'જમીનથી ૫૦ હજાર ફૂટ ઊંચે અવકાશમાં, વજનવિહોણી સ્થિતિમાં, ઇસવીસન ૨૦૦૧ની કોઈ સલૂણી સવારે લટાર મારવી હોય તો... આવો, અમે એડ્વાન્સ બુકિંગ કરીએ છીએ. ફક્ત ૬૫ હજાર બ્રિટિશ પાઉન્ડ (૩૯ લાખ રૂપિયા)માં જીવનમાં એક જ વાર મળતા મોકાને ઝડપી લેવાનું ચૂકતા નહીં !'
- આ મતલબની જાહેરખબર છેલ્લાં થોડાં સપ્તાહથી યુરોપનાં તેમ જ એશિયાઈ અખબારોમાં છપાઈ રહી છે. એશિયાઈ દેશોમાં જાપાન, હોંગકોંગ, સિંગાપોર, ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડનો સમાવેશ છે. અમેરિકાની સ્ટેનફોર્ડ એલમ્ની એસોસિયેશન દ્વારા આ મહત્ત્વાકાંક્ષી યોજના ઘડાઈ છે. મધર શિપ તરીકે ઓળખાનારા એક વિરાટ વિમાનના પેટમાં ટચૂકડું આઠ સીટર વિમાન હશે. એમાં છ પેસેન્જર અને બે વિમાની. દરેકને વિન્ડો સીટ મળશે. સામાન્ય વિમાનની જેમ મધર શિપ ટેક ઓફ કરશે.
૫૦ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચતાં જ રોકેટ ટેક્નોલોજીથી પેલું ટચૂકડું વિમાન મધર ટેક્નોલોજીથી પેલું ટચૂકડું વિમાન મધર શિપથી છૂટું પડશે અને તેમાં બેઠેલા છ નસીબવંતા પેસેન્જરોને અવકાશની લટાર મરાવશે. આ અવકાશી લટાર દરમિયાન દરેક પેસેન્જર હિન્દી ફિલ્મગીત જેટલું એટલે કે અઢી મિનિટ સુધી વજનવિહોણી સ્થિતિમાં રહી શકશે. એ સ્થિતિમાં પેસેન્જર કાં તો મુગ્ધ બનીને પૃથ્વી તથા તેના પાડોશી ગ્રહોનું દર્શન કર્યા કરે અથવા ટચૂકડા વિડિયો કેમેરા વડે એ અદ્ભુત પળોની ફિલ્મ ઉતારી લે. પસંદગી પેસેન્જરની.
વિજ્ઞાાનકળાઓના લેખકો તેમના ફળદ્રુપ ભેજાઓમાં આવી કલ્પના કરતા રહે છે. જ્યોર્જ ઓરવેલે દાયકાઓ પહેલાં નાઈન્ટીન એઈટી ફોર લખીને તેમાં જે કલ્પના રજૂ કરેલી તે ૧૯૭૦ના દાયકામાં રશિયા તથા પશ્ચિમ જર્મનીમાં માનવજાતે નજરોનજર નિહાળ્યું. શ્રીલંકામાં વસતા આર્થર ક્લાર્કે તો ઇસવીસન ૩૦૦૦માં દુનિયા કેવી હશે એની કલ્પના કરીને નવલકથા લખી એના વિસે તમે કહી ગયા (ચિત્રલેખા ઃ ૧૬-૨-'૯૮).
હવે સામાન્ય માનવી અર્થાત્ છૂટથી પૈસા ખર્ચી શકે તેવા લોકો માટે સ્પેસ ટુરની યોજના શરૂ થઈ છે. અમેરિકાના જે અવકાશ વિજ્ઞાાનીઓ અગાઉ વૈજ્ઞાાનિક સંશોધનના ભાગરૂપે અવકાશમાં જઈ આવ્યા છે તેવા બે-ત્રણ નિવૃત્ત એસ્ટ્રોનોટ આ ટ્રાવેલ એજન્ટના સલાહકારો છે. ઇસવીસન ૨૦૦૧ની પહેલી ડિસેમ્બરથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઈ જતી આ ટુર શરૂ થશે. ટુર ખરેખર અદ્ભુત, અજોડ અને ઐતિહાસિક બની રહેશે એવો ટ્રાવેલ એજન્ટનો દાવો છે.
સ્ટેનફોર્ડ એલમ્ની એસોસિયેશનનું જોઈને અન્ય પ્રવાસ કંપનીઓ પણ આ નવતર સાહસ કરવા ..... રહી છે. સ્ટેનફોર્ડ વીલા ટેક્નોલોજી નામની નિષ્ણાત કંપની સાથે સહયોગ સાધ્યો છે. નાસાએ આવી સ્પેસ ટુર સામે અત્યાર સુધી તો કોઈ વાંધો લીધો નથી. જો કે પ્રવાસમાં સામેલ થનાર દરેકે મેડિકલ ટેસ્ટ આપવા ઉપરાંત પાંચ દિવસની ખાસ તાલીમ લેવી પડશે. સ્ટેનફોર્ડના ડાયરેક્ટર ડન્કન બીયર્ડસ્લેએ કહ્યું કે માણસજાતને વિસ્મય કે રોમાંચનો અનુભવ થાય એવા તમામ પ્રયાસો અમારી કંપની યોજી ચૂકી છે. સહરાના રણથી માંડીને એન્ટાર્કટિકા સુધી અમે જઈ આવ્યા. હવે વારો છે સ્પેસ ટુરનો. અમને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
--------------------------------------------------------------------------------------------------------------------------
મધુપ્રમેહના દરદીઓ માટે મજાના ખબર...
અમેરિકાના ટેક્સાસ શહેરમાં વસતી પચીસ વરસની બ્રેન્ડી હેકર સ્માર્ટ યુવતી છે. પહેલી નજરે પ્રેમમાં પડી જવાય એવી. પરંતુ એને રોજ સરેરાશ ચાર ઈંજેક્શન લેવાં પડે છે. માત્ર સાત વરસની ઉંમરે એને ડાયાબિટીસ હોવાનું નિદાન થયેલું. રોજનાં ચાર ઈંજેક્શન. જરા કલ્પના તો કરો. એનું લગભગ આખું શરીર ચાળણી જેવું થઈ ગયું છે. પરંતુ હવે બારેક મહિનાથી એ રાહત અનુભવે છે. ઈંજેક્શનની જરૂર રહી નથી. એને બદલે એ ઈન્સ્યુલરનું ઈનહેલર વાપરે છે. શરદી-ઉધરસમાં વિક્સ વેપોરબ કે બીજી કંપનીનાં ઈનહેલર તમે પણ ક્યારેક વાપર્યાં હશે. લિપસ્ટિકના કદની દાબડીમાં પ્લાસ્ટિકની સફેદ નળીમાં શરદીની સુગંધી દવા મૂકી હોય તેવું ઈનહેલર હવે ડાયાબિટીસના પેશન્ટો માટે નીકળ્યું છે.
કેલિફોર્નિયાના સાન કાર્લોસ વિસ્તારમાં ઈનહેલ થેરાપ્યુટિક સિસ્ટમ્સ નામની કંપનીએ આ ઈનહેલર બનાવ્યું છે. છેલ્લાં ત્રણ વરસથી આ દિશામાં સઘન સંશોધન થઈ રહ્યું હતું. એકલા અમેરિકામાં ઈંજેક્શન અને બીજાં ઔષધ સ્વરૂપે ત્રણ અબજ ડોલરનું ઈન્સ્યુલીન વેચાય છે. ૧૦ અબજનાં લોહી ગંઠાતું રોકવાના તેમ જ વંધ્યત્વ સામે લડવાનાં ઔષધો વેચાય છે.
ઈનહેલ થેરાપ્યુટિકના ઉપપ્રમુખ મિસ્ટર પેટને ઈનહેલરના લાભ સમજાવતાં ઘણી સરસ વાત કરી. અગાઉ ઔષધો પ્રવાહીરૂપે મળતાં. પ્રવાહી કે ગોળી પેટમાં ગયા પછી પાચન થયા બાદ લોહીમાં પ્રવેશે. આમ તેની અસર કલાકો પછી થાય. ઈંજેક્શન દ્વારા દવા સીધી લોહીમાં ભળે એ વાત સાચી, પણ બધાંને ઈંજેક્શન ફાવતાં નથી. દમ (અસ્થમા)ના પેશન્ટો માટે આપણે જેને પંપ કહીએ છીએ એ એટમાઈઝર બજારમાં આવ્યાં. પરંતુ એમાં ૯૦ ટકા ઔષધિ ગળામાં અટકી રહે છે, ફેફસાંમાં પહોંચતી નથી એવું સંશોધન દ્વારા જાણવા મળ્યું છે. એટલે હવે ઈનહેલર આવ્યાં.
ઔષધમાં માણસને ગમતી ખુશ્બુ ઉમેરીને ધીમેથી ઊંડો શ્વાસ લેવાનું કહો. પ્રાણવાયુની જેમ ઔષધ સીધું ફેફસામાં અને ત્યાંથી સીધું લોહીમાં. માત્ર છ ઈંચ લાંબા ઈનહેલરમાં એક દિવસ ચાલે એટલો ઈન્સ્યુલીનનો ડોઝ હોય છે. એમાં દવાનું સાતત્ય જળવાઈ રહે છે. જોકે ઈનહેલર લોકપ્રિય થાય એ પહેલાં ઈંજેક્શન ઉદ્યોગતરફી ડોક્ટરો કહે છે કે ઈનહેલર ઈંજેક્શન જેવાં સચોટ અસરકારક તો નથી.
અમેરિકામાં ડાયાબિટીસનો ભોગ બનેલી વ્યક્તિ માત્ર સોય અને ઈન્સ્યુલીન પાછળ વરસે ૫૦૦થી ૧૦૦૦ ડોલર ખર્ચે છે. હાલ ફાઈઝર કંપની ઈનહેલરના અખતરા કરી રહી છે. કંપનીવાળા કહે છે કે ઈનહેલર દસેક દવા માટે ઉપયોગી નીવડી શકે છે. બે-ત્રણ વરસમાં ઈન્સ્યુલીન ઈનહેલર લોકપ્રિય થઈ જવાની ધારણા છે. આપણા વિદ્વાનો તરત કહેશે, અરે આ તો આપણી એરોમાથેરાપી (સુગંધ દ્વારા સારવાર)ની નકલ છે !
(આર્ટીકલ 25 વર્ષ પહેલાં લખાયો છે)
Comments
Post a Comment