જો જો હં, તમારું બાળક આમાં નથી ને ?

ગુજરાતના એક મહાનગરમાં બનેલી સત્ય ઘટના છે. પાર્ટી પ્લોટમાં યોજાએલા લગ્ન સમારોહમાં દાગિનાની થેલી ચોરતાં દસેક વર્ષનો એક ટાબરિયો પકડાઇ ગયો. એને મારપીટ કરવાને બદલે પોલીસે એની સાથે સમજાવટથી કામ લીધું. ચોરી કેમ કરી ? એવા સવાલના જવાબમાં એણે કહ્યું કે અમારી સ્કૂલના દરવાજે મળતી બિસ્કીટ ખાવાના પૈસા નથી એટલે. પોલીસને નવાઇ લાગી.

પોલીસે  તપાસ કરાવી. બિસ્કીટ-પીપર વેચતો એ ફેરિયો બિસ્કીટ પર કેફી પાઉડર છાંટીને આપતો હતો. એટલે બાળકોને એનાં બિસ્કીટ-પીપરની લત લાગી જતી. રોજરોજ તો ખરીદવાના પૈસા હોય નહીં એટલે ચોરીચપાટી કરવા માંડતા. 
લગભગ આવોજ કિસ્સો એક બીઆરટીએસ બસમાં બનેલો. આ કિસ્સામાં પકડાયેલા બાળકે પણ પાર્ટી પ્લોટવાળા બાળક જેવું નિવેદન પોલીસને આપેલું. વાત નાનકડી લાગે છે પરંતુ દરેક ડાહ્યા માબાપને ચિંતા કરાવે એવી છે. અગાઉ ટીનેજર્સ અને કૉલેજિયન યુવક-યુવતીઓ ડ્રગનું સેવન કરતાં હોવાના રિપોર્ટ હતા.

કેન્દ્રના સમાજ કલ્યાણ ખાતાના રિપોર્ટ મુજબ, હવે પાંચ વર્ષથી બાર વર્ષનાં બાળકોને ડ્રગની લત લાગવાના કિસ્સા વધી રહ્યા છે. રખે એમ માનતા કે શેરીઓમાં રઝળતા કે ફૂટપાથ પર રહેતાં બાળકો પૂરતી આ વાત મર્યાદિત છે. ના, સારા સંસ્કારી પરિવારોનાં બાળકો દિવસે દિવસે આવી લતનો શિકાર બની રહ્યાં છે. સંયુક્ત પરિવારો તો ક્યારના તૂટી રહ્યાં છે, કાતિલ મોંઘવારીને પહોંચી વળવા માતાપિતા બંને નોકરી કરતાં હોય એવાં પરિવારોનાં બાળકો કુછંદે ચડવાની ઘટના વધતી જાય છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર (ખાસ કરીને મુંબઇ),  દિલ્હી, હરિયાણા અને ઇશાન ભારતનાં રાજ્યોમાં આવી ઘટનાઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ગુજરાત રાજ્યમાં કેટલાક આદિવાસી વિસ્તારોનાં બાળકો સાવ કાચી વયે તમાકુ, બીડી-સિગારેટ અને શરાબ પીતા પણ થઇ ગયા હોવાના વાવડ છે. 
સંૂઘવાની, ખાવાની, સિગારેટ કે બીડીમાં ભરીને ફૂંકવાની અને પીણા તરીકે પીવાની એમ વિવિધ ડ્રગ બાળકોનો સર્વનાશ નોતરી રહી છે. માતાપિતાને પૂરતો સમય ન હોય અને દાદા દાદી કે નાના નાની હાજર ન હોય ત્યારે કૂમળા છોડ જેવાં આ બાળકોને લત લાગી જાય છે.

એક વાર લત લાગી જાય પછી પૈસા ન હોય તો ખોટાં કામ કરતાં થઇ જાય છે. જતે દિવસે અપરાધ આચરતા થઇ જાય છે. સમાજ કલ્યાણ ખાતાના અને નેશનલ મેન્ટલ હેલ્થ વિભાગના ૨૦૧૩ના રિપોર્ટમાં જણાવાયા મુજબ દસથી ૧૭ વર્ષના વયજૂથનાં એક કરોડથી વધુ બાળકો એક યા બીજી ડ્રગના રવાડે ચડી ગયાં છે. એમને તત્કાળ મનોચિકિત્સકની જરૂર છે. આ વાક્યમાં તત્કાળ શબ્દ મહત્ત્વનો છે. આ પેઢીને ખુવાર થતી બચાવવી હોય તો સમાજના દરેક સમજુ જણે બનતી ત્વરાએ પગલાં લેવાની જરૂર છે.  
તમે નિયમિત છાપાં વાંચતાં હો તો ડ્રગની લતમાંથી માંડ માંડ છૂટી શકેલા સિનિયર અભિનેતા સંજય દત્તે ઊગતી પેઢીનાં બાળકોને ડ્રગના દાનવની પકડમાંથી છોડાવવાનું કામ નાને પાયે શરૂ કર્યું છે. એને અભિનેત્રી રિચા ચડ્ડા અને અન્ય કેટલાક કલાકારોએ સાથ આપવાની ખાતરી ઉચ્ચારી છે. કૂમળી વયનાં બાળકો ડ્રગના રવાડે ચડી જાય એ દેશના ભાવિ માટે પણ જોખમી સાબિત થઇ શકે.

એક આખી પેઢી માયકાંગલા અને ડ્રગની બંધાણી બનીને ખુવાર થઇ શકે છે. દરેક શિક્ષણ સંસ્થાના સંચાલકોએ, કુટુંબીજનોએ તેમજ સારા ઘરના સમજુ બાળકોએ પોતાના દોસ્તો પર નજર રાખવાની તાકીદે જરૂર છે. જરા જેટલી પણ શંકા જાગે તો તરત લાગતાવળગતાને જાણ કરી દઇને એક બાળકને ખુવાર થતું બચાવી શકાય. 
બાળકને આવી લત તરત આકર્ષી શકે છે. એક ફિલ્મી દાખલાથી વાત કરું. ૧૯૫૦ના દાયકામાં રજૂ થયેલી મહેબૂબ ખાનની મધર ઇન્ડિયા ફિલ્મ યાદ કરો. એમાં પરિવારના મોભી અભિનેતા રાજકુમારના હાથ નકામા થઇ ગયા બાદ એને બીડીની તલપ લાગે ત્યારે નાનો પુત્ર બિરજુ બીડી સળગાવીને આપે છે એવાં દ્રશ્યો હતાં. એની સાથોસાથ એવાં દ્રશ્યો પણ હતાં કે પછી સાવ ટાબરિયો બિરજુ પોતે પણ બીડીના દમ લગાવતો થઇ જાય છે.
આ તો કાલ્પનિક દ્રશ્ય હતું. પરંતુ આવું વાસ્તવમાં અનેક વાર બનતું હોય છે. બાળકને આવી લત લગાડવા અનિષ્ટ તત્ત્વો પીપર-બિસ્કીટ પર કેફી પાઉડર છાંટીને આપે એટલે અનાયાસે બાળક એનું બંધાણી બની જાય. પછી રોજ ચોક્ક્સ સમયે એને આવી પીપર બિસ્કીટની તલબ લાગે. એ મેળવવા બાળક ગમે તેવું કામ કરતાં અચકાય નહીં. 

૨૦૧૩ના સરકારી રિપોર્ટમાં એક કરોડ બાળકોની વાત હોય તો ત્યાર પછીનાં પાંચ વર્ષમાં બીજાં કેટલાં બાળકો ડ્રગના દાનવની ભીંસમાં આવી ગયાં હશે એની કલ્પના કરવી રહી.
 અગાઉ ભારતીય લશ્કરે ફક્ત પંજાબના યુવાનો ડ્રગના રવાડે ચડી ગયાની વાત કરી હતી. અહીં તો આખા  દેશનાં ડઝનબંધ રાજ્યોનાં બાળકોની વાત છે. માત્ર પાંચ સાત વર્ષથી માંડીને સત્તર વર્ષનાં બાળકો આવા દૂષણનો ભોગ બની રહ્યાં છે એ જેવી તેવી વાત નથી. જો જો, તમારું બાળક તો સુરક્ષિત છે ને ?

Comments