છેક વેદપુરાણ કાળથી શાસ્ત્ર-આજ્ઞાાને નામે એક વણલખી મર્યાદા આંકી દેવાઈ હતી કે શહનાઇ-બાંસુરી-પખાવજ-તબલાં જેવાં વાદ્યો માત્ર પુરુષો જ વગાડી શખે. એ માટે બાવડામાં બળ જોઈએ, છાતીમાં દમ જોઈએ એવાં બહાનાં આગળ કરવામાં આવતાં. પરંતુ છેલ્લાં પચાસેક વરસથી કોમલાંગી ગણાતી સ્ત્રીઓ પણ આ વાજિંત્રો વગાડતી થઈ એટલું જ નહીં પુરુષ સમોવડી મહિલાઓ પણ પુરવાર થઈ.
ગ્વાલિયરમાં દર વર્ષે યોજાતા તાનસેન સંગીત સંમેલનમાં દેશભરના સંગીતજ્ઞો ઊમટી પડે છે. અગાઉ આ અને દેશમાં અન્યત્ર યોજાતા મોટા ભાગનાં સંગીત સંમેલનોનો આરંભ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંના શહનાઇવાદનથી થતો. પરંતુ ૧૯૯૨-૯૩માં કંઈક જુદું જ બન્યું. સંગીત સંમેલનમાં ખાંસાહેબ શ્રોતાઓ સામે અલબત્ત, પહેલી હરોળમાં બેઠા હતા અને સંમેલનનો મંગળ પ્રારંભ એક યુવતીથી થયો.
એ યુવતીને શહનાઇ સાથે જોઈને શ્રોતાઓ તો ઠીક, પીઢ સંગીતજ્ઞાોનાં ય ભવાં ચઢી ગયાં. આ પાતળી પરમાર શહનાઇ છેડશે? ઘણા વડીલ સંગીતકારોને તો એમાં પોતાનું અપમાન કે તેજોવધ પણ અનુભવાયો હશે પરંતુ એ સ્ત્રીએ એકવાર શરનાઈના સૂર છેડયા પછી પલકવારમાં હાજર રહેલા બધાય ડોલવા માંડયા. શહનાઇનો પર્યાય બની ગયેલા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંની આંખોના ખૂણે મોતી બાઝ્યાં હતાં. ખાંસાહેબ જરૂર મનોમન વિચારતા હશેઃ જબરી નીકળી આ છોકરી! બોલેલું પાળી બતાવ્યું. એના બાપ કરતાં ચઢિયાતી નીવડી.
શહનાઇ અને સ્ત્રી વાદક? જે યુવતીની વાત કરીએ છીએ એ બિસ્મિલ્લા ખાંની પોતાની પુત્રી નતી પણ તેમનાં બધાં સંતાનો કરતાં એ યુવતીનું સ્થાન ઉસ્તાદના હૃદયમાં અદકેરું છે. એ યુવતીનું નામ છે ઃ બાગેશ્વરી કમર. ભારતીય સંગીતમાં આ નામનો એક રાત્રિકાલીન રાગ પણ છે. ખરેખર તો વાગીશ્વરી કે વાગેશ્વરી એટલે શારદા. આ યુવતી ઉસ્તાદજીને વહાલી હોય એ સ્વાભાવિક છે.
ખુદ બિસ્મિલ્લા ખાંના પુત્રે પિતાનો શહનાઇનો વારસો સ્વીકારવાને બદલે તબલાંની તાલીમ લીધેલી. એટલે ઉસ્તાદજીની કલા તેમની વિદાય સાથે જ વિલીન થઈ જવાની ભીતિ હતી. હવે કોઈ વસવસો શહનાઇના આ સમ્રાટને રહ્યો નથી. બનારસમાં ગંગા તટે વસેલા પોતાના બાપીકા ઘરમાં બેઠેલા બિસ્મિલ્લા ખાં પૂરેપૂરા આત્મવિશ્વાસથી કહે છેઃ મુઝે યકીન હૈ. યહ બચ્ચી મેરા નામ રખેગી. આવી બાગેશ્વરી કમર કોણ છે? શી રીતે મેળવી તેણે શહનાઇની તાલીમ?
જૂની દિલ્હીમાં ઇદગાહ રોડ પર પંડિત દીપચંદ કમર નામના શહનાઇવાદકનું ચંદ્રકુટિર નામનું મકાન છે. વહેલી સવારથી ત્યાંથી પસાર થનારને શહનાઇના મધુર સ્વરો સંભળાય છે. તેમનો પુત્ર જગદીશ પ્રકાશ કમર પણ અચ્છો શહનાઇવાદક છે. એ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાંનો શાગિર્દ છે. જન્મી ત્યારથી જેના કાનમાં લગભગ ચોવીસે કલાક શહનાઇના સૂરો પડતા રહ્યા હોય એ બાળકને પોતાના બાપીકા વાજિંત્રમાં રસ ન પડે તો જ નવાઈ! એકવાર બાગેશ્વરીએ પિતાને ડરતાં ડરતાં કહ્યું ઃ 'પિતાજી, મને આ વાજિંત્ર વગાડતાં શીખવોને.' જવાબમાં ડોળા કાઢતાં જગદીશ પ્રકાશે એને ધમકાવી કાઢી. ચલ ભાગ યહાં સે. યે બજાને કો છાતી મેં દમ ચાહિયે. યહ હમારે કુલકી મર્યાદા હૈ. સબસે પવિત્ર સાજ હૈ...
બાળકને કોઈ વસ્તુની ના પાડો ત્યારે તે મેળવવાની એની જીદ બેવડાઈ જાય. શહનાઈ શીખવા બાગેશ્વરીએ જુદી ટ્રિક અજમાવી. એણે પહેલા પોતાની માને વિશ્વાસમાં લીધી. પછી પિતાના સીનિયર શિષ્યને કાલીઘેલી ભાષામાં મનાવી લીધો કે પિતાજી તો પ્રોગ્રામોમાં અને તમારી તાલીમમાં વ્યસ્ત રહે છે.
તેમને સમય નથી. તમે મને થોડું શીખવોને. પેલા શિષ્ય માની ગયા. ગુરુકન્યાને શીખવવામાં તેમને ગુરુ ઋણમાંથી થોડી મુક્તિ મળવાની ભાવના જાગી હશે. એણે બાગેશ્વરીને થોડું થોડું શીખવવા માંડયું. બાગેશ્વરીએ એકલવ્યની અદાથી તપશ્ચર્યા શરૂ કરી. પિતાની ગેરહાજરીમાં કડક રિયાઝ કરે. ધીમે ધીમે તૈયાર થવા માંડી. એકવાર જગદીશ પ્રકાશ ઓચિંતા બહારથી આવી ચડયા.
ઉપરના મજલેથી શહનાઇના સૂરો વહેતા સંભળાયા. એ ચોંક્યા ઃ આવા કથોરા સમયે ઘરમાં શહનાઇ કોણ છેડી રહ્યું છે? પત્નીએ ડરતાં ડરતાં વાત કરી. જગદીશ પ્રકાશ સ્તબ્ધ થઈ ગયા. સેંકડો વરસોની આ બાપીકી વિદ્યાને લાડકી દીકરીએ અભડાવી? આ તો બહુ ખોટું થયું. હવે કરવું શું? જગદીશ પ્રકાશે થોડા સંકોચ સાથે પોતાના કુલગુરુ ઉત્સાદ બિસ્મિલ્લા ખાંને વાત કરી. એને એમ હશે કે ઉસ્તાદજી ક્રોધથી રાતાપીળા થઈ જશે. એને બદલે ઉસ્તાદજીની આંખો અનેરા તેજથી ચમકી ઊઠી. તેમણે જગદીશને કહ્યુંઃ તારી દીકરીને મારી પાસે લઇ આવ.
બાગેશ્વરી ઉસ્તાદજીના ઘરે પહોંચી. ઉસ્તાદજીએ એને કંઈક વગાડવાનું કહ્યું. બાગેશ્વરીએ પ્રભુ સ્મરણ કરીને શહનાઇ છેડી. એ જ ઘડીથી ઉસ્તાદજીએ એને પોતાની પુત્રી અને શિષ્યા તરીકે સ્વીકારી લીધી. 'આજથી આ મારી દીકરી છે. મારી પાસે રહીને તાલીમ લેશે.' આ વાત છે ૧૯૮૮-૮૯ની. આજે તો બાગેશ્વરી હિન્દુસ્તાનની એકમાત્ર અને ટોચની મહિલા શહનાઇવાદક છે. જો કે આપણા પુરુષ પ્રધાન સમાજમાં હજી એને શહનાઇવાદક તરીકે જોઈએ તેટલી માન્યતા મળી નથી પરંતુ મળી જશે એવો એને આત્મવિશ્વાસ છે.
વિદ્યાની દેવી સરસ્વતી પોતે જ વાણીવાદિની કહેવાઈ છે છતાં હજારો વરસથી ભારતીય સંગીતમાં અમુક વાદ્યો માટે સ્ત્રીઓ પૂરતી વણલખી લક્ષ્મણરેખા આંકી દેવાઈ છે. અમુક વાજિંત્રમાં બાવડાનું બળ જોઈએ, અમુક વાજિંત્રમાં ઊંડા શ્વાસ લેવાની શક્તિ જોઈએ એવાં કારણસર સ્ત્રીઓને કેટલાંક વાજિંત્રોથી દૂર રાખવામાં આવી. હજુ હમણાં સુધી શહનાઇ, સંતુર, મૃદંગ-તબલાં, બાંસુરી, સારંગી વગેરે વાદ્યો સ્ત્રીઓને શીખવતાં નહોતાં. હવે ઓનલી ફોર જેન્ટ્સ વાદ્યો પર સ્ત્રીઓ જબરજસ્ત નિપુણતા મેળવવા માંડી છે. એવી થોડીક મહિલાઓનો અલ્પ પરિચય અત્રે પ્રસ્તુત છે.
યુરોપમાં અને આપણે ત્યાં દક્ષિણ ભારતમાં એટલે કે કર્ણાટક સંગીતમાં મહિલાઓ પર આવી કોઈ પાબંદી નથી. પાશ્ચાત્ય સંગીતમાં બધાં જ વાજિંત્રો સ્ત્રી કે પુરુષ કોઈ પણ શીખી શકે છે. ઉત્તર ભારતીય સંગીતમાં જ એવી બિનજરૂરી લક્ષ્મણરેખા અંકાઈ ગઈ હતી જે ૧૭મી સદીમાં પહેલીવાર તુટી. એ તોડનારનું નામ પણ જોગસંજોગે સરસ્વતી છે. આ સરસ્વતી સંગીત સમ્રાટ તાનસેનની પુત્રી હતી. એ વીણાવાદનમાં અજોડ હતી. વીણા પર એનો એવો અદ્ભુત કાબુ હતો કે એની વાદનશૈલીની એક પરંપરા ઊભી થઈ. સંગીતની પરિભાષામાં એ ઘરાના (ગુરુ શિષ્ય પરંપરા) કહેવાય. સરસ્વતીના નામે શરૂ થયેલું ઘરાણું બીનકાર ઘરાના તરીકે ઓળખાય છે.
આજે તો સિતાર-સરોદ કે વીણાવાદનમાં ઘણી બહેનો વિશ્વ વિખ્યાત થઈ છે. પરંતુ આ સદીના આરંભે એ દિશામાં પહેલા કરનાર હતાં અન્નપૂર્ણાદેવી! અન્નપૂર્ણાદેવી એટલે સરોદસમ્રાટ ઉસ્તાદ અલી અકબર ખાંનાં બહેન અને સિતારવાદનના ટોચના શિખર સમા પંડિત રવિશંકરનાં પ્રથમ પત્ની. મૈહર ઘરાનાના ઉસ્તાદ અને ગુરુણામ્ ગુરુઃ જેવા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાંની તમામ સંગીત વિદ્યા આ નમ્ર મહિલામાં ઊતરી આવી છે.
અંગત જીવનમાં પોતાના વાંકગુના વિના પરાજય સ્વીકારનારી આ સ્ત્રી રવિશંકર અને અલીઅકબર બંને કરતાં વધુ સરસ રીતે સિતાર-સરોદ તથા સૂરબહાર વગાડી શકે છે. પતિ અને ભાઈની વ્યાવસાયિક પ્રગતિ ખાતર છેલ્લાં ૩૮ વરસથી સ્વૈચ્છિક એકાંતવાસ સહેતાં અન્નપૂર્ણા દેવી જાહેરમાં પ્રોગ્રામો આપતાં હોત તો એ આજે દેશનાં સર્વશ્રેષ્ઠ કલાકાર ગણાતાં હોત એવું મોખરાના સંગીતજ્ઞા કહે છે.
આજના સર્વોત્તમ બાંસુરીવાદક ગણાતા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા અન્નપૂર્ણાજીના જ શિષ્ય છે. એ હકીકત એમ પણ પુરવાર કરે છે કે શિક્ષક તરીકે પણ અન્નપૂર્ણાજી એમના પિતાની જેમ પ્રથમ પંક્તિના પુરવાર થયાં છે. સ્ટેજ પ્રોગ્રામો તો છોડો, અન્નપૂર્ણાજીએ છેલ્લાં ૪૦ વરસમાં કોઈને ઈન્ટરવ્યુ કે તસવીર સુદ્ધાં નથી આપ્યાં.
હૃષીકેશ મુખરજીની અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનને ચમકાવતી ફિલ્મ અભિમાન તમે જોયેલી? એ ફિલ્મ બનાવવાની પ્રેરણા હૃષીકેશને જે સાધુચરિત મહિલા સંગીતકાર પરથી મળેલી એમનું નામ અન્નપૂર્ણાદેવી.
પાંચ ફૂટ ચારેક ઈંચની ઊંચાઈ, શ્યામ પણ સૌમ્ય વદન, રૂપાની ઘંટડી જેવો કંઠ અને મૈહર ઘરાનાના ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં (બાબા)ના ખરા અર્થમાં વિદ્યાવારસ અન્નપૂર્ણાદેવી છેલ્લાં ૩૮ વરસથી પબ્લિક લાઇફથી દૂર રહ્યાં છે. તેમનાં નિકટવર્તી સાધનોના જણાવ્યા મુજબ બાબાની વિદ્યા સાંગોપાંગ મેળવવા અને તેમના કૃપાપાત્ર બની રહેવા માટે રવિશંકર અન્નપૂર્ણાને પરણ્યા. પાછળથી કેટલાંક કારણોસર બંને છૂટા પડયાં ત્યારે ટોચના કલાકાર બનવાની પતિની મહત્ત્વાકાંક્ષા પારખી ગયેલાં અન્નપૂર્ણાદેવીએ સ્વેચ્છાએ ભીષ્મપ્રતિજ્ઞાા લીધી કે હું કદી જાહેરમાં પ્રોગ્રામ નહીં આપું, કોઈને ઈન્ટરવ્યુ કે તસવીર નહીં આવું.
પરંતુ બાબા (પિતા)ની જેમ લાયક શિષ્યોને વિદ્યાદાન કરીશ. ત્યારથી આજ સુધી આજની ઘડી ને કાલનો દી. વોર્ડન રોડ પર આકાશગંગા બિલ્ડિંગના ફ્લેટની બહાર નીકળ્યાં નથી. તેમનાં શિષ્યોમાં સદ્ગત પંડિત નિખિલ બેનરજી, પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, સરોદવાદક શ્રીમતી શરન રાની, નિત્યાનંદ હલદીપુર, ઋષિકુમાર પંડયા વગેરેનો સમાવેશ છે. શિષ્યો તેમને મા કહે છે. મા ગમે તેને શિષ્ય તરીકે સ્વીકારતાં નથી. પોતાના શિષ્યની આકરી કસોટી કરે છે. એકવાર શિષ્ય તરીકે સ્વીકારે તો સર્વ વિદ્યા ન્યોચ્છાવર કરી દે છે. કોઈની પાસે એક પાઈ સુદ્ધાં ફી લેતા નથી. તેમનો પુત્ર શુભેન્દુ હોનહાર સિતારવાદક હતો. અમેરિકામાં ટૂંકી માંદગી ભોગવીને એ લાંબી સોડ તાણી ગયો.
શિષ્યો પાસે ફી ન લેતાં હોય તો એમના પોતાના યોગક્ષેમનું શું? જવાબમાં એમના નિકટવર્તી શિષ્યે કહ્યું કે મૈહરના રાજાએ પૂજ્ય બાબા અલ્લાઉદ્દીન ખાંને જે ગામ-ગરાસ ભેટ આપેલા એ બાબાની ચિરવિદાય પછી અન્નપૂર્ણાને મળ્યાં હતાં. મિત્રો-શુભેચ્છકોની સલાહ મુજબ માએ એનું વ્યવસ્થિત સુયોજિત મૂૂડીરોકણ કર્યું છે જેના વ્યાજમાંથી માના યોગક્ષેમનો ખર્ચ નીકળી રહે છે. ૩૮ વરસનાં વહાણાં વાયાં પછી ચિત્રલેખાને પહેલીવાર બાબા સાથે સિતાર પર રિયાઝ કરતા અન્નપૂર્ણાદેવીની અલભ્ય તસવીર મળી. વરસમાં એકમાત્ર ગુરુ પૂર્ણિમાએ મા સવારથી રાત સુધી પોતાને આંગણે આવનાર હર કોઈને ઊલટભેર આવકારે છે અને પોતાના હાથે તૈયાર કરેલો અલ્પાહાર કરાવ્યા પછી જ જવા દે છે.
અન્નપૂર્ણાજીની તસવીર પ્રગટ કરવાની વિરલ તક ચિત્રલેખાને સાંપડી તેને આ લખનાર પોતાનું સદ્ભાગ્ય ગણે છે. બાબા તરીકે જાણીતાં અને ૧૧૦ વરસની લાંબી આવરદા ભોગવનારાં ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાંની અત્યંત નિકટ રહેલાં અન્નપૂર્ણાદેવી ઘરની ચાર દીવાલો વચ્ચે રહીને પોતાની પસંદગીના શિષ્યોને જ સંગીત શીખવે છે. અડધો ડઝન વાજિંત્રો અને ગાયનકલા પર તેમની માસ્ટરી છે.
શહનાઇવાદક બાગેશ્વરીને એના પિતા સંગીત શીખવવા તૈયાર નહોતી. પરંતુ અરુણા નારાયણ કલ્લેનું એવું નથી. અરુણા દેશ-વિદેશની એકમાત્ર મહિલા સારંગીવાદક છે. સારંગીને તવાયફોના કોઠાની બહાર લાવનારા અને સાથસંગીતના સાજમાંથી સોલો વાદ્ય બનાવનાર પંડિત રામનારાયણની પુત્રી-શિષ્યા અરુણા અભ્યાસમાં પણ હોંશિયાર હતી. પંડિત રામનારાયણ દેશના સર્વશ્રેષ્ઠ સારંગીવાદક ગણાય છે પરંતુ સારંગીને સ્વતંત્ર અને સોલો વાજિંત્ર તરીકે સ્થાન અપાવવા માટે તેમણે જે સંઘર્ષ કરવો પડયો, સ્થાપિત હિતો સામે લડવું પડયું એ જોઈને તેમના મોટા પુત્ર બ્રિજનારાયણે મનોમન નિર્ણય કરી લીધોઃ મારે સારંગી નથી શીખવી. બ્રિજનારાયણ આગેવાન સરોદવાદક છે. બીજી બાજુ રામાનારાયણજી વિચારતા રહ્યા કે મેં કરેલી તપસ્યાનો ફાયદો શું? મારા દીકરાને તો એમાં રસ ન રહ્યો.
વરસોની તપશ્ચર્યાના અંતે મેળવેલી સિદ્ધિ અને વિદ્યા મારી સાથે જ જવાની? તેમને બે પુત્રો અને બે પુત્રી. સંતાનોમાં ત્રીજે નંબરે અરુણા. 'સાવ કૂમળી વયથી અરુણા મારી સાથે ગામેગામ સ્ટેજ પ્રોગ્રામોમાં આવતી. ઘણીવાર સ્ટેજ પર ઊંઘી જતી. પરંતુ એના કાન ટેવાઈ ગયેલા. કહિયે કી વો કાનસેન બન ચૂકી થી. લેકિન મેરી ઈચ્છા બચ્ચોં કો પઢાને કી થી. ઇસ લિયે ઉસકી પઢાઈ ખત્મ હોને તક મૈં ચૂપ બૈઠા રહા.'
અરુણાએ વાંદરાની નેશનલ કોલેજમાંથી બી.કોમ. કરી લીધા પછી એકવાર પિતા-પુત્રી બેઠાં હતાં ત્યારે પંડિતજીએ અરુણાને વાત્સલ્યભેર પૂછયુંઃ 'અરુણા, હવે આગળ શું કરવા વિચાર્યું છે? સારંગી પર હાથ અજમાવવાનું ગમશે?' અરુણાએ તરત હા પાડી. પિતાનો વારસો લેવાનું કઈ પુત્રીને ન ગમે? 'મેં વરસોની તપસ્યાના જોરે રિયાઝની સાચી પદ્ધતિ વિકસાવી હતી. આજના જમાનામાં કોઈને ઝાઝો સમય હોતો નથી. મેં રોજ ફક્ત અડધો કલાક ફાળવવાનું અરુણાને કહ્યું.
એક વરસમાં તો એ એવી તૈયાર થઈ ગઈ કે નરીમાન પોઈંટ પર એનસીપીએમાં એનો પહેલો જાહેર કાર્યક્રમ યોજાયો જ્યારે ઓડિયન્સમાં સંગીતરસિકો ઉપરાંત અન્નપૂર્ણાદેવી, ઉસ્તાદ અહમદ જાન થિરકવા અને મારો પણ સમાવેશ હતો. એના સારંગી વાદનને જબરદસ્ત આવકાર મળ્યો. આ વાત ૧૯૭૫ની છે. એ પછી આજ સુધીમાં એણે સેંકડો પ્રોગ્રામો કર્યાં અને હાલ કેનેડામાં રહીને સારંગી એકેડેમી ચલાવે છે.'
બાય ધ વે. સારંગીની શોધ રામાયણના ખલનાયક ગણાતા લંકેશ રાવણે કરેલી. એ સમયે રાવણહથ્થા તરીકે ઓળખાતી. મુસ્લિમ સંગીતકારોએ એને આજનું સ્વરૂપ બક્ષ્યું. સારંગીથી મુગલ સંગીતકારો એટલા બધા પ્રભાવિત થયેલા કે એને સૌરંગી (એકસો રંગો એટલે કે ખૂબી ધરાવનારી) કહેતા.
સારંગીમાં સો રંગો હોય તો સંતુરમાં એકસો તાર છે. સંસ્કૃતમાં એને શતતંત્રી વીણા કહે છે. મૂળ કાશ્મીરી લોકવાદ્ય. સુફિયાના કલામ એટલે કે ભક્તિના ભજનો ગાનારા કલાકારો શતતંત્રી વીણા સાથે છેડતા. એને આજનું સ્વરૂપ બક્ષ્યું પંડિત શિવકુમાર શર્માએ. લેસ્ટરમાં વસતા ગુજરાતી ગાયક સંગીતકાર ચંદુભાઈ મટાણીએ થોડા મહિના પહેલાં સંતુરનો કાર્યક્રમ લેસ્ટરમાં યોજેલો. એ પ્રસંગે મૈથિલી મઝુમદારે પોતાના સંતુરવાદનથી સૌની શાબાશી મેળવેલી, આ મૈથિલી ફક્ત અગિયાર વરસની છે અને મુંબઈની ન્યુ એરા હાઈસ્કૂલની વિદ્યાર્થિની છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પિતા સ્નેહલ અને ડોક્ટર માતા મંજરીની પુત્રી મૈથિલીને સંગીત વારસામાં મળ્યું છે. એની દાદીમા, વડદાદીમા, દાદીના મામા અને પિતા બધા જ સંગીત પાછળ પાગલ છે.
દાદીના મામા નડિયાદના પ્રોફેસર શરદ મહેતા શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસી ઉપરાંત રેકર્ડ કલેક્ટર છે. તેમની પાસે ૭૦૦૦થી ૮૦૦૦ તાવડી (રેકર્ડઝ) છે. મૈથિલી ઉંમરના નાની પણ સંગીતમાં પરિપકવ છે. ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે : 'મારે બાળકોના ડોક્ટર બનવું છે. મારી મમ્મી એનેસ્થેટિક છે. ઘેનનાં ઈંજેક્શનથી પેશન્ટને બેભાન કરે છે. હું મારા સંગીતના જોરે બાળકોને ગાઢ ઊંઘમાં પોઢાડી દઈશ.'
પોતે સંતુર તરફ શી રીતે આકર્ષાઈ એ વિશે બોલતાં તેણે કહ્યું કે દાદા-દાદી ના પાડે તો પણ મામા પપ્પા સંતુર ગમે ત્યાં બહાર જ મૂકી રાખતા. 'હું આવતાં જતાં રમતગમતમાં એના તાર પર કાઠી વડે ટંકાર કરતી. એનો રણકાર મારા કાનને ખૂબ ગમતો. પછી એક દિવસ મેં પપ્પાને કહ્યું કે મને વગાડતાં શીખવો. પપ્પાએ શીખવવા માંડયું. સાત વરસની વયે મેં ફર્સ્ટ સ્ટેજ શો કરેલો.' સંતુરના સમ્રાટ પંડિત શિવકુમાર શર્માએ પણ મૈથિલીની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.
Bageshwari Qamar |
શહનાઇની જેમ બાંસુરી કે બંસીમાં પણ ઊંડા શ્વાસની જરૂર પડે. અન્નપૂર્ણાદેવીએ સ્ત્રી ગુરુ તરીકે હરિપ્રસાદને તૈયાર કર્યા તેમ પ્રસિદ્ધ બાંસુરીવાદક પંડિત મલ્હારરાવ કુલકર્ણી થોડી શિષ્યાઓ તૈયાર કરી ચૂક્યા છે. એવી બે શિષ્યાઓ પૂનમ વિશ્વાસરાવ અને સુજાતા ઉપાસનીને સાંભળવાની તક આ લખનારને પણ મળી છે. ૨૦ વરસની પૂનમ બી.એ.ના છેલ્લા વર્ષની અને ૨૧ વર્ષની સુજાતા બી.કોમ.ના છેલ્લા વરસની વિદ્યાર્થિની છે. કોલેજના અભ્યાસ કરતાં આ યુવતીઓને સંગીતમાં વધુ રસ હોય એવું એમના બંસીવાદન પરથી લાગ્યું. આ બંને છોકરીઓની પહેલાં બે-ત્રણ જર્મન વિદ્યાર્થિનીને મલ્હારરાવ વાંસળી શીખવી ચૂક્યા છે.
'દસેક વરસ પહેલાં એક જર્મન સંગીતકારની ભલામણ લઈને પેટ્રેશિયા કેમ્પબેલ નામની જર્મન છોકરી મારી પાસે આવી.' પંડિતજી કહે છે. 'મેં સહજ ભાવે તેને પૂછયું: તારે છોકરી થઈને બાંસુરી શીખવી છે? તો તેણે વળતો પ્રશ્નો કર્યો: કેમ, છોકરીઓ વાંસળી ન વગાડે એવું શાસ્ત્રમાં લખ્યું છે? મને એની નિખાલસતા ગમી. એને પલાંઠી મારીને બેસતાંય નહોતું આવડતું. પણ મહેનત કરવાની એની લગન જોઈને હું આભો બની ગયો. પરદેશી છોકરીઓ શીખે તો આપણી છોકરીઓ કેમ ન શીખે એવો વિચાર મને આવ્યો. આજે તો મારી પાસે સંખ્યાબંધ છોકરીઓ બંસીવાદન શીખે છે.' પંડિત મલ્હારરાવ કુલકર્ણીએ તેમની વિદ્યાર્થિનીઓ માટે પ્રાણાયામની સરળ પદ્ધતિ પણ વિકસાવી છે.
Aruna Ramnarayan with father Pandit Ram Narayan |
આ તો થઈ સ્વરવાદ્યોની વાત. જો કે સંતુરમાં લયનો પણ સમાવેશ થઈ જાય. પરંતુ તબલાં શીખીને જાહેરમાં ટોચના કલાકારો જોડે સાથ કરવાની, તલબાંની સોલો આઇટમ પેશ કરવાની અને એથીય આગળ વધીને તબલાં જેવા વિષય પર ઊંડું સંશોધન કરીને એના પર પીએચ.ડી. મેળવવાની પહેલ એક પારસી મહિલાએ કરી. એ પારસી મહિલા તબલાવાદકનું નામ ડોક્ટર આબાન મિસ્ત્રી. પંદરેક વર્ષ પહેલાં તબલાં વિશે મહાનિબંધ (થિસિસ) લખીને ડોક્ટરેટ મેળવનારાં આ પારસી બાનુએ દેશ-વિદેશના ટોચના કલાકરો સાથે તબલાં વગાડયાં છે.
દેશ-વિદેશમાં તબલાંના સોલો પ્રોગ્રામો પણ આપ્યાં છે. હાલ એ પોતે સ્વર સાધના નામની સંગીત સંસ્થાના આચાર્યા છે અને છોકરા-છોકરીઓને સંગીતની તાલીમ આપે છે. છેલ્લાં ચાર-પાંચ વરસથી ઉસ્તાદ અલ્લારખ્ખાની એક વિદ્યાર્થિની પણ તબલાવાદનમાં સારું એવું કાઠું કાઢી ગઈ છે. એનું નામ અનુરાધા પાલ.
વાસ્તવમાં એ તો પંડિત જસરાજ પાસે ગાયન શીખતી હતી. જસરાજજી ગાયક થવા અગાઉ અવ્વલ તબલાવાદક હતા. તેમણે અનુરાધાને કહ્યું કે અચ્છા ગાયકને તબલાંનું પણ જ્ઞાન હોવું જોઈએ. તું ખપપૂરતા તબલાં શીખી લે. અનુરાધાએ તબલાં પણ શીખવાનું ચાલુ કર્યું. દરમિયાન, એકવાર ઝાકિરહુસેનના તબલાવાદનની કેસેટ સાંભળીને એ તબલાંના પ્રેમમાં પડી ગઈ. ગાયકી ભૂલી ગઈ.
કોઈના પરિચયથી ઉસ્તાદ ઝાકિરહુસેનને મળી અને તેમની શાગિર્દ બની. એની ધગશ અને લગન જોઈને પિતા-પુત્ર ઉસ્તાદ અલ્લારખ્ખા અને ઝાકિરહુસેન બંનેએ એને શીખવવા માંડયું. ઉપરાંત મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કરીને ગ્રેજ્યુએટ પણ થઈ. એ નિખાલસપણે કહે છે કે હું વ્યવસાયી તબલાવાદક છું. આ મારો વ્યવસાય છે. મારી આજીવિકા છે.
ડોક્ટર આબાન અને અનુરાધાએ તબલાં પર પર પ્રભુત્વ મેળવ્યું છે તો ઇંદોરની ચિત્રગંગાએ તબલાંના ભાઈ જેવા પખાવજ પર નિપુણતા મેળવી છે. ચિત્રગંગાના દાદા પંડિત અંબારાજ પંત ઇંદોરના હોલકર મહારાજાના દરબારમાં હવેલી સંગીત (ધ્રુપદ-ધમાર) રજુ થાય ત્યારે પખાવજ વગાડતા. દાદા અંબારાજ અને પિતા કાલિદાસનું જોઈ જોઈને સાંભળી સાંભળીને ચિત્રગંગા પખાવજ તરફ આકર્ષાઈ.
જો કે શહનાઇવાદક બાગેશ્વરીની જેમ શરૂમાં ચિત્રગંગાને શીખવવા એના પિતા તૈયાર નહોતા. ચિત્રગંગાએ ચોરીછૂપીથી પખાવજ વગાડતાં શીખી. પાછળથી સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે મધ્ય પ્રદેશ કલા પરિષદ તરફથી યોજાતી સંગીત સ્પર્ધામાં ચિત્રગંગા પ્રથમ વિજેતા નીવડતાં એને રાજ્ય સરકારની સ્કોલરશિપ મળી. એ સ્કોલરશિપના જોરે ચિત્રગંગાને ટોચના પખાવાજી રાજા છત્રપતિ સિંહ પાસે પખાવજ શીખવાની તક મળી. ચિત્રગંગા એવી તૈયાર થઈ ગઈ કે ધ્રુપદ ગાયકીના બેતાજ બાદશાહ મનાતા ડાગર બંધુઓના પટ્ટ શિષ્યો સાથે વગાડવાની તેને તક મળી.
ફોટોલાઈનો...
તબલાંવાદક અનુરાધા પાલ
સંતુરવાદક મૈથિલી મઝુમદાર
સારંગીવાદિકા અરુણા રામનારાયણ
બાંસુરી: પૂનમ વિશ્વાસરાવ
શહનાઇવાદક બાગેશ્વરી કમર
બાબા અલ્લાઉદ્દીન ખાં અને પુત્રી અન્નપૂર્ણા.
પખાવજવાદક ચિત્રગંગા
તબલાંલાદક ડો. આબાન મિસ્ત્રી
(લેખ 25 વર્ષ પહેલાં લખાયેલો છે)
Comments
Post a Comment