આજે સાંજ સુધીમાં સંસદીય ચૂંટણી પહેલાંનો સિનારિયો સ્પષ્ટ થઇ જશે


આ વખતે એક કરતાં વધુ પરિબળો ચૂંટણી પરિણામો પર અસર કરે એવા સંજોગો સર્જાયા છે

આ લખાણ તમે વાંચતાં હશો ત્યારે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ હશે. ભાજપ અને કોંગ્રેસ બંને મોટા પક્ષોના નેતાઓ હાઇ બ્લડ પ્રેસરને કાબુમાં રાખતી ટેબ્લેટ્સ ગળીને બેઠાં હશે.

કદાચ તેમના હૃદયના ધબકારા વધી ગયા હશે. બધા પક્ષોના વિધાનસભ્યો પોતે તો જાણે છે કે પોતે છેલ્લાં પાંચ વર્ષમાં શું ઉકાળ્યું હતું ? સદ્ભાગ્યે મોટા ભાગનાં રાજ્યોમાં ચૂંટણી શાંતિપૂર્ણ નીવડી.

જ્યોતિષીઓ મુઠ્ઠી વાળીને બેઠાં છે અને એક્ઝિટ પોલવાળાઓ પોતપોતાની રીતે ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. જો કે ભારતીય મતદારો આવા એક્ઝિટ પોલને ઘોળીને પી જતા રહ્યા છે. અત્યાર અગાઉ સંખ્યાબંધ વાર એક્ઝિટ પોલ રમૂજી પુરવાર થયા હતા. લાખ્ખો કરોડો મતદારો હોય અને તમે પાંચ પચીસ હજાર વ્યક્તિને પૂછીને તમારો વર્તારો નક્કી કરો ત્યારે અચૂક તમે ખોટ્ટા પડવાના.
મજાક-મસ્તી બાજુ પર રાખીને વિચારીએ તો આ પાંચ વિધાનસભાની ચૂંટણી કેન્દ્રના શાસક પક્ષ ભાજપ માટે લિટમસ ટેસ્ટ જેવી બની રહેવાની. છેલ્લા થોડા મહિનામાં ભાજપે ઘણા છબરડા વાળ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં બંને મુખ્ય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. એક્ઝિટ પોલવાળાની આગાહી સાચી માનીએે તો પાંચમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ સત્તા ગુમાવશે.

ખરેખર આવું થાય તો લાઇફ સેવિંગ મશીન પર રહેલા દર્દી જેવી સ્થિતિમાં રહેલા અતિ વૃદ્ધ (સ્થાપના વર્ષ ૧૮૮૫ એટલે ૧૩૩ વર્ષના ) કોંગ્રેસ પક્ષનો કાયાકલ્પ થઇ જશે. અત્યારે કોંગ્રેસ લગભગ મૃતપ્રાય સ્થિતિમાં છે.

અધૂરામાં પૂરું કેટલીક વાર (યસ, કેટલીક વાર, કાયમ નહીં) રાહુલ ગાંધી રમૂજી સરતચૂક કરતા રહ્યા છે જેમ કે રાજસ્થાનમાં કુંભારામને બદલે કુંભકર્ણ કહીને મતદારોને હસાવ્યા હતા. આમ છતાં મતદારો તેમને કદાચ મત આપે પણ ખરા. પરંતુ એને માટે કોંગ્રેસના પ્લસ પોઇન્ટ કરતાં કારણ ભાજપે વાળેલા છબરડા વધુ જવાબદાર હશે. પ્રિન્સેસ વસુંધરા રાજે વિશે ટનબંધ કાગળો ભરીને લખાયું છે.
છેલ્લા થોડા સમયથી કોંગ્રેસને રાફેલ સોદા જેવો હુકમનો એક્કો હાથમાં આવી ગયો હતો. આટલું ઓછું હોય તેમ લોકરક્ષક પરીક્ષામાં પેપર લીક દ્વારા ભાજપની આબરુનું જબ્બર ધોવાણ થયું હતું. બીજા પણ કેટલાંક નાના મોટા કૌભાંડો ભાજપની પ્રતિષ્ઠાનું ધોવાણ કરે એવા હતાં.

મધ્ય પ્રદેશમાં પણ લોકોમાં સારો એવો અસંતોષ પ્રવર્તતો હતો. ભાજપે કોંગ્રેસના રાફેલ સોદાના હુમલા સામે વળતા પ્રહાર રૂપે ઑગસ્ટા સોદાના વચેટિયાને પકડી પાડીને કોંગ્રેસની બોલતી બંધ કરવાના પ્રયાસો કર્યા. આવા મૈં મૈં તૂ તૂમાં મતદારોને મફતની 'રામલીલા' જોવા મળી હતી. આ વખતની ચૂંટણીમાં એકમેક પર અંગત આક્ષેપો દ્વારા નેતાઓ શેરીના ટપોરીઓ જેવી ભાષા બોલતા સાંભળવા મળ્યા. ભગવાંધારી યોગી આદિત્યનાથની લૂલી એક કરતાં વધુ વખત લપસી પડી હતી જે એમને માટે શોભાસ્પદ નહોતું.
જો કે કોંગ્રેસે આ વખતે પોતાની સેક્યુલર ઇમેજને ધોખો પહોંચે એવું પણ કર્યું. રાહુલ ગાંધીએ લગભગ દરેક સ્થળે મઠ-મંદિર અને આશ્રમોની મુલાકાત લીધી. ત્યાં વાત અટકી નહીં. પોતે એકસો ટકા શુદ્ધ કશ્મીરી બ્રાહ્મણ હોવાનું જાહેર કર્યું. એટલે ઓવૈસી જેવા ઝનૂની લઘુમતી નેતાઓને કહેવાની તક મળી ગઇ કે કોંગ્રેસ મુસ્લિમ મતદારોને દગો આપી રહી છે.

આ પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે લેને ગઇ પૂત ઔર ખો આઇ ખસમ.. જેવી સ્થિતિ થાય તો સંસદીય ચૂંટણી પહેલાંજ કોંગ્રેસને કમરતોડ માર પડી જાય. છેલ્લાં સાઠ પાંસઠ વર્ષથી કોંગ્રેસ લઘુમતિના માઇબાપ જેવી ગણાતી હતી. હવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીકશ્મીરી બ્રાહ્મણ પુરવાર થાય તો લઘુમતીને કોંગ્રેસે પીઠમાં ખંજર ભોંક્યા જેવું લાગે. કોંગ્રેસ પક્ષ સદાને માટે લઘુમતીઓનો વિશ્વાસ ગુમાવી દેશે, પછી ભલે ૨૦૧૯માં એ કળે યા બળે સત્તા પર આવે.
આમ આ વખતે એક કરતાં વધુ પરિબળો ચૂંટણી પરિણામો પર અસર કરે એવા સંજોગો સર્જાયા છે. ભાજપ એક કરતાં વધુ રાજ્યો ગુમાવે તો કોંગ્રેસને નવું જીવન મળી જશે. એવું નહીં થાય તો વિપક્ષી ગઠબંધનમાં કોંગ્રેસને ખાસ્સું સહેવાનું આવશે. આમેય વિપક્ષી ગઠબંધનમાં પોતે વડા પ્રધાનપદને લાયક છે એવું માનતા અડધો ડઝન નેતાઓ છે. એટલે આજે સાંજ સુધીમાં કોંગ્રેસનું ભાવિ ભાજપની જેમજ નક્કી થઇ જવાનું છે. બંનેને બેસ્ટ ઑફ લક કહીશું ?

Comments