દોસ્તી સાત ફૂટ લાંબા અજગર સાથે.....




તમે ટીવી ચેનલ્સ પર રજૂ થતા વિવિધ પ્રોગ્રામ્સના ચાહક હો તો ખતરોં કે ખિલાડી કાર્યક્રમ કદાચ માણ્યો હશે. અગાઉ ટોચનો એક્શન સ્ટાર અક્ષય કુમાર આ પ્રોગ્રામનું એન્કરીંગ કરતો હતો. હાલ ૧૦૦ કરોડની ફિલ્મ-ક્લબના સ્થાપક મનાતા રોહિત શેટ્ટી સંચાલન કરે છે.
આ પ્રોગ્રામનો મૂળ હેતુ માણસના મનમાં રહેલા કોઇ પણ પ્રકારના ડર (ફિયર ફોબિયા)ને કાઢવાનો રહ્યો છે. ચહેરા પર માત્ર કંસાલી-વાંદા (કોક્રોચ) કે મગરના બચ્ચાં યા સાપને જોઇને છળી મરતા લોકોની આપણને નવાઇ નથી. 
અમારી એક મહિલા પત્રકાર સાથી બિલાડીથી ડરે છે. કેટલાક લોકોને ઊંચાઇનો ડર લાગતો હોય છે. નિર્ભયતા એક વિરલ ગુણ ગણાય છે. એવા સમયે સરોજે એક ફોટોગ્રાફ અનાયાસે શોધીને મારા હાથમાં મૂક્યો. એ ફોટોગ્રાફ સાથે સંકળાયેલી ઘટના અહીં રજૂ કરું છું.
      'અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલૂહા યું કહે કે સબ કે દાતા રામ...' સંતવાણી અને લોકસાહિત્યના ડાયરાઓમાં આ પંક્તિઓ અનેકવાર સાંભળી છે. હોલિવૂડની આનાકોંડા જેવી ફિલ્મો પણ માણી છે. પરંતુ કદી સપનેય એવી કલ્પના નહોતી કે ક્યારેક સાચુકલા અજગરને મળવાનું થશે. વાત લગભગ ૨૦૦૨-૦૩ની હશે. પ્રખર ચિંતક અને ઓમ્ ધ્યાનના પ્રણેતા ડૉક્ટર સર્વેશ વોરા સાથે એમના ધ્યાન શિબિરમાં સહભાગી થવાની તક મળેલી. હરિદ્વારમાં અમે નવેંબરની ઠંડી સવારે લક્ષ્મણ ઝૂલા નજીક લટાર મારી રહ્યા હતા ત્યારે એક ભગવાધારી સાધુ ભેટી ગયો. એના ખભા પર સાચ્ચો અજગર હતો. કહે, સો રૃપિયા દે દે, ઇસ કો ખિલાના હૈ...
          અજગરના ભોજન માટે સો રૃપિયા ? મેં કહ્યું, ક્યા ખિલાના હૈ, મુઝે દુકાન દિખા દો. મૈં વહાં સે ખરીદકર આપ કો દે દૂંગા...પરંતુ આ બાવાજી અજગરને કઇ વાનગીઓ ખવડાવે છે એ કહેવા તૈયાર નહીં. 
બહુ રકઝક થઇ પછી સોને બદલે પચાસ રૃપિયા પર આવ્યા. છેલ્લે કંટાળીને દસ રૃપિયા પર આવ્યા. 
ત્યારે મને એક અટકચાળું સૂઝ્યું. મેં કહ્યું કે દસ નહીં, વીસ રૃપિયા આપું. તમારા ભાઇબંધ આ અજગરને મારા ખભે બિરાજમાન કરો. બાવાજી માની ગયા. દસને બદલે વીસ રૃપિયા મળતા હોય તો એમને શો વાંધો હોય
એ રીતે આ અજગર બિરાદર મારા ખભા પર બિરાજ્યો. એક મિત્રને કહીને આ ફોટો લેવડાવ્યો. ઘરમાં પડયો હતો. સરોજના હાથમાં આવતાં એણે મને પકડાવી દીધો. હું તમને સૌને વહેંચી રહ્યો છું.

Comments