Pandit Ravi Shankar |
ભારતીય સંગીત સાંભળનારામાંથી કેટલા રસિકો આ સંગીતવાદ્યોની તવારીખથી વાકેફ હશે? એ વાદ્યો ક્યારે, કયા સંજોગોમાં બ ન્યાં? એ દરેક વાજિંત્રની વિશિષ્ટતા શું છે અને એ વાદ્યોમાં પારંગત થનાર આપણા સંગીતકારોએ કેવી કેવી સિદ્ધિ હાંસલ કરી છે? તેની સ્વર-લયબદ્ધ કર્ણપ્રિય કહાણી.
- સરોજ પોપટ - અજિત પોપટ
'પોલું છે તે બ્લોયું
એમાં તેં શી કરી કારીગરી?
સાંબેલું બજાવે તો હું જાણું
કે તું શાણો છે'
એક શરણાઇવાળાએ સંગીતની સાધના કર્યા પછી પ્રતિજ્ઞા લીધેલી કે સંગીતના જોરે રોજ એક જ શેઠિયા પાસે વગાડીને માગી ખાવું. એક દિવસ એના દુર્ભાગ્યે કોઈ કંજૂસ શેઠિયો ભેટી ગયો. શેઠ પેલાને પૈસા ન આપવા માટે કહે છે કે પોલું છે એટલે તારું વાજિંત્ર (શરણાઇ) વાગે છે.
આ સાંબેલું વગાડી જાણે તો તને ખરો કારીગર ગણું! શરણાઇવાળા અને કંજૂસ શેઠનું આ કવિત સો વરસ પહેલાં રચનાર કવિ દલપતરામ ડાહ્યાભાઈને કદાચ ખ્યાલ નહીં હોય કે તેમણે જાણ્યેઅજાણ્યે આ કાવ્યમાં સંગતીના પાયામાં રહેલું એક સત્ય પ્રગટ કરી નાખ્યું કે પોલું હોય તે વાગે! માણસના કંઠ સહિત દુનિયાનું કોઈ પણ વાજિંત્ર લો. એના પાયામાં પોલાણ તથા એ પોલાણમાંથી પસાર થતી હવા જ તેને બોલતું (વાગતું) કરે છે.
ચાહે એ વાજિંત્ર તાર (તંતુ)થી વાગતું હોય, મઢેલા ચામડાને ખેંચવા-તાણવાથી (અવનદ્વ) વાગતું હોય કે ફૂંક મારીને (સુષિર) છેડી શકાતું હોય. કોઈ પણ પ્રકારના વાદ્ય માટે પોલાણ જરૂરી છે. કવિ દલપતરામ આજે આપણે વચ્ચે હોત તો પોલી શરણાઇ કે વાંસળી છેડીને એક જ કાર્યક્રમમાં ૨૫-૫૦ હજાર રૂપિયા લેતા કલાકારને જોઈ કદાચ બેભાન થઈ જાત. છેલ્લાં ૫૦૦૦ વરસમાં કદી નહોતી એટલી સંગતીની બોલબાલા આજે જોવા મળે છે.
સદાને માટે અમેરિકા જઈ વસેલા સિતારસમ્રાટ પંડિત રવિશંકરને એક કાર્યક્રમ માટે મુંબઈ બોલાવવા હોય તો તેમના મહેનતાણા, આવનજાવન અને રહેવાની વ્યવસ્થા પાછળ જ લાખ દોઢ લાખ રૂપિયા સેહેજે ખર્ચાઈ જાય. ભગવાન કૃષ્ણની બંસી સાંભળીને ગોકુળ ગામના પશુપક્ષી અને ગોપગોપીઓ સ્થળકાળનું ભાન ભૂલી જતાં એવી વાતને માત્ર વાણીવિલાસ કહેતા.
લોકો એ હકીકત સ્વીકારે છે કે જર્મનીમાં પન્નાલાલ ઘોષની વાંસળી તથા રવિશંકરની સિતારની રેકર્ડો સંભળાવીને ગાયભેંસો પાસેથી વધુ દૂધ મેળવવાના સફળ પ્રયોગો થઈ ચૂક્યા છે. તાજામાં તાજી મળેલી માહિતી મુજબ પૂર્વ જર્મનીમાં ડોક્ટર જોહાન્સ અને અમેરિકામાં ડોક્ટર દચિન્સન તથા ડોક્ટર પોડોલાન્સ્કીએ પોતાની હોસ્પિટલોમાં 'મ્યુઝિક થેરાપી'ના ખાસ વિભાગો શરૂ કર્યાં છે. એ વોર્ડમાં ભારતીય રાગરાગિણી તથા પખવાજ વાદનની રેકોર્ડ દરદીને સંભળાવી સારવાર અપાય છે.
Pandit Hariprasad Chaurasia |
ઈતિહાસકારોના કહેવા પ્રમાણે ભારતીય વાજિંત્રોની વ્યાખ્યા ત્રણ શબ્દોમાં આવી જાય છે. વાણી, વેણુ અને વીણા. સૌપ્રથમ એ વાદ્ય એટલે વાણી. આમ તો પશુ-પક્ષી જીવમાત્ર પોતાના કંઠમાંથી જુદા જુદા ધ્વનિ કાઢી શકે છે પરંતુ માણસ સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે પોતાના કંઠ ધ્વનિને સંસ્કારી વાણી બનાવી. ઈશ્વરની આરાધના કરવા એના કંઠમાંથી ઓમકાર પ્રગટ થયો જે સમયના વીતવા સાથે સંગીત બન્યો. ત્યાર બાદ તાળી આવી. બે હથેળી થોડાક જોશ સાથે સામસામી અફળાઈ તેમાંથી જે ધ્વનિ બન્યો તે કાળક્રમે તાલસર્જનમાં નિમિત્ત થયો. ભાષા નહોતી ત્યારે વિચારો વ્યક્ત કરવા માટે થતા ઈશારા-સંકેતોમાંથી નૃત્ય જન્મ્યું. માણસ પોતાના હાથે શરીરના જુદા જુદા અંગ પર થાપટ મારે તેથી પ્રગટેલા તક તક જેવા ધ્વનિ મૃદંગ જેવાં વાદ્યો બનાવવામાં નિમિત્ત બન્યાં.
આદિકાળમાં માણસ જંગલી અવસ્થામાં રહેતો ત્યારે આસપાસની પ્રકૃતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતો. એ નિરીક્ષણ દરમિયાન એને વેણુ (વાંસળી) જડી ગઈ એમ પ્રસિદ્ધ વાંસળીવાદક પંડિત શિવકુમાર પૂંજાણીએ અમને કહ્યું. વાંસના ઝાડમાં થતા કીડા વાંસને કોરી ખાવાથી પડી જતા કુદરતી છિદ્રમાંથી પવન વહે ત્યારે મધુર ધ્વનિ પેદા થતો. કુદરતનું એ બંસીવાદન સાંભળીને માણસને વાંસળી વગાડવાની પ્રેરણા મળી હશે. એમાંથી દુનિયાની પહેલી વાંસળી જન્મી જે કૃષ્ણાવતાર દરમિયાન વધુ લોકપ્રિય થઈ. આજે તો યુરોપ અમેરિકામાં ધાતુની, પ્લાસ્ટિકની અને ફાઈબરની વાંસળી બને છે.
ustad ali akbar khan |
વીણા કોણે અને ક્યારે બનાવી એનો કોઈ પુરાવાસભર ઇતિહાસ મળતો નથી, પરંતુ પુરાણોમાં જણાવ્યા પ્રમાણે વીણા અને ડમરુ એ બે વાદ્યો સંહારના દેવ ગણાતા ભગવાન શંકરે પહેલીવાર બનાવેલા. એ કાળમાં એકસોથી વધુ જાતની વીણા હોવાનું પંડિત શિવકુમાર શર્મા માને છે.
આજે સંતુર તરીકે ઓળખાતી સો તારવાળી શતતંત્રી વીણા પર અજોડ કુશળતા ધરાવતા સંગીતકાર શિવકુમાર શર્માએ અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા પછી સંગીતકાર તરીકેની કારકિર્દી સ્વેચ્છાએ અપનાવી, તેમણે એક અદ્ભુત પ્રસંગ કહી સંભળાવ્યો. અમદાવાદમાં તેમની સંતુર તથા બ્રિજભૂષણ કાબરાની ગિતારનો જુગલબંદીનો કાર્યક્રમ હતો. બંને પોતપોતાનાં વાદનમાં એટલી હદે મશગૂલ થઈ ગયા કે આસપાસનું ભાન ભૂલી ગયા. અચાનક કડાક અવાજ સાંભળી બંનેની સૂરસમાધિનો ભંગ થયો. જોયું તો બંને કલાકારોનાં વાજિંત્રોમાં તિરાડ પડી ગયેલી. સ્વરોની ઉત્કટતાથી સર્જાયેલા દબાણને કારણે બંને વાજિંત્રોમાં આવું બન્યું એ કેટલું આશ્ચર્યજનક કહેવાય!
મુંબઇના આગેવાન વાજિંત્ર-ઉત્પાદક હરિભાઈ વિશ્વનાથના હાલના સંચાલક નાનાભાઉ (દિલીપ)એ સંતુરની બનાવટ વિશે માહિતી આપતા કહ્યું : 'અગાઉ શ્રીનગરમાં વસતો એક કાશ્મીરી મુસ્લિમ કારીગર ઝુઝાદ સંતુર બનાવવામાં નિપુણ હતો. હાલ એ હયાત નથી. હું મારા એક કારીગર સાથે શ્રીનગર ગયેલો. તેની પાસે શીખીને અમે અમારા કારખાનામાં સંતુર બનાવવાનું શરુ કર્યુ.
હાલ અમે 'પોલોમા' બ્રાન્ડની મહિને ૧૦ સંતુર બનાવીએ છીએ. વરસે સોએક સંતુરની નિકાસ પણ કરીએ છીએ. મહારાષ્ટ્ર, ત્રિપુરા, શ્રીનગર, કલકત્તા અને દિલ્હીમાં સંતુર સારી બને છે. પરંતુ કેટલાક શ્રીમંત ઘરના નબીરા છેક રુમાનિયા અને રશિયાથી સંતુર મંગાવે છે. એ વાદ્ય વગાડવા કરતાં ય એના એકસો તારોની સ્વરમિલાવટ કરવાનું કપરું છે. તેની બીજી વિવિધતા એ તંતુ (તાર) વાદ્ય હોવા છતાં નખલી (મિજરાફ)થી નહીં, વજનમાં હલકી બે ટચૂકડી દાંડી વડે એ વાગે છે. સારી સંતુર બેથી છ હજાર રુપિયાની થાય.'
હજારો વર્ષ પહેલાં જ એકસો જાતની વીણા હતી તેનાં સ્વરુપો તથા વગાડનારા વિશે પૂરતી માહિતી મળતી નથી. આજે પ્રચારમાં છે એવી વીણાના પ્રકારમાં સરસ્વતી વીણા, નારદીય વીણા, રુદ્ર વીણા. વિચિત્ર વીણા અને શતતંત્રી વીણાનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં ગોટ્ટુવાદ્યમ્ નામની પણ વીણા છે, જે કાચના પેપરપેઇટ જેવી લંબગોળ લખોટીથી વાગે છે.
વિદ્યાદાત્રી માતા સરસ્વતીની છબી ધ્યાનથી જુઓ તો તેમની વીણાના તુંબડાવાળા ભાગ આગળ, મોરની આકૃતિ જોવા મળે છે એટલે ઘણા વિદ્વાનો એને મયુરવીણા ય કહે છે. યોગાનુયોગે મોરના કેકારવ પરથી સંગીતના સાત સૂરનો પ્રથમ સ્વર ષડ્જ (સા) મળ્યો છે. વીણાની સરળ સમજ આ રીતે આપી શકાય : પોલા તુંબડા પર એક એવું જ પોલું લાકડું મઢીને એના પર ઝીણું છિદ્ર કરવામાં આવે છે. એ છિદ્રને કારણે તુંબડામાં સ્વરનો ગુંજારવ થાય છે. એ છિદ્ર ઢંકાઈ ન જાય એ રીતે તેના પર હાથીદાંતની એક ઘોડી મુકાય છે.
તુંબડાને એક ખૂણે તાર બાંધવાની ખૂંટી હોય છે અને બીજી બાજુ સ્વરોના જુદા ગોઠવેલા તારને ઢીલા-તંગ કરવાની ખૂંટીઓનો વાંસ હોય છે. એ વાંસના ખૂંટી તરફના છેડે બીજું એક તુંબડું હોય છે. બે તુંબડાવાળી આ વીણા કોઈ જાણકાર કલાકાર વગાડે ત્યારે આષાઢ મહિને વીજળીના કડાકા સામે સ્પર્ધા કરતા મહાસાગરનાં મોજાંનો ઘૂઘવાટ સંભળવા મળે. જો કે વીણા વગાડવાનું એટલું બધું અઘરું છે કે આજે ૯૦ કરોડની વસતિવાળા આખા દેશમાં વીણાના ૯૦ કલાકારો પણ મળવા મુશ્કેલ છે.
અકબરના દરબારમાં તાનસેન મોટો ગવૈયો હતો. તેની ગાયકીને વીણા પર પૂરેપૂરી ખૂબી સાથે ઝીલી શકતો એકમાત્ર કલાકાર સિંધનો રજપૂત રાજવી સન્મુખસિંહ હતો. વીણા વગાડવામાં જબરદસ્ત નિપુણ એવા આ રાજવીને અકબરે તેડું મોકલ્યું ત્યારે સન્મુખસિંહે વિનયપૂર્વક નિમંત્રણનો અનાદર કરતા કહેવડાવ્યું : મારું સંગીત ભગવાન શિવની આરાધના માટે છે. રાજદરબાર માટે નથી. પરિણામે સંગીત સંગીતના સ્થાને રહ્યું. મુઘલ સેના સન્મુખસિંહના રાજ્ય પર હુમલો લઈ ગઈ. આજે શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ તરીકે ગવાતી રચનાના શોધક પંડિત સદારંગ પણ એક જમાનામાં ટોચના વીણાવાદક હતા.
મુસ્લિમ ઉસ્તાદો વીણાને બીન તરીકે ઓળખે છે. તાનસેનની દીકરીના એક વંશવારસ મનાતા ઉસ્તાદ વજીર ખાં રામપુરના નવાબ હમીદઅલી ખાંના દરબારમાં ટોચના સંગીતકાર હતા. છેલ્લાં બસો વરસમાં વજીરખાં જેવો વીણાવાદક થયો નથી. રવિશંકરના સસરા અને આ સદીના શ્રેષ્ઠ વીણાવાદક ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં વજીરખાંના શાગિર્દ હતા. જો કે વજીરમાં કોઈને સંગીત શીખવતા નહોતા. તેમને મનાવવાના અનેક પ્રયાસો નિષ્ફળ જતાં અલ્લાઉદ્દીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. અફીણ પીને આપઘાત કરતાં પહેલાં રામપુરના નવાબની મોટર નીચે પડતું મુક્યું. સિપાઈઓએ નવાબની સામે હાજર કરતાં તરુણ અલ્લાઉદ્દીને આપવીતી સંભળાવી ત્યારે નવાબે વજીરખાંનો સંપર્ક સાધી આપ્યો.
વીણાનું ભારતીય સંગીત પર બીજું પણ ઋણ છે. આજે જે સાત સ્વરો સા, રે, ગ, મ, પ, ધ, અને ની પ્રચારમાં છે તેનાં સ્વરસ્થાનો નક્કી કરવામાં દક્ષિણ ભારતના પંડિત વ્યંકટમુખીએ વીણાના સ્વરોનો આધાર લીધો હતો, પરંતુ એ તો શાસ્ત્રની વાત થઈ.
મુંબઈનાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના વડા મંદિરના ગુંસાઈજી શ્રી મુકુંદરાયજીએ સરસ્વતી વીણા વાદનમાં અનોખી સિદ્ધિ મેળવેલી. વીણા પરનો એમનો કાબૂ જોઈને સંગીતકાર નૌશાદે ફિલ્મ 'બૈજુ બાવરા' તથા 'મુગલે આઝમ' જેવી સંગીતપ્રધાન ફિલ્મોમાં મુકુંદરાયજી પાસે વીણા વગડાવી હતી.
વીણાની સરખામણીએ આજે દુનિયાભરમાં સિતારની લોકપ્રિયતા ઘણી વધારે છે એનો યશ પંડિત રવિશંકરને ઘટે છે. સિતાર આવી ક્યાંથી એ વિશે જાતજાતની વાતો સાંભળવા મળે છે. પરંતુ પંડિત રવિશંકરજીના કહેવા મુજબ સિતાર ૭૦૦ વરસ જૂનું એટલે કે આધુનિક વાદ્ય છે. અલ્લાઉદ્દીન ખીલજીના દરબારમાં કવિ-સંગીતકાર અમીર ખુસરો હતા તેમણે વીણા શીખવાનો ખૂબ પુરુષાર્થ કરેલો. પરંતુ તેમને જોઈતી સફળતા મળી નહીં એટલે તેમણે વીણાને નજર સમક્ષ રાખીને થોડું જુદું વાદ્ય તૈયાર કરાવ્યું અને તેને સેહતાર નામ આપ્યું. સેહતાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ 'ત્રણ તારવાળી' થાય છે. એ સેહતાર અમીર ખુસરોએ બનાવી.
પરંતુ દેશના બીજા ટોચના સિતારવાદક ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફર ખાન કહે છે કે અમીર ખુસરોએ સિતાર બનાવી હોવાનો દાવો ગલત છે. સીતાર તો પ્રાચીન વાદ્ય છે. આપણે ત્યાં એ ત્રિતંતી વાદ્ય તરીકે ઓળખાતું. આવી ચર્ચા તો ચાલ્યા કરવાી. પંડિત રવિશંકર પ્રથમ દરજ્જાના સંગીતકાર બની શક્યા તેની પાછળ ઘણાં પરિબળો નિમિત્ત બન્યાં. મૂળ તો રવિસંકર પોતાના મોટા ભાઈ વિખ્યાત ઉદયશંકર બેલે ગ્રુપમાં ડાન્સર હતા. અલ્લાઉદ્દીન ખાંનું સિતારવાદન સાંભળી રવિશંકર આકર્ષાયા અને નૃત્ય છોડીને સિતાર શીખવા ગયા. રવિશંકરની માતાએ મૃત્યુશય્યા પર ઉસ્તાદ ઉલ્લાઉદ્દીન ખાંને પોતાના પુત્ર અલી અકબર કરતાં રવિશંકર પર સાચે જ વધુ પ્રેમ હતો.
આધુનિક સમયમાં ભારતીય સંગીતનો ડંકો દુનિયાભરમાં વગાડવાનો યશ રવિશંકરને ઘટે છે. ૧૯૫૦ના દાયકામાં પંડિતજી પહેલીવાર અમેરિકા ગયેલાં. તેમના શિષ્ય ડોક્ટર વિજય રાઘવ રાવે વાત માંડતા કહ્યું : ''પંડિતજી ત્યારે થોડા નરવસ હતા ખરા, પરંતુ પોતાની સાધના પર તેમને અટલ વિશ્વાસ હતો. તદ્દન અજાણી સંસ્કૃતિના, અજાણ્યા દેશના લોકો વચ્ચે કાર્યક્રમ શરુ કર્યો અને થોડી જ વારમાં શ્રોતાઓ એવા મુગ્ધ થઈ ગયા કે અઢી કલાક સુધી કોઈ પોતાની બેઠક પરથી ઊભું ન થયું. એ પ્રોગ્રામની યાદગાર વિશેષતા એ હતી કે જયમશહૂર વાયોલિનવાદક યહુદી મેન્યુહીન રવિશંકરના શિષ્ય થઈ ગયા.''
પંડિતજીએ ૧૯૫૮-૫૯માં અમેરિકા ખાતે સિતારની એકેડમી શરુ કર્યા પછી તો તેમના સિતારવાદને પશ્ચિમમાં એવું ઘેલું લગાડેલું કે એકલા ૧૯૬૮માં ભારતે ૩૦૦૦ સિતારની નિકાર કરી હોવાનું ભાર્ગવ મ્યુઝિક સેલ્સ મેનેજર બચુભાઈ (રમેશ શાહ) એ અમને કહ્યું. આજે એક સારી સિતાર ૧૫૦૦થી ૪૦૦૦ રૂપિયાની બને છે.
વરસે સાતથી આઠ હજાર સિતારની નિકાસ થાય છે. જો કે હવે તો પંડિત રવિશંકરે અમેરિકામાં પણ સિતાર બનાવી શકતા કારીગરોને બોલાવી લીધા છે. હાલ મહારાષ્ટ્ર, કલકત્તા, દિલ્હી તથા પંજાબમાં કેટલેક સ્થળે સિતાર સારી બને છે. સિતાર મર્યાદિત સ્થળે બનતી હોવાનું કારણ સમજાવતાં પ્રસિદ્ધ સંગીતકાર ડોક્ટર વિજય રાઘવ રાવે કહ્યું કે સિતાર, સરોદવીણા યા તાનપુરામાં સૌથી મહત્ત્વનું અંગ તુંબડું છે. તુંબડું એક ખાસ પ્રકારનું ફળ છે.
મીઠી દૂધી અને કડવી દૂધીના વેલા જેવા તુંબડાંના વેલા હોય છે. એને ઘડા (ગાગર) જેવડાં ફળ થાય છે. એ ફળોનો તડકામાં સૂકવી નાખીને અંદરનો ગર્ભ કાઢી લેવામાં આવે છે. આપણે જેને ભોપલું કહીએ છીએ તેવા શાકની આ એક જાત છે. વલ્લભ સંગીત વિદ્યાલયના આદ્ય સ્થાપક સંતશ્રી વલ્લભદાસજી મહારાજશ્રીના આદ્ય સ્થાપક સંતશ્રી વલ્લભદાસજી મહારાજશ્રી આફ્રિકાના ધર્મપ્રવાસે ગયેલા ત્યારે ત્યાંથી પાછા ફરતાં જંગબારી તુંબડાં લાવેલા. એ તુંબડાં મજબૂત અને મીઠું ગુંજતાં હોય છે. સ્વાદમાં ભીતરથી કડવા ઝેર જેવાં એ તુંબડાં વાજિંત્રમાં ગોઠવાય ત્યારે મડદામાં પ્રાણ રેડે એવું મીઠું ગુંજન કરવા માંડે છે.
એની અંદરનો ગર્ભ માથાના રોગમાં ઉપયોગી ઔષધિ તરીકે પણ વપરાય છે. મહારાષ્ટ્રમાં વસંતદાદા પાટિલના સાંગલી જિલ્લામાં મિરજ નામે ગામ છે. આ ગામ સિતાર, વીણા, સરોદ અને તાનપુરા બનાવવા માટે ખૂબ પંકાયું છે. યોગાનુયોગે પંડિત રવિશંકર જેવા જ ગુણી સિતારવાદકનું નામ પણ ઉસ્તાદ વિલાયતખાં સાહેબ છે. એ ઉપરાંત દેશમાં અનેક નામી અનામી સિતારવાદકો છે. દરેકની પોતાની આગવી શૈલી છે.
દરેકનો પોતાનો અભ્યાસ અને અલગ દૃષ્ટિકોણ છે. એમ તો ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પોતે કહેતા કે 'એકબાર મેરી બેટી (અન્નપૂર્ણા) કો સુન કે દેખિયે. વો રવિશંકર સે ભી અચ્છા બજાતી હૈ.' રવિશંકરનાં અગાઉનાં પત્ની અન્નપૂર્ણા દેવી મુંબઈમાં સિતારની એકેડમી ચલાવે છે. પતિ-પત્ની બંને વચ્ચે દાંપત્યજીવનના સૂર મળ્યા નહીં પરંતુ બંનેએ સ્વરસાધના થકી ચમત્કારિક કક્ષાના આધ્યાત્મિક અનુભવો તો મેળવ્યા જ છે.
રાજ કપૂરના પિતા પાપા પૃથ્વીરાજ કપૂર અચ્છા સિતારવાદક હતા તેમ દિલીપકુમાર પણ સિતાર વગાડી જાણે છે. ૧૯૬૦માં રજૂ થયેલી ફિલ્મ 'કોહિનૂર'માં શાસ્ત્રીય રાગ હમીર પર આધારિત 'મધુબન મેં રાધિકા નાચે રે' ગીતમાં ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફરખાંએ સિતાર વગાડેલી એટલે નિર્દેશકે શૂટિંગમાં એ સંગીતકારના હાથ સિતાર વગાડતા હોય એવા ક્લોઝઅપ દૃશ્યો લેવાનું નક્કી કર્યું.
પરંતુ દિલીપકુમારે જાતે સિતાર વગાડવાનું બીડું ઝડપી લીધું. ત્રણેક અઠવાડિયાં પછી ગીતના શૂટિંગ માટે દિલીપકુમાર આવ્યા ત્યારે હાથની આંગળી પર પાટા બાંધેલા હતા. અબ્દુલ હલીમ જાફરખાં પાસે સિતારના એ મુશ્કેલ ટુકડાની રોજના દસ દસ કલાકની પ્રેક્ટિસ કરવા જતાં એની આંગળીઓ ચિરાઈ ગઈ હતી. એના પરથી ખ્યાલ આવશે કે સિતાર-સરોદ જેવાં વાજિંત્રો કેટલી મહેનત માગી લે છે !
ઉસ્તાદ વિલાયત ખાંએ તો પોતાની સિતાર અને ઉસ્તાદ બિસ્મીલ્લા ખાંની શરણાઈની ખાસ જુગલબંદી યોજીને અદ્ભુત કાર્યક્રમ રજૂ કરેલો. એચ.એમ.વી. કંપનીએ એ જુગલબંદીની ખાસ રેકર્ડ બહાર પાડી છે. ઉસ્તાદ બિલ્મીલ્લા ખાં રિયાઝને તપસ્યા ગણી કાશી વિશ્વનાથ મંદિરમાં રોજ મધરાત પછી શરણાઈ વગાડવા જતા. 'એક વાર મધરાતે શરણાઈ વગાડતાં હું ભાન ભૂલી ગયો. અચાનક એક દૈવી ખુશબોનો મને અનુભવ થયો. ચંદન કે જાસ્મિન જેવી છતાં શબ્દોમાં વર્ણન ન કરી શકાય એવી એ સુગંધ ક્યાંથી પ્રગટી એ હું જાણતો નથી.
એક તરફ સ્વર અને બીજી તરફ સુવાસ! યે મસ્તી હી કુછ ઐસી થી કે ન જાને કૈસે, મેરા શહનાઈ બજાના અચાનક બંધ હો ગયા. સૂર તૂટા. સામને દેખા તો ભગવાન બાલાજી ખડે થે... આ મારો અંગત સાક્ષાત્કાર છે. માનવું હોય તો માનો નહીંતર ન માનો. ઘેર જઈને મુર્શીદ (ગુરુ) મારા મામુને વાત કરી તો તેમણે બે થપ્પડ ઝીંકી દીધી. કારણ? તે માનતા કે ઈશ્વરની આવી અંગત અનુભૂતિ ગુપ્ત રાખવી જોઈએ. કોઈને કહેવાય નહીં.'
મંદિરો અને ચોઘડિયાં તરીકે શ્રેષ્ઠીઓને ત્યાં વાગતી શરણાઈને બિસ્મીલ્લા ખાને શાસ્ત્રીય સંગીતની મહેફિલોમાં ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. ખાંસાહેબ પહેલીવાર યુરોપના પ્રવાસે ગયા ત્યારે ત્યાંના સેંકડો લોકોએ કાર્યક્રમ પછી સ્ટેજ પર આવીને ખાંસાહેબની શરણાઈની ફેરવી ફેરવીને તપાસી જોયેલી : આમાંથી આવું મધુર સંગીત શી રીતે સર્જાય છે? હજુ હમણાં સુધી રોજ સવારે છ વાગ્યે આકાશવાણી પર 'મંગલ ધ્વનિ'માં બિસ્મીલ્લા ખાંની શરણાઈ સાંભળવા મળતી. આજે ૭૦ વરસના થયેલા ખાંસાહેબ દમના વ્યાધિનો ભોગ બન્યા છે. પરંતુ એકવાર શરણાઈ વગાડવા બેસે ત્યારે વ્યાધિ-ઉપાધિ બધું ભૂલી જાય છે. તેમના ભત્રીજા અલી અબ્બાસે વાતવાતમાં કહ્યું : 'ધતૂરાના ઝાડની લાકડીમાંથી બનતી શરણાઈ કેટલા મધુર સ્વરો છેડે છે! ધતૂરો સ્વાદમાં કડવો અને તીખી વાસ ધરાવતો હોવા છતાં કર્ણપ્રિય સંગીત ઉત્પન્ન કરે છે.'
બિસ્મીલ્લા ખાન બનારસના હોવાથી બનારસમાં બનતી શરણાઈ સારી ગણાય છે. જો કે આસામ બામ્બુ તરીકે ઓળખાતા વાંસમાંતી પણ શરણાઈ બને છે. અલ્હાબાદ તરફ જંગલી લાકડાની અને હવે તો સાગની પણ શરણાઈ બને છે. અલબત્ત, શરણાઈનું વેચાણ વધુ થતું નથી કારણ કે બિસ્મીલ્લા ખાન તો એકાદ સદીમાં એક જ પેદા થાય. આટલી સિદ્ધિ છતાં બિસ્મીલ્લા ખાન ઘણીવાર કહે છે : 'રસોઈ, રાગ ઔર પાઘ (પાઘડી) કભી કભી બન જાત હૈ.'
રોજ ઘરમાં દાળ બનતી હોવા છતાં રોજેરોજ તેનો સ્વાદ સરખો હોતો નથી. તેમ કુશળ કલાકાર પણ કાયમ એક સરખું સંગીત પીરસી શકતો નથી. સંગીતનો ઉદ્ભવ તો માનવીના હૃદયમાં થાય છે એ મહામૂલું સત્ય સમજાવતાં બિસ્મીલ્લા ખાને કહ્યું છે : 'અંતરમેં હો તો જંતરમેં આતા હૈ.' માણસ ઉદાસ હોય તો તેને ગંભીર રાગની અસર વધુ થાય. જોગિયા નામના રાગની 'પિયા મિલન કી આશ' ઠુમરીમાં વિરહિણી સ્ત્રીની મનોવેદના વ્યક્ત કરતા ઘણીવાર ટોચના ગાયક પંડિત ભીમસેન જોશી પોતે રડી પડે છે.
સિતાર અને વીણા વચ્ચેનું ગણી શકાય એવું એક વાજિંત્ર સરોદ છે. આ વાદ્ય આરબ રાષ્ટ્રોમાંથી આપણે ત્યાં આવ્યાનું મનાય છે. અરબી પ્રજા તેને રબાબ કહે છે. રબાબમાં તારી તરીકે બકરીના આંતરડાની નસો વપરાય છે. એમાંથી ઊપજતાં સ્વરોમાં સિતારનું માધુર્ય અને વીણાનું ગાંભીર્ય બંને અનુભવી શકાય છે. કેટલાકના મત મુજબ એ વગાડવાનું મુશ્કેલ છે કારણ કે સિતારમાં સ્વરોનું સ્થાન દર્શાવતા પિત્તળના પડતા હોય છે. સરોદમાં સખત મહેનત કરીને વાગડનારે અંદાજથી સ્વર પકડવાના હોય છે. એટલે 'કાન પાકા હોય' તો જ સરોદ વગાડી શકાય. રવિશંકરના સાળા એટલે કે ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાંના પુત્ર અલી અકબર ખાં અત્યારે ટોચના સરોદવાદક ગણાય છે. ઉપરાંત ઉસ્તાદ અમજદ અલી ખાં પણ મોખરાના સરોદવાદક છે.
પિતા પાસેથી જબરજસ્ત તાલીમ મેળવનાર અલી અકબરે અમેરિકામાં પહેલીવાર ૧૯૫૫માં સરોદ વાદન રજૂ કર્યા પછી ત્યાં વસતા સંગીત પ્રેમીઓએ તેમને પાછા જ રવા દીધા નહીં. અલી અકબર ખાં હાલ લોસ એંજલ્સમાં તથા કેલિફોર્નિયામાં સરોદ એકડેમી ચલાવે છે.
તેને કારણે વરસે ૩૦૦૦ સરોદની નિકાસ થાય છે. સામાન્ય રીતે પલાંઠી મારીને બેસી નહીં શકનારા સેંકડો અમેરિકનો અત્યારે અલી અકબર ખાં તથા પંડિત રવિશંકરને કારણે કુરતો-પાયજામો પહેરીને કલાકો સુધી પલાંઠી વાળી સિતાર-સરોદ શીખે છે. સાહેબના એક શિષ્ય ક્રિસ્ટોફર રીઝે કહે છે : 'શરુમાં તો પાંચ પંદર મિનિટ પલાંઠી મારતાંય અમને પરસેવો છુટી જતો.
ઉપરાંત ખાંસાહેબ ખૂબ કડક ગુરુ છે. તમને આગળ આવવાનું પ્રોત્સાહન આપે પરંતુ તમારી જેમ જેમ પ્રગતિ થતી જાય તેમ તેમ તમારા તરફની તેમની અપેક્ષાઓ પણ વધતી જાય.' અમેરિકી ટેલિવિઝન સંસ્થાએ જે ચાર ભારતીય સંગીતકારોના જીવન અને સંગીત વિશે ખાસ દસ્તાવેજી ફિલ્મ ઉતારી છે તેમાં ઉસ્તાદ બિસ્મીલ્લા ખાં અને ઉસ્તાદ અલી અકબર ખાંનો સમાવેશ છે.
લગભગ દરેક મરાઠી તથા દક્ષિણીના ઘરમાં હોય છે એ વાદ્ય એટલે હાર્મોનિયમ. મૂળ પરદેશના એવા આ વાદ્યની આજે કદાચ સૌથી વધુ બોલબાલા છે. રામલીલા હોય, ભવાઈ હોય, નાટક હોય, ભજન-ગઝલ કે કીર્તન હોય યા શાસ્ત્રીય સંગીતની મહેફિલ હોય હોર્મોનિયમ વિના કોઈનું કામ થતું નથી.
જો કે ૧૯૫૮ સુધી આકાશવાણી પર શાસ્ત્રીય ગાયનના કાર્યક્રમમાં હાર્મોનિયમના ઉપયોગ પર પ્રતિબંધ હતો. સંગીતના ઉસ્તાદો પોતાના શિષ્યોને કહેતા : 'હાર્મોનિયમ સે દૂર રહેના. હાર્મોનિયમ સંગીતદ્રોહી હૈ.' હાર્મોનિયમ શા માટે સંગીતદ્રોહી ગણાયું છે એ સમજવા તેની રચના સમજવી જોઈએ. હોર્મોનિયમનું મૂળ છે શેંગ તરીકે ઓળખાતું ચીની વાદ્ય. એ શેંગ મોઢેથી વાગતા માઉથ ઓર્ગન જેવું એક ટચૂકડું વાદ્ય હતું. એમાં એક બાય છ ઇંચની લાકડાની ખોલી વચ્ચે 'રીડ' તરીકે ઓળખાતા પિત્તળના સૂરની પતરી ધ્રૂજે અને એ ધ્રુજારી (આંદોલન)થી સ્વર પ્રગટે.
માઉથ ઓર્ગન વગાડનારને લાંબો સમય શ્વાસ રોકવાની પ્રેક્ટિસ કરવી પડતી એટલે ઈ.સ. ૧૮૧૮માં વિયેનાના એક કલાકાર એન્ટન હેકીલે વિચાર આવ્યો કે હાથ કે પગની ધમણથી હવા પૂરીને વગાડી શકાય એવું વાજિંત્ર કેમ ન બનાવવું? એમાંથી હાર્મોનિયમનો જન્મ થયો. (હાર્મની એટલે સ્વર-સંવાદ). હેકીલના રીડ ઓર્ગનમાં સુધારાવધારા કરીને ૧૮૪૦માં પેરિસના વિક્ટર મુસ્તેલે બનાવેલું વાજું વધુ લોકપ્રિય થયું.
એક ફૂટ બાય દોઢ ફૂટની સાગની પેટીના તળિયે એક મજબૂત સ્પ્રિંગ ગોઠવવામાં આવે જે ધમણ દ્વારા અંદર આવતી હવાને દબાણપૂર્વક ઉપરની તરફ ધકેલે. વગાડનાર જે સફેદ-કાળી પટ્ટી દબાવે તે સ્વિચની નીચે પિત્તળનું રીડ બોર્ડ હોય. ધમણ ખેંચીને હવા ભરો એ હવા રીડની પતરીને ધ્રુજારી આપે અને એ સૂર સ્વિચના છિદ્રમાં થઈને મધુર અવાજ તરીકે બહાર આવે.
આપણે ત્યાં પેરિસ-અમેરિકાથી હાર્મોનિયમ ક્યારે આવ્યું તેનો ચોક્સ ઈતિહાસ મળતો નથી પણ ફિલ્મ સંગીતના ભીષ્મપિતામહ જેવા સંગીતકાર 'નૌશાદ'ના કહેવા પ્રમાણે ગ્રામોફોન કંપની (એચ.એમ.વી.)એ પોતાની રેકર્ડોનું વેચાણ વધારવા ભારતના સ્થાનિક કલાકારોનું રેકોર્ડિંગ શરુ કર્યું ત્યારથી એટલે કે ૧૮૮૫-૯૦ની આસપાસ કે વધુમાં વધુ ૧૯૦૦માં હાર્મોનિયમ અહીં આવ્યું. ૧૯૧૨-૧૩માં દાદાસાહેબ ફાળકેએ મુંગી ફિલ્મો બનાવવા માંડી તેની સાથે વાજાપેટી કે પગપેટી તરીકે ઓળખાતું હાર્મોનિયમ જાણીતું થયું. હાર્મોનિયમ બનાવામાં મોટી ક્રાન્તિ મુંબઈમાં ડી.એસ. રામસિંઘ કંપનીવાળા માસ્ટર દયાસિંઘે કરી. આજે તમે મહંમદ રફી, મુકેશ, મન્ના ડે, હેમંતકુમાર, મહેંદી હસન, ગુલામ અલી કે લેસ્ટરના ચંદુભાઈ મટાણીના કોઈ કાર્યક્રમનો ફોટો જુઓ તો હાર્મોનિયમ પર ડી.એસ. રામસિંઘની કંપનીનું નામ જોવા મળશે.
મુળ અમૃતસરના દયાસિંઘ કોઈ વાજિંત્રની દુકાનમાં નોકરી કરતા ત્યાંથી હાર્મોનિયમ બનાવવા શીખ્યા અને આજે ૬૫ વરસથી મુંબઈમાં દુકાન ચલાવે છે. તેમણે કરેલી ક્રાંતિની નકલ દેશમાં બધે થવા લાગી. ૧૯૩૯-૪૦ની આસપાસ તેમણે 'સ્કેલ ચેંજર' નામે ઓળખાતું હાર્મોનિયમ બનાવ્યું. એમાં ગોઠવેલું રીડ બોર્ડ ગાયકની અનુકૂળતા મુજબ ડાબે જમણે સરકી શકે એટલે કે સૂરો ઊંચાનીચા થઈ શકે છે. એથી કોઈ પણ ગાયકના ગળાને એ ફિટ થઈ શકે છે.
હાલ દયાસિંઘ તો હયાત નથી પરંતુ તેમના વારસદારો કિસનસિંઘ, પરમજિતસિંઘ અને પવનસિંઘ એ પ્રકારનાં હાર્મોનિયમ બનાવે છે. ત્યાર પછી સૂટકેશ જેવી ફોલ્ડિંગ બેગ જેવું હાર્મોનિયમ બનાવવાનો યશ કલકત્તાની પોલ એન્ડ કંપનીને ઘટે છે. આવાં હાર્મોનિયમ કોઈ પણ કલાકાર એકલપંડે બીજાની મદદ વિના ગમે ત્યાં લઈ જઈ શકે છે. જો કે એ ૬૦૦૦ રૂપિયાથી ઓછે મળી શકતું નથી.
હાર્મોનિયમમાં વપરાતાં રીડ બોર્ડ આખા હિંન્દુસ્તાનમાં સર્વશ્રેષ્ટ ક્વોલિટીના પાલિતાણામાં બને છે એ જાણીને ગુજરાતીઓ જરુર ગૌરવ અનુભવશે. જૈનોના તીર્થધામ સમા પાલિતાણામાં રીડ બોર્ડ બનાવવાનો કુટિર ઉદ્યોગ છે. આમાં પૂરેપૂરી હાથની કારીગરી છે. મશીનથી કંઈ પણ બનતું નથી. રીડ બોર્ડ બની જાય તો કોઈ પણ કારીગર હાર્મોનિયમ બનાવી શકે કારણ કે બાકીનું કામ તો મિસ્ત્રી કે સુતાર જેવું હોય છે.
હાર્મોનિયમમાં વપરાતા આ પિત્તળના રીડ બોર્ડને સંગીતના વિદ્વાનો ટેમ્પર્ડ સ્કેલ (વિકૃત સપ્તક) કહે છે. એની ગમે તે સફેદ-કાળી ચાવીને 'સા' ગણીને માણસ ગાઈ શકતો હોવાથી કે એનો ષડ્જ સ્થિર હોતો નથી એવા કારણસર સંગીતકારો તેને સંગીતદ્રોહી કહે છે.
તો પછી ગાયક બનવા ઇચ્છનારે શું કરવું? 'તાનપુરા સાથે ગાઓ' એમ વિદ્વાનો કહે છે.
તાનપૂરો નારદીય વિણાનું આધુનિક સ્વરૂપ છે. એ ચાર તારવાળી વીણા છે. એમાં પણ તાર ષડ્જના અને એક (રાગ અનુસાર) મધ્યમ (મ) કે પંચક (પ)નો હોય છે. બે પિત્તળના અને બે લોઢાના તાર એમાં વપરાય છે. મુંબઇમાં તો માત્ર બી.ડી વૈદ્ય નામની કંપની આ વાજિંત્રોના તાર બનાવે છે. તંબુર નામના દેવ હતા તેમના નામ પરથી નારદીય વીણાને તંબૂર અથવા તાનપૂરો કહે છે. પાશ્ચાત્ય સંગીતજ્ઞો જેને વોઇસ કલ્ચર કહે છે એ ગળાનો સ્વર પાકો કરવા તાનપૂરો અનિવાર્ય ગણાય છે. ગાનારના ગળાની તાનમાં સાથ આપે તે તાનપૂરો. અગાઉના ગાયકોએ તાનપૂરાથી જ પોતાના કંઠને બુલંદ બનાવેલા.
સંગીતમાર્તંડ પંડિત ઓમકારનાથ ઠાકુરના અવાજમાં તો એટલું ઓજ (તેજ) પ્રગટેલું કે એક સાથે ચાર તાનપૂરા છેડાતા હોય અને પંડિતજી ફક્ત પ્રથમ સ્વર સા ગાવાની શરુઆત કરે એ સાથે બધા તાનપૂરાનો અવાજ દબાઈ જાય. એ જ રીતે પંડિતા ગુરુ વિષ્ણુ દિગંબર પળુસ્કરજીનો અવાજ એવો બુલંદ કે ૧૯૨૯માં કોંગ્રેસના લાહોર અધિવેશન વખતે ૨૫૦૦૦ની મેદની સમક્ષ તેમણે માઈક વિના 'વંદે માતરમ્' ગાયેલું જે છેલ્લી હરોળમાં બેઠેલા માણસને પણ સંભળાયું. વોઇસ કલ્ચર (કંઠ-સંસ્કાર)ની ભારતીય પદ્ધતિ એટલી સચોટ છે કે બૈજુ બાવરા ફેમ ઉસ્તાદ અમીર ખાં અને મુગલે આઝમ ફેમ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં અગાઉ સંગીતવાદક હતા તે તાનપૂરા પર રિયાઝ કરીને ટોચના ગાયકો બની શક્યા.
હાર્મોનિયમ પછી સૌથી વધુ વેચાણ દેશમાં તાનપૂરાનું થાય છે. એટલું જ નહીં, હાર્મોનિયમ કરતાં તાનપૂરો સસ્તો છે. અત્યારે સારી કંપનીનું હાર્મોનિયમ કમ સે કમ ૧૫૦૦ રૂપિયાનું મળે, જ્યારે ઉત્તમ કક્ષાનો તાનપૂરો ૮૦૦-૧૦૦૦માં મળી જાય. મુંબઇ, પૂના તથા બેંગલોરમાં હવે ૮ ટ ૧૦ ઇંચના ઈલેક્ટ્રોનિક તાનપૂરા પણ મળે છે. પ્લગમાં ભરાવી બટન દબાવી તેને રણઝણતો કરી શકાય છે. હિન્દી ફિલ્મોના ટોચના સંગીતકાર સી. રામચંદ્રના આસિસ્ટન્ટ રહી ચુકેલા દત્તા ડાવજેકરના દીકરાએ મુંબઈમાં આવા ઈલેક્ટ્રોનિક તાનપૂરા બનાવ્યા છે. એ પણ ૧૦૦૦ રૂપિયામાં મળે છે.
શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત બંનેના ગાયન-નર્તનમાં અનિવાર્ય ગણાતું વાજિંત્ર છે સારંગી. કેટલાક વિદ્વાનો એને રુદ્ર વીણાનું હાલનું સ્વરુપ ગણાવે છે. કદમાં આ વાદ્ય વીણા કે સિતાર કરતાં નાનકડું છે. પરંતુ એ કોઈ પણ ગાયકના કંઠની હૂબહૂ નકલ કરી શકે છે. સારંગીનું સંસ્કૃત નામ કિન્નરી છે. નાનકડી તુંબી પર ચામડું મઢેલું હોય તેના પર હાથીદાંતની ઘોડીને આધારે તાર બાંધવામાં આવે છે. તેના ઉપરના તાર બકરાના આંતરડાની નસમાંથી બને છે.
તમામ ભારતીય વાદ્યોમાં વીણા પછી આ વાદ્ય વગાડવાનું સૌથી મુશ્કેલ કામ છે. તેની દાંડી ટૂંકી-બેઠી દડીની પણ પહોળી હોય છે. ઘોડાના વાળમાંથી બનતા ગજ દ્વારા તેને છેડવામાં આવે છે. જમણો હાથ જ છેડે છે અને ડાબો હાથ પરદા વગરની દાંડીમાં છુપાયેલાં સ્વરસ્થાનો પર આંગળીનાં ટેરવાં તથા નખની વચ્ચેનો હિસ્સો દબાવીને સ્વર ઉત્પન્ન કરે છે. તારને નખનો સ્પર્શ થતાં મધુર સ્વર નીકળે છે.
અગાઉ રાજદરબારોમાં થતા નૃત્યના કાર્યક્રમમાં સારંગીની સંગત થતી. જો કે એ વાદકોનું બહુ માન નહોતું એ કારણસર કેટલાક નામી વાદકોએ સારંગી વગાડવાનું છોડી દીધું. મૂળ રાજસ્થાનના પંડિત રામ નારાયણ આજે દેશના ટોચના સંગીતવાદક છે જેઓ કોઠાનું સાજ ગણાતી સારંગીને સંગીત મહેફિલમાં લઈ આવ્યા. જો કે તેમનો પુત્ર બ્રિજનારાયણ સારંગીને બદલે સરોદ વગાડે છે. બીજી બાજુ તેમનાં પુત્રી ઇન્દ્રા પિતાના પગલે સારંગી વગાડે છે. આજકાલ સંગીતનું બહુ વેચાણ નથી કારણ કે ખૂબ ધીરજ અને મહેનત માગી લેતું એ સાજ છે.
ઉસ્તાદ બડે ગુલામઅલી ખાં એક જમાનામાં બેગમ અખ્તર સાથે સારંગી વગાડતા. એકવાર અખ્તરીબાઈ તેમને ગાતાં સાંભળી ગયા અને સલાહ આપી કે તમારું ગળું સારું છે માટે સારંગી છોડીને ગાવા માંડો. બડે ગુલામઅલીએ તપશ્ચર્યા આદરી અને આપણને ઉત્તમ ગવૈયો મળ્યો. એ જ રીતે અમીરખાં પોતાના પિતા શાહમીર ખાં પાસે સારંગી શીખતા. એકવાર શાહમીર ખાંના કોઈ શિષ્યે મેણું માર્યું કે સારંગી તો કોઠા પર બેસીને વગાડવાનું સાજ છે. શાહમીર ખાંને બહુ ખરાબ લાગ્યું. તેમણે કંઈક કરી બતાવવા બીડું ઝડપ્યું. સારંગી પોતાના ખાનદાનનું પેઢીઓ જૂનું સાજ હોવા છતાં તેમણે પુત્ર અમીર ખાંને ગાયનની તાલીમ આપી. પાછળથી અમીરખાં યુગસર્જક ગાયક બન્યાં.
અને છેલ્લે મૃદંગ, તબલાં તથા પખવાજ. પુરાણ કથા પ્રમાણે ભગવાન શંકરના ડમરુ પરથી ગણપતિએ પહેલીવાર મૃદંગ બનાવેલો. એક લંબગોળ નળી જેવા સાગના લાકડાની બે બાજુ જનાવરનું ચામડું મઢીને આ વાદ્ય બને છે. એક તરફ સાંકડા મોઢાવાળી બાજુએ ચામડું તંગ-ઢીલું કરીને એને ગાયક વાદનના સ્વર સાથે મેળવી શકાય છે. જેને માદા ગણવામાં આવે છે. બીજી બાજુ પહોળા મોઢાવાળા ચામડા પર ચોખા કે ઘઉંના લોટની લુગદી મૂકી ત્યાંથી ગંભીર ધ્વનિ પેદા કરાય છે, જે બાયું કહેવાય છે. મૃદંગ સૌથી પ્રાચીન ગણાતા વાદ્યોમાં છે. બંગાળ અને ઇશાન ભારત તરફ એનું અંગ લાકડાને બદલે માટીનું બનાવે છે. રામાયણ, મહાભારત અને કાલિદાસનાં નાટકો સુદ્ધાંમાં મૃદંગના ઉલ્લેખ છે.
સિતાર શોધક મનાતા અમીર ખુસરોને કેટલાક વિદ્વાનો તબલાં બનાવવાનો યશ આપે છે. તેણે મૃદંગના બે ભાગ કરીને તબલાં બનાવ્યાની વાત છે. એક લોકકથા પ્રમાણે અકબરના દરબારમાં બે મૃદંગવાદકો વચ્ચે સ્પર્ધા થતાં જે હારી ગયો તેણે ગુસ્સામાં પોતાનું વાદ્ય ઉપાડીને ફેંક્યું. એ વાદ્ય જમીન પર પછડાતાં ભાંગીને બે ટુકડા થયા. એમાંથી તબલાં બન્યાં. બંને કથાઓનું કોઈ પ્રમાણ મળતું નથી પરંતુ આટલું સ્પષ્ટ છે કે તબલાં ૧૦૦૦ વરસથી વધુ જૂના નથી. ઢોલ, ઢોલકી, નાળ, ખોળ, નગારા, ડફ, ખંજરી વગેરે નામે ઓળખાતી લયવાદ્યમાં કોઈ હાથેથી વગાડયા છે તો કોઈ લાકડીના પ્રહારથી વાગે છે. તબલાં-મૃદંગ ગાયન, વાદન અને નર્તન ત્રણેયમાં અનિવાર્ય છે. દેશભરમાં તબલાંનો વપરાશ વધુ હોવા ઉપરાંત તેની પરદેશોમાં નિકાસ પણ વધુ થાય છે.
તબલાંને સ્વતંત્ર સોલો આઇટમ તરીકે લોકપ્રિય બનાવનારા કલાકારોમાં ઉસ્તાદ અહમદ જાન થિરકવા, ઉસ્તાદ અલ્લારખ્કા, પંડિત ચતુરલાલ અને પંડિત કંઠે મહારાજના નામ લઈ શકાય. અલ્લારખ્ખાએ પણ પોતાની વ્યવસાયિક કારકિર્દીની શરુઆત ફિલ્મોમાં સંગીતકાર તરીકે કરેલી. એ સમયે એમનું નામ એ.આર. કુરેશી તરીકે જાણીતું હતું અને આશા ભોંસલેને ૧૯૫૦માં ફિલ્મ 'સબક'માં સર્વપ્રથમ ગીત ગવડાવવાનો યશ અલ્લારખ્ખાને ઘટે છે.
Ustad Bismillah khan |
ઉપર જણાવેલા તબલાના ચારેચાર કલાકાર તેમની હયાતીમાં જ દંતકથા સમાન બની ગયેલા. તેમાંથી ઉસ્તાદ થિરકવા અને કંઠે મહારાજ આજે હયાત નથી. કંઠે મહારાજ પાસે તબલાં-શાસ્ત્ર પાણી ભરતું એમ કહેવાય છે. પાછલી ઉંમરે તેમને અવસ્થા થવાથી એકવાર સાડા ત્રણ ડિગ્રી તાવ હતો. લગભગ અર્ધબેહોશીમાં પડેલા. ડોક્ટરોના અનેક પ્રયત્નો છતાં તાવ ઊતરતો નહોતો ત્યારે તેમના ભત્રીજા પંડિત કિસન મહારાજે કંઠે મહારાજને પ્રિય તબલાંની જોડ લાવીને તેમના બિછાના પાસે મૂકી. મહારાજશ્રીએ ઊઠીને ઈશ્વર સ્મરણ કરી તબલાં વગાડવા માંડયા. સમયનું ભાન રહ્યું નહીં.
સતત ચાર-છ કલાક તબલાં વગાતડા રહ્યા. પછી ઊઠીને હરતાફરતા થઈ ગયા. ડોક્ટરે થર્મોમિટર વડે ટેમ્પરેચર તપાસ્યું તો તાવ જ નહોતો. આવા કંઠે મહારાજે એકી બેઠકે કલાકો સુધી આંખનું મટકું ય માર્યા વિના તબલાં વગાડયાની નોંધ દેશભરમાં છાપાઓએ લીધી છે. જો કે એ જ કંઠે મહારાજની છેલ્લે તબિયત બગડી ત્યારે વડા પ્રધાન ઈન્દિરાજીએ સારવાર કરવા માટે મદદ કરવાની ખાતરી આપેલી. પરંતુ નવી દિલ્હીની એક હોસ્પિટલના બાંકડા પર જ કંઠે મહારાજે દેહ છોડયો કારણ કે હોસ્પિટલમાં દાખલ થવાના તેમની પાસે પૈસા નહોતા.
દક્ષિણ ભારતમાં મૃદંગ તરીકે જાણીતું વાદ્ય ઉત્તરમાં મોગલ અસર હેઠળ પખવાજ તરીકે જાણીતું છે. બડે રામદાસજી, પાગલદાસજી અને છેલ્લે છેલ્લે મુંબઈમાં વસાત અર્જુન સેજવલ પખવાજના નામી કલાકાર છે.
સામાન્ય રીતે સમાજમાં એવી છાપ છે કે માણસ બીમાર હોય ત્યાં ઘોંઘાટ થવો ન જોઈએ પણ લેંકેસ્ટર (અમેરિકા)માં મહર્ષિ હોસ્પિટલ ચલાવતા મૂળ ભારતીય ડોક્ટર દીપક ચોપડા મ્યુઝિક થેરાપી વોર્ડમાં રોગીને પખવાજ કે મૃદંગ સંભળાવીને સાજા કરવાનો પ્રયોગ કરી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે પખવાજ પર આડા ચોત્તાલ, ધમાર તાલ અને સુલ તાલ સંભળાવવાથી અનિંદ્રા, ટેન્શન તથા હિસ્ટીરિયાના રોગીને આરામ થાય છે. કબજિયાત અને તાવના રોગીને રાગ ભૈરવ સંભળાવવાથી રાહત થાય છે. હાઇ બ્લડપ્રેશરના દર્દીને સવારનો રાગ તોડી અથવા બપોર પછીનો રાગ મુલતાની સંભાળવતાં બ્લડપ્રેશર નોર્મલ થાય છે.
પિત્તની બીમારીમાં ગુજરાતનો રાગ સારંગ અને શ્વાસની તકલીફ કે દમ જેવા રોગોમાં માલકૌંસ તથા બાગેશ્રી નામના રાગો મહત્ત્વના છે. ડોક્ટર દીપક ચોપડાની આ મ્યુઝિક થેરાપીને અગાઉ કહ્યું તેમ ડોક્ટર દચિન્સન તથા ડોક્ટર પોડોલાન્સ્કીનું પણ પીઠબળ સાંપડયું છે. આ ડોક્ટરોએ 'રેકોર્ડિંગ ફોર રિલેક્શેસન, રિફ્લેક્સન, રિસ્પોન્સ અને રિકવરી' નામે ખાસ સારવાર પદ્ધતિ વિકસાવી છે. એક ડોક્ટરે તાજેતરમાં દરદીને બેભાન કર્યા વિના તેના માનીતા કલાકારનું વાયોલિનવાદન સંભળાવીને ઓપરેશન કરેલું એવા સમાચાર ન્યુયોર્ક ટાઈમ્સ તથા વોશિંગ્ટન પોસ્ટે હમણાં પ્રગટ કરેલા.
વાજિંત્રો વિશે લખવા બેસવું એ એક મહાગ્રંથ તૈયાર કરવા જેવું છે : લોકસંગીત, શાસ્ત્રીય સંગીત અને ધાર્મિક સંગીત ત્રણેમાં એક યા બીજા પ્રકારનું વાજિંત્ર અનિવાર્ય થઈ પડયું છે. એ વિષયનો વ્યાપ આકાશ જેવો છે. પંડિત ઓમકારનાથ ઠાકુરને ટાંકીએ તો -
નાદ સાગર હૈ અપાર,
કિન્હીં કો પાયો ન પાર,
સરસ્વતી દેખો તૈર રહી,
લેઇ તુંબીકો આધાર,
આ આધાર લઈને આપણે પણ અહીં જ અટકીએ.
(આ લેખ 30 વર્ષ પહેલાં લખાયેલો છે)
(આ લેખ 30 વર્ષ પહેલાં લખાયેલો છે)
Comments
Post a Comment