેધડક પૂછી લીધું કે
આપ લોગાંે કો ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ક્યોં શીખના હૈ ? ત્યારે એન્થની
(ગોન્સાલ્વિસ )એ કહ્યું કે રાજજી (રાજ કપૂર)ની ફિલ્મોમાં શંકર જયકિસન જે પ્રકારનું
સંગીત આપી રહ્યા છે એના હાર્દને અમારે સમજવું છે, જેથી અમે
પણ એમાં અમારી પૂર્ણ શક્તિ કામે લગાડી શકીએ,' કલ્યાણજીભાઇ
સમજાવી રહ્યા હતા. અગાઉ ગોવાનીઝ ક્રિશ્ચન સાજિંદાઓ સામે કોઇ પડકાર નહોતો. મોટા
ભાગના ફિલ્મ સંગીતકારોને સ્ટાફ નોટેશન (અંગ્રેજી સ્વરલિપિ) લખતાં-વાંચતાં આવડતું
નહોતું. પોતાની તર્જ આ ગોવાનીઝ યુવાનોને સંભળાવી દે. એને આધારે પેલા લોકો નોટેશન
લખીને સાજિંદાને આપી દે. રિહર્સલ્સ થાય અને ત્યારબાદ રેકોર્ડિંગ થઇ જાય. અન્યોને
અનિલ મોહિલે અને કિશોર દેસાઇ જેવા સાજિંદા ભારતીય નોટેશન લખીને આપે.
શંકર જયકિસને પહેલીજ
ફિલ્મમાં જે સંગીત પીરસ્યું એ સાંભળીને ગોવાનીઝ સાજિંદા સમજી ગયા હતા કે બીજાઓ
કરતાં આ કંઇક જુદું છે. કંઇક અલગ છે. એની સાથે કાઉન્ટર મેલોડી, હાર્મની
કે ગીતને અનુરૃપ ઇન્ટ્રો-ઇન્ટરલ્યૂડ તૈયાર કરવા માટે ભારતીય સંગીત ખપ પૂરતું સમજી
લેવું જરૃરી છે. એ દિવસોમાં રાજ કપૂરે બનારસથી ખમતીધર સારંગીવાદક ગોપાલ મિશ્રાને
પણ તેડાવેલા. આ ગોપાલ મિશ્રા હાલના ટોચના ક્લાસિકલ ગાયક પંડિત રાજન અને પંડિત સાજન
મિશ્રાના સગાં થાય. એમની વાત પછી કરીએ. ઔર એક સારંગીવાદક બોલિવૂડમાં હતા- પંડિત
રામ નારાયણ. તવાયફના કોઠાનું સાજ ગણાતી સારંગીને શાસ્ત્રીય સંગીતના સ્ટેજ પર સોલો
સાજ બનાવનારા પંડિત રામ નારાયણે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે મારા સાજને શાસ્ત્રીય
સંગીતનંુ સોલો સાજ બનાવવાની મારી તપસ્યામાં ફિલ્મ સંગીતે મને બહુ મદદ કરી. 'ફિલ્મ સંગીતના જોરે અમારા ઘરનો ચૂલો સળગતો અને મારી તપસ્યા ચાલુ રાખવામાં
મને મદદ મળતી.' અહીં એક ખાસ આડવાત કહું. પંડિત રામ નારાયણનો
પુત્ર બ્રિજ નારાયણ સારંગીને બદલે સરોદ વગાડતાં શીખ્યો, પરંતુ
પુત્રી અરુણા પિતાનું સાજ શીખી અને હાલ કેનેડામાં ભારતીય સંગીત તેમજ સારંગીની
ઇન્સ્ટીટયુટ ચલાવે છે
ફિલ્મ ગીતો વગાડતાં
વગાડતાં ક્યારેક રામ નારાયણ મુખ્ય સંગીતકારો સાથે જે તે રાગની બારીકીની ચર્ચા
કરતા. એ હકીકત ગોવાનીઝ સાજિંદાઓના ધ્યાનમાં આવી ગયેલી. એટલે સેબાસ્ટિયન, એન્થની
ગોન્સાલ્વિસ, ડી'કોસ્ટા વગેરે કેટલાક
સાજિંદાએ રામ નારાયણ સાથે સમજૂતી કરીઃ તમે અમને ભારતીય શાસ્ત્રીય સંગીતના પાયાના
સિદ્ધાંતો અને ફિલ્મ સંગીતમાં વપરાતા રાગોથી પરિચિત કરો. રામ નારાયણે આ લોકોને પણ
ટયુશન આપવાનું શરૃ કર્યંુ. આ મુદ્દાને બે રીતે સમજવાનો છે. એક, શંકર જયકિસનના સંગીતે કાગળમાં
લખેલા નોટેશન પ્રમાણે જ સાજ વગાડતા ગોવાનીઝ કલાકારોને ભારતીય સંગીત શીખવા તરફ
વાળ્યા. નંબર બે, પાછળથી મ્યુઝિક એરેંજર અને સહાયક સંગીતકાર
તરીકે નામના મેળવનારા ગોવાનીઝ કલાકારોની પોતાના કામ પ્રત્યેની સમર્પિતતા આ
પગલાંમાં જોઇ શકાય છે.. માત્ર સાજ છેડવામાં નંબર વન બની રહેવું એટલું પૂરતું નહીં,
ભારતીય સંગીત શીખવા સમજવાની ઉત્સુકતા તેમની સમર્પિતતાનો બોલતો
પુરાવો છે. પારસી વાદ્યકારો તો ભારતીય અને પાશ્ચાત્ય એમ બંને સંગીતના મર્મી હતા.
એ જ રીતે પાછળથી
ફિલ્મ સંગીતમાં દત્તુ ઠેકા તરીકે જાણીતા થયેલા કહેરવા તાલની ખૂબી માણ્યા-સમજ્યા
પછી શાસ્ત્રીય ગીતોમાં તબલાંવાદક તરીકે નામના મેળવનારા અબ્દુલ કરીમ પણ નવું
શીખ્યા. સંગીતકાર ગુલામ મુહમ્મદના ભાઇ અને અનોખા તબલાંવાદક અબ્દુલ કરીમે પણ
દત્તારામનું જોઇ જોઇને ઢોલક વગાડતાં શીખી લીધું. આમ શંકર જયકિસને પ્રત્યક્ષ કે
પરોક્ષ રીતે સતત ભારતીય સંગીતનો પ્રચાર પણ કર્યો. સમયની અનુકૂળતા હોય ત્યારે આ
ગોવાનીઝ ક્રિશ્ચન સાજિંદા કને બીથોવન, બાખ, મોરિસ,
મોઝાર્ટ વગેરેના સંગીતની ચર્ચા કરતા અને તક મળે તો એ સંગીતની રેકર્ડ
મેળવીને સાંભળતા.
૧૯૫૦ના દાયકામાં
મુંબઇમાં ઇરાની રેસ્ટોરાંની બોલબાલા હતી. એવા કેટલાક રેસ્ટોરાંમાં જ્યુક બોક્સ
રહેતા. પાવલી (આજના પચીસ પૈસા) નાખો એટલે તમને જોઇતું ગીત ઇલેક્ટ્રોનિક રેકર્ડ
પ્લેયર પર વાગવા માંડે. ઉપરાંત ફોર્ટ અને કોલાબા સાઇડના થિયેટરોમાં આવેલી ઇંગ્લીશ
ફિલ્મો જોવા જવાનું એટલે પાશ્ચાત્ય સંગીતની પણ પરખ થવા માંડી. આમ શંકર જયકિસને
માત્ર ફિલ્મ સંગીતમાં ક્રાન્તિ કરવા ઉપરાંત ગોવાનીઝ ક્રિશ્ચન સાજિંદાને પણ ભારતીય
સંગીત શીખવાની પ્રેરણા આપી. પાછળથી આવનારા સંગીતકારોને શંકર જયકિસનનો આ પુરુષાર્થ
ખૂબ ખપ લાગ્યો. (પ્રાસ્તાવિક એપિસોડસ્ મોટે ભાગે આવતા સપ્તાહે પૂર્ણ થશે. ત્યારબાદ
મુખ્ય વાત શરૃ કરીશું)
---------------
Comments
Post a Comment