૧૯૩૧માં
પહેલી બોલતી ફિલ્મ (ટૉકી) આવી ત્યારથી ફિલ્મોમાં સંગીતનો પણ આવિર્ભાવ થયો.
ફિલ્મનાં ગીતો અને નૃત્યોનું સંગીત અલગ રહેતું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલે કે
દ્રશ્યના હાવભાવને તાદ્રશ કરતું સંગીત અલગ રહેતું. મોટે ભાગે મુખ્ય સંગીતકારજ આ
બંને જવાબદારી અદા કરતા. શંકર જયકિસન આવ્યા ત્યારે પણ દાદુ સંગીતકારો સક્રિય હતા.
હુશ્નલાલ ભગતરામની વાત કરતી વખતે એ બધાંનાં નામ જણાવેલાં. માત્ર અછડતો ઉલ્લેખ કરીએ
તો માસ્ટર ગુલામ હૈદર,
નૌશાદ, અનિલ વિશ્વાસ, સજ્જાદ
હુસૈન, શ્યામ સુંદર, સી રામચંદ્ર અને
અફકોર્સ હુશ્નલાલ ભગતરામ. આ દરેકે પોતપોતાની રીતે ફિલ્મ સંગીતને સમૃદ્ધ કરવાનો
પરિશ્રમ કર્યો હતો. ૧૯૩૪-૩૫માં પ્લેબેક સિંગિંગ શરૃ થયું ત્યારથી વાત આગળ વધારીએ
તો પહેલા એક દોઢ દાયકામાં ફિલ્મ સંગીતનો પાયો અલગ હતો. દરેક રાજ્યનું લોકસંગીત,
દરેક ભાષાની રંગભૂમિનાં ગીતો, રવીન્દ્ર સંગીત,
શાસ્ત્રીય સંગીત અને ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં પાશ્ચાત્ય સંગીત આ
સમયગાળામાં કેન્દ્રમાં રહેતું.
અહીં એ વાતનો પણ સ્વીકાર કરવો જોઇએ કે પાશ્ચાત્ય
સંગીતની અસર હેઠળ અનિલ વિશ્વાસે પણ થોડું કામ કર્યું હતું જે શંકર જયકિસનના આગમન
પહેલાંની પ્રસ્તાવના જેવું હતું. આપણે અનિલ વિશ્વાસની વાત કરી ત્યારે સાગર
મૂવીટોનમાં કામ કરી રહેલા અનિલદાને થયેલો એક અનુભવ વર્ણવ્યો હતો, એ
કદાચ તમને યાદ હશે. એકવાર અનિલદાએ દસથી બાર સાજિંદાની માગણી કરી ત્યારે સાગરના
મેનેજર ગુસ્સે થઇ ગયેલા, શું કરવા માગે છે તું, દસ બાર સાજિંદાઓને બોલાવીને ? ગીતનો ખર્ચ કેટલો બધો
વધી જશે એનો ખ્યાલ છે કે ? એમ અનિલદાને કહેવામાં આવેલું. જો
કે અનિલદાએ નમતું જોખ્યું નહોતું. એમણે તો પોતાને જરૃર હતી એટલા સાજિંદાને બોલાવ્યા
હતા. મેનેજર બબડીને રહી ગયેલા. આ પ્રસંગને શંકર જયકિસનના આગમન પહેલાંની પ્રસ્તાવના
કહેવા પાછળ ચોક્કસ કારણ છે.
શંકર જયકિસને દસ બાર નહીં, પૂરા
એકસો સાજિંદાને લઇને જે ભવ્ય તવારીખ શરૃ કરી એે છેક ૧૯૬૦ના દાયકાના અંત લગી ચાલી.
છેલ્લે છેલ્લે લક્ષ્મીકાંત પ્યારેલાલે સો-સવાસો સાજિંદા સાથે ઓરકેસ્ટ્રેશન યોજ્યું
હતું. એવા ઓરકેસ્ટ્રેશનનો આરંભ શંકર જયકિસને કરેલો. આજે એ કલ્પના કરતાં પણ
રુંવાડાં ખડાં થઇ જાય. જ્યારે આખી ફિલ્મ પંદર દિવસ કે મહિનામાં અને વીસ પચીસ હજાર
રૃપિયામાં બની જતી ત્યારે, સોંઘવારીના એ જમાનામાં ફિલ્મનાં
ગીતો માટે એકસો સાજિંદા બોલાવવા એ સોના કરતાં ઘડામણ વધુ મોંઘું જેવો ઘાટ હતો.
પરંતુ આ બંને સંગીતકારો નસીબદાર હતા. એમને ખુદ લતા મંગેશકર કહે છે એમ રાજ કપૂર
જેવો સંગીતનો ઊંડો અભ્યાસી મળ્યો હતો. એ સમજતો હતો કે આ બંને શું કરવા થનગની રહ્યા
છે !
આ સંદર્ભમાં એક કિસ્સો જાણવા જેવો છે. ફિલ્મ
મ્યુઝિક ડાયરેક્ટર્સ એસોસિયેશનના વડા તરીકે સંગીતકાર નૌશાદ હતા ત્યારે એક
મિટિંગમાં અકસ્માતે રાજ કપૂર જઇ ચડયા. નૌશાદ સાહેબે સ્વાભાવિક રીતેજ ટકોર કરી કે આ
મિટિંગ ફિલ્મ સંગીતકારોની છે. એમાં તમે ્ક્યાંથી ? જવાબમાં જયકિસને
કહ્યું કે નૌશાદ સાહેબ રાજ સાહેબ પણ સંગીતના ઊંડા અભ્યાસી છે અને અમારા ફલાણા ગીત
જેવાં બીજાં ઘણાં ગીતોના મુખડાં રાજ સાહેબે સૂચવ્યાં હતાં. ત્યારબાદ નૌશાદ રાજ
કપૂરને એ મિટિંગમાં હાજર રહેવા દેવા સંમત થયા હતા. (બાય ધ વે, સિને સાજિંદાઓની સંસ્થા મુંબઇની સ્વર આલાપે પ્રગટ કરેલા પુસ્તકમાં એક
દુર્લભ ફોટોગ્રાફમાં રાજ કપૂર ઢોલક વગાડી રહ્યા છે અને બીજા બધા એ મુગ્ધ ભાવે
નીરખી રહ્યા છે એવું જોઇ શકાય છે.)
શંકર જયકિસને શરૃ કરેલા પ્રયોગો ન ભૂતો ન
ભવિષ્યતિ જેવા હતા. આજે એમના કામને માણીએ ત્યારે ખ્યાલ આવે કે આ બંંને પોતાના સમય
કરતાં કેટલા આગળ અને કેવા 'કાનસેન' હતા. એક સાવ નાનકડા દાખલાથી આજનો એપિસોડ
પૂરો કરીએ. શંકર જયકિસને સર્વદા સુખદાયી રાગિણી ભૈરવીમાં સ્વરબદ્ધ કરેલાં પાંત્રીસ
ચાલીસ ગીતો સાંભળો. દરેક ગીતની ભૈરવીની છટા અલગ છે. અરે, પોતાની
પહેલી ફિલ્મ બરસાતનાં બારમાંથી છ ગીતો ભૈરવીમાં છે છતાં બધાં એકબીજાંથી અલગ છે.
અગાઉ કહ્યું એમ આ બંને વિશે અઢળક લખાયું છે એટલે બને તેટલું રિપિટેશન ટાળીને ચૌદ
પંદર એપિસોડની ગાગરમાં આ બંનેનો સર્જન સાગર સમાવવાનો પ્રયાસ કરીશું.
----------------
Comments
Post a Comment