જરા તપાસી જુઓ ઇતિહાસને, એક પણ વિધર્મી આક્રમણખોર કદી સામી છાતીએ લડવા આવ્યો છે ખરો ? સંગઠિત થાઓ




બરાબર વેલેન્ટાઇન ડેએ ૧૪ ફેબુ્રઆરીએ જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર ત્રાટકીને આતંકવાદીઓએ કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના સીઆરપીએફના ૪૪ જવાનોને ઊડાવી દીધા. સોશ્યલ મિડિયા પર અસંખ્ય સંદેશા ઊતર્યા કે પાકિસ્તાનને પાઠ ભણાવી દેવો જોઇએ. 

અહીં યાદ આવે છે હસમુખા પારસીબાવા ભારતીય સેનાપતિ ફિલ્ડમાર્શલ સામ માણેકશા. સામબાવાએે એક પણ શબ્દ ચોર્યા વિના કહેલું કે સામસામી લડાઇમાં પાકિસ્તાન આપણને કદી હરાવી શકે એમ નથી. એટલેજ પીઠ પાછળ ઘા કરે છે. સામબાવાના વિધાનના બીજા અર્ધચરણની વાત કરવી છે.
પહેલી ગુજરાતી નવલકથા કરણ ઘેલો વાંચવાની તક મળી છે કદી ? એમાં એવો ઉલ્લેખ છે કે પેટના બળ્યાએ ગામ બાળ્યું. વિધર્મી આક્રમણખોરને લઇ આવ્યો.

 આ પ્રસંગ માત્ર સંબંધિત નવલકથાનો નથી, આ ભારતનો ઇતિહાસ છે. અગાઉ આ સ્થાનેથી શેરશાહની વાત કરેલી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લડાઇ થતી ત્યારે એક સાંજે સામી છાવણીમાં નાનાં નાનાં તાપણાં જોઇને શેરશાહે પોતાના ખબરીને પૂછતાં ખબર પડેલી કે ન્યાતજાતમાં માનતા હિન્દુઓ પોતપોતાની અલગ રસોઇ કરે છે. શેરશાહે પોતાના સેનાપતિને બોલાવીને કહેલું, 'અડધું લશ્કર પાછું મોકલી દો. જે લોકો સાથે જમી શકતા (બિસ્મીલ્લાહ કરી શકતા) નથી એ સંગઠિત થઇને લડાઇ શું કરવાના હતા !' આ વાત આજે પણ એટલી જ સાચી છે.
છેલ્લાં પાંચસો છસો વર્ષનો ઇતિહાસ વાંચો. એક પણ વિદેશી અને વિધર્મી આક્રમણખોર કદી સામી છાતીએ લડવા આવ્યો નથી. એણે ઘરના કોઇ ઘાતકીને ફોડયો છે, એની મદદથી પગપેસારો કર્યો છે. એક પણ વિધર્મી આક્રમણખોર મર્દની જેમ લડયો નથી. આપણે બધી રીતે સજ્જ હોવા છતાં જડબાતોડ જવાબ આપી શકતા નથી. કેમ ? કારણ કે આપણે સંગઠિત નથી. 

ન્યાતજાતના વાડા, સંપ્રદાયો (લગભગ દરેક સંપ્રદાયના પાછા પાંચ સાત ફિરકા છે), મહાભારતમાં ધૃતરાષ્ટ્ર કહે છે એમ મામકાઃ ચૈવ પાંડવાઃ મારા તમારાની ખેંચતાણ...એમાં આવા લોકો ફાવી જાય છે. સંગઠિત થાઓ. કોઇ તમારી સામે ઊંચી આંખ નહીં કરી શકે. તમારી સાથે આંખ મિલાવી નહીં શકે.
પુલવામા જેવી ઘટના બને ત્યારે આવેશમાં આવી જઇને આપણે હો હા કરવા માંડીએ છીએ. સોશ્યલ મિડિયા પર એક બહેને એવી ટકોર કરી કે આપણે ત્યાં પાકિસ્તાન જેવા વડા પ્રધાન જોઇએ.

 એમને એ ખબર નથી કે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાની લશ્કરનો હાથવાટકો છે. એની કોઇ ઓખાત નથી. આપણે સૌએ ન્યાતજાતના ચોકા-ચોકઠાની બહાર આવી જવાની તાકીદે જરૃર છે. ' સૌ પ્રથમ હું ભારતીય છું' એ મિજાજ કેળવવાની જરૃર છે. અહીં તો ઊલટી ગંગા છે. બસમાં, ટ્રેનમાં, ફ્લાઇટમાં કોઇ બે જણ વાતે ચડે ત્યારે કેવા છો ? તો કહે, પટેલ. અચ્છા, કડવા કે લેઉઆ... જૈન છું. અચ્છા, કેવા ? શ્વેતાંબર કે દિગંબર, સ્થાનકવાસી કે દહેરાંવાસી..? આ સંકુચિતતાની બહાર આવવાની જરૃર છે. 
આ એક બાબતમાં બિનહિન્દુ કોમો આપણા કરતાં ચઢિયાતી છેે. ભલે અંદર અંદર શિયા-સુન્ની-અહમદિયા-બહાઇ વગેરે લડતા હોય. ધર્મના નામે યુદ્ધની વાત આવે કે તરત બધા એક ઝંડા હેઠળ સંગઠિત થઇ જાય. પાકિસ્તાનમાં ભલે અંદર અંદર કપાઇ મરતાં હોય, પરંતુ બહારના સામે સંગઠિતપણે જવાબ આપવા કટિબદ્ધ હોય છે. 

 પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એકવાર ભારતીય ક્રિકેટ ટીમ માટે કહેલું કે ભારતીય ટીમમાં કિલીંગ ઇન્સ્ટીંક્ટ (મારું કે મરુંનું ખમીર) નથી. આ વાત આપણને સૌને લાગુ પડે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ વાત ગાંધીજીએ ખાસ્સી મહેનત દ્વારા પ્રજાને ગળે ઊતારેલી, ડુ ઓર ડાઇ... કરો યા મરો... વિકલ્પો આપણા હાથમાં છે. ખુમારીભેર જીવવું છે કે કૂતરાના મોતે મરવું છે એ આપણે નક્કી કરવાનું છે. ન્યાતજાતના વાડામાં પુરાઇને કૂતરાના મોતે મરવા કરતાં સામી છાતીએ લડીને મરવામાં મોજ છે યારો... ડર ગયા સો મર ગયા...લડ રહા સો જી રહા...  સંગઠિત થાઓ. એમાં આપણે કશું ગુમાવવાનું નથી...
-------------------

Comments