સંસદીય ચૂંટણીનો શોરબકોર શરૂ થઇ ચૂક્યો છે. એકબીજાને ચોર અને ચોકીદાર ગણાવતા પોલિટિશ્યનો સૂરતીલાલાને શરમાવે એવી ભાષા જાહેરમાં બોલતાં થઇ ગયા છે. જ્યોતિષી બુઆઓનું સાચું માનીએ તો આગામી દિવસોમાં ચૂંટણી લોહિયાળ બનવાની પૂરી શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલ-મે એટલે શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા સૌ કોઇ માટે માથાના દુઃખાવાના મહિના.
સ્કૂલ કૉલેજોની વાર્ષિક પરીક્ષાના દિવસો. વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શિક્ષકોની પણ ઊંઘ વેરણ થાય એવા દિવસો. પ્રશ્નપત્રો તૈયાર કરવાના, સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવવાની અને ત્યારબાદ જવાબપત્રિકાઓ તપાસવાની. એ કામ પૂરું થાય ત્યારે પરિણામો જાહેર કરવાના. આટલું પૂરું કર્યા બાદ હા...શ કરે ત્યાં મે વેકેશન પૂરું અને નવા સત્ર સાથે સ્કૂલ ઊઘડવાની તૈયારી.
એમાંય આ વખતે સંસદીય ચૂંટણી છે. એટલે શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા સૌ કોઇના બ્લડ પ્રેસર અત્યારથી વધવા માંડયા હશે. સરકાર કોઇ પણ પક્ષ કે નેતાની હોય, આવા સમયે ગરીબ કી જોરુ ગાંવ કી ભાભી ન્યાયે સ્કૂલ-કૉલેજના શિક્ષકોને સાવ ચણા મમરાના ભાવે ચૂંટણીકાર્યમાં જોતરી દેવામાં આવે છે.
શરૂઆત થાય મતદાર યાદી અપડેટ કરવાથી. આ પ્રકારનાં કાર્યોથી શિક્ષકો પરિચિત હોય નહીં એટલે ઘણીવાર મતદારો સાથે લમણાંફોડ કરવી પડે. કોઇને કુટુંબના એેકાદ સભ્યનું નામ ઉમેરવું હોય, કોઇએ ઘર બદલાવ્યું હોય, કોઇના નામમાં છબરડો થયો હોય... આમ સૌ પ્રથમ તો મતદાર યાદી અપડેટ કરવાની અને ત્યારબાદ ચૂંટણી મથકો પર સેવા આપવાની. સતત ખડે પગે રહેવાનું.
જો કે શિક્ષકો વર્ગમાં ખડે પગે જ રહેતાં હોય છે. પરંતુ સ્કૂલ કૉલેજનું વાતાવરણ અને ચૂંટણીનો માહોલ, બંને અલગ બાબતો છે. ચૂંટણીના માહોલમાં સતત બિનજરૂરી ટેન્શન વર્તાયા કરે. જરા અમથી ભૂલ થાય તો સેંકડો લોકોની હાજરીમાં ફાયરિંગ સાંભળવું પડે.
આ વખતે શિક્ષકો અને અધ્યાપકો પર બબ્બે જવાબદારી છે. એક તરફ પોતાની શિક્ષણ સંસ્થાની વાર્ષિક પરીક્ષા અને બીજી તરફ સંસદીય ચૂંટણી. એટલે ગામમાં કોઇ જાણે નહીં ને હું વરની ફુઇ ન્યાયે સતત દોડાદોડ કરવી પડશે. એમાંય ચૂંટણીની ફરજો તો થેંકલેસ જૉબ જેવી.
ખાયાપિયા કુછ ભી નહીં ગિલાસ તોડા બારા આના...ની જેમ તોછડા સરકારી બાબુલોગના ઇશારે કામ કરવાનું. માથાફાડ ગરમીમાં કલાકો સુધી કોઇ એક ગ્લાસ પાણીનું પણ પૂછે નહીં. જે તે ઉમેદવારના કાર્યકરો વાંક શોધવા ટાંપીને બેઠાં હોય. આ વખતે આમ જુઓ તો વ્યક્તિલક્ષી ચૂંટણી ગણાય. વડા પ્રધાન અને કોંગ્રેસ પ્રમુખ બંને માટે આ ચૂંટણી જીવન મરણના ખેલ જેવી બની રહેવાની છે.
ટોચના હોદ્દેદારનું ટેન્શન ઘણીવાર સીડીના છેલ્લા પગથિયે બેઠેલા લોકો સુધી પહોંચી જતું હોય છે. અહીં છેલ્લા પગથિયાના લોકો એટલે લોકબોલીમાં કહીએ તો માસ્તરો. હળવી ભાષામાં કહીએ તો બારેમાસ સ્કૂલનાં બાળકોને તતડાવતો આ વર્ગ સરકારી બાબુલોગ કને મિયાંની મીંદડી થઇને આજ્ઞાાપાલન કરવા માંડશે.
મૂળ વાત ડબલ કાર્યબોજની છે. ચૂંટણી પૂરી થાય ત્યાં જે વિભાગની વાર્ષિક પરીક્ષા બાકી હશે એનો બોજ ખભા પર આવશે. સારું છે કે આ વખતે લગ્નો ઓછાં હોવાના મુહૂર્તો નીકળ્યાં હતાં. નહીંતર એકથી બીજા સ્થળે દોડાદોડી ચાલતી રહે. પચાસ સાઠ વરસો પહેલાં શિક્ષકો માટે આમ આદમીને જે માન-આદર હતા એ આજે રહ્યા નથી, શિક્ષણનું પણ વેપારીકરણ થઇ ચૂક્યું છે.
પરંતુ ક્યારેક આ વખતના એપ્રિલ-મે જેવાં બમણાં કાર્યો કરવાના આવે ત્યારે એમને માટે સહાનુભૂતિ જાગે. સર્જનહાર સૌનું કલ્યાણ કરે. આપણે ત્યાં તો હજારો વર્ષથી પ્રાર્થના ગવાતી આવી છે 'સર્વેત્ર સુખિનઃ સન્તુ, સર્વે સન્તુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખભાગ ભવેત્...' પ્રભુ સૌનું કલ્યાણ કરેે...
T
Comments
Post a Comment