ક્રાન્તિકારી સંગીત બેલડીના સૂર્યોદયની પૂર્વભૂમિકા સમજવી અત્યંત જરૂરી છે

નમસ્કાર દોસ્તો, આજે પહેલી ફેબ્રુઆરી, શુક્રવારથી ફિલ્મ સંગીતમાં આમૂલ પરિવર્તન અથવા કહો કે ક્રાન્તિ કરી નાખનારા સંગીકાર શંકર જયકિસન વિશેની મારી સિરિઝ શરૂ થાય છે. તમામ સગીત રસિકોની શુભેચ્છા અને આશીર્વાદની અપેક્ષા છે,. આ સિરિઝ દર શુક્રવારે ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં પ્રગટ થશે.. વિવાદો ટાળ્યા છે. થોડીક વાતો રિપિટ થવાની પણ શક્યતા છે કારણ કે આ બંને વિશે જુદી જુદી ભારતીય ભાષાઓમાં ખૂબ ખૂબ લખાયું છે. પહેલા ત્રણેક એપિસોડ પ્રસ્તાવના જેવા રહેશે.. ત્યારબાદ મુખ્ય વિષય શરૃ કરીશ. ચાલો ત્યારે મળીશું દર શુક્રવારે...

જેમના વિશે દેશ વિદેશની ભાષાઓમાં અઢળક લખાયું હોય અને જેમના કરોડો ચાહકો હોય એવી જોડીના સંગીતકારો વિશે લખતી વેળા થોડો સંકોચ છે, તેમ થોડો ભય પણ છે. ભય જાગવાનંું કારણ સ્પષ્ટ છે. આ બંને વિશે સંગીત રસિકો એટલું બધું જાણે છે કે ચાહકોને અહીં રજૂ થયેલી કોઇ વાત કદાચ નવી ન પણ લાગે, કદાચ કોઇ વાત વિશે લેખક કરતાં અન્ય સંગીત-રસિક વધુ જાણતો હોઇ શકે. આમ છતાં આ કટારના વાચકોને વચન આપ્યું હતું એટલે લખવાનું દુઃસાહસ થઇ રહ્યું છે. વાતનો આરંભ જરા જુદી રીતે કરવો છે. 

અગાઉ કોઇએ અહીં રજૂ થઇ રહેલી વાત ક્યાંક પ્રગટ કરી હોવાનું ખ્યાલમાં નથી. ભૂલચૂક લેવીદેવી. મને મળેલી માહિતી આપનારા સહૃદય લોકોમાં સંગીતકાર કલ્યાણજીભાઇ, સંગીતકાર દિલીપકાકા (દિલીપ ધોળકિયા), મેંડોલીન અને સરોદ વાદક કિશોર દેસાઇ અને રાજકપૂર સાથે સ્ક્રીપ્ટ રાઇટર તથા જનસંપર્ક અધિકારી તરીકે સંકળાયેલા વી પી સાઠેનો સમાવેશ થાય છે. આજે એ સૌનો જાહેરમાં આભાર વ્યક્ત કરું છું. 

ઉપરાંત ગુજરાતી ભાષાના ગરવા કવિ-પત્રકાર વેણીભાઇ પુરોહિત અને બિલાવલના નામે સંગીત વિષયક લેખો લખતા વડીલ પત્રકાર જીતુભાઇ મહેતાએે સંગીતકાર જયકિસન સાથે કરેલી અનૌપચારિક (ઇન્ફોર્મલ) વાતો કેટલીક વાર વેણીભાઇ મૂડમાં હોય ત્યારે અમ જેવા નવશીખીયા પત્રકારો સાથે વહેંચતા. થોડીક પ્રસાદી તાલીમી પત્રકારોને આપતા. એવી પ્રસાદીનો એક અંશ લગભગ ચાર દાયકાના સમયગાળા પછી અત્યારે આપની સમક્ષ માત્ર યાદશક્તિના જોરે લખાઇ રહી છે. ફરી એકવાર ભૂલચૂક લેવી દેવી. અવતરણ ચિહ્નોમાં મૂકેલા શબ્દો સંગીતકાર જયકિસનના છે એમ વાંચવું. 

'અમને રાજ સાહેબે બરસાત ફિલ્મમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે તક આપી ત્યારની વાત છે. અમે નવરાશની પળે એમની સાથે અહીંતહીંનાં ગપ્પાં મારતા. અમારા મનમાં એક વિચાર સતત ઘુંટાતો હતો જે અમે એમની સમક્ષ રજૂ કર્યો હતો. એ વિચારના મૂળમાં પાપાજીનાં (પૃથ્વીરાજ કપૂર) વિચારો અને નાટકો હતાં. 

દેશના ભાગલા પડયા ત્યારે ભારત-પાકિસ્તાન બંને બાજુએ માણસમાત્રમાં જાનવર જાગી ઊઠયો હતો. લગભગ બે કરોડ લોકોનું લોહી રેડાયું હતું, હજારો સ્ત્રીઓનાં શિયળ લૂંટાયાં હતાં, અબજો રૃપિયાની માલમિલકતનું નુકસાન થયું હતું... આ બધા જખમ હજુ તાજા હતા. હવામાં બળતા લોહી-માંસની બદબૂ આવી રહી હતી....

'સાથોસાથ આ બધાં રાક્ષસી વર્તનથી અજાણ એવી એક નવી પેઢી આપણી આસપાસ ઊછરી રહી હતી. અમે રાજ સાહેબને એ વિચાર ગળે ઊતારવાના ભરચક પ્રયાસો કર્યા હતા કે સંગીત નહીં જાણતા આમ આદમીને પણ પોતાનું લાગે, વીતેલા હિંસાચારને ભૂલીને નવી આશા સાથે ઊભો થઇને નાચવા માંડે એવું આપણે કંઇક કરવું જોઇએ...રાજ સાહેબ તો સતત 'બરસાત'ના વિચારોમાં લીન રહેતા હતા. ક્યારેક ઊંડા વિચારમાં મગ્ન થઇ જતા તો ક્યારેક અમારી વાતને હોંકારો આપતા.

એકવાર અમે મજાક મસ્તીના મૂડમાં આપણા ગુજરાતના ગરબામાં વપરાતા હીંચ તાલના વિવિધ આયામોની વાત કરતા હતા ત્યારે શંકરજીએ એક ટુકડો પેશ કર્યો 'તાક્ ધીના ધીન, ધીના ધીન તાક્ ધીના ધીન...' રાજ સાહેબ સફાળા ગોઠણભેર થઇ ગયા અને કહ્યું, 'ઊઠા લો ઇસ ટુકડે કો...' અને અમારા ટાઇટલ ગીતની પૂર્વભૂમિકા રચાઇ ગઇ. 

અગાઉ પણ કેટલાક સંગીતકારોએ તબલાં-પખવાજ કે મૃદંગના બોલ ગીતમાં વાપર્યા હશે. અમે એને યુવાપેઢીને આકર્ષે એ રીતે ઊઠાવ્યા...લયવાદ્યને બદલે કોરસના કંઠે રજૂ કર્યા..' (તાક્ ધીના ધીનનો ઉદય અમદાવાદમાં થયો એ વિશે હવે પછી...)' 

વાંચજો આખો પેરેગ્રાફ ફરીથી. ભાગલા, હિંસાચાર, ખૂનામરકી, લોહી ઝરતા જખમો અને ઊગીને ઊભી થઇ રહેલી એક આખી પેઢીને કંઇક આપવાનો સંગીતકારોનો નિર્ધાર. એમાંથી ઊગી નીકળી ફિલ્મ સંગીતમાં ક્રાન્તિ. એમાંથી પ્રગટયું ફિલ્મ સંગીતના સુવર્ણયુગનું એક સોપાન. 

છેક ૧૯૩૧-૩૨થી જે પ્રકારનું સંગીત ફિલ્મોમાં અપાતું હતું એમાં શંકર રઘુવંશી અને જયકિસન ડાહ્યાભાઇ પંચાલ નામની આ જોડીએ આપાદમસ્તક (માથાની સેંથીથી પગની પાની સુધીની) કાયાપલટ કરી નાખી. એમાં ભલે સેબાસ્ટિયન, એન્થની, ફ્રેન્કી ફરનાન્ડિસ, દત્તારામ, વિસ્તાસ્પ (વી) બલસારા, લાલા, સત્તાર, કેરસી લોર્ડ, વાન શિપ્લે, એનોક ડેનિયલ, જયરામ આચાર્ય અને બીજા અનેકોનો યથાશક્તિ ફાળો હશે, મેલોડી સાથે કાઉન્ટર મેલોડીનું પ્રદાન હશે. 

પરંતુ એક વાત નક્કી. ફિલ્મ સંગીતની ક્રાન્તિના પાયામાં આ બે જણ હતા જેમણે ફિલ્મ સંગીતને નવો ઉન્મેષ આપ્યો, આખા ઢાંચામાં ધડમૂળથી ક્રાન્તિ કરી નાખી. એ સમયે આ બંનેને ખ્યાલ સુદ્ધાં નહીં હોય કે આવતી અનેક પેઢી એમના સંગીત પર ઓવારી જશે, એમના સંગીતને ફિલ્મ સંગીતના સુવર્ણ યુગનું પહેલું પગથિયું ગણીને આગળ વધશે, દેશ અને દુનિયામાં સંગીત રસિકો એમને સતત યાદ કરશે. 

યસ, આપણે હવે વાતો કરવાના છીએ ક્રાન્તિના પ્રથમ મશાલચી શંકર જયકિસનની, સિનેમેજિક એટલે કે સિનેમાના જાદુની. એ જાદુ એટલે સિનેસંગીત. એમાં કેટલીક તમને પરિચિત વાતો પણ હશે અને કેટલીક સાવ નવી વાતો પણ હશે.

Comments