એક કાલ્પનિક દ્રશ્યથી વાતનો આરંભ કરું છું. એક દિવસ સવારે અચાનક બોલિવૂડની એક માતબર અભિનેત્રીને નગ્નાવસ્થામાં દેખાડતી વિડિયો ક્લીપ ફરતી થાય છે.. પોતાની આગવી સ્ટાઇલથી ખામોશ બોલનારા અભિનેતા ધૂંઆપુંઆ થઇ ને મુંબઇ પોલીસની સાઇબર સેલમાં તાડૂકે છે, ગુનેગારને તાબડતોબ શોધીને સજા કરો...પોલીસની તપાસમાં જાણવા મળે છે કે સલમાન ખાનની દબંગ ટુર દરમિયાન કોઇ અટકચાળાએ સંબંધિત અભિનેત્રી હૉટલના જે સ્યૂટમાં ઊતરી હતી એના બાથરૂમમાં સ્પાય કેમેરા ગોઠવીને એની ફિલ્મ ઊતારી હતી. કેમ ? તો કહે, આ માણસને સંબંધિત અભિનેત્રીએ પોતાની એક ફિલ્મમાંથી કઢાવી નાખ્યો હતો એટલે પેલો ઉશ્કેરાયો હતો....
આ એક કાલ્પનિક દ્રશ્ય છે. આવું બની શકે ખરું ? હા, બેશક બની શકે. ગયા સપ્તાહે આપણે ત્યાં લોકસભાની ચૂંટણીની હો હામાં એક સમાચાર તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું હતું. આ સમાચાર દક્ષિણ કોરિયાના હતા.
દક્ષિણ કોરિયાની પ્રતિષ્ઠિત હૉટલેામાં ઊતરતી વિદેશી મહિલાઓનાં બાથરૂમની પોર્ન ક્લીપ્સ બનાવીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ફરતી કરવાના એક કૌભાંડને કોરિયન પોલીસે ઝડપી લીધું હતું. આ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા ચાર યુવાનોની ધરપકડ કરી અને ચૌદમું રતન ચખાડીને એમના મોઢેથી આ કૌભાંડના સૂત્રધારોને ઝડપવાના પ્રયાસો પણ ચાલુ હતા.
બ્રિટિશ ટેબ્લોઇડ્સ દૈનિકો 'ધ સન' અને 'ડેઇલી મેઇલ'ના રિપોર્ટ મુજબ સાઉથ કોરિયન હૉટલોમાં ઊતરેલા ઓછામાં ઓછા ૧૫૦૦ મહેમાનોની આવી પોર્ન ક્લીપ્સ તૈયાર કરાઇ હતી. કેટલીક પોર્ન ક્લીપ્સ દ્વારા સંબંધિત મહેમાનોને બ્લેકમેઇલ કરાતા હતા તો કેટલી ક્લીપ્સ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં વેચવામાં આવી હતી. સીએનએનના રિપોર્ટ મુજબ થોડીક ક્લીપ્સ એક ચોક્કસ વેબસાઇટને વેચાતી આપવામાં આવી હતી.
આવી ક્લીપ્સ ઇરેક્શનલ ડિસફંક્શનનો ભોગ બનેલા યુવાનોને ઉશ્કેરવા માટે વેચવામાં આવતી હતી એેવું પોલીસ માને છે. પોલીસે પકડેલા ચારેચાર યુવાનો આલા દરજ્જાના ટેક્નોક્રેટ છે. મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે વપરાતા ચાર્જર સોકેટ્સ, બાથટબમાં પાણી વહેતું કરવા માટેની નળચકલી, સ્નાન પછી મહિલાઓ વાળ સૂકવવા માટે વાપરે એ હેર ડ્રાયર, વૉશ બેઝિન વગેરે સ્થળે મરીના દાણા જેવડા સ્પાય કેમેરા ગોઠવવામાં આવ્યા હતા.
સાવ ટચૂકડા કોરિયાએ ટેક્નોલોજીમાં એવી જબરદસ્ત પ્રગતિ કરી છે કે જપાન, ચીન અને અમેરિકાની ઘણે અંસે બરાબરી કરી શકે. કોરિયન પોલીસ અત્યારે તો કૌભાંડના મૂળ સુધી પહોંચવા દિવસ રાત એક કરી રહી છે.
દરમિયાન, હૉટલોમાં ઊતરતી મહિલાઓની ચોરીછૂપીથી વિડિયો ક્લીપ ઊતારવાના સમાચાર પ્રગટ થયા એનો પડઘો દક્ષિણ કોરિયામાં ઘરઆંગણે પણ પડયો. અમે તમારી વિકૃત વાસના સંતોષવાનું સેક્સ રમકડું નથી.. મારું જીવન તમારી પોર્ન ફિલ્મ માટે નથી.. એવાં પાટિયાં સાથે સેંકડો મહિલાઓ સિયોલની સડકો પર ઊતરી આવી હતી. તેમણે ઉશ્કેરાટભર્યા દેખાવો તેમજ ધરણાં યોજ્યાં હતાં.
આ લેખના આરંભે જે કાલ્પનિક દ્રશ્ય વર્ણવ્યું એવું પણ કોરિયામાં બન્યું છે. કેટલાક પોપ સિંગર્સે જે તે બેન્ડમાંથી રાજીનામાં આપ્યાં હતાં અને જાહેરમાં એકરાર કર્યો હતો કે અમે ગુપ્ત કેમેરા દ્વારા પોર્ન ક્લીપ બનાવવામાં સંડોવાયેલા હતા.
એવા એક પોપ સ્ટાર ગાયક-ગીતકાર જુંગ યંગ જૂને મિડિયા સમક્ષ એકરાર કર્યો હતો કે મારી સેક્સ પાર્ટનરની જાણ બહાર અમારી પોતાની ક્લીપ ઊતરાવીને મેં એક કરતાં વધુ વખત વેચી હતી. પોલીસ આ ગાયક-ગીતકારની પણ પૂછપરછ કરી રહી હતી.
આવા બીજા પણ કેટલાક ગાયકો-સંગીતકારો પર પોલીસની નજર છે. કોરિયન મિડિયા માને છે કે આ કૌભાંડ તો હિમશીલાની ટોચ છે. આ કૌભાંડ આંતરરાષ્ટ્રીય હોઇ શકે છે અને એમાં મોટાં માથાં સંડોવાયેલાં હોઇ શકે છે. મોટાં માથાંને કારણે ઘણીવાર ભીનું સંકેલાઇ જતું હોય છે. અત્યારે તો આ આધુનિક ટેક્નોલોજીના અભિશાપ જેવું છે. મરીના દાણા જેવડા કે એનાથી પણ નાનાં સાવ ટચૂકડાં સ્પાય કેમેરા આપણી આજુબાજુ સક્રિય હોઇ શકે છે.
T
Comments
Post a Comment