કામાતુરાણામ્ ન ભયં ન લજ્જા... છેક પ્રાચીન કાળથી આવી ઘટનાઓ બનતી રહી છે

ચોક્કસ સંપ્રદાયના એક સાધુ કોઇ પરિણિતાને ભગાડી ગયા એવા સમાચાર ગયા સપ્તાહે પ્રગટ થયા ત્યારે ભાગ્યેજ કોઇને નવાઇ લાગી હતી. આ ઘટનામાં નવું કશું નહોતું. 

અગાઉ પણ આવી ઘટનાઓ એક કરતાં વધુ વખત બની છે અને બનતી રહેવાની. આવી ઘણી ઘટના આજકાલ બને છે. પરંતુ વાત બહુ જૂની છે. 
ઉર્વશી, મેનકા, તિલોત્તમા કે પૌલેામી જેવાં નામોથી પરિચિત હો તો તમને તરત યાદ આવશે. આ નામો એવી અપ્સરાઓનાં છે જેમણે દેવરાજ ઇન્દ્રના કહેવાથી જે તે ઋષિ-મુનિનો તપોભંગ કર્યો હતો. દેવરાજને ડર હતો કે  આ તપસ્વી મારી ગાદી પચાવી પાડશે એટલે અપ્સરાની મદદથી તપસ્વીનો તપોભંગ કરાવ્યોે એવી અઢળક કથાઓ આપણાં સંસ્કૃત ગ્રંથોમાં વાંચવા મળે.
વસ્તુતઃ કામવાસના એકદમ સહજ અને સ્વાભાવિક સંવેદન છે. પ્રાચીન કાળના મનીષિએાએ જીવ માત્રના જે ચાર આદિ લક્ષણો ગણાવ્યાં છે એમાં આહાર, નિદ્રા, ભય અને મૈથુનનો સમાવેશ કર્યો છે. એટલે કામવાસના સ્વાભાવિક આવેગ ગણાવી જોઇએ. ફરક ત્યારે પડે છે જ્યારે પોતાને વૈરાગી કે સાધુ તરીકે ઓળખાવનાર વ્યક્તિ સંયમ ગુમાવી બેસે છે. જો કે એમાં પણ એનો વાંક સોએ સો ટકા કાઢી શકાય નહીં.
તાળી એક હાથે પડતી નથી. જાણ્યે અજાણ્યે કોઇ નારી પણ ભગવાધારી તરફ આકર્ષાઇ જાય એવું બને.  એ પણ કુદરતી છે. યૌવન સહજ ઉન્માદ વ્યક્તિને ભાન ભૂલાવી દે એવી ઘટના સ્વાભાવિક છે. હકીકતમાં આવું ન બને ત્યારે નવાઇ લાગવી જોઇએ.
અભ્યાસીએા આ વાતને આગ અને ઘી સાથે સરખાવે છે. કામાગ્નિમાં સંયમ રૂપી જળનો છંટકાવ થાય તો એ અગ્નિ શમી જાય. પરંતુ એમાં સૌંદર્યવતી નારી રૂપી ઘી ઢોળાય ત્યારે આગ વધુ ભડકે. મોટા ભાગના સાધુઓ આલા દરજ્જાના વક્તા હોય છે. સુંદર નારીને પોતાની વાણી દ્વારા તરત આકર્ષી લે છે.
એમાંય જો નારી પોતાના પરિવારથી અસંતુષ્ટ હોય તો ખલાસ. લપસી પડતાં વાર ન લાગે. જો કે એવાય ઘણા સાધુ સંતોના દાખલા નોંધાયા છે જેમણેે સ્વેચ્છાએ ભગવાં તજી દઇને ફરી સંસારપ્રવેશ કર્યો હોય. એવા સાધુઓ અભિનંદનને પાત્ર ઠરે. આજના ઇન્ટરનેટના જમાનામાં હવે તો દરેક ધર્મના સાધુઓનાં સ્ખલનની વાતો પ્રગટ થવા માંડી છે.
તાજેતરની એક સભામાં કેથોલિક ખ્રિસ્તી જગદ્ગુરુ નામદાર પોપે પણ ખ્રિસ્તી સાધુઓના આ પ્રકારનાં સ્ખલનોની વાત કરી હતી. જો કે એ કઇ રીતે રોકી શકાય એ વિશે પોપ મૌન રહ્યા હતા. સાચું પૂછો તો બ્રહ્મચર્ય શબ્દનો વ્યાપ અનંત કહી શકાય. ઇન્દ્રિયદમન અને ઇન્દ્રિયશમન બંને વચ્ચે આસમાન જમીનનો ફરક છે.
ઇન્દ્રિયશમન ખરેખર મુશ્કેલ છે. કારણ કે તટસ્થ રીતે વિચારીએ તો બ્રહ્મચર્ય કુદરતી આવેગની વિરુદ્ધની વાત છે. જે આવેગનેા ચાર મૂળભૂત વૃત્તિઓમાં સમાવેશ કરાયો છે એને રોકવો કે દબાવવો એ કુદરતની વિરુદ્ધ જવા જેવી વાત છે.
ફરક માણસ અને પશુપંખી વચ્ચે છે. માણસ બુદ્ધિજીવી ગણાતો હોવા છતાં કામવાસનાની બાબતમાં અન્ય જીવો કરતાં ઊતરતો ગણાય. પશુપંખી માત્ર વંશવૃદ્ધિ માટે સાહચર્ય માણે છે. માણસ માટે સાહચર્ય પણ એક આનંદનો હિસ્સો છે. પછી ભલે એ ક્ષણિક હોય.
પ્રાચીન ઋષિમુનિઓએ એક સરસ વાત કરી છે- 'ભોગા ન ભુક્તાઃ, વયમેવ ભુક્તાઃ' અર્થાત્ ભોગ ભોગવાતા નથી, આપણે પોતે ભોગવાઇ જઇએ છીએ, માણસ પોતે ભેાગવાઇ જાય છે, શરીર ઘસાઇ જાય છે.... પછી કેટલાક ભગવાધારી એવી વાતો વહેતી મુકે છે કે સો ટીપાં લોહીમાંથી માંડ એક ટીપું શુક્રાણુ બને છે.
શરીર શાસ્ત્રનો અભ્યાસ ન હોય એવા આમ આદમી આ વાત માની લે છે અને સાધુબાવાની વાતોને અનુસરીને અવળે રસ્તે ચડી જાય છે. અખબારોમાં પ્રગટ થતી સેક્સની કૉલમ્સ વાંચતાં ખ્યાલ આવે છે કે ટીનેજર્સ સેક્સની બાબતમાં કેટલી હદે અજ્ઞાાન હોય છે.
આવી ઘટનાઓ એટલુંજ સૂચવે છે કે સાધુ થવું સહેલું નથી. ઇન્દ્રિયશમન ખૂબ અઘરું છે, દુષ્કર છે. દરેક વ્યક્તિ ઇન્દ્રિયશમન કરી શકતી નથી. કેટલાક કિસ્સામાં ઇન્દ્રિયદમન દ્વારા દીક્ષા લઇને સાધુ બનેલા પછી આંખના પલકારામાં લપસી પડે છે.
એમને માટે ગીતકાર સાહિર લુધિયાનવીનું ગીત સૂચક બની રહે છે, સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો તુમ ક્યા પાઓગે, ઇસ લોક કો ભી અપના ન સકે, ઉસ લોક મેં ભી પછતાઓગે... બહુ અઘરો વિષય છે આ...

Comments