પુલવામા કાંડ અને ભારતીય હવાઇ દળની એર સ્ટ્રાઇક પછી ફરી એકવાર પાકિસ્તાન સાથે ક્રિકેટ વર્લ્ડ કપ રમવાના મુદ્દે ચર્ચા શરૂ થઇ. કેટલાક દોઢડાહ્યા (અને કાં તો સટ્ટોડિયાઓના સાથીદાર) લોકો એવી વાતો કરતા થયા કે પાકિસ્તાન સાથે સ્પર્ધા ન થાય તો ભારત વર્લ્ડ કપ જીતે એનો કશો અર્થ નહીં.
વ્હૉટ રબીશ ! આવી વાહિયાત વાતો કરનારા ચશ્મિસ્ટ એનેલિસ્ટો અને કહેવાતા નિષ્ણાતો ભીંત ભૂલે છે. ગયા સપ્તાહે ન્યૂઝી લેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ વિસ્તારની મસ્જિદોમાં થયેલી હિંસા સમયે જીવ બચાવીને નાસ્યા ન હોત તો બે ચાર બાંગ્લાદેશી ક્રિકેટર્સના રામ રમી ગયા હોત. આવું પહેલીવાર નથી બન્યું.
અગાઉ આતંકવાદી હુમલાને ૨૬ મી તારીખ સાથે જોડવામાં આવતી હતી. હવે કદાચ તમે માર્ચ મહિના સાથે પણ જોડી શકો. ૨૦૦૯ના માર્ચની ત્રીજી તારીખે પાકિસ્તાનના લાહોર શહેરમાં શ્રીલંકાના ક્રિકેટર્સની બસ પર આતંકવાદી હુમલો થયો હતો, જો તમને યાદ હોય તો. લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમ પાસે શ્રીલંકન ક્રિકેટર્સની બસ પર હુમલો થયો હતો. એ સમયે પાકિસ્તાન શ્રીલંકાની ટીમ સાથે બીજી ટેસ્ટ મેચ રમી રહ્યું હતું.
બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસની રમત શરૂ થવાની હતી ત્યારે બનેલી આ ઘટનામાં પાકિસ્તાની પોલીસના છ જવાનો અને બે નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. શ્રીલંકન ટીમના છ સભ્યોને ઇજા થઇ હતી. ન્યૂઝીલેન્ડની ઘટના પણ માર્ચમાં બની.
ન્યૂઝી લેન્ડની ઘટનામાં તો બાંગ્લાદેશી ક્રિકેટર્સ મસ્જિદના દરવાજા પાસે હોવાના અહેવાલ છે. એ ખેલાડીઓ ત્વરિત કોઠાસૂઝ વાપરીને ત્યાંથી નાઠા. નહીંતર એમાંના બે ત્રણને ઇજા થઇ હોત અથવા માર્યા ગયા હોત. આ બે ઘટનાને નજર સામે રાખીને દોઢડાહ્યા સમીક્ષકો વાત કરે.
પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાથે રમ્યા વિના કયો ગરાસ લૂંટાઇ જવાનો હતો તમારો ? ન કરે નારાયણ અને ભારત-પાકિસ્તાનની ટીમ ક્રિકેટ રમતી હોય ત્યારે આતંકવાદી હુમલો થાય, બંનેે ટીમના કોઇ ખેલાડી ઘવાય તો જવાબદારી કોની ? આ તો મૂળ મિયાં દિવાના અને એના પર જિહાદ નામનો પેગ પીધો છે.
વિસ્મય એ વાતનું છે કે પોતાને ઇસ્લામના સિપાહી ગણાવતા જિહાદીઓ નમાજીઓ પર હુમલો કરે છે. ૨૦૧૭ અને ૨૦૧૮માં એ લોકોએ રમજાન જેવા પવિત્ર માસમાં પણ હિંસા આચરી હતી. રમજાનમાં મતદાન કરવા શી રીતે જવાય એવી દલીલ કરનારા લોકો આ વાત ધ્યાનમાં લેશે કે ? રમજાનમાં નિર્દોષોનંુ લોહી રેડયા પછી માણસ ઇસ્લામી કેવી રીતે રહી શકે ? હજરત મુહમ્મદ પયગંબર (સ.અ.વ.)ની હદીસો (આદેશો કે ઉપદેશો)માં ક્યાંય આ વાતને વાજબી ઠરાવતી હદીસ નથી.
મૂળ વાત પાકિસ્તાન સાથેે ક્રિકેટ રમવાની છે. આજે જ્યારે સટ્ટાખોરીના કારણે ક્રિકેટ પણ જેન્ટલમેન્સ ગેમ રહી નથી ત્યારે બંને ટીમ વચ્ચે બિનજરૂરી તંગદિલી કરાવવાનો કશો અર્થ ખરો ? ક્રિકેટના વર્લ્ડ કપ માટે આતંકવાદની જનેતા સમા પાકિસ્તાનની ટીમ સાથે રમવાની કશી જરૂર નથી.
ન્યૂઝી લેન્ડની ઘટના બન્યા પછી અમેરિકા અને યૂરોપના દેશોએ ચીન પર દબાણ વધારવું જોઇએ કે મસૂદ અઝહર અને હાફિઝ સૈયદને રીઢા ગુનેગાર જાહેર કરવામાં અમને સહકાર આપો નહીંતર તમારો પણ અમે બોયકોટ કરીશું. ઘરઆંગણાની વાત કરીએ તો આપણે સૈાએ પણ ચીનની ચીજોનો બહિષ્કાર કરવો જોઇએ.
દસમાંથી આઠ મોબાઇલ ફોન ચીનના હોય છે. આપણે હોંશે હોેંશે આવા ફોન વાપરીએ છીએ. એ જ રીતે ચીની ફટાકડા, મકર સંક્રાન્તે ચીની પતંગ અને દોરા, હોળી પર ચીની રંગો... આ યાદી ઠીક ઠીક લંબાવી શકાય. અંગત વપરાશ માટે આ ચીજો ખરીદીને આપણે ચીનને આર્થિક સદ્ધરતા બક્ષીએ છીએ. ચીન કાચિંડાની પેઠે રંગો બદલવામાં નિપુણ છે.
૧૯૬૨માં હિન્દી ચીની ભાઇ ભાઇની ગુલબાંગો મારીને પંડિત નહેરુને પીઠમાં ખંજર ભોંક્યું હતું. નહેરુ એ આઘાતમાંથી ઊગરી શક્યા નહોતા અને દુઃખી હૃદયે અવસાન પામ્યા હતા. ચીનની નફ્ફટાઇ સદા પરાકાષ્ઠા પર હોય છે.
નક્કી આપણે કરવાનું છે. પાકિસ્તાન અને ચીનનો સ્વૈચ્છિક બહિષ્કાર કરવો કે નથી કરવો. બાકી મીણબત્તી લઇને શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યે રાખવાનો કશો અર્થ નથી. એમાં માત્ર મીણબત્તી વેચનારો કમાશે. ચીન અને પાકિસ્તાન આપણા પર હસી લેશે. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે હરતાં ફરતાં દિખા દેંગે દિખા દેંગે એમ બોલતા. એક ડાહ્યા તંત્રીએે સંપાદકીય લેખનું મથાળું બાંધેલું 'ઉન્હોંને (સામે વાળાએ) દિખા દિયા... અબ ખૈર કરો...'
T
Comments
Post a Comment