ભૈરવી રાગિણીમાં રજૂ થયેલાં વિવિધ સંવેદનાસભર ગીતોથી બરસાતનું સંગીત દીપી ઊઠયું





કવિતા હોય, વાર્તા હોય, નાટક હોય કે ફિલ્મ હોય , દુનિયાભરનાં સાહિત્ય સ્વરૃપોમાં શૃંગાર સદા   કેન્દ્રમાં રહ્યો છે. પ્રેમ, પ્યાર, પ્રણય, ઇશ્ક, મુહબ્બત, વગેરે પર્યાયોથી  પંકાતા રોમાન્સની ત્રણ મુખ્ય સંવેદના છેઃ મિલન, વિરહ અને રીસામણાં મનામણાં. આ ત્રણમાંની બે મુખ્ય સંવેદના સ્વર-લય દ્વારા વ્યક્ત કરવાની તક શંકર જયકિસનને પહેલીજ ફિલ્મ 'બરસાત'માં મળી ગઇ. બરસાતનો સર્જક રાજ કપૂર પોતે પણ ભૈરવીનો દિવાનો હતો અને આ બંનેને પણ સર્વદા સુખદાયિની ભૈરવી રાગિણી ખૂબ ગમતી. એટલે પહેલીજ ફિલ્મમાં આ બંને સંગીતકારે જુદી જુદી સંવેદનાને વ્યક્ત કરવા ભૈરવી અજમાવીને છ સાત ગીતો આપ્યાં.
આ વિશે આગળ વાત કરવા અગાઉ એક સ્પષ્ટતા. ફિલ્મ સંગીત શુદ્ધ શાસ્ત્રીય સંગીત નથી, એક પ્રકારનું ઉપશાસ્ત્રીય સ્વરૃપ છે. એટલે કોઇએ વાદી-સંવાદી ક્યાં છે અને ફલાણંુ ઢીંકણું ક્યાં છે એેવા સવાલો કરવા નહીં. અહીં સંગીતકારોએે 'રંજયતિ ઇતિ રાગઃ' (સાંભળનારને આનંદ આપે એ રાગ એવી) વ્યાખ્યાને સાકાર કરી, એને આધારે વાત કરવાના છીએ. એજ રીતે દરેક ફિલ્મના દરેક ગીતની વાતો અહીં શક્ય નહીં બને. બરસાતનાં ભૈરવી આધારિત ગીતોને માણતી વખતે પહેલાં પ્રણયની વાત કરીએ. મિલનને વ્યક્ત કરતું ગીત એટલે 'બરસાત મેં હમ સે મિલે તુમ સજન તુમ સે મિલે હમ બરસાત મેં...' ગીતને ધ્યાનથી સાંભળો તો મિલનનો આનંદ વ્યક્ત થતો હોય એવી સૂરાવલિ અહીં સર્જી છે. પ્રેમમાં પડયાનો આનંદ પણ એ રીતેજ વ્યક્ત કરાયો છે-  'ઓ... મુઝે કિસી સે પ્યાર હો ગયા' અને 'મેરી આંખોં મેં બસ ગયા કોઇ ...' ગીતમાં એ પ્રેમાતુર હૈયાનો આનંદ વ્યક્ત કરાયો છે. જો કે મેરી આંખોં મેં બસ ગયા.. ભૈરવીમાં નથી. આ બંને ગીતો પણ બરસાત મેં હમ સે મિલેની જેમ ખટકદાર ખેમટા તાલમાં છે એ નોંધવા જેવું છે. 
મિલન હોય ત્યાં જુદાઇ તો હોવાની જ. આ તો ભગવદ્ ગીતાના 'જાતસ્ય હિ ધુ્રવો મૃત્યુઃ' જેવી વાત છે. જે ભૈરવીના સ્વરોની મદદથી શંકર જયકિસને મિલનનો આનંદ વ્યક્ત કર્યો એ જ ભૈરવીના સ્વરોની મદદથી વિરહની વેદના પણ કેવી મીઠ્ઠી સર્જી બતાવી એ જુઓ. 'છોડ ગયે બાલમ મુઝે હાય અકેલા છોડ ગયે...' મૂકેશના આ શબ્દોને લતા આવા શબ્દોથી પરિપૂર્ણ કરે છે 'છૂટ ગયા બાલમ, હાય સાથ હમારા છૂટ ગયા, તૂટ ગયા બાલમ, મેરા પ્યાર ભરા દિલ તૂટ ગયા...' યાદ રહે, મિલન અને વિરહ બંનેમાં રાગ એકજ છે, રાગના સ્વરો એક જ છે. પરંતુ બંનેની તર્જમાં રજૂ થતું સંવેદન અલગ છે. એકમાં ઉમળકો અને આનંદનો ઉન્માદ છે, બીજામાં વિખૂટા પડયાની વેદના છે. એકનો તાલ છ માત્રાનો ખેમટા ટાઇપ તાક્ ધીના ધીન છે તો બીજામાં આઠ માત્રાનો સરળ કહેરવો છે. ગીતનો લય શબ્દોને અનુરૃપ ગોઠવ્યો છે.
અહીં ઔર એકાદ બે ગીતોનો ઉલ્લેખ જરૃરી સમજું છું. તમે સંગીતકાર નૌશાદનાં બાબુલનાં ગીતો કે અન્ય સંગીતકારોનાં વેદનાસભર ગીતો સાંભળો. જેમ કે 'છોડ બાબુલ કા ઘર આ જ પીકે નગર મોંહે જાના પડા..' જેવા ગીતમાં જ્યારે કરુણ સૂરાવલિ મૂકવાની આવે છે ત્યારે ક્વચિત્ લયવાદ્ય વાપરતા નથી. અહીં શંકર જયકિસન પહેલીજ ફિલ્મમાં કરુણ (અંગ્રેજી શબ્દ Sad- સેડ) ભાવના રજૂ કરતાં ગીતોમાં પણ બિનધાસ્ત લયવાદ્ય સાથે રાખ્યું છે. 'અબ મેરા કૌન સહારા....' અને 'મૈં જિંદગી મેં હરદમ રોતા હી રહા હું...' ગીતો સાંભળો. ગાયકની સાથોસાથ વેદનાને વધુ ઘટ્ટ બનાવવામાં લયવાદ્ય સહાયક નીવડે છે. આમ પહેલીજ ફિલ્મથી આ બંને જણ આનંદ ભરપુર અને વેદનાસિક્ત બંને પ્રકારનાં ગીતોમાં ચીલો ચાતરે છે. 
નૌશાદની વાત કરી એેટલે યાદ આવ્યું. નૌશાદના એક ગીત જવાં હૈ મુહબ્બત હસીં હૈ જમાના અને હુશ્નલાલ ભગતરામના તેરે નૈનોં ને જાદુ કિયાનો પ્રભાવ અહીં હવા મેં ઊડતા જાયે મેરા લાલ દુપટ્ટામાં જોવા મળે. એજ રીતે જિયા બેકરાર હૈ, આયી બહાર હૈ...માં હુશ્નલાલ ભગતરામની અસર જોવા મળે. પરંતુ એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા હતી, આયાસપૂર્વક કરેલી નકલ નહોતી. બરસાતના સંગીતની વાત કરીએ ત્યારે ઐાર એકાદ બે મુદ્દા ધ્યાનમાં આવે છે. નવે નવ ગીતો લતાનાં કંઠમાં છે અને આ ફિલ્મથી રેકર્ડ પર પ્લેબેક સિંગરનું નામ મૂકાતું થાય છે. રાજ કપૂરને એ મુદ્દો સમજાવવામાં પણ આ બંનેનો મહત્ત્વનો ફાળો હતો.(ક્રમશઃ)     
-----------------

Comments