બોલે એેનાં વેચાય બોર, ન બોલ્યામાં નવ ગુણ- હાલ કયો વિકલ્પ બહેતર ગણાય ?





ભારત પાકિસ્તાનને મળતું પાણી અટકાવી દેશે... સમાચાર પ્રગટ થયાના ચોવીસ કલાકમાં રિજોઇન્ડર આવ્યું, આવું પગલું લેવા જતાં કશ્મીરમાં ભીષણ પૂર આવી શકે છે... ભારત મસૂદ અઝહરના મુદ્દે લાદેનવાળી કરશે... સમાચાર પ્રગટ થયાના કલાકોમાં મસૂદને વધુ સુરક્ષિત સ્થળે વધુ સિક્યોરિટી સાથે રાખવામાં આવ્યો.. આપણા લોકસાહિત્યમાં એક સરસ દૂહો છે- 'ગાજ્યા મેહ વરસે નહીં ને ભસ્યા કૂત્તા નવ ખાય, થોડા બોલા રણે ચડે ને બહુ બોલા ઘેર જાય...' બીજી પંક્તિ ફરી એકવાર ધ્યાનથી વાંચજો. થોડા બોલા રણે ચડે... ખરેખર તો પાઠાંતરમાં 'મૂગા રહેનારા રણે ચડે'  એમ કહી શકીએ.
જરા વિચારી જો જો. અમેરિકાએ પાકિસ્તાનના અબોટાબાદમાં છૂપાયેલા ઓસામા બિન લાદેન પર મધરાતે હુમલો કર્યો એે પહેલાં એની સીધી કે આડકતરી જાહેરાત કરી હતી ખરી ? ખુદ અમેરિકી સેનેટના ભાગ્યેજ કોઇ સાંસદને કે ઇવન વરિષ્ઠ લશ્કરી અધિકારીઓેને પણ આ વાતની જાણ નહોતી. લાદેનને એના છૂપાવાના સ્થળેથી ઝડપ્યા બાદ ખતમ કરીને એના મૃતદેહનો નિકાલ કરી નાખ્યા બાદ અમેરિકાએ આખી દુનિયાને જાણ કરી હતી.
થોડોક ભૂતકાળ ખોતરીએ તો આવી બીજી પણ ઘટનાઓ મળી આવે. ઇઝરાયેલી કમાન્ડો એન્ટેબી એરપોર્ટ પર ત્રાટક્યા એ ઘટના યાદ છે ? ૧૯૭૬ના જૂનની ૨૭મીએ બે સશ્સ્ત્ર આતંકવાદીઓએ એર ફ્રાન્સની ૨૪૮ ઉતારુ સાથેની એરબસનું અપહરણ કરેલું અને યુગાન્ડાના એન્ટેબી એરપોર્ટ પર લઇ ગયેલા. બરાબર ચોથી જુલાઇએ ચાર હજાર કિલોમીટર દૂર આવેલા એન્ટેબી એરપોર્ટ પર જાંબાઝ ઇઝરાયેલી કમાન્ડો ત્રાટક્યા અને ૧૦૬માંના ૧૦૨ બાનને મુક્ત કર્યા. આ ઓપરેશન એન્ટેબી હાથ ધરવા પહેલાં મોસાદે એની જાહેરાત કરી હતી ખરી ? ના.  ઘરઆંગણાની વાત કરીએ. ૨૦૧૬ના સપ્ટેંબરમાં ઊરીમાં આતંકવાદી હુમલો થયા બાદ આપણા લશ્કરે સર્જિકલ સ્ટ્રાઇક કરી એની આગોતરી જાણ કરી હતી ખરી ?
 -આ તમામ સવાલોનો એકાક્ષરી જવાબ છે 'ના.' તો પછી આપણે પુલવામા હુમલાના જવાબ રૃપે પાકિસ્તાન સામે જે પગલાં લેવાં ધારીએ છીએ એનો સીધો કે આડકતરો ઉલ્લેખ ગૃહ પ્રધાન રાજનાથ સિંઘે મિડિયા સમક્ષ કરવાની કોઇ જરૃર ખરી કે ? તટસ્થપણે વિચારજો. મુંબઇ મહાનગર પર દરિયા માર્ગે ૯/૧૧નો હુમલો થયો ત્યારે આપણને એક પાઠ શીખવા મળેલો. આપણી ટીવી ચેનલ્સ જે આંખે દેખ્યો અહેવાલ રજૂ કરતી હતી એ જોઇને આતંકવાદીઓના પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ દોરીસંચાર કરતા હતા. એટલે એવું સૂચન કરવામાં આવેલું કે ટીવી પર આંખે દેખ્યો જે અહેવાલ રજૂ થઇ રહ્યો છે એ તત્કાળ અટકાવવો.
 એ જ રીતે હાલ મિડિયા સાથેની વાતચીત દરમિયાન આપણા પોલિટિશ્યનોએ સંયમ રાખવાની તાતી જરૃર છે. શત્રુ ચેતી જાય એવી કોઇ પણ સીધી કે આડકતરી જાહેરાત કરવાની કશી જરૃર નથી. માછલીને ઝડપી લેવા ધ્યાનનો ડોળ કરીને ઊભેલા બગલાની જેમ ચૂપચાપ જે કરવાનું છે તે કરવું એનું નામ શ્રેષ્ઠ યુદ્ધનીતિ. બોલીને તમે શત્રુને સાવધ કરી દો છો. એ તરત વળતાં પગલાં લે છે અથવા એ માટે તૈયારી આદરી દે છે. પાકિસ્તાની લશ્કરી વડા બાજવાએ એલઓસીની તાકીદે લીધેલી મુલાકાત આ વાતનો બોલતો પુરાવો છે. ભૂતકાળની ભૂલો પરથી શીખે નહીં એને મૂર્ખ ગણવો પડે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ અને સનદી અધિકારીઓ આ વાત જેટલા જલદી સમજે એટલું વધુ સારું. જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ...સંવેદનશીલ આંતરરાષ્ટ્રીય મુદ્દે અગમચેતી વધુ અસરકારક સાબિત થતી હોય છે. પુલવામા ઘટનાનો પ્રતિધ્વનિ જરૃર વ્યક્ત કરો પરંતુ ચૂપચાપ... લાદેન પરના અમેરિકી હુમલાને નજર સામે રાખીને...
-------------


Comments