દરેક વાજિંત્ર વગાડનારા નિષ્ણાતની સંખ્યા એક કરતાં વધુ શા માટે રાખેલી ? ઇટ્સ અ ગૂડ ક્વેશ્ચન !


      
આજથી શંકર જયકિસનની સંગીત સર્જન પ્રક્રિયાની વાત શરૃ કરવાનો ઉદ્દેશ હતો. દરમિયાન, શંકર જયકિસનના ચાહકોની વાતચીતમાં એક સરસ સવાલ પૂછાયો- 'દરેક વાજિંત્ર વગાડનારા દાદુ સાજિંદાઓની સંખ્યા વધુ શા માટે રાખેલી ?' સવાલ સરસ હતો અને આપણે સૌ શંકર જયકિસનનાં ગીતો માણીએ એ પહેલાં જવાબ આપવો જરૃરી છે એવું લાગતાં આજનો એપિસોડ એ સવાલને અર્પણ...! એકાગ્રતાથી વાંચીને વિચારજો. વાદનમાં સૌથી સરળ ગણાતા હાર્મોનિયમથી શરૃ કરીએ. પોતાના સ્ટેજ પ્રોગ્રામમાં તમે મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહેમૂદ વગેરેને સ્ટેજ પર હાર્મોનિયમ સાથે જોયા હશે. માત્ર લતા-આશા અને કિશોર કુમાર ભાગ્યેજ હાર્મોનિયમ સાથે દેખાતા.
હાર્મોનિયમ વાદનની ત્રણ ચાર ખૂબી છે. નંબર એક, શાસ્ત્રીય સંગીતના કોઇ ગવૈયા સાથે સંગત કરવી. એેમાં ગાયકને પગલે પગલે અનુસરીને વાદન કરવાનું. વાદકનું પોતાનું ડહાપણ એમાં ચાલે નહીં. બીજી વાદન શૈલી ખટકદાર વાદન તરીકે ઓળખાય છે. તમે ફિલ્મ 'મેરે લાલ'નું 'પાયલ કી ઝંકાર રસ્તે રસ્તે..' ગીત સાંભળ્યું હોય તો એના ઇન્ટ્રો તરીકે જે હાર્મોનિયમ વાગે છે એ ખટકદાર શૈલી કહેવાય. એમાં દરેક પીસ સાથે એકાદ ઝટકો લાગે. ગુલામ અલી કે જગજિત સિંઘને સાંભળો ત્યારે આ કલાકારો પોતે જે શબ્દો ગાઇ રહ્યા છે એના પૂરક (કોમ્પલીમેન્ટ ) તરીકે હાર્મોનિયમની એક કરતાં વધુ ચાવીઓ (સ્વરો) પર આંગળીઓ દબાવીને વગાડે એને ભરેલું વગાડયું કહેવાય. અનુપ જલોટા જેવા કેટલાક ગાયકો એક સાથે બંને પદ્ધતિ અપનાવે છે. ગાતી  વખતે ભરેલું અને વચ્ચે વચ્ચે ફરફરાટ...દરેક વાજિંત્રના આવા જુદી જુદી વાદનશૈલીના નિષ્ણાત વાદકો હોય. પાકિસ્તાની ગાયક-વાદક અદનાન સામી જેે રીતે 'ઊડતું કી બોર્ડ' વગાડે છે એેની આંગળીઓ સહેલાઇથી કેમેરામાં ઝડપી શકાય નહીં. કેમેરાના શટરની સ્પીડમાં ફેરફાર કરવો પડે. એ જ રીતે તમે જુદા જુદા તબલાંવાદકોને સાંભળો. તેમની વાદનશૈલી એકબીજા કરતાં જુદી પડતી લાગશે.
ફિલ્મગીતની તર્જ રચતી વખતે આ બધા પ્રકારના વાદકો કામ લાગે. તલત મહેમૂદે ગાયેલું ફિલ્મ દાગનું 'અય મેરે દિલ કહીં ઔર ચલ...' ગીત યાદ કરો. એમાં અંતરો ગાવાનું શરૃ થાય ત્યારે 'ચલ જહાં ગમ કે મારે ન હો...' ની પાછળ ફરફરાટ કરતી ઓર્ગનની સૂરાવલિ સંભળાય છે, ઘણું કરીને એ કેરસી લોર્ડ અને વિસ્તાસ્પ બલસારાની કમાલ હતી. આ ગીતના એકદમ પ્રારંભના ઇન્ટ્રોમાં કોર્ડસ્ અને ઊડતંુ ઓર્ગન એમ બંને સાથે  સંભળાય છે.એક સાથે ત્રણ ત્રણ ચાર ચાર સ્વરો વાગતાં હોય એ પણ 'ભરેલું' વાદન કહેવાય. ગીતના શબ્દોની વચ્ચે ખાલી પડતા અવકાશને એ ભરી દે. કેરસી લોર્ડ, એનોક ડેનિયલ, વી બલસારા, વાન શિપ્લે-આ દરેક કલાકારની પોતાના સાજ સાથેની આત્મીયતા બેમિસાલ હોવા ઉપરાંત આ દરેક કલાકાર પોતાના સાજને વિવિધ રીતે લાડ લડાવી શકતો. એક કરતાં વધુ સાજિંદામાં કોણ ક્યારે કયા ગીતમાં ખપ લાગશે એ અગાઉથી કહેવું શક્ય હોતું નથી. એટલે જ શંકર જયકિસનના ઓરકેસ્ટ્રામાં સાજિંદાઓનો જે કાફલો હતો એ દરેક વાદ્યકાર પોતપોતાના ક્ષેત્રનો બેતાજ બાદશાહ હતો.
સાથોસાથ એ પણ સમજી લેવાની જરૃર છે કે દરેક સિનિયર સાજિંદો એક કરતાં વધુ વાદ્ય વગાડી શકતો. દાખલા તરીકે વી બલસારા કે કેરસી લોર્ડનો જેટલો કાબુ એકોર્ડિયન પર હતો એટલોજ પિયાનોવાદન પર હતો. એકોર્ડિયનની વાદન શૈલી અને પિયાનોની વાદનશૈલી વચ્ચે આસમાન જમીનનો ફરક છે. તમે થોડું ઘણું સંગીત સમજતા હો તો આ મુદ્દેા તરત સમજી જશો. અગાઉ આ સ્થળેથી જણાવેલું કે મેંડોલીનવાદનમાં પ્લેક્ટ્રમને ઉપરથી નીચેની તરફ લઇ જતો સ્ટ્રોકનો રણકાર અલગ સંભળાશે અને નીચેથી ઉપરની (ડાઉન ટુ અપ)  તરફ જતા સ્ટ્રોકનો રણકાર જુદો સંભળાશે. આ બધી કેટલીક હદે ટેક્નિકલ વાતો છે એટલે સામાન્ય રીતે એને ટાળતો રહું છું. પરંતુ એક જ સાજના એક કરતાં વધુ સાજિંદા શા માટે એ સવાલના જવાબમાં સરળ શબ્દોમાં સમજાવવાનો આ નમ્ર પ્રયાસ હતો.
આવતા શુક્રવારથી આપણે શંકર જયકિસનની સંગીત સર્જનની પ્રક્રિયાનેા આસ્વાદ લઇશું. દર મહિનાના છેલ્લા શુક્રવારે ટીનેજર્સ માટે જે વાતો કરીએ છીએ એ હમણાં થોડો સમય મોકૂફ રાખીને સાતત્યપૂર્વક શંકર જયકિસનની વાતો કરીશું. ઓક્કે ?
----------------

Comments